મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘ફોટોગ્રાફી

એ આવ્યા અમે પાછાં!

with 6 comments

* સૌ પ્રથમ સૌને હેપ્પી ન્યૂ યર એટલે કે સાલ મુબારક! એક અઠવાડિયાનાં વિરામ (અને થાક) પછી અમે પાછાં સહપરિવાર સુખેથી આવી ગયા છીએ. ઘરમાં વંદાઓનું રાજ પણ ખતમ કરી દેવામાં આવ્યું છે. પ્લમ્બર પણ આવીને ગયો, સવાર-સવારમાં દૂધવાળાએ રામાયણ કરી પણ એ સ્ટોરી બીજી પોસ્ટમાં.

એકંદરે વેકેશન સરસ ગયું. નવાં લીધેલાં P&S નો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. કોકીએ તેનાં ફેસબુકમાં એ ફોટાઓ અપલોડ કર્યા છે. ઔપચારિકતા ખાતર (અને લોકોને બતાવવા કે મને તરતાં નહી પણ તરવા જેવું કંઇક આવડે છે) અહીં એક ફોટો મૂકી રહ્યો છું ;) વધુમાં મારું રનિંગ પણ સારું ચાલ્યું કહેવાય (૨૫ કિલોમીટરની એક ઇન્ટર-વિલેજ દોડ અને ૯.૫ કિમીની હિલ રન).

તરતો કાર્તિક મિસ્ત્રી

તરલ પદાર્થની જેમ તરતો હું

હવે, આખો નવેમ્બર મહિનો બીઝી-બીઝી છું. પોસ્ટની આવૃત્તિ છેલ્લાં મહિનાની જેમ ઓછી જ રહેશે, તેમ છતાંય ડ્રાફ્ટમાં ફિલમોની બે-ત્રણ પોસ્ટ્સ પેન્ડિંગ છે અને વેકેશનની પણ એકાદ પોસ્ટ થવાની શક્યતા છે.

અને હા, વેકેશનનો એક જ વાક્યમાં સાર કહેવો હોય તો, કવિનને જલસા પડી ગયા. બીજું કંઇ કહેવાની જરુર છે? :)

વિધામંદિર – મહારિયુનિયન વત્તા સંમેલન અહેવાલ

with 4 comments

* આ વર્ષે મારી શાળા શ્રી વિવિધલક્ષી વિધામંદિર, પાલનપુર ના ૬૦ વર્ષ પૂરા થયા એ નિમિત્તે અત્યાર સુધી શાળામાં ભણી ગયેલા તમામ વિદ્યાર્થીઓનું મહાસંમેલન શાળાના પ્રાંગણમાં રાખેલું હતું. કાર્યક્રમમાં જવું કે ન જવું તે નક્કી કરેલું નહી, છેવટે ઉત્તરાયણની રાત્રે મોડા નક્કી કર્યું કે ચાલો જઈએ!

રાબેતા મુજબ અમે અમારી અનુકુળતાએ પાલનપુર પહોંચ્યા ત્યારે ૧૧ વાગી ગયા હતા. ભોજન સંભારભ મિસ કર્યો અને વિનયના ઘરે દાળ-બાટી ઝાપટી. ત્યાં પહોંચ્યા ત્યારે જ્યોર્જ ફિફ્થ ક્લબમાં એક્ઝિબિશન જોયું ન જોયું અને અમે મુખ્ય સ્નેહ મિલન સંમેલનમાં ગયા. ૧૯૯૭ની બેચના બહુ ઓછા લોકો આવ્યા એ જાણીને દુ:ખ થયું, પણ મૂક્યું એ દુ:ખ તડકે અને મજા માણી જે આવ્યા હતા તેમની સાથે. આશા, કિરણ, અલ્પા – છોકરીઓમાંથી આ ત્રણ જ જણાં મળ્યા. દેવેન, ભરત, પ્રજ્ઞેશ ચોક્સી – ઘણાં વર્ષે મળ્યા. મારા ગ્રુપના વત્તા કોમર્સ સ્ટ્રીમમાંથી અનેક લોકો મળ્યા. બીજી બેચમાંથી પણ અમુક જણાં દેખાયા, મળ્યા, ઓળખાણ પડી કે ન પડી કે હાય-હેલો થયું. ફોટોગ્રાફી તો ખરી જ (ઓવર ટુ ફેસબુક વગેરે!).

