મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

Archive for February 2010

દોડ કાર્તિક દોડ – ૨

leave a comment »

* વસ્ત્રાપુર લેકનાં એક દરવાજા પર કોઈએ લીલા રંગથી ચિતરેલું હતું: No Romance. બીજી વસ્તુ તો જોરદાર હતી, દિલ પર મોટી ચોકડીઓ મારવામાં આવી હતી. તક મળે ત્યારે તેનાં ફોટા પાડવા જેવા છે..

હું થોડીવાર બહારનાં રસ્તા પર દોડ્યો પણ ખાણી-પીણીની લારીઓએ નાંખેલા કચરાની વાસથી આખો દિવસ ખરાબ જાય તેમ હતો.. એટલે પછી અંદરની બાજુએ સરસ ટ્રેક પર દોડ્યો.

આજે થોડું મોડું થઈ ગયું એટલે ઘરની નજીકનાં ઔડાનાં બગીચામાં ગયો. ત્યાં પણ સરસ જોગિંગ ટ્રેક છે અને થોડી હળવી કસરત પણ કરી. નક્કી કર્યું કે બે મહિના સુધી દોડવાનું ચાલુ રહે તો પેલું નાઈકી વાળું ઉપકરણ લાવવાનું.

… અને આ ૧૪ તારીખે અટીરામાં ૫ કિમી. વોકિંગ અને ૮ કિમી રનિંગ સ્પર્ધા છે. કોઈ આવવાનું હોય તો મને જણાવજો. મજા આવશે. (૧૦૦ રુપિયા રજીસ્ટ્રેશન ફી છે). વેબસાઈટ છે, http://motifinc.com પણ હજી સુધી તેના પર કોઈ માહિતી દેખાતી નથી..

અપડેટ: મેં સાઈટ પર જઈને સંપર્ક ફોર્મમાંથી ઈમેલ કર્યો તો મને તરત જવાબ મળ્યો. ચેરિટી વોકની લિંક છે: http://www.motifinc.com/Charity_Walk_2010.htm

દોડ કાર્તિક દોડ…

with 4 comments

* દોડવું એટલે કે દોડવું. જોગિંગ જે માત્ર એકાદ દિવસ જ થયું તે નહી. તો વાંચો સરસ મજાનો બ્લોગ પોસ્ટ Running Out Of Reasons, ટર્મિનેટરના બ્લોગ પર.

આ પોસ્ટ ક્યારનીય લખી રાખેલ, પણ પોસ્ટ કરવાનું નક્કી જ્યારે દોડવાનું શરુ કરીશ ત્યારે જ પોસ્ટ કરીશ એમ નક્કી કર્યું હતું. પછી, એમ થયું કે કેટલું દોડ્યો તેની નોંધ તો રાખવી પડેને? એટલે iPod ની Nike એપ્લિકેશન દેખી અને પછી પેલું iPod+Nike ઉપકરણ ખરીદવાનો વિચાર કર્યો. પછી, નક્કી કર્યું કે દોડવાનું ચાલુ કરીશ + નાઈકીનું ઉપકરણ લઈશ ત્યારે વિસ્તારથી આ પોસ્ટ લખીશ.

પછીથી બીજો વિચાર હાલ પૂરતો પડતો મૂક્યો. દરજીને આપેલું ટ્રેકપેન્ટ મસ્ત થઈ ગયું છે અને રનિંગ જૂતાં છેલ્લાં એક વર્ષથી બૂમ-બરાડા પાડે છે કે, ભાઈ હવે તો મારા આત્માને શાંતિ આપ અને દોડવાનું શરૂ કર.

તો, આજથી (બે દિવસ પહેલાંથી, પણ ખરેખર આજે સારું એવું દોડ્યો) શરુ કરેલ છે. કૂતરાઓ પાછળ પડતા નથી તે સારી વાત છે. વસ્ત્રાપુર લેકનો જોગિંગ ટ્રેક સારો છે. ગુજરાતીઓ આરંભે શૂરા કહેવત ખોટી પડે તેવી પરમ કૃપાળુ જોગિંગદેવને વિનંતી :)

સ્વ. રાવજી પટેલ

with 12 comments

* રીડગુજરાતી.કોમમાં થોડા દિવસ પહેલાં સ્વ. રાવજી પટેલની બે વાર્તાઓ મુકાઈ. તેની પર કોમેન્ટ કરવા વાળાઓ બિંદાસ કોમેન્ટ કરતાં હતા કે રાવજી પટેલને અમારા અભિનંદન. શું? તેમને એટલી પણ ખબર નથી કે આ કવિ-લેખક-મનમૌજી વર્ષો પહેલાં સ્વર્ગનિવાસી થયા છે? (એટલે આ પોસ્ટ કોમન સેન્સની કેટેગરીમાં મૂકાઈ છે) એક વાત મને ખબર નહોતી તે લેખ પરની કોમેન્ટ પરથી જાણવા મળી.

