Posts Tagged ‘પાલનપુર’
ખાલી ઘર
* બે દિવસથી દાંતના દુખાવા (અને પછી RCT) અને પેટનાં પરાક્રમને કારણે ઓફિસમાં નથી ગયો, પણ આ બાજુ કવિન-કોકી પણ ઘરમાં નથી – એટલે કે પાલનપુર ગયા છે. ખાલી ઘર કોને કહેવાય તે અત્યારે ફરી સમજાય છે. અરે, રવિવારે કવિન મારી મમ્મી જોડે બહાર ગયેલો ત્યારે પણ હું-કોકી કંટાળી ગયેલા, છેવટે શોપિંગ કરવા માટે નીકળી પડ્યા! અને, અત્યારે કવિન જોડે (આ લખતાં-લખતાં) વાત થઈ તો તેણ કહ્યુ, “પપ્પા, અમે આવીએ જ છીએ!”
આ કોણ છે?
કવિનની બાબરી..
* કવિનની બાબરી (એટલે કે મુંડન) હવે ૧૦ ઓગસ્ટના રોજ નક્કી થઈ છે. મને ક્યારનોય એક વિચાર આવે છે કે કવિનભાઈ એ વખતે સીધા કેવી રીતે રહેશે? અને તેનાં પછી તે કેવો ટકલો લાગશે
બાબરી બાલારામ (પાલનપુરથી ૧૪ કિ.મી. દૂર) ખાતે રાખેલ છે (કૌટુંબિક પરંપરા અનુસાર). ત્યાં નદીમાં પાણી હશે તો મજા આવશે!
પ્રણવનાં સંશોધનો!

* મારા કઝિન પ્રણવ મિસ્ત્રીની સિદ્ધીઓનું વર્ણન તીર્થલભાઇએ દિવ્ય ભાસ્કરમાં સરસ રીતે આપેલ છે. તેનો લેખ તમે અહીંથી વાંચી કરી શકો છો. (તમને મૂળ PDF કેવી રીતે ડાઉનલોડ કરવાની તે ખબર ન હોય તો મારો આ હેક આર્ટિકલ વાંચો.)
કોન્ગ્રેચ્યુલેશન્સ પ્રણવ! હા, તે માઇક્રોસોફ્ટ સાથે જોડાયેલ છે
તે વાત અલગ છે!!
(સાભાર: દિવ્ય ભાસ્કર, કળશ પૂર્તિ પાનું ૧)
અપડેટ: પ્રણવ અને તેની સહયોગી પેટ્ટી મેશનો TED વિડીઓ તમે અહીં જોઇ, ડાઉનલોડ શકો. TED એટલે કે વિશ્વભરનાં સંશોધકો, ચિંતકો અને કંઇક નવું અને જુદું કરવા વાળા વ્યક્તિઓ એક જગ્યાએ ભેગા થઇને પોતાની વાત રજૂ કરવા માટેનું મંચ. TEDમાં સાંભળવા જવા માટેની ફી લગભગ ૧ લાખ જેટલી હોય છે!!
અપડેટ: તમે હવે TED.com ના વિડીઓ વર્ડપ્રેસમાં ઉમેરી શકો છો, તો જુઓ વિડીઓ નીચે!
ચિત્ર-વિચિત્ર ૩
* અમદાવાદ, મુંબઇ, બેંગ્લુરૂ પછી હવે વારો છે, મારા પ્રિય પાલનપુરનાં ચિત્ર-વિચિત્ર ચિત્રોનો!
૧. રીક્ષાની પાછળ. પેસેન્જરોનું રામ જાને?

૨. ખતરા હૈ ખતરા. પાર્ટી પ્લોટમાં મીટર રૂમનાં દરવાજા પર!

પાલનપુરની મુલાકાતે…
* આજે સાંજે અથવા કાલે સવારે પાલનપુરની બે દિવસની મુલાકાતે! મમ્મીનો ફોન આવ્યો કે અહીં બહુ ઠંડી છે તો મને થયું કે મેકનાં ડેશબોર્ડમાં પાલનપુરનું તાપમાન જાણી શકાય? આશ્ચર્ય સાથે જવાબ મળ્યો: હા! અને છ દિવસનું હવામાન કેવું હશે તે પણ જોઇ શકાશે. સરસ, હવે કેટલાં સ્વેટર-વાંદરા ટોપી વગેરે લઇ જવા તેનો ખ્યાલ આવી ગયો!

