૭ બ્લોગિંગ ટીપ્સ…

* ૭૦૦મી પોસ્ટ પૂરી થઈ એ શુભ પ્રસંગે આગલી સદીઓની જેમ બોરિંગ આંકડાઓ ન આપવા એવું નક્કી કર્યુ હતું. તો તેના બદલે સાત બોરિંગ બ્લોગિંગ ટીપ્સ…

૧. જો તમે વર્ડપ્રેસ (તમારું પોતાનું ડોમેઈન કે વર્ડપ્રેસ.કોમ) ઉપયોગ કરતાં હોવ તો અહીં નજર રાખો. આ સમાચાર તમે તમારા ડેશબોર્ડમાંથી પણ મેળવી શકશો. આનો ફાયદો એ કે તમને નવી સુવિધા કે નવાં સોફ્ટવેરની માહિતી તરત મળશે.

૨. બને ત્યાં સુધી HTML વાળા વિકલ્પમાં લખવાનું રાખો. થોડું બેઝિક HTML શીખવાની મજા આવશે. સાઈડબારમાં વિજેટ્સ કે નવું કંઈક કરવા માટે કામમાં આવશે. વળી, જો બ્લોગસ્પોટ.કોમ ઉપયોગ કરતા હશો તો તો મજા પડી જશે. બ્લોગસ્પોટ તમને તમારું કસ્ટમ ટેમ્પલેટ બનાવવા દે છે, જે સુવિધા વર્ડપ્રેસમાં નથી (એટલે કે વર્ડપ્રેસ.કોમમાં ફ્રી એડિશનમાં નથી).

૩. ડેશબોર્ડમાંથી My Comments નો ઉપયોગ કરી તમે વર્ડપ્રેસમાં કરેલ ટીપ્પણીઓનું ધ્યાન રાખી શકો છો.

૪. Ratingsની સુવિધા ઉપયોગ કરવા જેવી ખરી. મારા કોઈક પોસ્ટ પર તે જુઓ..

૫. જો ટ્વિટરનો ઉપયોગ કરતાં હોવ તો, ટ્વિટરનું વિજેટ સાઈડબાર માટે હાજર છે. તમારી પોસ્ટ પણ ટ્વિટરમાં આપમેળે મૂકી શકાય છે. પોસ્ટ લખતી વખતે જમણી બાજુ નજર નાંખો..

૬. Settings–> OpenID માં જઈને તમારા વર્ડપ્રેસ.કોમ ડોમેઈનને ઓપનઆઈડી ડોમેઈન બનાવો. ઘણી બધી સાઈટ્સ તમને આ વડે પોતાનામાં લોગ-ઈન થવા દેશે. બહુ જ કામની વસ્તુ છે.

૭. યાદ રાખો કે જો તમે વર્ડપ્રેસ.કોમનો બ્લોગ દૂર (Delete) કરશો તો ક્યારેય એ URL પાછું મળશે નહી!

બજેટ

* આ વખતનાં બજેટ અને રીક્ષાભાડાંમાં વધારા પરથી લાગે છે કે હવે સાયકલ લાવવી જ પડશે. છેલ્લાં બે મહિનાથી બસમાં ઓફિસ આવવાનું શરુ કર્યુ છે પણ ક્યાંક નજીકમાં જવું હોય તો રીક્ષા નકામી પડે છે – અને અમદાવાદમાં એક રુપિયો છૂટો રાખવાનું કોઈ રીક્ષાવાળા શીખ્યા નથી એટલે તો ખાસ..

ડ્રીલ મશીન

* અમારા ઘરની ઉપરના ફ્લેટમાં આજ-કાલ સમારકામ ચાલી રહ્યું છે. એક બપોરે ડ્રીલ મશીન ચાલુ થયું તો કવિન જાગી ગયો અને કાન પર હાથ રાખી દીધા..

કોકી: શું થયું, બેટા?

કવિન: મમ્મી, મને ડ્રીલ મશીનથી ડર લાગે છે…

કોકી: ડરવાનું નહી. બંધ થઈ જશે.

