મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘ઘર

એ આવ્યા અમે પાછાં!

with 6 comments

* સૌ પ્રથમ સૌને હેપ્પી ન્યૂ યર એટલે કે સાલ મુબારક! એક અઠવાડિયાનાં વિરામ (અને થાક) પછી અમે પાછાં સહપરિવાર સુખેથી આવી ગયા છીએ. ઘરમાં વંદાઓનું રાજ પણ ખતમ કરી દેવામાં આવ્યું છે. પ્લમ્બર પણ આવીને ગયો, સવાર-સવારમાં દૂધવાળાએ રામાયણ કરી પણ એ સ્ટોરી બીજી પોસ્ટમાં.

એકંદરે વેકેશન સરસ ગયું. નવાં લીધેલાં P&S નો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. કોકીએ તેનાં ફેસબુકમાં એ ફોટાઓ અપલોડ કર્યા છે. ઔપચારિકતા ખાતર (અને લોકોને બતાવવા કે મને તરતાં નહી પણ તરવા જેવું કંઇક આવડે છે) અહીં એક ફોટો મૂકી રહ્યો છું ;) વધુમાં મારું રનિંગ પણ સારું ચાલ્યું કહેવાય (૨૫ કિલોમીટરની એક ઇન્ટર-વિલેજ દોડ અને ૯.૫ કિમીની હિલ રન).

તરતો કાર્તિક મિસ્ત્રી

તરલ પદાર્થની જેમ તરતો હું

હવે, આખો નવેમ્બર મહિનો બીઝી-બીઝી છું. પોસ્ટની આવૃત્તિ છેલ્લાં મહિનાની જેમ ઓછી જ રહેશે, તેમ છતાંય ડ્રાફ્ટમાં ફિલમોની બે-ત્રણ પોસ્ટ્સ પેન્ડિંગ છે અને વેકેશનની પણ એકાદ પોસ્ટ થવાની શક્યતા છે.

અને હા, વેકેશનનો એક જ વાક્યમાં સાર કહેવો હોય તો, કવિનને જલસા પડી ગયા. બીજું કંઇ કહેવાની જરુર છે? :)

ગુડ બાય અમદાવાદ – ભાગ ૨

with 2 comments

* તો છેવટે,

પુસ્તકો

અમે અમદાવાદથી ફાઇનલી ઉચાળા ભરવા (એમ તો આ શબ્દપ્રયોગ ખોટા અર્થમાં વપરાય છે, છતાંય) માટે આવ્યા અને,

૧. પહેલા દિવસે, બોસ્ટન મેરેથોનમાં બોમ્બ બ્લાસ્ટ. પણ, આ ક્વોટ નોંધી લેજો.

“If you’re trying to defeat the human spirit, marathoners are the wrong group to target.”

૨. બીજા દિવસે, ભૂકંપનો અનુભવ.
૩. ત્રીજા દિવસે, બેંગ્લોરમાં બોમ્બ બ્લાસ્ટ.

ઇન શોર્ટ, અમારું આગમન કોઇને ગમ્યું નહોતું ;) એટલે કે અહીંથી જવું જ હિતાવહ હતું.

આજે કેટલાંક ADR મેમ્બર્સ (ખાસ તો રાજેશ)ની કંપનીમાં ઇસરો-સેટેલાઇટ રોડ પર હિલ રિપિટ્સ રન કરવામાં આવી. થોડા દિવસનો થાકેલો હોવાથી ૩-૩.૫ કિલોમીટર કરતાં વધુ દોડી શક્યો નહી, પણ મજા આવી ગઇ.

અને હા, વોટ ઓફ થેન્ક્સ:

૧. જયકિશન, નેહાબેન અને માસી – અમારા લેટર્સ, મેઇન્ટેનન્સ અને લાઇટબિલની તકેદારી લેવા માટે.
૨. નયનામાસી – બેસ્ટ મકાનમાલિક ઓફ ધ ડેકાડેનો એવોર્ડ અને થેન્ક્સ ફોર ગિફ્ટ્સ.
૩. ડો. નિશિત – એકદમ ઝડપી અને પરફેક્ટ નવા દાંત માટે.
૪. બીજા બધાં જેમણે અમારી બહુ મદદ કરી – હેમા-ધવન, પરેશકુમાર, કુંદનબેન.

PS: ગુડ બાય અમદાવાદ, ભાગ ૧.

