જ્યારે અમે નાના હતાં – ૧૧
* હવે વાત કરીએ કોલેજનાં ત્રીજા વર્ષની – એટલે કે ટી.વાય. બી.એસ.સી.ની. બીજું વર્ષ પૂરું થયું અને ફોર્મ ભરવાનાં દિવસે હું અમદાવાદથી વેકેશન માણીને પાછો આવ્યો. ફોર્મ ભરવા ગયો ત્યારે ખબર પડીકે કયો વિષય લેવો તે મારા નિર્ણય પર બીજાં ત્રણ-ચાર જણાં રાહ જોઈને બેઠા છે. અમારી કોલેજમાં ટી.વાય.માં માત્ર કેમેસ્ટ્રી અને ફિઝીક્સ (ગયા વર્ષમાં ફિઝીક્સમાં બે જણાં જ હતાં, કેમેસ્ટ્રીમાં ૧૦૦ જણાં હતા – એટલે ફિઝીક્સનાં છોકરાંઓ પરીક્ષા આપવા પિલવાઈ કે ક્યાંક બીજે જતાં હતાં) જ આપવામાં આપતું હતું. પણ, હું કેમેસ્ટ્રીમાં રસાયણ સૂંઘીને કંટાળ્યો હતોને ફિઝીક્સ આપણને સારું આવડતું એટલે બીજા વર્ષને અંતે જ મેં જાહેર કરેલું કે મારે ફિઝીક્સ લેવું છે. મને શી ખબર હતી કે આ વર્ષે રેકોર્ડ બ્રેક ૨૧ જણાં ફિઝીક્સમાં આવી જશે.
ટૂંકમાં એક ક્લાસ સારો બન્યો અને એકંદરે ભણવાની મજા આવી. અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ – પાઠક સાહેબ બહુ સારા. પોતે પીએચ.ડી. કરવા વિદ્યાનગર ગયેલા અને તેમને ક્લાસ નહોતા લેવાના છતાંય શનિવારે પાલનપુર આવીને ભણાવે.
હું અને કાનન – બન્ને શરુઆતમાં અંગ્રેજી પુસ્તકોનું ભાષાંતર કરી કંટાળ્યા એટલે અમે બન્નેએ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો. આખી કોલેજમાં માત્ર બે જણાં અંગ્રેજીમાં. પરિણામ કંઈ સારું ન આવ્યું (કદાચ કોઈ પ્રોફેસરે પેપર જોવામાં દાટ વાળ્યો હતો?). તો પણ, ૭૦ જેટલા ટકા લાવી શક્યો. આ એક જ વર્ષ થોડું વ્યવસ્થિત ગયું. હું આખો દિવસ લેબમાં જ રહેતો અને કારણ વગરનાં પ્રેક્ટિકલ કર્યા કરતો. ફાયદો એ થયો કે પ્રેક્ટિકલમાં મારે કદાચ સૌથી સારા માર્ક્સ હતા. એની વે, પછી, એમ.એસસી.માં એડમિશન લેવાનું નક્કી જ હતું અને તે માટે અમદાવાદમાં ક્યાંય એડમિશન મળવું મુશ્કેલ હતું એટલે અમે વિદ્યાનગર પર પસંદગી ઉતારી. ફરી પાછા અમારા ક્લાસનાં ૧૦-૧૨ જણાં એક જ સાથે. વિદ્યાનગર એકાદ મહિનો રહ્યો પણ મજા આવી ગઈ. હવે, ત્યાં પ્રોફેસર્સ પણ સારા. એડમિશન લેવામાં સ.પ. યુનિ. જેવા નખરાં કદાચ કોઈ યુનિ. એ કરેલા નહી હોય. એ વાત ક્યારેક પછી. સ.પ. યુનિ. અને બહારનાં યુનિ. ના વિદ્યાર્થી વચ્ચેનો ભેદભાવ ક્લાર્કથી માંડીને એચ.ઓ.ડી. ના વર્તનમાં દેખાઈ આવતો હતો એ વાત મને બહુ ખટકતી. (પછી જાણવા મળ્યું કે બીજા વર્ષથી બહારનાં ૧૦-૨૦ ટકા વિદ્યાર્થીઓ જ લેવા એવો નિયમ આવી ગયો હતો.)
કોલેજમાં ત્રીજા વર્ષમાં યાદગાર પ્રોફેસર હોય તો તે હતા – ડિ.એસ. ખિલારે. કોઈપણ પ્રશ્નને કેવી-રીતે ભૌતિકશાસ્ત્રના નિયમથી સમજવો તે વાત તેમની પાસેથી શીખી. તો બીજી બાજુ, એવા પણ પ્રોફેસર હતા જેઓએ કોલેજની લાઈબ્રેરીની પ્લાઝમા ફિઝીક્સનું એકમાત્ર પુસ્તક પચાવી પાડ્યું હતું. (પણ, અમે લાઈબ્રેરીઅનની મદદથી એ પુસ્તક કોની પાસે છે, તે શોધી, તેમના ઘરે જઈને પુસ્તક બધાની વચ્ચે માંગી, ઝેરોક્ષ કઢાવીને ક્લાસમાં વહેંચતી કરી હતી એ વાત અલગ છે.) પ્રિન્સીપાલ ડો. હાથી કડક હતાં પણ કોલેજ એટલે જલ્સા-પાણી એ ખ્યાલી-પુલાવોમાં રખડવા આવતા લોકો માટે એ બરાબર હતું.
છેવટે અમે એમ.એસસી. ભૌતિક શાસ્ત્રની જગ્યા એ એમ.સી.એ.માં એડમિશન કેમ લીધું અને પછી કેવાં-કેવાં અનુભવો (જે જીવનભર યાદ રહેશે) થયા તેની વાત ક્યારેક. કોણ ખરેખર સગાં છે અને સગાં-વ્હાલા વચ્ચે લીટી કેમ મૂકવામાં આવે છે તે અમને ત્યારે જ ખબર પડી.
પછી ક્યારેક..






cool , supercool Kartikbhai , eagerly waiting for the next one!!!!
kartik
August 28, 2010 at 10:51 AM