Posts Tagged ‘પૈસા’
ટામેટું રે ટામેટું
* હું અને કવિન મસ્તી કરતા હતાં, ત્યારે નીચેનું ગીત ગાતા-ગાતા દોડતા હતા..
ટામેટું રે ટામેટું,
ગોળ ગોળ ટામેટું,
લાલ લાલ ટામેટું,
નદીએ નાવા જાતુતું,
ઘી-ગોળ ખાતુતું,
અસ મસ ને ઢસ.
ત્યાં કોકીએ બૂમ પાડીને કહ્યું, ખબર છે, ટામેટાં આજે ૬૦ રુપિએ કિલો હતા! તો પછી ગીત નીચે પ્રમાણે ગાવા લાગ્યા..
ટામેટું રે ટામેટું,
ગોળ ગોળ ટામેટું,
લાલ લાલ ટામેટું,
નદીએ નાવા જાતુતું,
ઘી-ગોળ ખાતુતું,
૬૦ રુપિએ કિલો આવતુતું,
અસ મસ ને ઢસ!!!
ખોવાયો અને મળ્યો…
* ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી વાળી પોસ્ટમાં લખ્યું તેમ હું અશોક પાસેથી મેકબુકનો MiniDVI->VGA કેબલ લઈ આવ્યો. આ કેબલ તમારા મેકબુકને પ્રોજેક્ટર સાથે જોડવા માટે જરુરી છે. મેકબુક VGA પોર્ટની જગ્યાએ વિચિત્ર એવા MiniDVI પોર્ટ સાથે આવે છે અને 99% પ્રોજેક્ટર આ પોર્ટને આધાર આપતા નથી. અને, પાછો આ કેબલ આવે ૧૧૦૦ કે ૧૨૦૦ રુપિયાનો. લેપટોપ જોડે ફ્રી ન આવે! ગમે તે કારણસર મેં હજી સુધી તે ખરીદવાનું ટાળ્યું. એટલે, દર વખતે મારે લેવા જવું પડે. જુઓ નીચે તે કેબલનો ફોટો..

વડોદરામાં પ્રેઝન્ટેશન આપ્યા પછી, મેં કેબલ કાઢીને ક્યાંક મુક્યો. ઘરે આવીને બીજા દિવસે જોયું તો કેબલ ન મળ્યો. મારો તો જીવ અધ્ધર થઈ ગયો. બીજાની ઉછીની લીધેલ વસ્તુ આપણે ખોવાડી દઈએ ત્યારે જે લાગણી થાય એવી આખો દિવસ રહી (અમુક લોકોને આનંદ થાય, પણ એ વાત જુદી છે
). મહિનાનું બજેટ જોયું અને ક્યારે એ કેબલ ખરીદી શકાય એવી ગણતરી પણ કરી દીધેલી. નક્કી કર્યું કે ક્યાંય પણ બહાર પ્રેઝન્ટેશન માટે જઈએ ત્યારે ધ્યાન રાખીને ચેક-લિસ્ટ બનાવી બધી વસ્તુઓ પાછી બેગમાં મૂકવી. આ બાજુ, જીગીશભાઈ અને પ્રતિકને પણ મેં ઊંચા-નીચા કરી મૂક્યા. એકાદ વખત ફોન લગાવ્યો, ઈમેલ કર્યો, ગુગલ વેવ પર પિંગ કર્યું, જીગીશભાઈ તો ત્યાં લેબમાં જઈને પણ જોઈ આવ્યા.
રાત્રે ઘરે આવ્યો, અને કેબલ મારા ૬ પોકેટ જીન્સનાં એક નાનકડાં ખિસ્સામાંથી મળ્યો..
રીક્ષાવાળાઓની હડતાલ મને કેમ ગમી?
૧. મારા ૫૪-૮ = ૪૬ રુપિયા બચી ગયા.
