Posts Tagged ‘વેકેશન’
અપડેટ્સ – ૪૨
* લોંગ પેન્ડિંગ કામ પૂરા કરવાનું અઠવાડિયું – નવા ચશ્મા (આનંદની વાત, નંબર ઓછાં થયાં!!), પાન સિંગ તોમર, બેટર હાફ (સીડી), અને સ્ટિવ જોબ્સની ઓફિશિઅલ બાયોગ્રાફી. જોકે એક-બે ચેપ્ટર પરથી મને ભાષાંતરમાં મજા ના આવી. પૂરી વાંચ્યા પછી, એક રીવ્યુ પોસ્ટ પાક્કી.
* જ્યારે પણ વેકેશનનો મૂડ હોય ત્યારે જ ભયંકર કામ આવી પડે છે – આવું કેમ?
* હવે દરરોજ અડધો કલાક, ફરજિયાત વાંચન અને, અડધો કલાક કંઈક નવું શીખવામાં ગાળવો એમ નક્કી કર્યું છે, જોઈએ છીએ ક્યાં સુધી ચાલે છે, આ વસ્તુઓ. એમાંથી પહેલો અડધો કલાક કોમ્પ્યુટર બંધ રાખવાનું પણ નક્કી કર્યું છે, જે મુશ્કેલી ભર્યું છે. બાકી અત્યારે coursera.org ના cs101 ક્લાસ પણ ચાલુ કર્યા છે. જો તમને રસ હોય તો સ્ટેનફોર્ડ અને બીજી યુનિવર્સિટીઓ ઓનલાઈન કોર્સ ચલાવે છે. (સર્ટિફિકેટ વગેરે મળશે નહી, એટલે શીખવાની ઈચ્છા હોય તો જ જોડાવું. બાકી એસાઈન્મેન્ટ, ક્લાસવર્ક બધું નિયમિત કોલેજ જેવું જ!).
* વિકિએકેડમી સફળતાપૂર્વક સંપન્ન થઈ. વધુ વિગતો માટે, દિવ્ય ભાસ્કરનો આ લેખ જોવો. જોકે લેખ લખનારે લોચા તો માર્યા જ છે.
* કવિનની સાયકલના સાઈડ ટાયર્સ કાઢી નાખવામાં આવ્યા છે, કારણ કે એને હવે ટુ-વ્હીલર્સની સાયકલની જીદ પકડી છે. હવે દરરોજ મારે તેની પાછળ દોડવાનું પાક્કું (પેલું દોડવાનું તો એકસ્ટ્રા ગણાશે
)
અપડેટ્સ – ૩૯
* દર્દ-એ-દાંત. કારણ? કીટાણું? ના, તદ્ન બેદરકારી. એક જરા સી સાવધાની રાખી હોત તો.. ખેર, જે થવાનું હતું તે થઈ ગયું. છેવટે દાંત કઢાવવા પડ્યા અને સ્ક્રૂ વડે નવા દાંત ફીટ કરવામાં આવશે. એકંદરે પ્રક્રિયા શાંતિથી પતી ગઈ પણ હજી દુખાવો છે, જીંદગીમાં ક્યારેય ન લીધી હોય એટલી પેઈનકિલર લઈ રહ્યો છું. એટલે દોડવાનું હાલ પૂરતું બંધ છે. સાંજે એક પ્રયત્ન કરવામાં આવશે.
અત્યારે તો જ્યુશ, ફ્રુટ અને ખીચડી. બીજુ શું?
* ગરમી મસ્ત પડે છે. લેપટોપ ગરમ થઈને એકાદ વખત તો બંધ થઈ ગયું છે. છતાંય, લેપટોપ કૂલર પોતાની ફરજ સારી રીતે બજાવે છે. અને, કદાચ લેપટોપ બેટરીને આ વખતે બચાવી લેશે.
* વેકેશનનું પ્લાનિંગ ચાલી રહ્યું છે! કંઈ ખાસ કે મોટું કે ભવ્ય પ્લાનિંગ નથી છતાંય, વેકેશન એટલે વેકેશન. એક બ્રેક જોઈએ જ.
મુંબઇમાં..
