છુટ્ટા પૈસા

બે દિવસ પહેલાં ઓફિસમાંથી નીકળતા થોડુ મોડુ થઇ ગયુ. સારી વાત છે કે મુંબઇમાં રાત્રે ૧૨ વાગ્યા પછી પણ બેસ્ટની બસ સેવા ચાલુ હોય છે. પણ, કદાચ મારૂ નશીબ થોડું ખરાબ હશે, બસમાં બેઠો, કંડકડરે ટીકીટ આપી, મેં તેને ૧૦૦ની નોટ આપી, તેણે બસ ઉભી રખાવીને અને ઉતરી જવા કહ્યું. બસમાં ખાલી ૪ થી પ જણાં હતા, કોઇની પાસે છુટ્ટા નહોતા! ઓકે, હું ઉતરી ગયો. આગલા સ્ટોપથી બીજી બસમાં બેઠો. એજ પરિસ્થિતિ! છુટ્ટા પૈસા નહોતા. ફરી બસમાંથી ઉતરી ગયો અને નાછૂટકે રીક્ષા કરવી પડી. હવે, જોડે ૫ રૂપિયા તો રાખવા જ પડશે..

યુનિકોડ

ગુજરાતીમાં લખવુ સરળ બન્યુ તે માટે આપણે સૌ કોઇએ યુનિકોડનો આભાર માનવો જોઇએ. અત્યાર સુધી શું થતુ કે, જો તમારે ગુજરાતીમાં લખવા હોય તો કોઇ ચોક્કસ ફોન્ટમાં લખવું પડે અને વેબસાઇટ ઉપર તે ફોન્ટ ડાઉનલોડ કરવા માટે મૂકવા પડે. વળી, તે ફોન્ટ બનાવનાર કંપની અથવા વ્યક્તિની જોડે લાયસન્સ/કરાર અંગે પણ સ્પષ્ટતા કરવી પડે. (મોટાભાગનાં ફોન્ટસ માત્ર વાંચવાના ઉપયોગમાં જ લઇ શકાય તેવું લાયસન્સ ધરાવે છે.) આથી, જો ફલાણા ગામમાં રહેતા ઢીંકણા ભાઇ કોઇ પોતાના ફોન્ટ વાપરી પત્ર લખે તો, ઢીંકણા ગામમાં રહેતા ફલાણા ભાઇને તે પત્ર વાંચતા આંખે પાણી આવી જાય!

પણ, હવે જમાનો આવ્યો છે, યુનિકોડનો. યુનિકોડ એટલે દરેક ભાષામાં લખવા માટેનાં પ્રમાણભૂત નિયમો. આ નિયમો અનુસાર દરેક ભાષાનાં દરેક અક્ષરને એક ચોક્કસ ક્રમ આપવામાં આવ્યો છે, આ ક્રમ અફર રહે છે અને દરેક ફોન્ટમાં તે સમાન રહે છે, એટલે યુનિકોડ = યુનિવર્સલ+ કોડ જેવું નામ આપવામાં આવ્યુ. આથી, જો તમે તમારી સિસ્ટમમાં યુનિકોડ ફોન્ટ વાપરો, તો તમારૂ લખાણ દુનિયાનાં કોઇપણ ખૂણે આરામથી વાંચી શકાય, તેમાં સુધારો સરળતાથી કરી શકાય!

લિનક્સ અને વિન્ડોઝ XP જેવી દરેક આધુનિક ઓપરેટિંગ સિસ્ટમો યુનિકોડને આધાર આપે છે. લિનક્સ આધારિત ઉત્કર્ષ ગુજરાતી ઓપરેટિંગ સિસ્ટમ તો આખી યુનિકોડ આધારિત છે. તમે ઉત્કર્ષની વેબસાઇટ પરથી બે યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો! આકાર અને રેખા નામના આ ફોન્ટસ તમને ગુજરાતી લખવામાં ઉપયોગી થશે.