થોડી મજાક-મસ્તી અને છાસ પીધા પછી શાળાની મુલાકાતે નીકળ્યા. કેટલાંય બિલ્ડિંગ તોડીને નવા બનાવવામાં આવ્યા છે, અમુક બિલ્ડિંગ એમને એમ જ છે. હા, અમારી હોટ ફેવરિટ કેન્ટીન એમ જ છે. ૨૫ પૈસાની ભેળ હજી યાદ છે. કચોરી પણ મસ્ત મળતી હતી અને જો ઘરે થી સેવ-મમરા લઈ જઈએ તો ચટણી તમને ફ્રીમાં પણ આપી દેવામાં આવતી હતી. કચોરી શનિવારે ખાવા મળી શકતી કારણ કે એ વખતે પોકેટમની જેવી વસ્તુઓનું ચલણ ખાસ નહોતું. કેન્ટિનની કચોરીની સુગંધ – હજીયે એવી જ તાજી છે. આઈ.જે. મહેતા વિનયમંદિરને તોડીને નવું બિલ્ડિંગ બનાવ્યું છે. વિનયમંદિરના શિક્ષકો – દિલીપભાઈ, ગોવિંદભાઈ પંચાલ, કનુભાઈ પ્રજાપતિ, હસુમતીબેન, પિનાકીનભાઈ જાની, ખોડાભાઈ સાહેબ, ગુલબાનુબહેન – શું દિવસો હતા એ. થોડી વાર આમ-તેમ આંટા માર્યા અને પછી વિનયની ગાડી જહાંનારા બાગ પાસે પાર્ક કરેલી એટલે ત્યાં રસ્તામાં મારી ધોરણ ૨ થી ૪ની શાળા – શિશુશાળા – ની ઉડતી મુલાકાત લીધી. કવિને સ્લાઈડર વગેરે જોયા અને ગાંડો થયો. ક્લાસરુમ જોયા. ક્લાસની બહાર ઊભા રહેવાની સજા, હોમવર્ક ન કર્યું હોવાથી ક્લાસની બહાર બેસવાની સજા, બેગનો પટ્ટો કાઢી ધમાલ કરવાથી દરરોજ મળતી સજા – મજાની સજા હતી એ. જૂનાં શિક્ષકો – પ્રતિમાબેન, રક્ષાબેન, પરથીભાઈ સાહેબ (આચાર્ય), અંગ્રેજીના ટીચર જેમનું નામ હું ભૂલી ગયો છું – યાદ આવી ગયા.

જે કેમ્પસ અમે નાનાં હતા ત્યારે અત્યંત વિશાળ લાગતું હતું, તે નાનું લાગ્યું :) ઊંમર વધવાની સાથે લોજીકલ પાવર વધ્યો એ આવી લાગણીવાળી મુલાકાત માટે સારું ન કહેવાય.

ઓફિસ વત્તા કવિનની સ્કૂલ – એટલે પાંચ વાગે તો બસ પકડી પાછા અમદાવાદ ભેગા. સાંજનો કાર્યક્રમ સારો હતો એવા અહેવાલ મળ્યા છે.

થોડીક (સેલ્ફ)નોટ્સ:

૧. આવો (મહા)કાર્યક્રમ અત્યંત મહેનત, તૈયારી અને ધીરજ માંગી લે છે. આયોજકો, સ્વયંસેવકો, રવિવાર છતાં સ્કૂલે આવેલા બધાંજ વિધ્યાર્થીઓ (અમેય જ્યારે ટ્રસ્ટીઓ મુલાકાત લેતા, ત્યારે પરાણે જતાં..)નો ઊંડા દિલથી આભાર.
૨. ઇન્ટરનેટની મદદ વધુ લઈ શકાત. દા.ત. રજીસ્ટ્રેશન જો વહેલાસર શરુ કરાયું હોત તો એલ્યુમની ડેટાબેઝ જલ્દી તૈયાર થઈ શકત.
૩. ઓવરલેપિંગ કાર્યક્રમને કારણે કેટલીય બિલાડીઓ મરી ગઈ (.. kills kitten નું બેડ ટ્રાન્સલેશન. સોરી). :)
૪. શાળાના શિક્ષકોને મળવાનો અલગથી કાર્યક્રમ જેવું કંઈક રાખ્યું હોત તો વધુ મજા આવત.

અપડેટ્સ

with 2 comments

* કલ્યાણ વર્માનું ૨૦૧૨નું કેલેન્ડર આવી ગયું છે. કલ્યાણ વર્મા એ ભારતના જાણીતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે અને શોખ અને મન હોય તો ક્યાંથી ક્યાં જવાય છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. foss.in સમયમાં તેમની સાથેની મુલાકાત એ હજી આનંદદાયક યાદો છે.