* હવે, થોડા દિવસ કવિનના વેકેશનને ન્યાય આપવા માટે અને અમદાવાદની ગરમીથી રાહત માટે મુંબઇ ખાતે. કાર્યક્રમો તો કંઈ ખાસ નથી. કેમેરા માટે એક બેગ લેવાની છે. જો મેળ પડે તો પેલો નિફ્ટી ફિફ્ટી પ૦ મીમી લેન્સ લેવાનો છે અને એલિફન્ટા, જે.જે. આર્ટ્સ કોલેજની (કદાચ), મહાલક્ષ્મી મંદિરની મુલાકાત લેવાની છે અને થોડી બીજી રખડપટ્ટી. મિત્રોને મળવાનું છે અને લિનક્સ યુઝર ગ્રુપ, મુંબઇની મિટિંગમાં એક ટોક આપવાની છે. બસ, આટલું જ.
અને, પાછી ઓફિસ તો ચાલુ જ છે.
અપડેટ્સ
* કવિન અને ડોક્ટરને સારુ બનતું લાગે છે. છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી બન્નેની મુલાકાત થાય છે.
* પંખો હવે ૨ નંબરથી ૩ નંબરની ઝડપે ચલાવવો પડે છે. ઓહ, ગરમી. ઓફિસનું ઠંડુગાર વાતાવરણ મિસ થાય છે, સાથેસાથે શાંતિ છે કે બપોરે ૧૨ વાગે એ.એમ.ટી.એસ.ની સફર કરવી પડતી નથી.
* કેમેરો સારો ચાલે છે. ફોટા વીક-એન્ડ પર અપલોડ કરીશ. થોડા નવી ખાસિયતો જાણવા મળી છે. સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીમાં એક કહેવત છે: When everything fails, read the manual
*પ્રશ્ન – દરેક મોબાઈલ કંપનીઓ બિલ ભરવાની છેલ્લી તારીખનાં એક અઠવાડિયાં પહેલાં કેમ ઊંચી-નીચી થાય છે? અને, બપોરે ભર ઊંઘમાં હોય ત્યારે જ કેમ ફોન કરે છે?
* (કવિનના) વેકેશનનું પ્લાનિંગ થઈ ગયું છે..
વેકેશન: કેરાલા – ભાગ ૩
* ઠેકડીથી વહેલી સવારે મુન્નાર જવાનો પ્લાન હતો, પણ આગલી રાતનાં થાક અને ખાસ ગાઢ અસરોના કારણે મોડું થઈ ગયું. જોડે બચ્ચાં પાર્ટી હોય એટલે વળી તેમને સંભાળવામાં મોડું થાય એમ ગણીને જ ચાલવાનું. રેસ્ટોરાંમાં બેઠાં હતાં ત્યારે એક સરસ ઘટના બની. નાળિયેરનાં ઝાડ પરથી નાળિયેર પડ્યું અને નળિયાની છત તોડી છેક અમે બેઠાં હતા (અને કવિન, સાનિયા અને પ્રણય રમતાં હતાં) ત્યાં આવી ગયું. કવિને એ નાળિયેર મુન્નાર છોડ્યું ત્યાં સુધી સાચવી રાખ્યું.
થોડા સમય પછી એટલે કે લંચ સમય પછી મુન્નાર હોટલ પર પહોચ્યા. અમારી જગ્યા મુન્નારની ૨૨ કિ.મી. પહેલાં હતી, પણ સ્થળ એકદમ સરસ. ત્યાં પહોંચીને લંચ લીધું, જે લીધાં પછી અમે પસ્તાયા અને ડિનર અમે નાનકડાં ધાબા પર કર્યું, જે ખરેખર સરસ હતું. ત્યાં પછી રાત્રે ભેગાં મળીને પત્તાં અને ક્વિઝ રમ્યા. નિરવ-નિકિતાએ સરસ રીતે ક્વિઝ અને સામાન્ય જ્ઞાનની રમત આયોજન કરી. અમને સૌ કોઈને ઈનામ પણ મળ્યું. બીજા દિવસે પહેલાં એક સ્પાઈસ ગાર્ડન (મુન્નાર અને આજુ-બાજુ આવાં સ્પાઈસ ગાર્ડન ઢગલાબંધ છે, જ્યાં તમને વિવિધ મસાલાનાં છોડ-ઝાડ બતાવવામાં આવે છે). ટી મ્યુઝિયમની મુલાકાત લીધી, જ્યાં મુન્નારનાં ઈતિહાસ અંગેની દસ્તાવેજી ફિલ્મ અને ચા કઈ રીતે બને છે બતાવવામાં આવ્યું. એક બ્લેક ટીનું પેકેટ લીધું. ગઈસાલ મારો ભાઈ ઢગલાબંધ ચા લાવેલો, જે અમને કોઈને ભાવી નહોતી એટલે અમે માપની જ સેમ્પલ ચા લીધી. ચા બનાવવાની સાચી રીત અમને જાણવા મળી (પણ હજી પ્રયોગ કરવામાં આવ્યો નથી).
