Posts Tagged ‘સ્વાદ’
ફાફડા
* અફસોસ કે એ ફાફડાનો હું ફોટો ન પાડી શક્યો જે મને અત્યારે વિતાડી રહ્યા છે.. ત્યાં સુધી ઈનો અને સોડા ઝિંદાબાદ! પણ એકલા ફાફડા-જલેબીનો વાંક નથી. સવારે ફાફડા-જલેબી, બપોરે સ્વાતિમાં ઉત્તપમ અને માર્ગારિટા પીઝા, હેવમોરનો આઈસક્રીમ અને બપોરે મગ ભરીને ચા. આમાંથી કોઈ પણ, શકના ઘેરાવામાં આવી શકે છે..
અપડેટ: શકમંદ માર્ગારિટા પીઝાનો ફોટો,
ચીઝ ક્યુબ
* આજે ડિનરમાં ઘણા દિવસ પછી ભાખરી પીઝા બનાવ્યા. તે માટે મારે ઓફિસથી ઘરે આવતી વખતે ચીઝ ક્યુબ લાવવાનાં હતા. મને વિચાર આવ્યો કે તેને ચીઝ ક્યુબ કેમ કહે છે? એ ક્યુબ તો હોતા જ નથી!ક્યુબ એટલે કે સમઘન જેટલી બધી બાજુઓ સરખી હોવી જોઇએ. આવો વિચાર કરતાં-કરતાં છેવટે બે ભાખરી-પીઝા પૂરા કર્યા અને કવિને ત્યાં સુધીમાં એક ચીઝ ક્યુબનો ચીઝ લોચો પણ બનાવી નાખ્યો
એ બે દિવસો…
* એટલે કે, સોમવાર અને મંગળવાર – બન્ને દિવસો દરમિયાન હું બિમાર પડી ગયો (પેટ પરાક્રમ) અને ઓફિસમાં રજા પાડવી પડી. થેન્ક્સ ટુ પીઝા, ઢોંસા અને મેકડોનાલ્ડનું જંકફૂડ. હવે, લાગે છે કે કંઇક જમવાનું બનાવતા શીખવું પડશે. એકાદ વર્ષ પહેલા મેગી બનાવવાનો પ્રયત્ન કરેલો – સફળ પણ થયેલો. પણ, પછી મોટાભાગે કોકી-કવિન એકાદ-બે દિવસ કરતાં વધુ દૂર ગયા નહીં અને હું રસોડામાં જવાનું ભૂલી ગયેલો. હા, નાસ્તાનાં ડબ્બા ક્યાં પડ્યા છે તે તો ખબર હોય જ.
એક ફાયદો થયો. મેકડોનાલ્ડની કૂપનમાંથી લિવાઇસની ટી-શર્ટ ઇનામમાં મળી. હજી આવી નથી – આવશે ત્યારે પહેરીને ફોટુ મૂકીશ
પાંચ વર્ષ
* અમારી એન્ગેજમેન્ટ ઉર્ફે સગાઇના પાંચ વર્ષ પૂરા થયા. પણ, બન્ને કે અત્યારે ગણેશ ઉત્સવ મનાવવા માટે મુંબઇ ગયા છે, તો એકલો-એકલો હોટલમાં જઇશ. ભરપૂર ખાઇશ (જોકે અત્યારે પેટમાં ઠીક લાગતું નથી એ વાત અલગ છે..) અને રાત્રે આરામથી ડેબિયનનું કંઇક કામ કરીશ. ગઇસાલ તો અમે સ્વાતિમાં ગયેલા.
આજે ઓપનમેપ.ઇન્ફો વાળા જયેશભાઇને મળ્યો. એક જોરદાર પ્રોજેક્ટ અમે શરૂ કર્યો છે – તે વિશે ફરી ક્યારેક વિગતે જણાવીશ.
નાસ્તો..
આલુ પરોઠાની ટેલિપથી
* કોઇક વખત એવું બને છે જે આપણને ટેલિપથી જેવું લાગે. ઓફિસમાં પલક આલુ-પરોઠા લાવી હતી, તે જોઇને મને મોંઢામાં પાણી આવ્યું અને વિચાર આવ્યો કે આજે કોકીને ઘરે જઇને આલુ-પરોઠા બનાવવાનું કહીશ. પાંચેક વાગે તેનો ફોન આવ્યો કે, “આજે આલુ-પરોઠા બનાવું?” ભાવતું હતું ને વૈદે કીધું. ઘરે ગયો અને મેં અને કવિને બરોબરનાં આલુ-પરોઠા ઝાપટ્યાં. મોડાં કોકીની બહેન (ઉર્ફે મારી સાળી)નો ફોન આવ્યો અને કહ્યું કે મેં આજે આલુ-પરોઠા બનાવ્યાં છે
કોકીએ ઉત્સાહમાં આવીને એટલાં બધા પરોઠા બનાવ્યાં કે સવારે નાસ્તામાં પણ તે ખાવા મળ્યા!
વેકેશન ૨૦૦૯
* ગઇકાલે અમે યુનિવર્સિટી ગ્રાઉન્ડ (ગુજરાત. જોકે હવે અમદાવાદ યુનિવર્સિટીની જાહેરાત પછી હું નક્કી નથી કે એ ગ્રાઉન્ડ કોનું છે..) પર આવેલા ‘વેકેશન ૨૦૦૯’ પ્રદર્શનમાં જવાનું નક્કી કર્યું. રીક્ષામાં ત્યાં ગયા તો અદ્ભુત ધસારો જોઇને લાગ્યું કે જાહેરાત મુજબ ખરેખર સારુ જ લાગે છે. ટીકીટ લઇને અંદર ગયા ત્યારે આકાશ અને અવકાશનું દર્શન કરાવતા વિભાગથી શરૂઆત થઇ!

