વેપાર, રમત અને ખરો

(ફોટો, http://flickr.com/photos/jackpix/146384867/ માંથી)

* તમે બધાએ મોટાભાગે વેપાર (અથવા મોનોપોલી)ની રમત રમી જ હશે. પણ, મોટા થયા પછી ક્યારેય ખરેખરો વેપાર કરતી વખત આ રમત અને વેપાર વચ્ચે શું સંબંધ હોઇ શકે તે વિચાર્યું છે? કદાચ નહી જ વિચાર્યું હોય. તો બિઝનેશપંડિત.કોમ પર આવેલ આ સાત મુદ્દાઓ જરૂર વાંચજો.

અને હા, મને ગમતાં બધાં જ સારા લેખ તમે મારાં ગુગલ રીડર શેર્ડ પાનાં પર વાંચી શકો છો!

ફિલમ: નોરબિટ

* ગઇકાલે રાત્રે જલ્દી ઘરે આવી ગયો અને ઘર શોધવાની પ્રક્રિયાથી (હા, એક બ્રોકરને ત્યાંથી અડધે રસ્તેથી પાછો આવ્યો) કંટાળીને ઘણાં દિવસ પછી HBO ચાલુ કર્યું. મુવી શરૂ થઇ ગયા પછી ન્યૂઝપેપરમાં (ઢગલામાંથી શોધ-ખોળ કરીને!) નામ દેખ્યું, તો ખબર પડી કે નોરબિટ નામનું મુવી છે.

નોરબિટ (એડિ મર્ફિ) એ અનાથાશ્રમમાં રહેતો ઢીલો-પોચો બાળક છે અને તેની ફ્રેન્ડ કેટ છે. થોડા સમય પછી કેટને એક ફેમિલી એડોપ્ટ કરી લે છે અને નોરબિટ એકલો પડી જાય છે અને નોરબિટની (બળજબરી) ફ્રેન્ડ બને છે જાડી-પાડી રાસ્પુટીઆ. અને છેવટે તે પત્ની પણ બને છે! એક પિકનીકમાં નોરબિટને કેટ ફરી મળે છે, જે અનાથાશ્રમ ખરીદી લેવાની હોય છે, પણ કેટનો બોયફ્રેન્ડ રાસ્પુટીઆનાં બિલ્ડર ભાઇઓ સાથે મળીને કંઇક બીજો પ્લાન બનાવે છે. પછી ઘણી બધી ઘટનાઓ બને છે.. એ માટે તમારે આ મુવી જોવું પડશે 😉

અત્યારે જ ખબર પડી કે નોરબિટ, રાસ્પુટીઆ અને મિ.વોંગ (અનાથાશ્રમનાં ચાઇનિઝ સંચાલક) ત્રણેનાં પાત્રો એડી મર્ફિએ જ ભજવ્યા છે. કમાલ છે ને!

ઘર શોધવાનો ફ્લો-ચાર્ટ

* ત્રણ મહિના જેવી મહેનત પછી જો ઘર ન મળે તો કેવી હાલત થાય? નીચેનાં જેવાં ફ્લો-ચાર્ટ દોરવા પડે…

* નારણપુરા, ઘાટલોડિયામાં ૧ બેડરૂમ-હોલ-કીચનની તપાસ ચાલુ છે, પરિણામ અત્યાર સુધીતો શૂન્ય (લગભગ) જ છે. તમારી જાણમાં કોઇ ઘર/ફ્લેટ (ખોખું નહી!) હોય તો કોમેન્ટ જણાવવા વિનંતી. હા, થોડી ચિકણાઇ કરી એટલે એક સરસ ફ્લેટ હાથમાંથી જતો રહ્યો તે શરમ વગર લખું છું 😦

તમારે વિન્ડોઝ કેમ ન જ વાપરવું જોઇએ?

* આપણને બધાને ખબર છે કે વિન્ડોઝનાં જેટલાં પર લિગલ ઇન્સ્ટોલેશન થાય છે તેના કરતાં પાયરેટેડ ત્રણ ઘણાં થાય છે. મારા કઝિનનાં લેપટોપમાં (કોમ્પેક પ્રિસારીઓ વી૩૦૦૦) વિન્ડોઝ હોમ સાથે આવેલું હતું. એક દિવસ અચાનક લેપટોપ બંધ થઇ ગયું, અને વોરન્ટીમાં ન હોવાથી એચ.પી. અને સર્વિસ સેન્ટર બન્ને વાળાએ હાથ ઉંચા કરી દીધા. ઓકે. નો પ્રોબ્લેમ. મેં તેને સલાહ આપી કે જો, વિન્ડોઝ XP પ્રોફેશનલ નાખશે તો લેપટોપ સારું ચાલશે. તો અમે, ગઇકાલે જઇને ૬૮૫૦ રૂપિયા ખર્ચીને મસ્ત વિન્ડોઝ XP લઇ આવ્યા.