પછી, હાઈડલ પાર્ક નામના બગીચામાં મસ્તી કાઢવામાં આવી. કવિન આમપણ હિંચકા જોઈને ગાંડો થાય છે.
બપોરે એક ગુજરાતી થાળીને ન્યાય આપ્યા પછી, મટ્ટુપેટ્ટી ડેમની મુલાકાતે ગયા અને સ્પિડબોટમાં સફર કરી. બધાંને બહુ મજા આવી. રાત પડતા સુધી બધાં બહુ થાકી ગયેલા અને બીજા દિવસે વહેલાં કોચીન માટે નીકળવાનું હતું એટલે નિદ્રાધીન જલ્દી થવામાં આવ્યું.
બીજા દિવસે તો અમે એકદમ વહેલાં ઉઠ્યા પછી ખબર પડીકે જ્યોર્જે (અમારા ડ્રાઈવર અંકલ) સમાચાર આપ્યા છેકે વાનમાં ક્લચ બગડી છે, તો ૧-૨ કલાક લાગશે. ત્યાં સુધી અમે રીસેપ્શન આગળ વાઈ-ફાઈની મજા માણી. નિરવે શોધી કાઢ્યુ કે વાઈ-ફાઈમાં DNSના લોચા છે એટલે અમે ૮.૮.૮.૮ નો સહારો લીધો અને મસ્ત રીતે વાઈ-ફાઈ મળ્યું. જોકે ફોન-આઈપોડ પર કોઈ ઈમેલના જવાબ ન આપવામાં આવ્યા.
કોચીન પહોંચતા સુધીમાં સાંજ પડી ગઈ. લંચ અમે ભરપૂર ફ્રુટ્સ વડે કર્યું. કોચીનમાં હોટલમાં ઉતર્યા પછી સાડીઓ વગેરેની ખરીદી માટે એમ.જી. રોડ ગયા. કોચીન બીચ વગેરેનો પ્લાન પડતો મૂકાયો અને એમ.જી. રોડ પર જ ડિનર પતાવવામાં આવ્યું. બીજા દિવસે સવારે કોચીન એરપોર્ટ અને કિંગફીશરે આ વખતે અમને સમયસર મુંબઈ એરપોર્ટ પહોંચાડ્યા.
એટલે કે, એક સરસ વેકેશનનો અંત. હવે આવશે મજા – માથાં પર આવી પડેલાં બાકી કામ પૂરા કરવાની
(નોંધ – કેરાલા સીરીઝ સંપૂર્ણ.)
કવિન – વધુ અપડેટ્સ
* વેકેશન ભારે ગયું છે.
* આપણે કોઈના ઘરે જઈએ તો આપણને પૂછે કે શું લેશો? ચા, કોફી કે ઠંડુ? ત્યારે કવિનનો જવાબ – દહીં. મારે દહીં પીવું છે! ![]()
* ગઈકાલે મારા મોજાં (Socks) લેવા બહાર ગયા (દુર્ભાગ્યે, કાલે અમદાવાદનો સૌથી ઠંડો દિવસ હતો) ત્યાં કવિનને જીદ કરી કે મને કંપાસબોક્સ લઈ આપો. છેવટે, લીધો અને ઘરે આવીને કહે કે – આ તો ઉપર છોકરીનો ફોટો છે, આ કાઢી નાખો (ફોટો ડિઝનીના અલ્લાદિન મુવીની પ્રિન્સેસનો છે). હવે?