ત્યાં સ્પેશશટલ અને મંગળનો માઉન્ટ ઓલ્મપસ જોઇને કવિનને મજા આવી ગઇ. મને વધુ મજા આવી કારણકે, અવકાશ વિશેનું મારું થોડું જ્ઞાન પ્રદર્શિત કરવાની મને તક પણ મળી. થોડે આગળ ગયા તો શુક્ર પર હોય તેવી ગરમી લાગવાની શરૂઆત થઇ અને અમને થયું કે અહીં એકાદ પંખા મુક્યા હોય તો આનંદ થાત. વધુ આગળ ગયા તો ત્યાં ચંદ્રની ધરતીનાં દર્શન કર્યા અને પછી બીજા વિભાગમાં ગયા અને એમવેની દુકાન દેખી સીધા જ ધરતી પર પટકાયા! ટૂંકમાં, બીજા સામાન્ય પ્રદર્શનો હોય છે તેવું પ્રદર્શન – મસાલા, શરબત, હોમલોન્સ, કોમ્પ્યુટર ક્લાસીસ વગેરેના સ્ટોલ્સ. સફારી મેગેઝિનનો સ્ટોલ પણ છે – અને ત્યાં લવાજમ પણ ભરી શકાય છે, જોડે એક પુસ્તક ફ્રી છે. અમે ત્યાંથી એક ઇન્સ્ટન્ટ મિક્સનું પેકેટ, ખસનો શરબત ઉપાડ્યો (ત્યાં જવાનો કંઇક તો લાભ ઉઠાવવો પડેને!).
આગળ ગયા તો ત્યાં ફુડ કોર્નર હતું – હમમ, લોકોનો પ્રિય વિભાગ. કચરાપેટી હોવા છતાં લોકોને જ્યાં-ત્યાં કચરો નાખતાં જોઇ બહુ નવાઇ ન લાગી, કારણ કે, અહીં આવા દ્રશ્યો સામાન્ય છે. વધુ આગળ જતાં, બાળકો માટેની વિવિધ રાઇડ્સ હતી. અરર, આ તો મને પાલનપુરમાં દર વર્ષે ભરાતા મુરસદના મેળા જેવું જ લાગ્યું (હવે ખ્યાલ નથી કે મેળો ભરાય છે કે નહીં). એ જ મોતનો કૂવો અને ચકડોળ વગેરે. એકાદ બે આઇટમ્સ નવી હતી (સોરી, નો રાખી સાવંત!). કવિનને મજા આવી ગઇ, મને અને કોકીને થાક લાગ્યો, પણ કવિનને મજા આવી એટલે અમારા થાકનો છેદ ઉડી ગયો.
તા.ક. ત્યાં જાવ તો સ્ટફ ઢોકળાં ખાતા નહીં. બહુ જ ગંદા અને ખાટાં હતા.
તા.ક. ૨: વેકેશન નામનું મુવી છે, જે ૨૦૦૯માં આવવાનું છે
નવો બિઝનેશ?
કુસેવા અને સેવા
* ગઇકાલે ઓફિસ આવતી વખતે મૂડ થોડો ખરાબ હતો. કારણ ખબર નથી. રસ્તામાં એક ઘરડાં કાકાએ કહ્યું કે બેટા, જો ગુરુકુળ સુધી ચાલતો જતો હોય તો, મને હાથ પકડીને લઇ જા. મેં એકદમ ખરાબ રીતે ના પાડી. પછીથી પોતાનાં પર બહુ જ શરમ આવી (અને, હજી પણ આવે છે..)
રાત્રે બધાએ સેવા કાફે જવાનું નક્કી કર્યું. મજા આવી ગઇ અને પ્રેમથી બનેલ ઇડલી, સંભાર, સેન્ડવિચ અને આઇસક્રીમ બહુ જ સરસ લાગ્યા. ખાસ કરીને સમગ્ર વિચાર અને તેનો અમલ થતો જોઇ બહુ જ આનંદ થયો. અને, હા નીચેનું વાક્ય વાંચો:

આ મિરર ચિત્ર છે. અને, તે ખરેખર જમ્યા પછી હાથ ધોતી વખતે વાંચવાનું છે! બીજા ચિત્રો અને અમારા મસ્ત ફોટાઓ માટે અશોકની ફોટો-ગેલેરીની મુલાકાત લો.
નોંધ: મેં અને કોકીએ નક્કી કર્યું છે કે સેવામાં જઇને સેવા આપવી. અને અમને બન્નેને ગમતી (અને મને તો માત્ર આવડતી) વસ્તુ છે – વાસણ ધોવાની!
ખાદ્ય ખોરાક ૨૦૦૯
* ખાદ્ય ખોરાક ૨૦૦૯ નામનું એક એક્ઝિબિશન યુનિવર્સિટી મેદાન પર લાગેલ છે. ઓફિસથી આવતાં-જતાં હું આ પ્રકારનાં એક્ઝિબિશન પર નજર રાખું છું – અને મને મુલાકાત લેવાની મજા પણ આવે છે. મને એમ કે સરસ મજાનું ખાવાનું-નાસ્તો વગેરે તેમાં મળતું હશે એટલે અમે સપરિવાર ત્યાં ગયા અને…
… ત્યાં ગયા પછી ખબર પડી કે આ તો ફૂડ પ્રોસેસીંગ અને ફૂડ પ્રોડક્ટશ મશીન માટેનું એક્ઝિબિશન છે!!