* નવાં શૂઝ છેવટે લેવામાં આવ્યા છે. દોડવામાં વાપરવાનું ચાલુ કરી દીધું છે. જૂનાં જૂતાં કરતાં ઓછાં કુશન વાળા છે, પણ જૂતાં વાળો મને તેમાં કંઈક ટેકનોલોજી ભરી છે એમ સમજાવતો હતો. પણ, એ તો બધાં નાટક વત્તા પૈસા એકસ્ટ્રા લેવાનું બહાનું. પણ, દેખાય છે સરસ :)

જૂતાં

* કાઈટ ફેસ્ટિવલમાં જવાનો પ્લાન છે, હજી કંઈ નક્કી કર્યું નથી.

* ફેબ્રુઆરીમાં મોટિફ ચેરિટી વોકમાં ભાગ લેવાનો પણ પ્લાન છે. ૧૦ કિમી. રનિંગ. હજી તો ૩ કિ.મી. પર ગાડું ચાલે છે. બધાં એ કહ્યું તેમ ૩ કિ.મી. પાર થાય તો એક માનસિક અને શારીરિક બેરિઅર પાર થાય છે. (કે પછી મને મોટિવેટ કરવાનો પ્રયત્ન છે? :)). જે હોય તે, આ અઠવાડિયાનું ટાર્ગેટ છે.

વિકિપીડિયા, અમદાવાદની વાટે..

with one comment

* બધાંને ભાવભર્યું આમંત્રણ. વધુ વિગત માટે ફેસબુકની નીચેની લિંક જોવી. ટૂંકમાં, ત્રણ તારીખે, 8.30 સવારે, ગાંધી આશ્રમ મળવાનું ગોઠવાયું છે. પછીના, કાર્યક્રમો ગ્રુપ પાડીને, લોકોનો ઉત્સાહ કેવો છે, તેના પર આધાર રાખશે.

Wikipedia takes Ahmedabad Poster

અપડેટ્સ

with 2 comments

* ગાંધીનગર હાફ-મેરેથોન પાછી ઠેલાઈ છે :( જ્યારે ભૂલથી સાબરમતી મેરેથોનના દિવસે બીજુ કંઈ પ્લાન થઈ ગયુંને બન્ને દોડની વાટ લાગી ગઈ. છતાંય, નિયમિત દોડવાનું સારું ચાલે છે, તે આનંદની વાત છે. અમદાવાદમાં નિયમિત રનિંગ કરવા વાળાનું ગ્રુપ છે એ જાણીને આનંદ થયો. શનિવારે ઘણાં દિવસ પછી સવારે દોડવા માટે ગયો ત્યારે કેન્યન દોડવીરો વસ્ત્રાપુર લેકમાં પ્રેક્ટિસ કરતાં જોયા. તેમનાં શરીર જાણે દોડવા માટે જ બન્યા હોય એવું લાગ્યું :)

* કવિનની પરીક્ષાઓ સફળ રીતે પૂરી થઈ છે! :D (રીઝલ્ટ અબી બાકી હૈ!)

* ઠંડી પડવાની શરુઆત આવતી ગઈકાલથી થઈ છે એમ લાગે છે. ક્યાં છે મારી ટોપી? (જુઓ: comments!)

* ગઈકાલે ચંદ્રગ્રહણ જોવાની મજા આવી ગઈ. ટ્રાઈપોડ હજી નથી એ વાત મિસ કરાય છે. એના ફોટાઓ અહીં મૂક્યા છે.

અપડેટ્સ..

with 11 comments

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ ના પરિણામો ગઈકાલે રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. અને મારું નામ જોઈને મને નવાઈ લાગી :) વેલ, અન્ય ૯ બ્લોગ્સને અભિનંદન. આયોજકોને મહેનત માટે ખાસ થેન્ક્સ. મારા વડે વોટ આપેલ બ્લોગ્સમાંથી એટલિસ્ટ બે બ્લોગ્સ આવ્યા એટલે આનંદ થયો. બાકીના ત્રણ બ્લોગ કયા એ મારા બ્લોગરોલની યાદીમાંથી મળી શકશે. ઓહ, અને મને વોટ આપવા બદલ સૌ કોઈને થેન્ક્સ.

* સાબરમતી મેરેથોનની જાહેરાત થઈ છે જ્યારે ગાંધીનગર હાફ મેરેથોન ૧૮ ડિસેમ્બરે ખસેડવામાં આવી છે. ઓકે. થોડો સમય વધુ મળશે :)

* આજે થોડું ચાલવાનું પણ શરુ કર્યું.

* થોડા ફોટોગ્રાફ્સ પ્રિન્ટ કરવામાં આવ્યા છે. એક-બે કોલર ઉંચા કરી શકાય તેવા છે. બાકી ઠીક-ઠીક છે. ગમે તેટલી ના પાડવા છતાંય પ્રિન્ટ કરવામાં છેડછાડ કરવામાં આવી છે.