ઇલેક્શન સ્પેશિઅલ

with 9 comments

* આ વાંચ્યા પછી આવતી કાલે વોટ આપવા જશો? આવતી કાલે નહી તો ૧૭મીએ જજો (એ તમે ક્યાં છો એના પર આધાર!) પેલા ECE બલ્બની જેમ ભૂલી ન જતા. નહીંતર, તમારા માથે ફાફડા-પરિવર્તન કે ઇટાલીનું (ઘરનું) ઘર લખાઇ જશે.

અસ્તુ. તો ચાલો, અમે તો બ્રેકફાસ્ટમાં ઇડલી-સંભાર-કોફીની મજા માણીએ?

PS: આ લેખ.

નક્કામા અપડેટ્સ

with one comment

* એમ તો મારા બધાં અપડેટ્સ પોસ્ટ બીજા બધાં માટે નકામા જ હોય છે, પણ આ અપડેટ્સ તો એકદમ નક્કામા છે. આ બે દિવસ હું બહાદુર બન્યો અને એક-પછી-એક પેન્ડિંગ કામ પૂરા કરવાનું નક્કી કર્યું. શું થયું?

૧. નર્મદા અને પછી અનેક કેનાલોનું કામ આપણી પ્રિય કોર્પોરેશને ઉપાડ્યું છે એટલે સોસાયટીમાં પાણીના લફડા થયા છે. પછી, નક્કી કર્યું કે પ્યોરિફાયર લાવીએ. ક્યાંકથી ફોન શોધી કર્યો તો ભાઈ સવારે ૯ વાગે આવીને મોટો ખર્ચો કરાવ્યો પણ, હજી સુધી ફિટિંગ કરવા આવ્યા નથી. આજની શોપિંગ ખરાબ કરી..

૨. અમારું ફ્રિજ અહીં આવતી વખતે મજૂરોએ વિચિત્ર રીતે તોડી નાખ્યું છે. સેમસંગને ફોન કર્યો પણ પછી એક વખત આવીને કોઈ ફરક્યું નથી. ફરીથી કસ્ટમર કેરને ફોન લગાવ્યો, પણ લાગે છે કે હવે સોમવારે જ ફરકશે.

૩. કવિને વોશ-બેસિનનો નળ-પાઈપ તોડ્યો છે. પાઈપ તો આપણે લગાવી પણ પ્લમબરની સ્કિલ નથી, એટલે પ્લમબરને બોલાવવો પડશે.

છે ને, એકદમ નક્કામાં અપડેટ્સ? પહેલેથી કીધું હતું..

ચાલો, વેજ. કોલ્હાપુરીની મસ્ત ખુશ્બુ આવે છે…

નવું ઘર: થોડાંક નિરિક્ષણો..

with 4 comments

* નવાં ઘરમાં બધું નવું-નવું હોય. દા.ત. નવું ઝાડું, નવાં પગલૂછણિયાં અને નવાં પડોશીઓ.

* દુર્ભાગ્યે પડોશીઓ કવિન-ફ્રેન્ડલી લાગતાં નથી, પણ કવિને ક્યાંકથી મિત્રો શોધી કાઢ્યાં છે. નીચે નાનકડો અનમેન્ટેન્ડ ગાર્ડન છે. હિંચકા છે. એટલું સારું છે.

* ગાર્ડનમાં અમિત શાહના નામનાં બાંકડાઓ છે. કોઈ ગુજરાતી મુવી બને તો ઠેર ઠેર અમિત શાહ તારા બાંકડા કે એવું કંઈક ૧૦૦ ટકા બની શકે. મને યાદ છે ત્યાં સુધી જૂનાં ઘર આગળ એવા બાંકડાઓ પહેલા બીજા કોઈકના નામે હતા. ધારાસભ્ય બદલાય એટલે બાંકડા બદલવાની જગ્યાએ કે નવાં મૂકવાની જગ્યાએ તકતીઓ બદલી દેવાની. અદ્ભૂત બચત થાય. આવાં સ્માર્ટ નેતાઓ હોય તો દેશ કેમ ન આગળ આવે?

* ઘરની આસપાસ એક જબરજસ્ત મોલ બને છે. દર્દભરી વાત એ થશે કે પાર્કિંગ હવે અમારા ઘરની આગળ પસાર થતાં રસ્તા પર થશે (એટલે કે પાર્કિંગ ફી બચાવવા માટે કે શનિ-રવિ ભીડ હોય ત્યારે). અમારું તો ઠીક પાછળની સાઈડ વાળા બંગલાઓનું શું થશે? હોરર સ્ટોરી બની શકશે.

