મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘સુરત

સુરત, લિનક્સ અને લોચો

with 2 comments

* થોડા સમય પહેલાં લખેલું તેમ સુરતની એન.આઈ.ટી.ની વાર્ષિક ઈવેન્ટ – માઈન્ડબેન્ટ – માં મારું લેક્ચર રાખેલ હતું. ટ્રેનની ટેસ્ટ પોસ્ટ લખ્યા પછી રાત્રે ૧૦ વાગ્યા જેવો સુરત પહોંચ્યો, ત્યાં ઈવેન્ટનાં વોલિઅન્ટર્સ (સ્વયંસેવકો) મને લેવા માટે આવી ગયા હતા. કોલેજ અઠવા લાઈન્સ જેવા સરસ વિસ્તારમાં છે, મને તેની સામે ગેસ્ટ હાઉસમાં ઉતારો આપવામાં આવ્યો. ડિનરમાં તો થેપલાં ઘરેથી લઈને જ આવ્યો હતો, જે બધાં ટ્રેનમાં જ પૂરા થઈ ગયા. રાત્રે ભૂખ નહોતી એટલે થોડી વાર પછી પ્રેઝન્ટેશન બનાવવા બેઠો પણ એટલી બધી ઊંઘ આવી કે પ્રેઝન્ટેશન પડતું મૂકી પથારીમાં પડ્યો (હા, એ પહેલાં એસી રીમોટ વગર કઈ સ્વિચથી બંધ થાય એ માટે ૧૦ મિનિટ બગાડી).

સવારે વહેલા ઉઠી સૌ પહેલાં પ્રેઝન્ટેશન ચકાચક કરી દીધું અને ત્યાં સુધીમાં તો ચા આવી ગઈ હતી. ૧૦ વાગ્યાની આસપાસ કોલેજ પહોંચ્યો અને થોડા લોકો જોડે લિનક્સ, ડેબિયન વગેરેની વાતો કરી. મોટાભાગનાં લોકોને કર્નલ વગેરેમાં વધારે રસ હતો એ જાણી નવાઈ ન લાગી.

પ્રેઝન્ટેશન શરુ થવાનો સમય થઈ ગયો હતો, પણ પ્રોજેક્ટનો કેબલ ક્યાંક ખોવાઈ ગયો હતો, ત્યાં સુધીમાં ઓફિસનું થોડું કામ પતાવ્યું. પ્રેઝન્ટેશન – લેક્ચર એકંદરે સારું રહ્યું એમ કહી શકાય, કારણ કે સારા એવાં પ્રશ્નો પૂછવામાં આવ્યા અને જવાબ પણ આપવામાં આવ્યા :) પ્રેઝન્ટેશન પૂરુ કરી બધાં જોડે વાતો કરી, ઈમેલ એક્સચેન્જ કરવામાં આવ્યા અને બીજી જોઈતી માગી-વણમાગી સલાહો આપવામાં આવી. પણ, અચાનક ઓફિસનું કામ આવી પડ્યું એટલે ગેસ્ટ હાઉસ પાછા ફરવું પડ્યું.

સાંજે પછી પ્રશાંત (કેશવાની) ને મળવાનો કાર્યક્રમ હતો. પ્રશાંતની ઓળખાણ ઈમેલ વડે થઈ હતી અને પહેલી વાર જ મળ્યા. તેના ઘરે જઈ ટેકનોલોજી, અમદાવાદ, મુંબઈ, સફારીથી માંડીને લિનક્સ ફ્રોમ સ્ક્રેચ સુધીની ચર્ચાઓ થઈ. પછી, યુ.એસ. પીઝા ગયા અને પીઝા ઝાપટ્યા. પાછું, રાત્રે ઓફિસનું પેન્ડિંગ કામ :(

દુર્ભાગ્યે, ફોન વડે એકપણ ફોટો ન પાડ્યો. હા, સુરત સ્ટેશન પર બેન્ડવાજા વાગતા હતા એ જોઈ નવાઈ લાગી અને મજા આવી. કદાચ કોઈ અધિકારીનું લગ્ન હશે કે. શતાબ્દીમાં ઘરે પાછો આવ્યો, કવિન મારી રાહ જોઈને બેઠો હતો અને જેવો દરવાજો ખોલ્યો અને મને વળગી પડ્યો.