સરસ. તો અમે મૂક્યું ઇન્સ્ટોલેશન કરવા, પણ જ્યારે પણ હાર્ડડિસ્ક ચકાસણી આવે ત્યારે તે અટકી જાય. મને થયું હાર્ડવેરમાં કંઇક મુશ્કેલી થઇ લાગે છે પણ તેનાં પહેલાં અમે બધો બેકઅપ લિનક્સની લાઇવ સીડી વડે લઇ લીધેલો હતો. અમે બીજા સોફ્ટવેરની મદદથી આખી હાર્ડડિસ્કને ફોરમેટ કરી, પણ ફરી એ જ મુશ્કેલી. છેવટે, જ્યાંથી વિન્ડોઝ લીધું ત્યાં ફોન કર્યો તો ખબર પડી કે આ હાર્ડડિસ્ક SATA હોવાથી તે વિન્ડોઝ વડે શોધી શકાશે નહી. અને અમારે ઇન્ટરનેટ ઉપરથી તેનાં ડ્રાઇવર શોધી, એક્સટર્નલ ફ્લોપી ડ્રાઇવમાં નાખીને ઇન્સ્ટોલ કરવા પડશે. લો કરો વાત.

૧. કેટલા વ્યક્તિઓ પાસે એક્સટર્નલ ફ્લોપી ડ્રાઇવ હોય છે.

૨. કેટલા વ્યક્તિઓ પાસે ઇન્ટરનેટ હોય છે.

૩. લીગલી લીધું હોવા છતાં, તમારે ૩૦ દિવસની અંદર ઇન્ટરનેટ વડે XP નું એક્ટિવેશન કરાવવું પડે છે.

૪. આટલું મોંઘું હોવા છતાં, એક ડ્રાઇવર આપવાની તસ્દી કેમ ન લેવામાં આવી.

લિનક્સ અને BSD નો વ્યાપ વધે તેમાં નવાઇ શાની? હવે તો લેપટોપ્સમાં પણ લિનક્સ પ્રિઇન્સ્ટોલ આવે છે. નવું લેપટોપ કે ડેસ્કટોપ લો તો લિનક્સ લેવાનો આગ્રહ રાખજો.

(સત્ય ઘટના, શિર્ષક: કવિ કાર્તિક મિસ્ત્રી)

ઓનલાઇન ગુજરાતી સ્પેલચેકર!!

* હજી તો મને આ વિચાર રહી રહીને આવ્યો હતોને વિશાલભાઇએ વિચારને અમલમાં મૂકી દીધો! પ્રથમ ઓનલાઇન ગુજરાતી સ્પેલચેકર! મનીષભાઇ અને વિનયભાઇએ આ વિશે વિગતે પોસ્ટ કરી છે.

પણ, મહત્વની વસ્તુ એ છે કે આ સ્પેલચેકર LGPL લાયસન્સ હેઠળ છે!

એક ચડ્ડીની આત્મકથા…

* ઉપર તમને મારી સ્થિતિ જોઇને હસવું આવતું હશે પણ હું તમને મારી દર્દ-દુ:ખ ભરી દાસ્તાન સંભળાવવા જઇ રહી છું.

થોડા સમય પહેલાં મુંબઇનાં પરાં મલાડનાં એક કારખાનાંમાં મને બનાવવામાં આવી હતી, માલિકે મને સરસ મજાનો પીળો રંગ આપ્યો હતો અને સરસ પેકિંગમાં મને પેક કરવામાં આવી હતી. પેકિંગ કર્યા પછી મને મલાડનાં નટરાજ માર્કેટમાં હોલસેલ વેપારીની દુકાનમાં સ્થાન મળ્યું. શું સરસ દિવસો હતા, બધા મને જોતાં અને લેવા માટે લલચાતા, પણ મારો ભાવ વધુ હોવાથી મને માત્ર જોઇને જ ચાલી જતા.

એક દિવસ નવાં-નવાં મમ્મી-પપ્પા બનેલા કાર્તિક-કોકી ખરીદી કરવા આવ્યા અને જરા પણ રકઝક કર્યા વગર મને તેમનાં દીકરા માટે ખરીદી ગયા. અને મને નાનકડાં કવિનને પહેરવવામાં આવી. પહેલાં દિવસે તો બહુ જ મજા આવી, પણ સાંજે કવિને પીપી અને છી કરી. અરર, બહુ ગંદી વાસ આવી. છેવટે, કોકીએ મને ધોઇને તડકામાં સૂકવી. સાથે મારો ચમકતો પીળો રંગ પણ ઝાંખો પડવાની શરૂઆત થઇ.