સ્કૂલ રીયુનિયન, મીનીડેબકોન્ફ – ૨

with 7 comments

* લગભગ દોઢેક કલાકની મુસાફરી અને વચમાં “એક હજાર થાંભલાવાળા મંદિર” ની મુલાકાત લઈને અમે નિટ્ટેના ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા ત્યારે લગભગ પોણા બાર થઈ ગયા હતા. લોબીમાં જ ક્રિસ્ટિઅન પેરિઅર પોતાના લેપટોપ સાથે બેઠા હતા અને અમે ૪ વર્ષ પછી ફરી મળ્યા. ક્રિસ્ટિઅન એ ફ્રાન્સના ડેબિયન ડેવલોપર છે, ડેબિયનમાં તેઓ મુખ્યત્વે i18n, Samba અને બીજા પેકેજીસ સંભાળે છે. ડેબકોન્ફમાં ચીઝ-વાઈન પાર્ટી અને બીજી સોશિયલ એક્ટિવિટિ માટે તેમનું બહુ નામ છે. ૫૦ વર્ષના હોવા છતાં દરરોજ ૨૦ કિમી. દોડવું એ મોટી વાત છે અને મારા પેલા દોડ-કાર્તિક-દોડ પોસ્ટ અને પછીનો દોડવાનો શોખ ક્રિસ્ટિઅનને આભારી છે. તેમનું પેટ નેમ બુબુલે છે અને મોટાભાગે તેમને બધા બુબુલે જ કહે છે :) તેમના માટે ફેબઈન્ડિયાથી લીધેલો કુર્તો આપ્યો જે સદ્ભાગ્યે ફીટ થઈ ગયો. ફેબઈન્ડિયા આપણને ગમ્યું. પછી, ઘણીબધી વાતો કરી અને યાદ આવ્યું કે જમવાનું તો બાકી છે. થોડું જમ્યા, બીયર ટેસ્ટ કર્યો અને પછી થોડું ડેબિયનનું કામકાજ હાથ પર લીધું. દર વખતે થાય છે તેમ જ્યારે પણ હું રજા પર હોઉં કે કોન્ફરન્સ માટે જાઉં – ઓફિસમાં ક્રિટિકલ બગ્સ મારા ભાગે આવે જ છે :P

રાત્રે વીજળીના કડાકા અને વરસાદ શરુ થઈ ગયો અને અમને લેપટોપ કે કોઈક ઈલેક્ટ્રિક ઉપકરણ ન વાપરવાની સલાહ આપવામાં આવી. વાઈફાઈ પણ BSNLની લિંક ડાઉન થઈ જવાથી જતું રહ્યું અને છેવટે અમારે જમીને ૧૦ વાગે તો પથારીમાં લંબાવી દેવું પડ્યું. બીજા દિવસે સવારે વહેલાં ઉઠ્યાં. ડેનમાર્કથી આવેલા જોનાસ જોડે મુલાકાત થઈ. સરસ મજાનો બ્રેકફાસ્ટ હતો અને ફિલ્ટર કાપ્પી. ફિલ્ટર કાપ્પી પીતી વખતે હું ગમે તેવા પાપીને માફ કરી દઉં એટલી મજા આવે છે (આ વાક્યનો પ્રેરણા સ્ત્રોત – મિત્ર કુનાલ ધામી :)). કોલેજમાં ઈન્ટરનેટ સારું એવું ચાલતું હતું. ઉદ્ઘાટન, સ્ટેજ પર સન્માન વગેરે અજબ લાગ્યું કારણ કે ડેબિયનની કોન્ફરન્સમાં આ વસ્તુ અસામાન્ય છે. ફોર્મલ કપડાંની જગ્યાએ મેં તો વિચિત્ર ટી-શર્ટ પહેરી હતી કારણ કે મને ખ્યાલ જ ન હતો કે આટલું ફોર્મલ-ફોર્મલ લાગશે :) બધાંના વક્તવ્યો પૂરા થયા અને અમારી કોન્ફરન્સ શરુ થઇ. ત્યાં ચાની જગ્યા એ કંઈક બદામ-કેસર વાળું દૂધ હતું – જે મને ખાસ ભાવ્યું નહી. લાગે છે કે ત્યાં ચાનું બહુ ચલણ નથી. જમવાનું વગેરે કોલેજની કેન્ટિનમાં હતું – જે સારું હતું. ખાસ કરીને જ્યુશ વગેરે :)

