Posts Tagged ‘અમદાવાદ’
શિયાળો!
* કોકી મુંબઈમાં રહેલી એટલે તેને અમદાવાદની ઠંડી (અને ગરમી) થોડી વધુ પડતી લાગે છે, પણ આ વખતે મારા માટે પણ શિયાળાની શરૂઆત બહુ સારી થઈ નથી. શરદીથી નાક ખરડાઈ ગયું છે, અને આખો દિવસ ટોપી અને મોજા પહેરીને ફરવું પડે છે
અને અમારો ફ્લેટ થોડો વિચિત્ર છે, જ્યારે જોઈએ ત્યારે તડકો નથી આવતો..

ભોજનનો આનંદ
* પોસ્ટનું ટાઈટલ વાંચી ભોળવાવું નહીં. હું ક્યાંય હોટલ કે રેસ્ટોરાંમાં જમી આવીને થયેલ આનંદ વિશે વાત નથી કરતો. આ વાત છે ‘ભોજનનો આનંદ’ (લેખક: અંજલિ મંગળદાસ) નામનાં રસોઈ પુસ્તકની. ગઈકાલે કવિનની સ્કૂલની ફાઈલ માટે પેપર પંચ કરવાનું યંત્ર લેવા ગયો ત્યારે અચાનક આ નજરે ચડી ગયું. અને, મને થયું કે ચાલો કોકીને કંઈ ગિફ્ટ-બિફ્ટ આપીએ અને એનો લાંબા ગાળે ફાયદો મને પણ થશે એમ વિચાર્યું. જોડે બે મુવીસ – સેવિંગ પ્રાઈવેટ રાયન અને કિસ ધ ગર્લ્સ (નામ વિચિત્ર છે, પણ મોર્ગન ફ્રીમેન હોવાથી મારાથી રહેવાયું નહીં..) લીધા.
તો પુસ્તકમાં શું છે? સરસ બોક્સમાં ૫ નાનકડી પુસ્તિકાઓમાં ૫ પ્રકારની વિવિધ ૨૧ વસ્તુઓ બનાવવાની રીત છે. સ્ટાર્ટર, કચુંબર, રાયતાં, ચટણી અને અથાણાં. એમાંથી આપણને સ્ટાર્ટર અને સલાડમાં વધારે રસ છે. ૧૪૫ રુપિયા બરોબર કહેવાય.
મજાની વાત છે કે પુસ્તક પર આપેલ વેબસાઈટ સરનામું, www.houseofmg.com/cookbook ખૂલતું નથી! હા, હાઉસ ઓફ એમજીની સાઈટ ખૂલે છે અને ઠીક-ઠીક છે..
રીક્ષાવાળાઓની હડતાલ મને કેમ ગમી?
૧. મારા ૫૪-૮ = ૪૬ રુપિયા બચી ગયા.
૨. રીક્ષાવાળાઓ જોડે થતી દરરોજની બબાલમાંથી મુક્તિ મળી.
૩. સવારનાં પહોરમાં (એટલે કે ૧૧.૩૦ વાગે) થોડું ચાલવાથી અને વહેલું નીકળવાથી શરીરને ફાયદો થયો.
૪. પ્રદૂષણ થોડું ઓછું થયું.
કવિન અને શાળાનો પ્રથમ દિવસ
* કવિનનો આજે શાળામાં પ્રથમ દિવસ હતો. લિટલ જીનિયસ નામની એક બંગલામાં ચાલતી શાળા (એટલે કે સ્કૂલમાં) તેને મૂકવામાં આવ્યો છે. સ્કૂલ ઠીક-ઠીક છે, કંઈ વધારે પડતી હાઈપ વાળી નથી. ઘરથી નજીક છે અને મને પોસાય તેવી ફી છે. કવિનને લઈ જઈને પહેલાં ફોર્મ-ફી વગેરે ભર્યા. સ્કૂલના સંચાલક જોડે થોડી વાત-ચીત કરી, તે દરમિયાન કવિન રમવામાં મશગૂલ થઈ ગયો. હું થોડી વાર પછી ઘરે આવ્યો અને એકાદ કલાક પછી કવિનને ખેંચીને ઘરે લાવવો પડ્યો. એને એમ કે સ્કૂલ એટલે બહાર પડેલા હિંચકામાં રમ્યા કરવાનું! આશા રાખીએ છીએ કે કવિન તેના ટીચર્સને ભારે ના પડે અને સરખી રીતે ભણવાનું-રમવાનું-શીખવાનું ચાલુ કરે
અને, હા. કવિનની સ્કૂલ અંગ્રેજી મિડિયમમાં છે. જોઈએ છીએ, કેટલી પોઅમ અમારે શીખવી પડે છે..