ઝાઝી.કોમ અને દિવ્યભાસ્કર.કો.ઇન સરસ ગુજરાતી સાઇટો છે, પણ દુર્ભાગ્યે તે નોન-યુનિકોડ ફોન્ટમાં બનાવેલ છે. હું આશા રાખું છું કે બદલાતી દુનિયા સાથે કદમ મિલાવી આ બન્ને સરસ સાઇટો યુનિકોડમાં ફેરવાશે..

સુધારો: દિવ્ય ભાસ્કર હવે યુનિકોડમાં છે!!

ઇન્ડિક બ્લોગર એવોર્ડ

* માઇક્રોસોફ્ટની ભાષાઇન્ડિયા.કોમ સાઇટે ‘ઇન્ડિક બ્લોગર એવોર્ડ‘ ની ઘોષણા કરી છે. ફેબ્રુઆરી પહેલાં જેમણે બ્લોગ લખવાની શરૂઆત કરી હોય તેમને પોતાનુ નોમીનેશન કરવુ જોઇએ. હું ઇચ્છું છું કે કોઇ ગ્જરાતી બ્લોગ આ એવોર્ડ જીતે!

* કાન્તિ ભટ્ટે પોતાની ‘ઇસ્ટાઇલ’ માં સ્વર્ગસ્થ બક્ષીને શ્રધ્ધાંજલિ આપી છે. તેમને આ લેખ શું ખાઇ અથવા પીને લખ્યો તે સમજાતું નથી.

* ભારત આજે ઇંગલેન્ડ સામે જીતી ગયું. મેચ જોવા તો ન મળી, પણ સ્કોર જોઇને મજા આવી…

ચોગ્ગો

ઉત્કર્ષ – ગુજરાતી ઑપરેટિંગ સિસ્ટમ બનાવવામાં મને ઘણાં અનુભવો થયા છે.. ભાષાંતર જો ખોટું થાય તો, કેવી રમૂજી પરિસ્થિતિ થઇ શકે છે, તેનું એક ઉ.દા. મને આજે મળ્યું.. એક ભાઇએ “Four” નું ભાષાંતર ગુજરાતીમાં શું કર્યુ હશે? તેઓ કદાચ ક્રિકેટનાં ખૂબ શોખીન હશે, એટલે તેમણે તે “ચોગ્ગો” રાખેલું!!

આજનો દિવસ..

# હમમમ, આજથી મેં મારો ગુજરાતી બ્લોગ ચાલુ કર્યો છે….

(ગુજરાતી ફિલ્મોનુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક)

પણ, આજનો દિવસ ખરાબ સમાચાર સાથે શરુ થયો.

મારા પ્રિય ગુજરાતી લેખક શ્રી ચંદ્રકાંત બક્ષી હવે આ દુનિયામાં રહ્યા નથી!

મારી પાસે સમાચારની કોઇ લિંક નથી. ખાલી એક આ ફોટો છે,
જે કદાચ બહુ જુનો છે. ચંદ્રકાંત બક્ષીને ના ઓળખતા હોય, એવુ કોણ હશે?
એ કદાચ એક જ એવા લેખક હશે, જે શેઠિયાઓનાં પગનાં તળિયા દબાવ્યા વગર ખુમારીથી જીવ્યા!

પાલનપુર (મારું વતન) માં તેમનું ઘર ખોડા લીમડાની જોડે બક્ષીવાસમાં છે, હું જ્યારે પણ તે રસ્તે નિકળું છું, મારી નજર એ તરફ જ વળી જાય છે..

તેમની બુક્સ વાંચવાની મજા પણ અનેરી છે અને જ્યાં સુધી ગુજરાતી ભાષા રહેશે, ત્યાં સુધી રહેશે..

# મારા મુખ્ય બ્લોગ માં મેં થોડું લખ્યું છે, મોટાભાગે તે આનું અંગ્રેજી જ છે…