ઘરે..

* ગઇ કાલે પાછો મુંબઇ એટલે કે ઘરે આવ્યો. અફસોસની વાત છે કે આટલો સમય અહીં હોવા છતાં ઘણાં લોકો (પંકજભાઇ, હિમાંશુભાઇ અને અન્ય સગા-સંબંધીઓ..) ન મળી શકાયું. આનંદની વાત છે કે ઘણાં સરસ લોકો સાથે પણ મુલાકાત થઇ.

તો અમદાવાદ, ફરી ક્યારેક.

ગુજરાતી સાહિત્ય પરિષદ: સમાપન

* ત્રીજો આખો દિવસ પણ સ્ટોલ પર જ ગયો. ગુજરાતીલેક્સિકોનની બધી જ સીડી ખલાસ થઇ ગઇ, તેનો શ્રેય ગાંધીનગર કલ્ચરલ ફોરમે ફેલાવેલ સાહિત્ય મહેકને જાય છે. ચૂંટણી હોવા છતાં સમગ્ર ગાંધીનગરમાં સાહિત્યનું વાતાવરણ ઉભું કરવું એ નાની વાત નથી.

ગાંધીનગરનાં રીક્ષાવાળાઓ નેતાઓ જેવા જ છે. કહે કંઇ અને કરે કંઇ!

રાત્રે એટલો બધો થાકી ગયો કે જમવા પણ ન ગયો.

ખૂબ ખૂબ અભિનંદન..

* જેમ નક્કી જ હતું. શ્રી મોદીજીને મારા તરફથી હાર્દિક અભિનંદન. આનંદની વાત છે કે વિજય વિશે સાંભળ્યું તે વખતે હું મણિનગરમાં જ હતો! ચારે તરફથી નકારાત્મક વાતાવરણ ઉભું કરેલ હોવા છતાં, વિરોધીઓને ધોબીપછાડ મળી તેનો આનંદ અનેરો જ છે..

જ ય ગુજરાત!

ગુજરાતી સાહિત્ય પરિષદ: દિવસ ૨

* બીજા દિવસની શરૂઆત અને અંત સ્ટોલ પરથી જ આવ્યો. આખો દિવસ સ્ટોલ પર જ હતો, થોડા લોકોને મળવાનું થયું. અને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. નીચેનાં પુસ્તકો લીધા.

૧. ઓળખ પરેડ: અશોક દવે

વિવિધ જ્ઞાતિઓની ઓળખ કરાવતું અને મારી જ્ઞાતિ જ સર્વશ્રેષ્ઠ એવો ભ્રમ ભાંગતું સરસ પુસ્તક. ગુજરાત સમાચારની બુધવારની બપોરે જેણે વાંચ્યું હોય તેને અશોક દવેની કલમનો પરિચય આપવો પડે?

૨. મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ

ખરીદી અને ચોક્કસ વાંચવા જેવું પુસ્તક.

૩. સફળતાની સરગમ – બી.એન. દસ્તૂર

મારા જીવનમાં આજે એક મહત્વનો નિર્ણય આ પુસ્તકનાં પાંચ મિનિટનાં વાંચન પરથી લીધો. તો કંઇ કહેવાનું હોય?

૪. ઘર ઘરની કહાણી – બેપ્સી એન્જિનિયર

હજી જોવાનું બાકી છે, પણ સરસ લાગે છે.

૫. બકોર પટેલનાં પરાક્રમો અને બકોર પટેલ: આસમાનમાં

બકોર પટેલ વિશે કંઇ કહેવાનું હોય 🙂

સાંજે વહેલાં નીકળી જવું પડ્યું. અને હા, બપોરનું જમવાનું સરસ હતું. હજી ૫૦% લોકોને બુકમાર્ક એટલે શું તે ખબર નથી. એક ભાઇ સ્ટોલ પર આવી ગુજરાતીલેક્સિકોનનાં બુકમાર્કને આમતેમ જોઇ વાળી ખિસ્સામાં મુકીને ચાલતા થયા!

ગુજરાતી સાહિત્ય પરિષદ: દિવસ ૧

* આજે બપોરે બધા અહીં એટલે કે ગાંધીનગર આવ્યા.

પરિષદની શરૂઆત સરસ રહી, બધા વક્તાઓએ સરસ (અને ટૂંકું) વકતવ્ય આપ્યું. અને રતિકાકાએ પણ સ્ટાઇલમાં મજાનું વકતવ્ય આપ્યું. અને જે વસ્તુ માટે આતુરતાથી રાહ જોવાતી હતી તે ગુજરાતીલેક્સિકોન લોન્ચ પણ સારી રીતે સંપન્ન થયું (થોડી સ્ક્રિનની ગરબડ સિવાય). જમવાનું પણ સરસ હતું. અને લેક્સિકોનનાં સ્ટોલને પણ સારો પ્રતિસાદ સાંપડ્યો. સમગ્ર ગોઠવણ સરસ છે. સ્ટોલતો અત્યાર સુધીની દરેક કોન્ફરન્સમાં સરસ રીતે ગોઠવેલ છે. (જય ગવર્મેન્ટ).