* અહીં પક્ષીઓ – ચકલી, કબૂતર અને કેટલાંક અજાણ્યા કાગડાઓ – બહુ છે. કબૂતર એ.સી.ને બગાડે છે એટલે અમે તેને ભગાડવાનું કામ સવાર-સાંજ મહેનતથી કરીએ છીએ.

બાકી, મજાની લાઈફ. સ્કોવશ (સ્કોચ નહી) પીવાનો અને એંગ્રીબર્ડ રમવાનું.

જૂનું ઘર ખાલી કરતાં..

leave a comment »

.. બીજું કંઇ નહી પણ, ટાંટિયાની કઢી થઈ જાય.

સારા એવા રુપિયા આપવા છતાંય પેકર્સ અને મુવર્સ વાળાઓએ ફ્રીજની પત્તર ફાડી છે, એટલે હવે ફ્રીજવાળાને પકડવો પડશે. નવાં ઘરમાં લગભગ બધું સેટ થઈ ગયું છે. હજી થોડું ઈલેકટ્રીક ફિટિંગ બાકી છે. બાકી સરસ છે. લાઈટિંગ સરસ છે (એટલે કે પ્રકાશ સારો આવે છે, જૂના ઘરમાં દિવસેય ટ્યુબલાઈટ ચાલુ રાખવી પડતી હતી). દુખ એ વાતનું થાય કે કવિનને હવે નવાં મિત્રો બનાવવા પડશે અને કૃનાલભાઈએ લખેલ તેમ અમારા માટે comfort level આવતા વાર લાગશે. તેમની જેમ જ અમારે અઢળક સામાન છે (જેમાં મોટાભાગે મારા પુસ્તકો અને કવિનનાં રમકડાં છે). લાગે છે કે ઈ-બુક રીડર જલ્દીથી વસાવવું પડશે..

Written by કાર્તિક

મે 10, 2011 at 18:00

સોમવારે રજા..

with one comment

.. એટલે મજા. આવતીકાલે અમારી પ્રોડક્ટ – નેક્સેન્ટાસ્ટોરનો જન્મદિવસ છે, એટલે રજા છે. રજા અને પાછો સોમવાર એટલે આરામ હી આરામ. પણ, પેલું ઘર. અરર. ઘણો બધો સામાન શિફ્ટ થઈ ગયો છે. હવે, મોટી-મોટી વસ્તુઓ બાકી છે. મજાની વાત છે કે, નવું સરનામું એ જૂનાં સરનામાં જોડે અદ્ભૂત સામ્ય ધરાવે છે. એ વાત પછી ક્યારેક પઝલ સ્વરૂપે.

ઘર બદલવાની સાથે-સાથે..

with 2 comments

* એમ તો અમે ઘર નહી, મકાન પણ બદલવાના છીએ. નવું ઘર ઉર્ફે મકાન મળી ગયું છે. નજીકમાં જ છે, એટલે શાંતિ છે. ઇન્ટરનેટ પણ લગભગ થઈ જશે (જય એરટેલ. આજે છેલ્લી પરિસ્થિતિનો ખ્યાલ આવશે). પણ, આ ઢગલાબંધ ઝીણી-ઝીણી વસ્તુઓ લઈ જવી અને ગોઠવવી એ ભારે છે. એક બુકશેલ્ફ વગેરે લેવું પડશે નહિતર મારા પુસ્તકો કવિનને લીટા કરવા માટે કામમાં આવશે એ નક્કી છે.

નીચેની બે વસ્તુઓ ખોવાઈ છે, જે ક્યાંકથી મળે એવી આશા છે.