અને હા. નો લોચા. આ વખતે લોચાનો સમય ન મળ્યો. ફરી કોઈક વાર.

ટ્રેન ટેસ્ટ પોસ્ટ

leave a comment »

* ટેસ્ટ પોસ્ટ, ટ્રેનમાંથી. રીલાયન્સનું નેટવર્ક સારુ લાગે છે. હવે, જોઈએ છીએ, બીલ કેટલું આવે છે..

અપડેટ્સ

with 5 comments

* ઓફિસમાંથી નવું લેપટોપ Lenovo T410 મળ્યું એટલે ગઈકાલ સાંજથી તેને ક્યાં રાખવું એ મથામણ ચાલે છે. અત્યારે તો તે વિન્ડોઝ ૭ પ્રોફેશનલ (હેહે, પ્રોફેશનલ..) ધરાવે છે અને એક કી-બોર્ડ, માઉસ વડે લિનક્સ લેપટોપ જોડે સિનર્જી વડે જોડાયેલ છે. પણ, આ વિન્ડોઝ ૭ તો માત્ર ૭ દિવસ..

Lenovo T410

* ફેબ્રુઆરીમાં ફરી પાછો કોઝિકોડે, સુરત અને માર્ચમાં બેંગ્લોર – ત્રણેય જગ્યાએ ટેક-ઈવેન્ટ્સ. મજા આવી જશે. પહેલી બે જગ્યાએ ડેબિયન, ત્રીજી જગ્યાએ કેડીઈ.

* ઘર માટે સ્કેનર-પ્રિન્ટર-કોપી સુવિધા ધરાવતું MFD લેવાનું વિચારું છું. કોઈ સૂચનો?

સુરત મુલાકાત

with 7 comments

* અમે બધાં (એટલે કે ત્રણ જણાં) એપ્રિલનાં ત્રીજાં વીક-એન્ડ પર (17-18 April) સુરત જઈ આવ્યા. સુરતની આ મારી ઘણાં વર્ષો પછીની મુલાકાત. ઘણાં વર્ષો પહેલાં જ્યારે કોલેજનાં બીજાં વર્ષમાં હતો ત્યારે વિનયની હોસ્ટેલ (સાર્વજનિક, આર્કિટેકચર વિભાગ)માં રહ્યો હતો. આટલા વર્ષોમાં સુરતની સૂરત સરસ થઈ ગઈ છે. જોકે એ વખતે પણ સુરત સુધરી રહ્યું હતું. આ વખતે મુલાકાત ટૂંકી રહી પણ, મજા આવી ગઈ. તો શું કર્યું અમે?

+ નવાં સુરતી શબ્દો શીખ્યા. મંટોડી (કવિનનો ફેવરિટ શબ્દ), ત્રોફો, પીંછી અને કરસાટો.
+ સુરતી ભાષા કઈ રીતે બોલાય છે તેનાં ઉદાહરણો મળ્યા. ઘણાં શિક્ષકો તો જેમ બોલાય એમ લખાવાનો આગ્રહ રાખે છે. દાત. દરિયો લખો તો જવાબ ખોટો આપે. અને ડરિયો લખવાનું કહે ;)
+ સવારમાં લોચો ખાધો.
+ ડુમસનો ગારો જોયો, પણ આ વખતે ભરતીને કારણે પાણી સારુ એવું હતું. ત્યાં જઈને ટામેટાં, રતાળુ અને કાંદાના ભજિયાં ઝાપટ્યા.

