“અમારાં ઘરમાં રિપેરકામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દિવસની આ વાત છે.. કામ પર આવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરૂ કર્યા પછી અધવચ્ચે એની ઈલેક્ટ્રિક કરવત બગડી ગઈ. દિવસ પૂરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની ટ્રક ચાલી નહીં. હું એને મારી ગાડીમાં એના ઘેર મૂકવા ગયો. રસ્તામાં એ એક પણ શબ્દ બોલ્યો નહીં. અમે એના ઘેર પહોંચ્યા ત્યારે એણે કહ્યું : ‘ઘરમાં થોડી વાર આવો ને ! મારાં પત્ની અને બાળકોને તમને મળીને આનંદ થશે.’
ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડ પાસે એ રોકાયો. બન્ને હાથ એણે ઝાડ પર મૂક્યા. બારણામાં દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. એનાં બે બાળકોને વહાલથી ભેટ્યો અને પત્નીને ચૂમી આપી. મને એ કાર સુધી મૂકવા આવ્યો. અમે પેલા ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતૂહલ હું રોકી શક્યો નહીં. મેં એને પૂછ્યું : ‘ઘરમાં દાખલ થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?’
‘અરે, હા. આ ઝાડ તો મારા મનની ખીંટી છે. હું કામે જાઉં ત્યાં કોઈ ને કોઈ તકલીફ તો આવવાની, પણ એક વાત નક્કી કે ઘરે મારાં પત્ની અને બાળકોને એની સાથે શું લેવાદેવા ? એટલે, જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ થાઉં છું. સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છું. પણ નવાઈની વાત તો એ છે કે રાતે મૂકેલી તકલીફોમાંથી ઘણીખરી સવારે ત્યાં હોતી નથી.”
નોંધ: ઉપરનાં નાનકડાં પણ અત્યંત સરસ લખાણને મને ફોર્વડ ઇમેલ કરવા બદલ સુમૈયાનો આભાર. મૂળ લખાણ કોનું છે, તે મને ખબર નથી, એટલે જો કોઇને ખ્યાલ હોય તો જણાવવા વિનંતી.
અપડેટ: આ લખાણ સુરેશદાદાનાં બ્લોગ પોસ્ટ મનની ખીંટી પરથી છે!
પ્રશ્ન: તો, તમારા મનની ખીંટી ક્યાં છે?
Like this:
Like Loading...