સાંજે અમે બધાં ગોમટેશ્વરની મૂર્તિ જોવા ગયા અને બધાંને ભેગા કરી જતાં-જતાં સાંજ પડી ગઈ. છેક ઉપર પહોંચ્યા ત્યારે ખબર પડીકે બધું બંધ થઈ ગયું છે. આટલા અંધારામાં પહેલી વખત હું ચાલ્યો. પાછાં આવતી વખતે એ જ ભયંકર રસ્તા. નવાઈની વાત હતી કે આટલા અંધારામાં પણ અમુક લોકો રસ્તા પર ટોર્ચ વગર ચાલતા હતા. લોકલ સ્ટુડન્ટ્સે કહ્યું કે અહીં અંધારાની આદત પડી જાય છે :)

બીજા દિવસે મારી ટોક હતી જે ઠીક-ઠીક રહી. મુખ્ય કારણ એ કે મોટાભાગનાં લોકોએ ડેબિયન કે લિનક્સ વિશે પહેલી વાર સાંભળેલું. આ બધાં લોકોમાંથી જો અમને બે કે ત્રણ એવાં લોકો મળે જે ડેબિયનમાં પોતાનો ફાળો આપી શકે તો અમારી આખી મહેનત સફળ કહેવાય. છેલ્લાં બે દિવસની દોડાદોડી પછી બહુ થાકી ગયો હતો, રાત્રે વરસાદ પાછો ચાલુ થયો. મોડી રાત્રે રખડવા નીકળ્યાં અને ફરી બીઅરનો ટેસ્ટ કરવામાં આવ્યો :)

બીજા દિવસે મારે ૨.૪૦ ની ફ્લાઈટ હતી. મને એમ કે ૧૨.૩૦ જેવા નીકળશો તો ચાલશે પણ પછી નક્કી કર્યું કે ૧૧.૩૦ એ ટેક્સી શરુ કરી દેવી અને આ નિર્ણય યોગ્ય જ સાબિત થયો. રસ્તો બહુ જ ખરાબ હતો. વળી, રસ્તામાં ક્યાંક મંદિર આવતું હતું વત્તા એક્સિડન્ટ થયેલો હતો. લગભગ ૩૦ મિનિટ્સ એમાં બગડી અને સારા નશીબે પોલીસ આવી ગઈ અને બધું થાળે પડ્યું. મેંગ્લોર એરપોર્ટ બહુ નાનું છે, નવાઈ લાગી કે ત્યાં ચેકિંગ વધુ કડકાઈથી થતું હતું. અને બોર્ડિગ પાસ લીધા પછી ખાવા-પીવાની કોઈ સુવિધા નહોતી. પણ, ફ્લાઈટમાં નાસ્તો મળ્યો. ધન્ય થઈ ગયા :) મુંબઈ એરપોર્ટ – એઝ યુઝયલ – કેઓટિક વાતાવરણ. મોડી ફ્લાઈટ અને અમદાવાદ એરપોર્ટ પર જી-ઓટોની મગજમારી. માંડ-માંડ ઘરે આવ્યો ત્યારે થાકી ગયો અને પાછો એકલો હતો એટલે ડિનર મૂક્યું પડતું અને ડેનિશ ચોકલેટની મજા લીધી :P

ફોટા વગેરે પિકાસા પર અહીં મૂક્યા છે.

પાંદડું લીલું ને..

with one comment

.. રસ્તો રાતો.

પાંદડું લીલું ને..

(અવિનાશ વ્યાસની ક્ષમાપના સાથે) :)

આજની કડીઓ

leave a comment »

* કેમેરા, કેમેરાનો ઈતિહાસ, વિવિધ કંપનીઓની કેમેરા પ્રોડક્ટસ વગેરે વિશેની અદ્ભૂત માહિતી: કેમેરાપિડીઆ.
* Quake II સોર્સ કોડનું પૃથ્થકરણ.

ફોટાનું પોસ્ટમોર્ટમ

with 3 comments

* એમ તો ફોટો ક્યારેય મરતો નથી પણ, દરેક ફોટો એ પોતાની સાથે કેટલીક “છુપાયેલી” માહિતી લઈને ફરતો હોય છે. ફોટો સાચો કે ખોટો એ આપણો અહીં વિષય નથી પણ કેટલીક માહિતી તમને ફોટાની અંદર ઉતરવાથી મળી શકે છે. સામાન્ય રીતે હું પોસ્ટ પ્રોસેસિંગનો વિરોધી છું અને કેમેરો જે ફોટો આપે તેને કોમ્પ્યુટર વડે સુધારતો નથી. પોસ્ટ પ્રોસેસિંગ ફોટાને સરસ બનાવે છે, પણ જો એમ જ હોય તો કોમ્પ્યુટર પોતે જ ફોટો પાડે એ વધુ સારુ.