“શ્રી રાવજી પટેલ ગુજરાત સમાચારના પ્રેસમાં તે સમયે કામ કરતા અને એક દિવસે માલિક શાંતિલાલ પ્રેસની ઓચિંતી મુલાકાતે આવ્યા અને કામ કરતા રાવજીને પુછ્યું કે કોણ છો?
અને અહી શું કરો છો….અને રાવજીએ તુરંત નોકરીને લાત મારી દીધી. નોકરીની અત્યંત જરૂરિયાતવાળા રાવજીએ પાછળથી વિનોદ ભટ્ટને કહેલું કે….જે વ્યક્તિને આપણા અસ્તિત્વની જ ખબર ના હોય તેને ત્યાં કામ કેવી રીતે થાય ?” (કોમેન્ટ: જય પટેલ, વિનોદની નજરે – વિનોદ ભટ્ટમાંથી)

એક સવાલ: શું તમારા બોસ-માલિક-શેઠને તમારા અસ્તિત્વની ખબર છે?

* રાવજી પટેલ વિશે અન્ય લેખો:

૧. ગુજરાતી સારસ્વત પરિચય: રાવજી પટેલ

૨. મિતિક્ષા.કોમ પર..

બીજી કોઈ માહિતી મળે તો અહીં કોમેન્ટ-ઈમેલ કે પિંગબેક તરીકે જણાવવા વિનંતી.

લાઈટ ગઈ!!

with 6 comments

* પરમ દિવસે રાત્રે હું અને કવિન પોગો પર મિ. બિન જોતા હતા ત્યારે અચાનક ઇલેક્ટ્રીસીટી લાઈનમાં કંઈક ગરબડ થવાથી આખી સોસાયટીમાં અંધારુ થઈ ગયું. કવિન બિચારો પહેલી વાર આમ થયું હોવાથી રોવા લાગ્યો. હવે તેને સંભાળુ કે મીણબત્તી શોધું? જેમ-તેમ કરી મીણબત્તી-માચીસ શોધી તો કવિનનું મગજ છટક્યું અને તે મીણબત્તી કરવાની ના પાડવા લાગ્યો. માંડ માંડ શાંત રાખ્યો. થોડીવાર પછી તે બાજુ વાળાની બેટ્રી જોઈ ગયો અને તે લેવા માટે જીદ કરવા લાગ્યો. તેને શાંત કરવા મધમાં સૂકવેલા આંબળા આપવા પડ્યા (મને પણ બહુ ભાવે છે, એટલે મેં પણ મૂઠડો ઉપાડ્યો..).

હું નાનો હતો ત્યારે પાલનપુરમાં આવી રીતે ઈલેક્ટ્રીસીટી ગમે ત્યારે જવી એ નવાઈની વાત નહોતી. આમ થાય ત્યારે અમે બધા છોકરાઓ ચોતરા પર ભેગા થઈ ગપ્પાં મારતાં. પછી, લાઈટ આવે ત્યારે જોરથી હો..હો..હો.. બૂમો પાડવાની. અને પાછું આમ ઉનાળામાં જ થાય :)

લિફ્ટ સેન્સ

with 7 comments

* મોટા ભાગની સેન્સ કોમન હોતી નથી પણ આ લિફ્ટ સેન્સ બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે. તમે લિફ્ટની રાહ જોઈને ઊભા હોવ તો, તમારે લિફ્ટની એકદમ આગળ ન ઊભા રહેતાં બાજુમાં ઊભા રહેવું જોઈએ. અંદરની વ્યક્તિઓને પહેલાં બહાર નીકળવા દેવા જોઈએ. પણ, ના….

બીજું શું: હે ભગવાન, એવા લોકોને તું લિફ્ટ કરા દે!

નોંધ: આ પ્રકારની કોમન સેન્સ વાળી પોસ્ટ માટે મેં કોમન સેન્સ નામની કેટેગરી (વર્ગ) બનાવી છે. સ્ટે ટ્યુન!

જાતે!

with 3 comments

* કવિન આજ-કાલ નવો શબ્દ શીખ્યો છે: જાતે! બ્રશ કરાવવા જઈએ તો, કહે જાતે! કપડાં પહેરાવવા છે, જાતે! જાતે શબ્દ કેટલો મસ્ત છે? (એમ તો આ સમાચાર ૧૪૦ અક્ષરોમાં સમાઈ જાય પણ, આ અલગ સમાચાર છે.. એટલે અહીં.)