નૂતન વર્ષાભિનંદન
* નવાં વર્ષનાં અભિનંદન અને નવા વર્ષમાં તમે સૌ કોઈ મજા-જલ્સા કરો. બીજું શું? નવા વર્ષમાં ફાસ્ટ ફૂડ ખાવા છતાં તમારું પેટ તમારો સાથ આપે, ખોટું બોલવા છતાં તમારું ભલું થાય, નિંદા કરવા છતાં તમારી પ્રશંસા થાય તેવી અંતરની શુભેચ્છાઓ. અને, આ બધી શુભેચ્છાઓ મારા પર પણ લાગુ પડે તેવો સ્વાર્થ પણ ખરો…
ફાફડા
* અફસોસ કે એ ફાફડાનો હું ફોટો ન પાડી શક્યો જે મને અત્યારે વિતાડી રહ્યા છે.. ત્યાં સુધી ઈનો અને સોડા ઝિંદાબાદ! પણ એકલા ફાફડા-જલેબીનો વાંક નથી. સવારે ફાફડા-જલેબી, બપોરે સ્વાતિમાં ઉત્તપમ અને માર્ગારિટા પીઝા, હેવમોરનો આઈસક્રીમ અને બપોરે મગ ભરીને ચા. આમાંથી કોઈ પણ, શકના ઘેરાવામાં આવી શકે છે..
અપડેટ: શકમંદ માર્ગારિટા પીઝાનો ફોટો,
પાણી
* સવારે જાણવા મળ્યું કે વોશબેસીનમાંથી પાણી નથી આવતું અને નીચે જઈને જોયું તો ટાંકીમાં પણ પાણી નહોતું. અમારા બ્લોકમાં કોઈક નાલાયક સવારે વહેલાં ઉઠીને આવું કૃત્ય કરતું હોય છે અને એ પણ મોટાભાગે રવિવારે. પણ, નસીબજોગે, સવારે હું પીવાનું પાણી ભરી લાવ્યો (પીવાનું પાણી નીચેથી લાવવું પડે છે – ફિલ્ટર માટે..). હવે, આજે નહાવામાંથી છુટ્ટી!
ત્રાસરાત્રિઓ..
* નવરાત્રિએ ગુજરાતનો અનોખો તહેવાર છે. આપણે અને બીજા બધા જાણે છે. પણ, નાના છોકરાંઓ અને મારા જેવા લોકો જેને ફાટેલાં સ્પીકર, હિન્દી ગરબાઓ અને રિમિક્સ ગુજરાતી ગીતોની એલર્જી હોય એ લોકોએ શા માટે ત્રાસ સહન કરવાનો?
આ વખતે નવરાત્રિનો ફાળો માંગવા આવ્યા ત્યારે મેં કહ્યું કે રાત્રે ૧૨ વાગે ગરબા બંધ કરતા હોવ તો પૈસા આપું. એ લોકો જતા રહ્યાં. ગયા વખતે સોસાયટીમાં ગરબા ગાવા વાળા માત્ર ચાર કે પાંચ લોકો હતા. તો પણ, ૨ થી ૩ વાગ્યા સુધી પીપૂડાં ચાલુ રહેતા હતા. જોઈએ છીએ – પોલીસને ફોન કરવાનો, બોલાવવાનો કોઈ અર્થ નથી – કારણ કે પોલીસ ગયા પછી ફરી એ લોકો પીપુડાં ચાલુ કરી દે છે.