૧. કવિનનાં ગોગલ્સ

૨. મારો સ્ક્રૂ-ડ્રાઈવર (અપડેટ – મળી ગયું)

થોડા દિવસ કદાચ ઇન્ટરનેટ બંધ રહેશે. કારણ કે, તેને પહેલા શીફ્ટ કરી અમારે છેલ્લા દિવસે નવાં ઘરમાં મૂહર્ત પ્રમાણે જવાનું છે :(

અપડેટ્સ

with 4 comments

* એમ તો છેલ્લા અપડેટ્સ હજી તાજા-તાજા જ છે, પણ હવે આ અઠવાડિયું જ એવું ગયું કે અપડેટ્સ આપવા જ પડે. હવે, થોડા દિવસમાં નવાં ઘરમાં (સ્વાભાવિક રીતે પોતાનું નહી) રહેવા જવાનું છે એટલે સ્વાભાવિક રીતે દોડમ-દોડી અને મગજની નસો ખેંચાવાની છે. બે વિકલ્પો છે, બન્નેમાંથી કયું વધારે સારું એ આજે નક્કી કરી લેવું પડશે અને પછી પેકિંગ જેવી મસ-મોટી જફા. સૌથી દર્દનાક વસ્તુઓ છે – ગેસ, ઇન્ટરનેટ અને મારી ચોપડીઓ ક્યાં મુકવી તે. બાકી બધુ મેનેજ કરી લેવામાં આવશે.

અને, હા – કવિન તેના મિત્રો ગુમાવશે, પણ બહુ દૂર નથી જવાનું.

થોડા દિવસ બ્લોગ વગેરેમાંથી ફરજીયાત આરામ લેવો પડશે એવું લાગે છે. ત્યાં સુધી આવજો :)

PS: હજી લોકોને એમ કે ભાડૂઆતનાં માથે શિંગડા હોય છે.

જ્યારે અમે નાના હતાં – ૧૨

with 5 comments

* T.Y.B.Sc. પૂરુ થયું એટલે નક્કી નહોતું કે આગળ શું કરવું? ત્રણ જ વિકલ્પ હતાં – M.Sc., M.B.A., M.C.A. અને આ એમ.સી.એ.માં મને ખરેખર નહોતો ખ્યાલ કે શું ભણવાનું આવે છે. મારો ધ્યેય તો એમ.એસસી. કરીને વૈજ્ઞાનિક બનવાનો હતો. પણ, વેકેશનમાં એરિથમેટિક અને લોજીકલ રીઝનિંગ ઉપર બહુ મહેનત કરી. બે-ત્રણ પરીક્ષાઓ આપી. પણ, પરિણામ આવવાની ઘણી વાર હતીને કોઈ આશા નહોતી કે એડમિશન મળશે અને મળશે તો પેમેન્ટ સીટ પર મળશે તો ના જ પાડવાની હતી. છેવટે, વિદ્યાનગરનાં ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝીક્સમાં અમે એડમિશન લીધું. પહેલાં અમે ગુરુકુળમાં રહેવાનું નક્કી કર્યું, પણ ૫ વાગે ઉઠવાની વાત સાંભળી એટલે કોલેજની જરી-પુરાણી હોસ્ટેલમાં જતા રહ્યા. કોઈ નિયમ નહી, રેક્ટર મહિને એકાદ વખત આંટો મારે છે તેવું સાંભળ્યું હતું.

વિદ્યાનગર લગભગ એક મહિનો રહ્યો. કોલેજ સરસ રીતે ચાલી રહી હતી ને સમાચાર મળ્યા કે બીજા દિવસે એમ.બી.એ અને એમ.સી.એનું પરિણામ છે, રીનીતે રીઝલ્ટ જોઈ કહ્યું કે તું બન્નેમાં પાસ થઈ ગયો છે. મેં નક્કી કર્યું કે પહેલા એમ.બી.એ.માં પ્રયત્ન કરવો. સારી કોલેજ મળે તો ઠીક છે. એડમિશન માટે ગયા તો ખબર પડી કે છેલ્લી કોલેજનું એન.ઓ.સી (નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ) જોઈએ જ. અને, એ પણ અત્યારે જ. હવે પાલનપુર કેવી રીતે જવાય? જય ગુ.યુ. બધો પ્લાન પડતો મૂક્યો. પાછો વિદ્યાનગર ગયો અને ભણવામાં ધ્યાન આપ્યું. વિદ્યાનગર જીજ્ઞેશ હતો એટલે થોડો સમય ફર્યો. હોસ્ટેલની ફીની લાઈનમાં ઉભો હતો ત્યારે દર્શનની ઓળખાણ થઈ અને હજી સુધી અમારી મિત્રતા ચાલુ છે. ફરી પાછો એમ.સી.એ. માટે આવ્યો. સદ્ભાગ્યે, ફ્રી સીટ પર એલ.ડી.માં એડમિશન મળ્યું. ફી માત્ર ૫૦૦ રુપિયા પર સેમિસ્ટર (છોકરીઓને તો એનાથીય ઓછી).