* આજુ-બાજુમાંથી કવિનની ફરિયાદો હવે આવવા લાગી છે..
વેકેશન ૨૦૦૯
* ગઇકાલે અમે યુનિવર્સિટી ગ્રાઉન્ડ (ગુજરાત. જોકે હવે અમદાવાદ યુનિવર્સિટીની જાહેરાત પછી હું નક્કી નથી કે એ ગ્રાઉન્ડ કોનું છે..) પર આવેલા ‘વેકેશન ૨૦૦૯’ પ્રદર્શનમાં જવાનું નક્કી કર્યું. રીક્ષામાં ત્યાં ગયા તો અદ્ભુત ધસારો જોઇને લાગ્યું કે જાહેરાત મુજબ ખરેખર સારુ જ લાગે છે. ટીકીટ લઇને અંદર ગયા ત્યારે આકાશ અને અવકાશનું દર્શન કરાવતા વિભાગથી શરૂઆત થઇ!

ત્યાં સ્પેશશટલ અને મંગળનો માઉન્ટ ઓલ્મપસ જોઇને કવિનને મજા આવી ગઇ. મને વધુ મજા આવી કારણકે, અવકાશ વિશેનું મારું થોડું જ્ઞાન પ્રદર્શિત કરવાની મને તક પણ મળી. થોડે આગળ ગયા તો શુક્ર પર હોય તેવી ગરમી લાગવાની શરૂઆત થઇ અને અમને થયું કે અહીં એકાદ પંખા મુક્યા હોય તો આનંદ થાત. વધુ આગળ ગયા તો ત્યાં ચંદ્રની ધરતીનાં દર્શન કર્યા અને પછી બીજા વિભાગમાં ગયા અને એમવેની દુકાન દેખી સીધા જ ધરતી પર પટકાયા! ટૂંકમાં, બીજા સામાન્ય પ્રદર્શનો હોય છે તેવું પ્રદર્શન – મસાલા, શરબત, હોમલોન્સ, કોમ્પ્યુટર ક્લાસીસ વગેરેના સ્ટોલ્સ. સફારી મેગેઝિનનો સ્ટોલ પણ છે – અને ત્યાં લવાજમ પણ ભરી શકાય છે, જોડે એક પુસ્તક ફ્રી છે. અમે ત્યાંથી એક ઇન્સ્ટન્ટ મિક્સનું પેકેટ, ખસનો શરબત ઉપાડ્યો (ત્યાં જવાનો કંઇક તો લાભ ઉઠાવવો પડેને!).
આગળ ગયા તો ત્યાં ફુડ કોર્નર હતું – હમમ, લોકોનો પ્રિય વિભાગ. કચરાપેટી હોવા છતાં લોકોને જ્યાં-ત્યાં કચરો નાખતાં જોઇ બહુ નવાઇ ન લાગી, કારણ કે, અહીં આવા દ્રશ્યો સામાન્ય છે. વધુ આગળ જતાં, બાળકો માટેની વિવિધ રાઇડ્સ હતી. અરર, આ તો મને પાલનપુરમાં દર વર્ષે ભરાતા મુરસદના મેળા જેવું જ લાગ્યું (હવે ખ્યાલ નથી કે મેળો ભરાય છે કે નહીં). એ જ મોતનો કૂવો અને ચકડોળ વગેરે. એકાદ બે આઇટમ્સ નવી હતી (સોરી, નો રાખી સાવંત!). કવિનને મજા આવી ગઇ, મને અને કોકીને થાક લાગ્યો, પણ કવિનને મજા આવી એટલે અમારા થાકનો છેદ ઉડી ગયો.
તા.ક. ત્યાં જાવ તો સ્ટફ ઢોકળાં ખાતા નહીં. બહુ જ ગંદા અને ખાટાં હતા.
તા.ક. ૨: વેકેશન નામનું મુવી છે, જે ૨૦૦૯માં આવવાનું છે