આ વાતે મને મુંબઈ ગમ્યું. કારણ કે, ત્યાં ૧૦ વાગે ગરબા બંધ એટલે બંધ. પછી ચાલુ હોય તો તમારા સ્પીકર, માઈક વગેરે પોલીસ ઉઠાવી જાય!
એક ઘર આપણું..
* કુણાલભાઈએ લખેલ તેમ કદાચ આપણું પોતાનું ઘર (એટલે કે ફ્લેટ) હવે કદાચ અશક્ય જેવી વસ્તુ છે. ૧૧-૧૨-૧૩નાં રોજ ગુજરાત યુનિવર્સિટીનાં એક્સપો ગ્રાઉન્ડમાં મહા પ્રોપર્ટી મેળો લાગ્યો હતો. મોટાભાગનાં ફ્લેટની કિંમત સામાન્ય મધ્યમવર્ગને પોસાય તેવી નહોતી. લોન પર કદાચ ચાલે – પણ, લોનની ગણતરી કરતાં ફ્લેટની કિંમત કરતાં ડબલ જેટલા પૈસા ભરવા પડતા હોય છે (સોરી, આ બાબતે હું બહુ જ અજ્ઞાન અને પછાત છું). એકાદ બે સ્કીમ સારી હતી, પણ હજી વિચાર ચાલે છે કે શું કરવું.
એની જોડે અમદાવાદ હેરિટેજ ફાઉન્ડેશન કરીને કોઈક સંસ્થા દ્વારા અમદાવાદની પોળ સંસ્કૃતિ પર સરસ નાનકડું પ્રદર્શન (કમ સેલ, કહેવું પડે?) હતું. એ પહેલા ક્રાફ્ટ મેળામાંથી ઓરિસ્સા સ્ટોલમાંથી એક સરસ ફ્રેમ અને તોરણ લીધું. રાબેતા મુજબ કવિને યોગ્ય જીદ કરી અને મસ્તી કાઢી..
ફિલમ: ડિસ્ટ્રીક્ટ ૯

(ચિત્ર: વિકિપીડીઆ પાનાં પરથી)
* ડિસ્ટ્રીક્ટ ૯ મુવી અત્યારે પાયરેટેડ ડાઉનલોડમાં નંબર ૧ છે. તો મેં પણ તે ડાઉનલોડ કર્યું
પણ, સારા મુવી તો થિએટરમાં જ જોવા જોઈએ એ સિધ્ધાંતના ન્યાયે હું આજે બિગ સિનેમા, હિમાલય મોલમાં તે જોવા માટે ગયો. હા, એકલો – કારણ કે કોકી અને કવિનને સાયન્સ ફિક્શનમાં કોઈ રસ નહોતો અને ફિલ્મને એ સર્ટિફિકેટ મળેલ હતું (કદાચ, હિંસા, સંવાદો વગેરેને કારણે..). એકલા જતાં મને કંઇક વિચિત્ર આભાસ થતો હતો. છતાં, તેને પડતો મુકીને બપોરે કવિન સુઈ ગયો ત્યારે નીકળ્યો. મુવીની સ્ટોરી કંઈક અલગ જ છે. એલિયન્સ અહીં માણસનાં દુશ્મન નથી. માણસ એલિયન ગ્રહ પર જતો નથી – પણ, એલિયન્સ અહીં આવે છે. સ્ટોરી તમને IMDB અને વિકિપીડીઆ પરથી સરસ રીતે વાચવા મળી જશે એટલે અહીં લખવાનો અને મુવી સ્પોઈલર બનવાનો આપણને શોખ નથી. પીટર જેક્શનનું મુવી (લોર્ડ ઓફ ધ રીંગ્સ ફેમ) એટલે કંઈ કહેવું ન પડે. જો કે, એલિયન્સ અને સાયન્સ ફિક્શનનો શોખ ન હોય તો જોવા ન જવું. એક મજાની વાત એ છે કે એલિયન્સની ભાષાનાં સંવાદો સબટાઇટલ તરીકે આવે છે



