જ્યારે અમે નાનાં હતા – ૪

* ધોરણ ૬. પરિવર્તન. પરિવર્તન શેનું? મેં હવે સામાન્ય જ્ઞાન વધારવા માટે જે કંઈ મળે તે વાચવાની શરુઆત કરી. પાલનપુરની લાઈબ્રેરીઓ ફંફોળવાની શરુ કરી અને નિરાશ થવાનું શરુ કર્યુ. છેવટે કનુ ભગદેવ અને જેમ્સ હેડલી ચેઈઝ પણ વાચી નાખ્યા. બીજું પરિવર્તન. ઘર. અમે આનંદનગર નામની સોસાયટીમાં નવું ઘર બનાવ્યું (આ ઘર જોડે કેટલીય મીઠી-ખાટી અને કડવી યાદો છે, જે હજી મને નિરાશ બનાવે છે તે વાત ફરી ક્યારેક..) અને મારું સમગ્ર મિત્ર-વર્તુળ બદલાઈ ગયું.

શાળામાં મારો વર્ગ હતો ૬-અ. વર્ગ શિક્ષક હતા હિન્દીનાં અવનીબેન. સ.શા. ભણાવે, ગુલબાનુબેન જે દરરોજ એક ગુલાબનું ફૂલ માથામાં લગાવીને આપે અને પોતાને તાજું ગુલાબનું ફૂલ મળી રહે તે માટે વાડીના માલિકનાં છોકરાને સારી રીતે બોલાવે 😉 છઠ્ઠા ધોરણમાં મને વિજ્ઞાનમાં વધારે રસ પડ્યો. સ્કોપનાં જૂનાં અંકો વાચી કાઢ્યા અને પ્રશ્નો પૂછવાની શરુઆત કરી. થેન્ક્સ ટુ ગોવિંદભાઈ જેઓ અમારા ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક હતા. જોકે ક્વિઝ વગેરેની પ્રવૃત્તિઓમાં જ મારું આખું ધોરણ નીકળી ગયું તેમ કહો તો નવાઈ નહી. એક યાદગાર પ્રસંગ એ હતો કે બાજુમાં બેઠેલા મારા સાથીદારને મેં કહ્યું કે યાર આજે મારો જન્મદિવસ છે. તેણે કહ્યું, ફેંક નહી. છેવટે તેને અમારી વાસરિકા (ડાયરી જેવી વસ્તુ જેમાં તમે કરેલ પરાક્રમોની નોંધ લેવાતી..) બતાવી. અને, સ્કૂલ છૂટ્યા પછી અમે બહાર જઈને કાકડી ખાધી.

આ દરમિયાન કોમી રમખાણો થયા હતા અને મારી ધાર્મિક માન્યતાઓ બંધાવાની શરુઆત થઈ. મારા ઘરની સામે જ મુસ્લિમ સોસાયટી દેખાતી હતી. પણ, મને યાદ નથી કે અમે ડરતા હતા. કારણ કે, એક મહિના દરમિયાન રહેલા કર્ફ્યુમાં એકપણ તોફાનનો બનાવ નહોતો બન્યો! આજે પણ નવાઈ લાગે છે કે એ એક મહિના જેટલો સમયગાળો શા માટે કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. અને મને એમ કે હવે છ-માસિક પરીક્ષા લેવામાં નહી આવે અને મારા કમનશીબે પરીક્ષા લેવાઈ 😦

અને, આ દરમિયાન મારા ઘરે કેબલ જોડાણ આવ્યું. પાંચ ચેનલ દેખાય (કદાચ, એમ ટીવી, સ્ટાર એન્ટરટેઈનમેન્ટ, એક ચાઈનીઝ ચેનલ, ઝી ટીવી અને બીજી કોઈક ચેનલ આવતી હતી). પણ, અમારા ટીવીમાં પાંચ જ ચેનલ બદલવાની સગવડ એટલે છઠ્ઠી ચેનલ (દૂરદર્શન કે વીસીઆર પર કેસેટ) જોવી હોય તો સેટિંગ બદલવું પડતું હતું. આ સમય દરમિયાન વિડીઓ કેસેટ લાઈબ્રેરીઓનો પણ સુવર્ણ સમય હતો. મેં શોધી-શોધીને અંગ્રેજી મુવીસ જોવાની શરુ કરી. મારા સદનસીબે અને વિડીઓ કેસેટ વાળાની કૃપાથી એકપણ મુવીસ એડલ્ટ મુવી નહોતું!! એકવાર મેં ‘ક્લાસ ઓફ ૧૯૯૯’ મુવી જોવા માંગેલું તો, લાઈબ્રેરી વાળાએ મને ના પાડેલી, પછી મારો કઝિન તે લઈને આવેલો અને મને કંઈ વાંધાજનક નહોતું લાગ્યું. થોડા વર્ષો પછી ખબર પડી કે કેસેટ વાળો એવું સરખું નામ ધરાવતા મુવીનું સમજ્યો હતો.

મેં થોડું-ઘણું ક્રિકેટ રમવાની શરુઆત કરી. આજુ-બાજુ ખૂલ્લાં મેદાન હોવાથી મજા આવતી. જોકે હજી સુધી મારી બોલિંગ થ્રો બોલિંગ જ રહી છે. એમાં ખોટું શું છે? મુરલીની બોલિંગ કોઈકવાર થ્રો થાય છે ને.. 😉

સાતમાં ધોરણની થોડીક વાતો કાલે…

3 thoughts on “જ્યારે અમે નાનાં હતા – ૪

  1. saras kartikbhai,

    school ni yado ek anokho sansar che, and its really nice to read this. My first english movie seen on hired VCR and TV (we hired tv also to watch three movies in a line with Kati Patang and one more hindi movie, We watched Baby’s day out……….. My first English movie is still a laughing memory as one of my friend’s father thought we are to watch Adult movies, so he didn’t let my friend watch Baby’s day out……..

    Good to read… Keep sharing

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.