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ પણ છે.

રાત્રે નરસિંહ મહેતાનાં જીવન અને ભજન પર ચતુષ્ પરિમાણિય કાર્યક્રમ હતો. નરસૈયા જેવી ટોપી અન કરતાલ બધાને આપેલ.

નરસૈયો

અપડેટ: જુઓ ઉપરનો ફોટો!!

જેમને માત્ર વાંચેલ એવા રઘુવીર ચૌધરી, વિનેશ અંતાણી અને અન્ય ધુરંધરોને જ્યારે મળવાનું થયું ત્યારે મજા આવી.

વિચારોની ભેળપૂરી

* ગુજરાત સમાચારની બુધવારની શતદલ પૂર્તિ ની એક કોલમ માંથી.

“ખિસ્સાની નિર્ધનતા વિચારોની નિર્ધનતા માટે સીધી જવાબદાર છે..”

સંમત છો?

અને છેલ્લાં રવિવારનો એક લેખ વાંચો.

* સ્પેકટ્રોમીટર કોલમમાંથી,
Good speech should be like women’s skirt. Long enough to hide the subject, short enough to arouse the interest! (ઉત્તમ વકતવ્ય સ્ત્રીના સ્કર્ટ જેવું હોવું જોઈએ!.. ઢાંકે તેટલું લાંબું ને, રસ જગાડે એટલું ટૂંકું!)

બક્ષીજીનાં બે પુસ્તકો

* આજકાલ હવે, સંપાદિત પુસ્તકોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

રજવાડુંનાં ગ્રંથમાધુર્યમાંથી બે પુસ્તકો, કહેવત-વિશ્વ અને ક્લોઝ-અપનું સ્માઇલ પ્લિઝ લાવ્યો (સંપાદન: અંકિત ત્રિવેદી).

રેન્ડમ પાનાંઓમાંથી,

જે ગમે એ કરો નહીં તો જે કરશો એ ગમવા માંડશે. –જ્યોર્જ બર્નાર્ડ શૉ

હંસા થે સો ઉડિ ગયે,

કાગા ભયે દિવાન

(અર્થ: હંસ હતા એ ઉડી ગયા અને કાગડા દીવાન થઇ ગયા.)

અને, હા રજવાડુંમાં જમવાનું સારૂં હતું 🙂

હવે અમદાવાદમાં…

* હવે ૧૭થી ૨૭ સુધી અમદાવાદમાં.

૨૦ તારીખે સાહિત્ય પરિષદમાં ગુજરાતીલેક્સિકોનનાં સહયોગથી સાર્થ જોડણી કોશનું ડીજીટલાઝેશનનું લોકાર્પણ થવાનું છે. પરિષદમાં ખબર નહી શું થાય છે – વાર્તા, વિવેચન, વગેરે તો મને જાણ છે. જોઇએ, કેટલી હિંમત છે, મારામાં.

* અમદાવાદમાં જાઉં છું તો, સી.જી.રોડ પર આવેલ હોબી સેન્ટરમાં (સોલાર કાર અને ટેલિસ્કોપ લેવાનો પ્લાન છે) અને દર વખતની જેમ ક્રોસવર્ડમાં તો જવાનું જ છે.

* બીજું તો કંઇ નથી, આજે મુંબઈ ના મેયરને નવું તૂત સૂઝ્યું છે અને રાત્રે ૭.૩૦ થી ૮.૩૦ સુધી સમગ્ર વીજળીનાં સાધનો બંધ, (લાઇટો પણ), રાખવાનું સૂચન કર્યું છે. માણસો નેતાઓ પણ કંઇ છે ને..

બેંગ્લુરૂમાં..

* ૩ તારીખે રાતની ફ્લાઇટમાં અહીં આવ્યો. ૪ થી ૯ સુધી અહીં જ છું – ફોસ.ઇન. કોન્ફરન્સમાં. પ્રથમ બે દિવસ પ્રોજેક્ટ ડે હતા. અને હવે મેઇન કોન્ફરન્સ ચાલી રહી છે. મારી ત્રણ ટોક અને એક વર્કશોપ સારી ગઇ, થોડી લેપટોપ અને પ્રોજેક્ટરની ગરબડ સિવાય.

* શું તમે ફ્રી અને ઓપનસોર્સમાં રસ ધરાવો છો? માઇક્રોસોફ્ટની મોનોપોલીથી અને બંધનોથી છુટકારો મેળવવા માંગો છો? તો આ કોન્ફરન્સ તમારા માટે છે.

* આઇ.આર.સી. નીકનેમ અને ચહેરાઓને મેળવવાની મજા કંઇ અલગ જ છે..