વિદ્યાનગરથી પોટલાં સંકેલી અમદાવાદ આવ્યો. થોડા સમયની વાર હતી અને છેલ્લાં અઢી મહિનાથી ઘરે ગયો નહોતો એટલે પાલનપુર ખૂબ રખડ્યો અને પછી, કોમર્સ છ રસ્તા પર આવેલી મેવાડા હોસ્ટેલમાં અમારા ધામા થયા. હોસ્ટેલની લાઈફ અદ્ભૂત હતી. એમાંય મેવાડા હોસ્ટેલની વાતો જ ન્યારી છે. એ માટે આગલી પોસ્ટની રાહ જોવી પડશે.

દિવાળીની બક્ષિસ

with 4 comments

* દિવાળી ગઈને ઘરમાં પડેલું ચવાણું-મિઠાઇ પણ વાસી થઈ ગયાં હશે (જો બચ્યાં હશે તો..). પણ, હજી બક્ષિસ માગવાનો દોર વાસી થયો નથી. આજે એક પોસ્ટ આવી અને એ કાકાએ બક્ષિસ માંગી. મેં કહ્યું, હમણાં પરમ દિવસે જ એક જણને આપી. તેણે કહ્યું એ તો સ્પિડ પોસ્ટ હતી, આ પોસ્ટ છે. તમારે આપવું હોય તો આપો, આ તો તમને પાછળથી તકલીફ ન પડે એટલે…

એટલે હજી અલગ-અલગ કંપનીઓનાં કુરિયર્સ માટે અલગ બજેટ ફાળવવું પડશે.

અને, તે પોસ્ટ ફાલતુ એડ્વર્ટાઇઝ્મેન્ટ નીકળી :D

અપડેટ: હજી આ પોસ્ટ લખીને, FedEx વાળો The Linux Programming Interface લઈને આવ્યો. No Starch એ રીવ્યુ કોપી મોકલી છે. પંદરસો પાનાંનું દળદાર પુસ્તક. એકાદ-બે મહિના સુધી પુસ્તકની શાંતિ, પછી મોટ્ટી પોસ્ટ પાકી.

હેપ્પી બર્થ ડે, મમ્મી..

with 2 comments

* ઘણાં વખતે મમ્મીનાં બર્થ ડે પર કેક લાવ્યા. મજા આવી ગઈ. કેક પર આ નામ કેમ લખ્યું છે તે તો માત્ર ઘર વાળાને જ ખબર છે :D બપોરે અદિતિ રેસ્ટોરાંમાં જમવા માટે ગયા હતા. અને, સાંજે બહાર જવાનું બહાનું કાઢી ગિફ્ટ લેવા ઓબેરોય (મોલ, હોટલ નહી!!) ગયા. જેમ થવાનું હતું તેમ, ગિફ્ટ તો લીધી, બીજી ખરીદી પણ થઈ ગઈ.

કોણે કરી આ શોપિંગની શોધ?

એની વે, કેકનો ફોટો તો માણો..

અમદાવાદનો રીક્ષાવાળો

with 3 comments

* આ એક નવી સિરીઝ ચાલુ થાય છે. નવી કેટેગરી બનાવવામાં આવી છે. રીક્ષાવાળા જોડે થયેલા સારા-નરસાં અનુભવો આ કેટેગરીમાં આવશે એટલે અમદાવાદની જનતા આ દૂષણ-પ્રદૂષણથી માહિતગાર થાય.

૧. પરમ દિવસે ગુરુકુળથી ઘરે આવતો હતો ત્યારે વરસાદ હોવાથી રીક્ષા કરી. મીટર થયું – મીનીમમ – ૯ રુપિયા. મેં ૧૦ રુપિયા આપ્યા તો ભાઈએ રીક્ષા ચલાવી. મેં કહ્યું, બાકીનો ૧ રુપિયો? જવાબ સરસ હતો – મીનીમમ ૧૦ રુપિયા જ થાય. મેં કહ્યું ક્યારથી થાય? જવાબ – પહેલા કહેવું હતું ને તો હું આવવાની જ ના પાડત.

તો હું, માથા પર લખીને ફરું કે હું ૧ રુપિયો પાછો માંગવાનો છું?