આવજો. રવિવારે મળીશું!!
એવી ખાતરી ખરી?
આજનાં દિવ્ય-ભાચ્સકર (હા, દિવ્ય-ભાસ્કર માં કચ્છ, કરછ લખાય છે) માં જયેશ અધ્યારુનો સરસ નાનકડો લેખ એવી ખાતરી ખરી? આવ્યો છે. તેનાં પરથી મારી આવૃત્તિ લખું છું.
૧૯૮૩ થી ૧૯૯૨ સુધીનો સમય જુદો જ હતો. આજુ-બાજુ ક્યાંય ટીવી નહોતું અને ટીવી પર માત્ર ભૂરી ભેંસ અને સમાચાર, ચિત્રહાર જેવી વસ્તુઓ જ આવતી હતી. સાયકલ માત્ર ૧ રુપિયામાં ૧ કલાક (મોટી સાયકલ ૧ કલાક, એકદમ ટબુ સાયકલ આખો દિવસ) ભાડા પર મળતી હતી. ૫ પૈસામાં બરફ ગોળો મળતો હતો – ૫, ૧૦, ૨૦, ૨૫ પૈસા જોવા અને વાપરવા મળતા હતા. છોકરા-છોકરીઓ પપ્પા-મમ્મીનુ કહ્યું માનતા હતા. ટેલિફોન પી.પી. નંબર પર જ હતો. રીક્ષામાં ક્યાંય જવું એ મોટી વાત ગણાતી હતી. છેક હાઇ-વે સુધી સાયકલ પર જવું એ બહાદુરી ગણાતી હતી. નવી સાયકલ વડે છોકરીઓને ઇમ્પ્રેસ કરવામાં આવતી હતી. સ્કૂલમાં નવું-નવું કોમ્પ્યુટર ૩૨ કેબી અને ૬૪૦ કેબી સંગ્રહ ક્ષમતા ધરાવતું હતું (હા, હાર્ડ-ડિસ્ક એટલે શું?). ટેકનોલોજીનાં સમાચાર માત્ર ગુજરાત સમાચાર અને સ્કોપ વડે મળતા હતા (સ્કોપનાં જૂનાં અંકો વડે – મારા મામા તરફથી જ્ઞાન-વારસામાં મળેલાં). સ્કૂલમાં ૧ થી ૪ સુધી કોઇ યુનિફોર્મ નહોતો, એટલે સાતતાળી રમવા માટે હું ઘણીવાર ચંપલ કે બૂટ પહેર્યા વગર સ્કૂલે જતો હતો. ઘરે આવીને દફતરે ફેંકીને સીધા બહાર રમવા જવાતું હતું. બંધ ઘરોમાં દિવાળીમાં સૂતળી-બોંબ ફોડી શકાતા હતા. રાવણ બનાવી શકાતો હતો (હજી પણ મારા ઘરની આજુ-બાજુ છોકરાઓ બનાવે છે, તે વાત અલગ છે..). તોફાનો ક્યારે બંધ થશે તેની મોટી-મોટી ચર્ચાઓ કરી શકાતી હતી. પરિક્ષાઓ તોફાનોને કારણે મોડી પડતી હતી અને અમને એમ કે પરીક્ષા લેવાશે નહી એ ભ્રમમાં આખું તોફાન-વેકેશન રખડી ખવાતી હતું. સ્કૂલનાં ટીચર્સને ઘરે જમવા કે ગપ્પાં મારવા ટ્યુશન સિવાય પણ બોલાવી શકાતા હતા. વીસીઆર અને વીસીપી પર જ ફિલ્મો જોઇ શકાતી હતી (ભાડા પર લાવીને). દરેક છોકરાનો આદર્શ બ્રુશ-લી હતો. ટીવી પર પ્રસારણ ન આવતું હોય ત્યારે રંગીન કે બ્લેક-એન-વ્હાઇટ પટ્ટાઓ જોવા મળતા હતા. કિલે કા રહ્સ્ય નામની સીરીયલથી બહુ ડર લાગતી હતી. હી-મેન સિવાય બીજા કોઇ કાર્ટૂન વિશે વિચાર આવતો નહોતો. પપ્પાનાં સ્કૂટરનો નંબર આવતાં દિવસો નીકળ્યા હતા. સન્ની નવું-નવું આવ્યું ત્યારે આખા શહેરમાં નવાઇની વાત બની હતી…
હા, બોમ્બ-બ્લાસ્ટ ૧૯૯૩માં સંભળાયા હતા… પણ ખાતરી નહોતી કે સમાચાર સાચા છે.