૨. રીક્ષાવાળાઓ જોડે થતી દરરોજની બબાલમાંથી મુક્તિ મળી.
૩. સવારનાં પહોરમાં (એટલે કે ૧૧.૩૦ વાગે) થોડું ચાલવાથી અને વહેલું નીકળવાથી શરીરને ફાયદો થયો.
૪. પ્રદૂષણ થોડું ઓછું થયું.
ધન તેરસ
* આજે ધન તેરસ હતી. એટલે કે ધનની પૂજા કરવાનો દિવસ. રાઈટ. પણ, ધન હોય તો પૂજા થાય ને
એટલે અમે ધન પ્રાપ્તિ માટે પૂજા કરી.
કવિનને થોડી ફૂલઝરી (તારામંડળ) અપાવી છે, જે તેના માટે ‘ફટાકટા’ છે અને અત્યારે તેના માટે જીદ કરી રહ્યો છે. ઘરની બહાર કોડીયામાં દિવા કર્યા, મહેનત કરીને તોરણ (આસોપાલવનું તોરણ + પ્લાસ્ટિકનાં ફૂલોનું) લગાવ્યું, જીરા રાઈસ, શાક-પૂરી અને કચૂંબરનું ભોજન કર્યા પછી મને થોડું ઘેન ચડ્યું છે. પણ, ચાલો હવે, કવિન તેની કેપ્સ લોક દબાવવા આવી પહોંચ્યો છે.
લક્ષ્મી મા તમને સુખ અને સંપત્તિ બન્ને આપે તેવી શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ!
એક સડેલું નિરીક્ષણ
* ધ્યાન રાખજો કે દુકાન કે લારીવાળા તમને છુટા પૈસા કે નોટ્સ પાછી આપે ત્યારે શોધી-શોધીને સૌથી ગંદી, સડેલી નોટ્સ કે પરચૂરણ જ પાછી આપશે અને પછી સામે તમે પણ એવું કરશો…
કરાર અને ન થવાયું તે ફરાર
આજે અમે ઘરના ભાડાનો કરાર (એટલે કે રેન્ટ એગ્રિમેન્ટ) ફરી એક વર્ષ માટે વધાર્યો. આ માટે મકાનમાલિક છેલ્લી મિનિટે મને ફોન કરી કહ્યું કે એક વિટનેસ (એટલે કે સાક્ષી) તમારી તરફથી જોઈશે. મને થયું કોને લઈ જઉં. ઓફિસમાં બધાને પૂછ્યું તો પેન કાર્ડ તો કોઈની પાસે હતું નહીં. ડ્રાઇવિંગ લાયસન્સ પણ બે જણાં પાસે નહોતું (બન્ને દૂર દૂરથી આવે છે. હમમ.. હમમ..) એક જણાં પાસે લાયસન્સ હતું તેનાથી ચાલી શકાય તેમ નહોતું (જય માડી અંબે, ચાલતા અંબાજી!) એક જણાંનું લાયસન્સ કોઈ કાળે ઓળખાય તેવું નહોતું. છેવટે એક ટ્રેઈની પાસે બધી ક્વોલિટી મળી અને અમે જૂની હાઈકોર્ટ ગયા. નોટરી પાસે બધી વિધી કરાવી. પછી, નોટરી એ કહ્યું કે ભાઈ આ વિટનેસની સહી કેમ બાકી રાખી? અમે કહ્યું કે તમારી સામે ના કરવાની હોય? નોટરી કહે કે એ તો તમારે ઘરે થી જ પતાવીને લાવવાનું. ન તો એણે અમારા ઓળખાણ પત્રો માગ્યા કે ન તો વિટનેસ ના.
આહ. પછી કંઈ થાય તો બિચારા મકાનમાલિક અને ભાડૂઆતની વાટ લાગે જ ને.