ફ્લિકર અને હવે પિકાસા પર તમને ફોટાની વિગતો મળી રહે છે. દા.ત. ફ્લિકર પર ફોટાની જમણી બાજુએ આ ફોટો કયા કેમેરા વડે લેવાયો છે તે અને તેના પર ક્લિક કરતા વધુ માહિતી મળે છે. જેને Exif information કહે છે. નિકોન કેમેરા કદાચ વધુ સારી (કયો લેન્સ વાપર્યો વગેરે વગેરે) માહિતી આપે છે.

લિનક્સમાં exiftool કમાન્ડ સરસ છે. દા.ત. પેલી પુનમ પાંડેના આ ફોટાની માહિતી જોઈએ તો નીચેની માહિતી મળે છે (આ ફોટો તેના ટ્વિટર બેકગ્રાઉન્ડમાં હતો, જે પછી હટાવી-બદલી લેવામાં આવ્યો લાગે છે).

File Name : IMG_8450_copy_2.jpg (એટલે કે આ ફોટાને ચોક્કસ કોમ્પ્યુટર વડે સુધારવામાં આવ્યો છે.)
Camera Model Name : Canon EOS 5D Mark II (સરસ કેમેરા :))
Software : Adobe Photoshop CS2 Windows (ઓહ!)
Modify Date : 2011:09:02 00:21:02
Exposure Time : 1/125
ISO : 100 (પૂરતા પ્રકાશમાં પાડેલો ફોટો)
Date/Time Original : 2011:07:25 12:38:55 (અરે આ ફોટો તો બે મહિના પહેલા પાડેલો હતો.. :))
Shutter Speed Value : 1/128
Aperture Value : 11.3

આ બધી માહિતીનો મોટો ફાયદો એ કે અમુક સરસ લાગતા ફોટોગ્રાફ્સમાં કયા પ્રકારનું સેટિંગ કરાયું છે તેનો ખ્યાલ આવે છે. થોડા અનુભવ અને નિરીક્ષણ પછી તમને એ રીતના ફોટોગ્રાફ લેતા આવડવાનું શરુ થાય છે. પણ, બધાંને ખ્યાલ છે કે ફોટોગ્રાફી સાયન્સ પણ છે અને આર્ટ પણ છે (અને કોમર્સ પણ છે!). ધીરજ, મહેનત, નિરીક્ષણ – આ ત્રણ ગુણો દરેક ફોટોગ્રાફરમાં હોવા જોઈએ.

બાકી, પોઈન્ટ-એન્ડ-શૂટ અથવા ગ્રીનબોક્સની ક્યાં કમી છે? :)

અપડેટ્સ

with 2 comments

* ઘણાં બધાં અપડેટ્સ અને સરવાળે બીઝી-બીઝી અઠવાડિયું. ઘણાં બધાં ઓફલાઈન કામ પતાવી દેવામાં આવ્યા. ટુ-ડુ પર ચોકડીઓ વાગી અને મજા આવી. હજી આવતું અઠવાડિયું ભારે જશે એવી હવામાન ખાતાંની આગાહી છે.

* ગઈકાલે થોડી ખરીદી કરવાનું નક્કી કર્યું. સામાન્ય રીતે અમે રીલાયન્સ ફ્રેશમાંથી વાસી વસ્તુઓ ખરીદીએ, પણ આ વખતે અમને થયું કે સ્ટાર બજારમાં જઈએ અને છેવટે આ સાહસ અમને મોંઘું પડ્યું. ત્યાં હજી પહોંચ્યાને સ્ટાર બજારને સીલ કરવામાં આવ્યું છે એવી જાણકારી મળી. ૨૦-૩૦ રુપિયાનો રીક્ષાના કેરોસીન (સોરી, સીએનજી) નો ધુમાડો કરી પાછાં રીલાયન્સ ફ્રેશમાં ગયા. આ વખતે ચોકો પાઈનો ટેસ્ટ કર્યો (જે અમને સ્ટિફનીએ બેંગ્લોરમાં ટેસ્ટ કરાવી હતી).

* આજે ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલમાં ચાલતા ફોટોગ્રાફીના પ્રદર્શનમાં જઈ આવ્યો. એકંદરે સારું હતું. થોડી નવી પ્રોડક્ટસની જાણકારી મળી. કેમેરા, લેન્સ વગેરે જોયા. નવાં લેન્સ જોઈને જીવ બાળ્યો અને કવિને જલેબી ખાધી. કાલે ફરી આરામથી ફરવા જવાનો પ્લાન છે. થોડા ફોટાઓ અહીં મૂક્યા છે.