Written by Kartik

February 3, 2010 at 10:36 AM

નાનાં જીવ

with 7 comments

* થોડાં વખત પહેલાં હું અને રીનીત મોબાઈલ રીચાર્જ કરાવવા અને મારા આઈપોડનું સ્ક્રિનગાર્ડ લેવા માટે ગયા. દુકાનમાં ગયા ત્યારે બીજાં બે-ત્રણ જણાં પણ હતા. મેં આઈપોડ કાઢીને જુદા-જુદા કવર, સ્ક્રિનગાર્ડ વગેરે ચેક કર્યા પણ એકેયમાં મેળ ન બેઠો. પછી, ફોનનું રીચાર્જ કરાવવા ફોન કાઢીને બેલેન્સ માટેનો sms આવે તેની રાહ જોતો હતો ત્યારે બાજુમાં ઉભેલા એક ભાઈએ પૂછ્યું, કયો ફોન છે. મેં કહ્યું, નોકિયા ૫૧૩૦. બીજો પ્રશ્ન, કેટલાનો આવ્યો. મેં કહ્યું, ૯૦૦૦ની આસપાસ લીધો હતો. મારા ભાઈ જોડે કન્ફર્મ કર્યું કારણકે, ફોન તેને ખરીદ્યો હતો અને પછી મને આપ્યો હતો. પેલા ભાઈએ કહ્યું, ૭૦૦૦માં જોઈએ એટલા મળે છે. કરો વાત! મેં કહ્યુ, લઈ લો ને! પછી તેમણે મારો ફોન હાથમાંથી લઈ જોવા જવા હતા. મેં ના પાડી, કહ્યું દોસ્ત પહેલાં મને પૂછો તો ખરા. અને અમે અમારું કામ પુરું થયું હોવાથી બહાર નીકળી ગયા. પેલા ભાઈ બબડતા હતા, નાનાં જીવ છે…

તો શું અમારે તમને ફોન આપી દેવાનો? ફોન પરથી બધી માહિતી જોવા દેવાની? એકાદ દિવસ વાપરવા માટે આપવાનો? માણસો પણ કેવા હોય છે. જોકે, અમારા જીવ નાનાં હોવાથી અમે આવા જ રહેવાના છીએ :P

સોનાની પતરી

with 4 comments

* આજે સવારે નહાવા બેઠા પછી દેખ્યું કે સાબુ તો ખલાસ થઈ ગયો છે. કોકીને બૂમ પાડીને કહ્યું કે સાબુ આપજે. કોકીએ લક્સનો સાબુ (યુ નો અમે ત્વચાનો બહુ ખ્યાલ રાખીએ છીએ!) આપીને કહ્યું કે આમાંથી સોનાનો સિક્કો નીકળવો જોઈએ. મેં કહ્યું, શેનો સિક્કો? પતરી કહે પતરી.

આ રીતે સોનાના સિક્કાનું પ્રલોભન આપીને લક્સ અને બીજાં સાબુ બનાવવા વાળા સારી એવી ખપત કરે છે. એક કંપની તો વળી ગ્લિસરીન યુક્ત સાબુની જાહેરાત વર્ષોથી કરે છે (પીઅર્સ), પણ ડોબાઓને ખ્યાલ નથી કે ગ્લિસરીન તો સાબુની આડ-પેદાશ છે. સાબુમાંથી ગ્લિસરીન નીકાળી દેવામાં આવે તો જ સાબુ બને!!

અપની કમાઈ યા બાપકી..?

with 6 comments

* આજકાલ કોઈ ફાયનાન્સ કંપની રીક્ષા અને બસ પાછળ એક સ્લોગન મૂકીને જાહેરાત કરી રહી છે:

અપની કમાઈ સે ગાડી ચલા રહે હો યા બાપકી..?

સરસ. ઝૂમ-ઝૂમ કરીને ગાડી (અમદાવાદમાં ટુ-વ્હીલરને પણ ગાડી કહે છે) ચલાવતા લોકો માટે પૂરતું છે. અને ગઈ કાલે, બહાર જતા હતા ત્યારે ટ્રાફિક સિગ્નલ પર રીક્ષાની પાછળ શું લખ્યું હતું તેનો મસ્ત ફોટો. બરોબર નથી પણ સ્લોગન-ગઝલ-શાયરી ફોટા પર ક્લિક કરતા વંચાય તેવી છે. છતાં અહીં આપી દઉં છું.

અપડેટ: વિનયભાઈએ ફોટો સુધારીને મોકલ્યો છે, તો હવે બરાબર વંચાય છે.

મેરી કિસ્મત મે તેરા પ્યાર નહી તો રીક્ષા હી સહી,

ઈસ દુનિયા મેં તુ નહીં તો પેસેન્જર હી સહી.

વાહ, વાહ. ઈર્શાદ.