પાછા આવતા હતા ત્યારે ટ્રાફિક પોલીસે પકડ્યા. તાજેતરમાં જ કરાર કર્યો હોવાથી અમારી ફરાર થવાની ઈચ્છા નહોતી. હેલ્મેટ ન પહેરેલું હોવાથી અમને તેણે ૫૦ રૂપિયા ફાઇન કર્યો જે અમે પાવતી, પહોંચ આપી સહર્ષ ભર્યો.
કંઇક છે..
.. એટલે કે ભગવાન જેવું કંઇક છે. હા, પવિત્ર શ્રાવણ માસમાં હું પણ માનુ છું! થયું એમ કે `પરિવર્તન` આવ્યા પછી મારા બેંકનાં ખાતામાં મોટું ગાબડું પડેલું હતું. એટલે કે ગાબડામાં માલ-સામાન હજી આવવાનો બાકી હતો. ખાતામાં ૧૦૦૦ રૂપિયા જ બાકી હતા અને મારે હવે ઘણા-બધાં પેમેન્ટ (અને ખરીદી) વગેરે પણ બાકી હતા.
ગઇકાલે ઘરે ગયો ત્યારે ખબર પડી કે દિલ્હીથી હું સરાઇ ખાતે પ્રોજેક્ટ કરુ છું તેનો ચેક આવેલ છે!!
હિસાબ-કિતાબ
* ખર્ચાનો હિસાબ-કિતાબ રાખવો અત્યંત અઘરો છે, પણ હાજર છે – બે સરળ ઉપાયો

સ્વરૂપ નામનાં બેંગ્લુરૂનાં એક સોફ્ટવેર એન્જિનિયર (અને સાહસિક, Byte of Python અને Byte of Vim જેવા પુસ્તકોનાં લેખક..) અને બીજા લોકોએ બનાવેલ આ સાધન તમારા ખર્ચા કે આવકની તરત નોંધ રાખશે. જ્યાં પણ પૈસા વાપરો તે નોંધ આ પેન ડ્રાઇવ જેટલાં સાધનમાં નાંખી દેવાની. ઘરે જઇને કોમ્પ્યુટર સાથે જોડી દેતા બધી માહિતી આપમેળે કોમ્પ્યુટરમાં આવી જશે (એટલે કે sync થઇ જશે). આ સાધન હજી પ્રાયોગિક ધોરણ પર છે. છતાં, તેનાં ફીચર્સ જોતા માર્કેટમાં તહલકો મચાવી દે તેવું છે..
૨. પેમ (Personal Expense Manager)
સ્વરૂપની જેમ બીજા એક મિત્ર પ્રસાદ પંડિતે સોફ્ટવેર પર હાથ અજમાવ્યો અને બનાવ્યું કમાન્ડ-લાઇન સોફ્ટવેર. PEM વડે લિનક્સ અને મેક (વિન્ડોઝ પર પણ ચાલે છે) પર તમે ગીક લોકોને પોતાનાં ખર્ચા-પાણીનો હિસાબ રાખતાં કરી શકો છો. સોફ્ટવેર હજી શરૂઆત છે. જો તમને પર્લ (perl) આવડતું હોય તો તમે તેમાં સુધારો-વધારો કરતાં માટેનાં વિચારો મોકલી શકો છો. નોંધ રાખો કે આ ટૅલી નથી એટલે તેવી રીતે સરખામણી કરતાં નહીં!
તેજી?
* માર્કેટ સુધારા પર? આમ, તો મને શેર-બજારમાં ઝાઝી ગતાગમ પડતી નથી, છતાં પણ…

જોઇએ, હવે શું થાય છે…
મની–>માવા/પનીર
* નીચેનો ફોટો છે, બે-ત્રણ દિવસ પહેલાનાં એક બેંકના ATMનો. કેટલું સારું હતું કે ATM ઘરની પાસે હતું. પરંતુ, હવે મનીની જગ્યાએ માવા, પનીરથી કામ ચલાવવું પડશે