* મેરે બ્રધર કી દુલ્હન -ભંગાર મુવી. માત્ર છુમંતર ગીત અને કેટલાંક કોમેડી સીન્સ બાદ કરતાં કંઈ દમ નથી. વધુમાં, બિગ સિનેમા ખાતે મુવી ૧૫ મિનિટ મોડું ચાલુ થયું. કારણ ગમે તે હોય પણ ઊભા-ઊભા એક પોપકોર્ન ફોગટની ખવાઈ ગઈ :P

* નવાં પુસ્તકો – રશિયન ડિક્શનરી, અને છેવટે – ગોડેલ, ઈશર અને બાખ એટલે કે GEB લાવવામાં આવી. હજી શરુઆત કરી છે એટલે રીવ્યુ પછી લખીશ (હું શું લખી શકવાનો આ મહાન પુસ્તકનો રીવ્યુ? :))

હવે આને શીર્ષક આપો?

with 7 comments

પ્રેમ અને ભોજન અપ્રેમ

… તમને થશે કે કાર્તિક વળી આ શું શીર્ષકની પઝલ લઈને બેસી જાય છે. લો, ત્યારે શીર્ષક ન આપવું પડે એ માટે હું જ આ ફોટાનું વર્ણન કરું. આ ફોટામાં પ્રેમ તો છે, પણ સાથે-સાથે લંચ ન કરવું પડે એ માટેની વિનવણીઓ પણ છુપાયેલી છે (કવિનના ભરેલા ગાલ દેખો). દરેક નાનાં છોકરાંને જમાડવું એ મોટી વાત છે, જે મોટાભાગના લોકોને ખ્યાલ હશે જ અને જો ન હોય તો ભવિષ્યમાં આ પરિશ્રમ માટે તૈયાર રહેજો.. :)

નવો લેન્સ

with 2 comments

* ક્યારનોય કયો ઝૂમ લેન્સ લાવવો (અને બજેટમાં ફીટ બેસે તેવો) તેની વિચારણા ચાલતી હતી પછી છેવટે સસ્તા લેન્સ 55-250mm પર પસંદગી ઉતારવામાં આવી. તેનો સૌથી મોટો ફાયદો ઈમેજ સ્ટેબિલાઈઝર (IS) છે. જે 75-300mm જેવા લેન્સમાં નથી (જે વધુ ઝૂમ ધરાવતો અને વધુ સસ્તો છે). બધી વસ્તુની જેમ કેનોન અને નિકોન બન્નેના લેન્સના ભાવ પણ સારા એવા વધી ગયા છે. દુર્ભાગ્યે હજી સુધી કોઈ ખાસ ફોટા આ લેન્સથી પાડી શકાયા નથી. ચકલી, કબૂતર, કાબર અને કાગડો – આ ચાર પક્ષીઓમાં અમારા ઘરની ગેલેરીઓમાંથી દેખાય છે એટલે તેમને ઝડપવામાં આવ્યા છે, પણ લોકોને આમાં કંઈ મજા ના આવે (અને ફોગટની સજા ના મળે) એટલે પછી ફોટા હજી અપલોડ નથી કરવામાં આવ્યા..

Written by કાર્તિક

August 23, 2011 at 22:18

અમદાવાદ ફોટોવોક ૧ – લાલ દરવાજા અને આજુ-બાજુ

with 8 comments

* ફોટોવોક એટલે શું? ફોટોવોક એટલે અમુક લોકો ભેગા થઈને ચાલતા-ચાલતા કોઈક ચોક્કસ જગ્યાઓના ફોટા પાડે તે. તો આવી જ એક ફોટોવોક આજે સવારે ૬ થી ૯ દરમિયાન રાખેલી હતી. અમે બધા સીદી સૈયદની જાળી આગળ ભેગા થયા. ડો. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટરમાં ચાલતી ફોટોગ્રાફી ક્લબના કેટલાંક સભ્યો પણ જોડે હતા. આનંદની વાત હતી કે ભાર્ગવ પંડ્યા (જુઓ મારી IPR વર્કશોપ વાળી પોસ્ટ) અમારી સાથે હતા. સીદી સૈયદની જાળી, ભદ્ર, ત્રણ દરવાજા, જામા મસ્જિદ, થોડીક પોળો અને પછી રીલીફ રોડ. આટલી જગ્યાએ અમે ફર્યા. નવી ઓળખાણો થઈને મજા આવી ગઈ. દુર્ભાગ્યે ગરમી વધુ હોવાથી અમારે ૯ વાગ્યે જ કાર્યક્રમ સમેટી લેવો પડ્યો.

મારા અમુક ફોટાઓ ફ્લિકરના અમદાવાદ ફોટોવોક ૧ સેટ પર જોવા મળશે.