થોડા સમય પછી, કવિનની સાથે હું પણ અમદાવાદ આવી, ત્યારથી મારા જીવનનો કઠિન તબક્કો શરૂ થયો. કામવાળીનાં હાથમાં મારી વાટ લાગવાની શરૂઆત થઇ. ઘણી વખત તો મને બરોબર ધોવામાં પણ નહોતી આવતી. હવે તો, કવિન પણ મને ગમે ત્યારે કાઢી નાખે છે અને ગમે ત્યાં મૂકીને ચાલ્યો જાય છે. મને ડર લાગે છે કે એક દિવસ મારો અંત નગરપાલિકાની કચરાપેટીમાં આવશે, પણ કાર્તિક અને કોકીને મેં વાતો કરતાં સાંભળ્યાં છે કે નવરંગપુરામાં ક્યાંય જાહેર કચરાપેટી જ નથી, તેથી તો મને વધુ ડર લાગે છે કે મારો અંત અમદાવાદનાં ખાડાં-ખરબચડાં વાળાં રસ્તા પર ન આવે..

અપડેટ: થોડી જોડણીની ભૂલો. થેન્ક્સ પલક!!

૪ વર્ષ

* ગઇકાલે (૨૨-૦૮-૨૦૦૮) અમારી ૪થી એન્ગેજમેન્ટ (એટલે કે સગાઇની) એનિવર્સરી હતી. તો, અમે નક્કી કર્યું કે ચાલો કોઇ રેસ્ટોરાંમાં ડિનર માટે જઇએ. સ્વાતી (લૉ ગાર્ડન, અમદાવાદ) એ તેના હાઇજેનિક ફૂડ માટે પ્રખ્યાત છે. મેં કઢી-ખીચડી અને કે એ પાઉં-ભાજી ઝાપટી. હવે, ત્યાં સુધી કવિને શું કર્યું?

૧. એક કાચનો ગ્લાસ ફોડ્યો.
૨. મેનુઓ બે વખત ફેંકી દીધા.
૩. પાછળ બેઠેલી છોકરીનાં ચોટલાં ખેંચ્યા.
૪. બાજુમાં બેઠેલાં કાકા જોડે હાથ મિલાવ્યા.
૫. પેપર નેપકિનનો ડબ્બો ઉંધો વાળ્યો.

છેવટે, ફટાફટ જમીને (હા, આઇસક્રીમ તો ખાવો પડે. કોફી-ઓરેન્જ ખાધો.) ઘરભેગાં થયાં!

iPhone અને ગુજરાતી ભાષા

* વિનયભાઇએ આવીયો iPhone પોસ્ટ પર કોમેન્ટમાં આ વિચાર મૂક્યો ત્યારે યાદ આવ્યું કે આ મહત્વનો મુદ્દો તો હું ભૂલી જ ગયો છું!

ના, આઇફોનમાં ગુજરાતી બરોબર દેખાતું નથી. કદાચ સફારી બ્રાઉઝરમાં ગરબડ લાગે છે. આઇફોન સિમ્યુલેટરમાં નીચે પ્રમાણે પરિણામ મળે છે. વધુમાં મેં જ્યારે આઇફોન વાપરેલો (જુની આવૃત્તિ) ત્યારે તેમાં ગુજરાતી ગોઠવણીનો કોઇ વિકલ્પ નહોતો. નવા આઇફોનમાં જોવું પડશે.

વધારે ખાંખા-ખોળા કરવા પડશે..

આવીયો iPhone

(ચિત્ર: http://www.flickr.com/photos/sigalakos તરફથી)

* આજે iPhone નું ઓફિશિયલ લોન્ચ અહીં થયું. ૩૧,૦૦૦ અને ૩૬,૦૦૦ નો ભાવ સાંભળીને મને ચક્કર આવી ગયા અને iPhone ની જગ્યાએ નોકિયાનું કોઇ સાદું ડબલું લેવાનો વિચાર કર્યો. અમેરિકામાં ૧૯૯$ અને સર્વિસ મળીને ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ ની આસપાસ મળતાં ફોનની કિંમત (મને સુધારશો, કારણકે અહીં પણ ઘણી બધી અસંગતતાઓ છે) અહીં આટલી બધી કેમ રાખી તેની ચર્ચા ગઇકાલે રાત્રે બધી ન્યૂઝ ચેનલ્સ પર ચાલતી હતી.

તમે શું કહો છો?

નવી કહેવતો

* સોફ્ટવેર એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો. થેન્કસ ટુ પલક. આ મસ્તીભર્યો વિચાર, સ્પેલચેકરનું કોડિંગ કરતા-કરતા આવ્યો હતો..

– કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).

– જેવો પ્રોજેક્ટ, તેવો કોડ (જેવો દેશ, તેવો વેશ).

– પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે).

– QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).

– પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).

– કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).

– એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).

– ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).

– સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).

તમારી કહેવતો કોમેન્ટમાં મૂકો!!