મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

Archive for મે 2009

લિનક્સ ગુજરાત: પ્રથમ મુલાકાત!

with 3 comments

* આખરે અમારા ગ્રુપ લિનક્સ ગુજરાતની પ્રથમ મુલાકાત ગોઠવાઇ અને આજે લગભગ ૬.૪૫ વાગ્યે અમે રસરંજન, વિજય ચાર રસ્તા ખાતે અમે મળ્યા, વાતો કરી અને મજા કરી.

શરૂઆત થઇ, એકબીજાના પરિચયથી. હાર્દિક અને હરિતને તો પહેલેથી જાણતો જ હતો. સચીનને લુગા.ઓર્ગનાં દિવસોથી (લુગા.ઓર્ગ ડોમેઇન કોણે વેચ્યુ તે આજે ખબર પડી!) ઓળખતો હતો પણ રૂબરૂ મુલાકાત આજે જ થઇ! પછી, લિનક્સ અને ઓપનસોર્સનો વ્યાપ અમદાવાદ અને ગુજરાતમાં કઇ રીતે વિસ્તારી શકાય તેની ઘણી ચર્ચાઓ થઇ. અમે અમદાવાદની કોલેજોમાં લિનક્સ વિશેની સમજણ વધે તે માટે આવતા અઠવાડિયાથી પ્રયત્નો શરૂ કરીશું.

સચીન શાહ હરિત અને તેનો સ્ટુડન્ટ કઝિન અંકુર પટેલ

અને છેલ્લે હાર્દિકે બધાને જે ગમતું હોય તે લેવાની ઓફર કરી, પણ મારું પેટ ભારે હોવાથી પેપ્સી લઇને ઠંડક મેળવી. હા, ઉબુન્ટુના મસ્ત સ્ટીકર અને ઉબુન્ટુ જોન્ટીનો ISO પણ તેને આપ્યો.

બોનસ: હાર્દિકનો એન્રોઇડ ફોન, હાર્દિકના ફોટાની જગ્યાએ ;)

એન્રોઇડ જી૧ ફોન

હવે, આવતી વખતે મળીશું ત્યારે ધ્યાનમાં રાખીશું કે રસરંજનમાં લેપટોપ લઇને બેસવામાં તે લોકોને પ્રોબ્લેમ થાય છે!

ગુજરાત સ્થાપના દિવસ

with 5 comments

* પહેલી મે એટલે ગુજરાત દિવસ, મહારાષ્ટ્ર દિવસ, મજૂર દિવસ અને રજાનો દિવસ. ૫૦મું વર્ષ બેઠું આ આપણા ગરવી ગુજરાતને. દિવ્ય ભાસ્કરની આજની ખાસ પૂર્તિ સરસ છે – ખાસ કરીને વિનોદ ભટ્ટનો ‘મમ્મી, મમ્મી, મોડર્ન બ્રેડ’ લેખ વાંચવા જેવો છે..

બધાને ખૂબ-ખૂબ અભિનંદન!

રેલ્વે સ્ટેશન પર…

with 5 comments

૧. શા માટે ટ્રેનનાં ડબ્બા ક્રમાંક દર્શાવતા ઇન્ડિકેટર ચાલતા નથી (અમદાવાદની વાત કરું છું). ટ્રેન આવે ત્યારે આપણે સામાન લઇને દોડવાનું કે પછી કુલી કે ચા વાળાને પૂછ-પરછ કરી માથું દુખાડવાનું?

૨. શા માટે પ્લેટફોર્મ ટીકીટ માટે અલગ કાઉન્ટર નથી હોતા? પેલા ઓટોમેટિક વેન્ડિંગ મશીન ક્યાં ગયા? અને લાલુ વળી સ્ટેશન પર કોન્ડોમ માટે વેન્ડિંગ મશીન મૂકવાની વાતો કરે છે..

૩. શા માટે રેલ્વે બુક સ્ટોલ વાળા સફારી મેગેઝિન રાખતા નથી..

૪. એક એનાઉન્સમેન્ટ સાંભળ્યું: અમદાવાદથી ચેન્નાઇ જતી ૧૦.૩૦ વાગે ઉપડતી ગાડી આજે અમુક કારણોસર ૧૦.૧૫એ ઉપડશે! મુઆઆઆ. ધન્ય છે રેલ્વે ડિપાર્ટમેન્ટને!!