૨. ગઈ કાલે એક કામ માટે જૂની ઓફિસ જવાનું થયું. મીટર થાય ૨૪ રુપિયા. રીક્ષાવાળા કાકાએ ૨૫ માગ્યા. મેં ૩૦ રુપિયા આપ્યા. મેં કહ્યું કે ૫ છુટ્ટા નથી. જો તમારી પાસે હોય તો આપો નહિતર ચાલશે (હા, કારણ કે મારે મોડું થતું હતું). આ વાત કહેતો હતો એના પહેલા રીક્ષાવાળાએ ખિસ્સામાંથી ૧ અને ૨ની પરચૂરણ કાઢીને કહ્યું કે મને પાંચ રુપિયા તમે આપો. આ બાજુ જો મારી પાસે પાંચ રુપિયા છુટ્ટા હોત તો મેં રાહ જોઈ ન હોત. પછી, તેણે કહ્યું પાંચ રુપિયા છુટ્ટા નથી. સરાસર જુઠ. આટલી બધી પરચૂરણ હોવા છતાં ના. સ્વાભાવિક રીતે મેં કાર્ડ કઢાવીને છ રુપિયા હકથી લીધા.

હા, મોડું થયું પણ હોંશિયારીની હદ હોય.

નોંધ: જો કોઈ રીક્ષાવાળો હોંશિયારી બતાવે તો ૧૦૯૫ હેલ્પલાઈન નંબર છે. પ્રયત્ન નથી કર્યો પણ, કોઈએ ચેક કરવા જેવું છે. અમદાવાદમાં રહીશ તો ક્યારેક તો વારો આવવાનો જ છે.

હાશ…

with 5 comments

* છેલ્લા કેટલાય દિવસથી મને બેચેની હતી – કારણ? કીટાણુ નહી પણ, મારા ઘરનો એગ્રીમેન્ટ આવતા મહિને પૂરો થાય છે તો નવું ઘર શોધવું પડશે અને ફરી પાછા એજન્ટ સ્મિથ જોડે મગજમારી કરવી પડશે અને પાછો આ ફ્લો-ચાર્ટ દોરવો પડશે તેની ચિંતા હતી. હાલ પૂરતી, તે ટળી ગઈ છે અને ભાડામાં ધરખમ વધારા સાથે આ જ ઘરમાં રહેવાનું છે.

હવે, ગિટાર અને બગ્સ ઉપર પૂરતું ધ્યાન આપી શકાશે.

Written by કાર્તિક

August 18, 2010 at 10:53

WFH

with 3 comments

* ના. આ કંઈ WTF જેવું નથી. WFH = Work From Home. બહુ જોરદાર વસ્તુ છે. તમારી જોબ ૨૪ કલાકની બની જાય અને તમને ૨૪ કલાક ઘરનાં સભ્યો જોડે રહેવા મળે. ગમે ત્યારે કોઈ બગ સોલ્વ કરવો પડે અને ગમે ત્યારે બૂમ પડે કે, મેગી ખતમ થઈ ગઈ છે, લઈ આવો ને (જોકે ડિમાન્ડ આપણે જ કરી હોય કે, મેગી બનાવ ને..) ટૂંકમાં, જેટલાં ફાયદા તેટલાં નુકશાન. એકાદ મહિનો થવા છતાં મારા પેલાં ફેમસ શોખની શરુઆત નથી થઈ. ગિટાર વગેરેનું પ્લાનિંગ કર્યું છે, પણ કવિનની સ્કૂલ શરુ થાય પછી વાત. ઘરની બહાર નીકળવાનું બહુ જ ઓછું થાય છે, તેનો ગેરફાયદો એ કે વજન થોડું વધ્યું હોય એમ લાગે છે. વાંચવાનું વધી ગયું છે, એ ફાયદો છે. અત્યારે UNIX Internals – The New Frontiers ચાલે છે અને પછી Coders At Work મંગાવી છે જે આજ-કાલમાં આવી જશે. પછી, Mythical Man Month નો વારો છે.

ટૂંકમાં, એજ સરસ મજાનું જીવન છે. કાલથી ગાર્ડનમાં સાંજે ચાલવા જવાનો ભવ્ય કાર્યક્રમ બનાવ્યો છે. કાલ પડે એટલે ખબર પડે કે કાર્યક્રમ સફળ થયો કે પછી ભારતની ક્રિકેટ ટીમ જેવા હાલ થયા. તો કાલે વાત..

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,369 other followers