તો, હવે પછી ફોટોવોક હશે તો બ્લોગ પર જાણ કરીશ. બધાંને આમંત્રણ છે. પશ્ચિમ અમદાવાદમાં ફોટા પાડવા જેવી કોઈ જગ્યા ખરી? જણાવવા વિનંતી.

ફોટોગ્રાફી વર્કશોપ @ IPR

with 2 comments

* ફ્લિકરના ગ્રુપ ઉપરથી ખબર પડી કે IPR માં ૩૦ તારીખે સાંજે એક ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. મેં પ્રભાતકુમારનો સંપર્ક કર્યો અને નક્કી થયું કે અમારે પાલડી આગળ ગુજરાત ફોટોમાં મળવાનું અને ત્યાંથી વર્કશોપના આયોજક પ્રભાતકુમાર અને જાણીતા ફોટોગ્રાફર ભાર્ગવ પંડ્યા સાથે ગાડીમાં જવાનું છે. હું બહુ જ ઉત્સાહિત થયો કારણકે કેમેરો નવો છે અને નવું કંઈ શીખવા મળે અને પાછું વર્ષો પછી પ્લાઝમા જોડે સંપર્ક થાય.

બપોરે મસ્ત ગરમીમાં હું પાલડી ગયો અને ચાર રસ્તાની થોડે આગળ રીક્ષામાં પંકચર પડ્યું. હવે, રીક્ષા મારી ન હોવાથી તેને ત્યાંજ છોડી જાત મહેનત ઝીંદાબાદ કરતો એ દુકાન શોધવા નીકળ્યો. પ્રભાતકુમારે ગુગલ મેપ્સનો ઉપયોગ કરેલોને ખોટા શોપિંગ સેન્ટરનું સરનામું આપેલું એટલે ૧૦ મિનિટ ગોથાં ખાધાં પછી દુકાન મળી. થોડીવાર અંદર આંટાફેરા માર્યા. એકાદ નવી બેગ દેખી. અમદાવાદમાં કેમેરો વગેરે લેવો હોય તો આ દુકાન સારી એવું જાણવા મળ્યું. પ્રભાતકુમાર અને ભાર્ગવ પંડ્યા આવ્યા અને અમે રવાના થયા. મને એમ કે ગાડીવાળો હમણાં એસી ચાલુ કરશે પણ, અરેરે, ગાડીમાં એસી નહી અને ચાર વાગે સરસ ઠંડો પવન ખાતાં અમે આગળ વધ્યા. સારું થયું કે રસ્તામાં કેરીનો રસ પીધો. પણ, પેલી ચા પીધેલી નહી એટલે મારું માથું ડોલતું જ હતું..

IPR પહોંચ્યા. સિક્યુરીટી વગેરે પતાવી આગળ મુખ્ય ગેટમાં પહોંચ્યા. પ્રભાતકુમારની લેબમાં પહોંચ્યા. ત્યાં બાજુમાં જ પ્લાઝમા ટોકોમાક SSST જોયું અને સાડા પાંચ સુધી આડાઅવળી વાત કરી. એક વાત મને ન ગમી કે IPR માં પહોંચ્યા પછી મને મારી મનગમતી ટોપી કાઢી દેવાનું કહેવામાં આવ્યું. કારણ? આ ઓડ લાગે છે. ઓહ, માય ગોડ. પણ, આપણે વળી ક્યાં ગાંધીજી એટલે મન મનાવી લીધું.

વર્કશોપ પ.૩૦ એ ચાલુ થઈ અને એકદમ સરસ રહી. મારા ઘણાં બધાં ખ્યાલો પરથી અમદાવાદની ગરમ ધૂળ નીકળી ગઈ. ખાસ કરીને વ્હાઈટ બેલેન્સ અને મીટરિંગ વગેરેનો સારો ખ્યાલ આવ્યો. વર્કશોપમાં બતાવેલા વિડિઓ અને ટ્રીક ફોટોગ્રાફીનો ડેમો એકદમ સરસ રહ્યો.

ફોટોગ્રાફીના મુખ્ય પરિમાણો સમજાવતાં ભાર્ગવ પંડ્યા..

હવે, કંઈક વિચિત્ર અખતરાઓ કરવાના પ્લાન છે. અને, ખાસ તો અમદાવાદમાં ફોટોવોકનું આયોજન કરવાનું છે. રાત્રે ૮ વાગ્યા જેવા અમને સ્ટાફ બસમાં જ પાછાં નીકળ્યાં. રસ્તામા ભાર્ગવભાઈ જોડે ઘણી સારી એવી વાતો કરી.

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,374 other followers