એકંદરે, સુરતી પ્રજા વિશે સાંભળ્યું હતું તેના કરતાં વધુ સારો (પ્રેમાળ, મોજીલી અને મસ્તીવાળી) અનુભવ થયો. બીજા દિવસે સાંજે મિત્ર કુનાલ ધામીને મળ્યો અને ચોકલેટ ફેક્ટરીમાં કોમ્પ્યુટર અને બ્લોગ-જગતની વાતો કરી, મોડી રાત્રે ખાસ મિત્ર પિયુષને મળવા ગયાં અને ત્યાં બન્નેનાં બે ટેણિયાંઓ (નિર્વિ, કવિન) પહેલી વાર મળ્યા. ફોટાઓ વધુ પાડી શકાયા નહી એ અફસોસ રહ્યો. સોમવારે સવારની ગુજરાત ક્વિનમાં પાછાં આવ્યા ત્યારે ભરપૂર થાક લાગ્યો હતો પણ બપોરે પાછું ઓફિસ જવાનું હતું :(

કરાડીની મુલાકાત

with 7 comments

* ઓફિસનાં એક કાર્ય સંદર્ભે કરાડી (નવસારી) ગામે જવાનું થયું. થાકી ગયો પણ, મજા આવી અને ખબર પડી કે અપ-ડાઉન કરવામાં કેટલી હિંમત જોઇએ! સવારે કર્ણાવતી એક્સપ્રેસમાં નીકળ્યો. કર્ણાવતી એવી ગાડી છે કે જે તમને ન રાત્રે સુવા દે કે સવારે આરામથી સ્ટેશન પહોંચવા દે. માંડ-માંડ રીક્ષા મળી અને ગાડી ઉપડવાની પાંચ મિનિટ પહેલાં સ્ટેશન પર પહોંચ્યો. ધ્યાન રાખજો સ્ટેશન પર નેસકોફી પીવાનો પ્રયત્ન ન કરતા. મોઢામાં પણ ન જાય તેવી કોફી મળે છે (પ્લેટફોર્મ-૪ પર).

સુરત પહોંચ્યો. ત્યાંથી બસમાં નવસારી ગયો. ભૂલથી લોકલ બસમાં બેસી ગયો અને સુરત જીલ્લાનાં દર્શન કરી લીધા. ચાલની.. ચાલની જેવા સુરતી શુશબ્દો વડે મન પ્રફુલ્લિત પણ થયું :) નવસારીથી એરુ ચાર રસ્તાથી રીક્ષામાં કરાડી પહોંચ્યા. ત્યાંની સ્કૂલ અને ગાંધીજીની ઝૂંપડીનાં થોડાક ફોટાઓ નીચે મૂક્યાં છે. ત્યાંથી પાછો નવસારી–>સુરત આવ્યો. કુનાલ ધામીને ફોન કરી સ્ટેશન પર મળવાનું નક્કી કર્યું. મજા આવી ગઇ! મારી ટ્રેન મોડી હતી એનો લાભ ઉઠાવીને બહુ વાતો કરી!!

ઘરે પહોંચતા ૧૦.૩૦ થઇ ગયા અને ઘરે પહોંચ્યા પછી કવિન જીભ કાઢીને મારું સ્વાગત કર્યું.

ગાંધી બાપૂની ઝૂંપડી! અહીં ગાંધીજી દાંડીકૂચ વખતે ૨૨ દિવસ રહ્યાં હતાં.. કરાડીની અફલાતૂન ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી શાળા..

મસ્ત લાઇબ્રેરી.. શાળાની લાઇબ્રેરીમાં ભગવદ્ગોમંડળ!!

કોકિલા - ર.વ.દેસાઇ! કોકીને ગિફ્ટ આપવી પડશે :P સ્કૂલની લેબમાં લેપટોપ!

વૃક્ષછેદન કરતાં બાપૂ ;) ખબર નહીં કોણે આ ચિત્ર બનાવ્યું હશે.. શાળાની પરસાળ

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,986 other followers