પાલનપુરી ભાષા
* પાલનપુર રાજસ્થાનની નજીક હોવાથી તેની ગુજરાતીમાં થોડીક અસર હિન્દીની જોવા મળે છે અને તેની ખરી ખબર જ્યારે હું અમદાવાદ-મુંબઇમાં સ્થાયી થયો ત્યારે ખબર પડી.
આવું ના કર –> આવું મત કર
છે –> હેં
જરા આ વસ્તુ જો ને –> જરા આ વસ્તુ દેખ ને
અને હા, અસલ પાલનપુરી મુસ્લિમ ભાષા તો મસ્ત છે (લૈણા હે કે ખાલી દેખણા હૈ). અને જો કોઇને તેની માહિતી હોય તો જણાવવા વિનંતી.
૪ દિવસનો પ્લાન
* ચાર દિવસ વેસા અને પાલનપુર ખાતે.
* દુર્ભાગ્યે મારો કેમેરો ખરા સમયે કામ કરતો બંધ થઇ ગયો. બિચારો. ગઇ કાલે ઓફિસમાંથી અનાથાશ્રમમાં ગયા હતા ત્યાં સુધી ચાલતો હતો – અને પછી તે પોતે જ અનાથ થઇ ગયો!
આવજો. અને બધાને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. જો કદાચ મારું ટાટા ઇન્ડિકોમ યુએસબી ગામમાં ચાલી જાય તો, વેસાનાં કૂતરાંઓ, તળાવ અને ખેતરો વિશે વિગતે લખીશ..
પાલનપુરની મુલાકાતે..
* ગઇકાલે અમારે મહેસાણા (મેહોણા)-પાલનપુરની મુલાકાતે જવાનું થયું. મહેસાણામાં એક મિત્રની નવી ઓફિસનું ઉદ્ઘાટન દશેરાનાં શુભદિવસે હતું, જ્યારે પાલનપુર એક સામાજીક પ્રસંગે જવાનું હતું.
હવે, કવિનનાં દાદા-દાદી આવ્યા હતા એટલે તે તો દાદામય બની તેમની જોડે પાલનપુર વહેલો જવા નીકળી ગયો અને અમને બન્નેને ખબર પડી કે કવિન વગર કેટલું સૂનું લાગે છે! માત્ર ૪-પ કલાક જ ની તો વાત હતી, તો પણ.
અને, પાલનપુરનો આખું બદલાઇ ગયેલું લાગ્યું! રસ્તા ચોખ્ખાં. નવાં સર્કલ્સ. ટ્રાફિક સિગ્નલ્સ! અને ફૂટપાથ. લોકો કહેતા’તા કે “મોદીસાહેબ આવ્યા હતા, તેનો કમાલ છે”. આવો, મોદીસાહેબ દરરોજ આવો અને મારા શહેરને ચોખ્ખું રાખો.
દિવસે સામાજીક પ્રસંગ પતાવીને રાત્રે નાનાં છોકરાંઓએ ભેગા મળીને રાવણ ફોડ્યો તે જોયો.
અમારા સુથારવાસમાં કેટલાય વર્ષોથી (વિક્રમ સંવંત ૨૦૧૧?) ગરબીની પરંપરા છે. નવરાત્રિના પ્રથમ રાત્રિએ ગરબી લાવવામાં આવે છે અને દશેરાની રાત્રે પાલનપુરનાં વિશ્વકર્મા મંદિરમાં પાછી મૂકવા જવામાં આવે છે. ગરબી લાકડાં અને પિત્તળની બનેલ છે. અને જ્યારે રાત્રે બધા દીવાઓ પ્રગટે છે ત્યારે, અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે.
બીજા દિવસે કેટલાંક સંબંધીઓને મળી અમદાવાદ પાછા આવવા માટે નીકળ્યા અને ઘર પહોંચીને ખબર પડીકે ઘરકામ કરવાવાળો રામો તો બે દિવસથી આવતો જ નથી. હા, સળંગ ત્રણ રજાઓ છે એટલે અપેક્ષા રાખજો કે તમને ધ રામા સ્ટોરી વિગતે જાણવા મળશે.