થોડી વાર પછી ડ્રીલ મશીન બંધ થઈ ગયું.

કવિન: (રમતાં-રમતાં) મમ્મી, મશીન બગડી ગયું?

કોકી: હા.

થોડી વાર પછી ડ્રીલ મશીન પાછું ચાલુ થયું..

કવિન: મમ્મી, મશીન રીપેર થઈ ગયું?

કવિનને વસ્તુઓ રીપેર કરવાનો ભારે શોખ છે. અમારા રસોડામાં વેલણ, ચપ્પાંઓ, ચમચીઓ વગેરે તમને યોગ્ય સ્થાને ન મળતાં, ક્યાંક આડા-અવળાં જ પડેલા દેખાશે. કવિન થોડો ‘મોટો’ થાય એટલે તેને સ્ક્રૂ-ડ્રાઈવર ટુલબોક્સનો એક સરસ સેટ ભેટ આપવાની ઈચ્છા છે. હું કંઈપણ કામ કરતો હોય તો, તે મને કહે છે – પપ્પા, હું પણ રીપેર કરું?

😛

હેપ્પી બર્થ ડે, અમદાવાદ!

* આજ-કાલ એવું થાય છે કે ઉર્વિશભાઈ મારે જે કહેવાનું હોય છે તે કહી દે છે – એટલે આ વખતે પણ તેમનાં, અમદાવાદ: છ સદી પહેલાં, છ દાયકા પછી લેખને વાંચ્યા સિવાય તમારે ચાલશે નહી.

અને હા, અમારા સૌના તરફથી: હેપ્પી બર્થ ડે! 😀

DON’T PANIC

* તમને થતું હશે કે કાર્તિક કેમ આજ-કાલ અંગ્રેજી શીર્ષક વાળા બ્લોગ-પોસ્ટ લખે છે. પણ, આ શીર્ષક અંગ્રેજી અને તે પણ કેપિટલમાં જ લખી શકાય તેમ છે. મારા મિત્ર અને ભૂતપૂર્વ ટીમ લીડર કિરણ (જેસ) નો આ અનુભવ તમારે વાંચવા જેવો છે..

અને સાથે, જો હિચહાઈકર્સ ગાઈડ ટુ ધ ગેલેક્સી પુસ્તક વાંચ્યુ હશે તો આ શીર્ષકનો અર્થ તમને સમજાવવાની જરુર નહી પડે 🙂

N900

* મારી હજારો ઈચ્છાઓની યાદીમાંથી એક ઈચ્છા હતી, નોકિયા N900 ફોન. હવે થયું એવું કે ચાર-પાંચ દિવસ પહેલાં ઓફિસમાં બોરિંગ સાંજ હતી અને અચાનક એક ઈમેલ આવ્યો કે “તમારો નોકિયા N900 કયા સરનામે મોકલાવું?” આપણે ખુશ. જો કે આ મોબાઈલ માત્ર ટેસ્ટિંગ હેતુ જ હતો, એટલે કે બે અઠવાડિયાં પછી પાછો આપવાનો હતો. પણ, તેથી શું? ફોન તો વાપરવા મળ્યો. આ ફોન હજી ભારતમાં આવ્યો નથી. યુરોપ-અમેરિકામાં મળે છે..

ગઈકાલે સાંજે તે આવ્યો. ઘરે આવ્યો, બોક્સ ખોલ્યું. પ્રથમ ઉદ્ગાર: વાઉ!

૧૦ મિનિટ જેટલો સમય તેનાથી પરિચિત થવામાં લાગ્યો. તેનો ઈન્ટરફેસ થોડો અલગ છે, અને ટચસ્ક્રિન આઈફોન કે આઈપોડ જેટલો સેન્સિટિવ નથી, એટલે થોડું અલગ લાગે છે. ૩૨ જીબી મેમરી. વાઈ-ફાઈ. મેપ્સ અને જીપીએસ. નોકિયાનો પોતાનો એપસ્ટોર (ovi) છે, જેમાંથી તમે વધુ કાર્યક્રમો ડાઉનલોડ કરી શકો છો. સૌથી વધુ ગમી હોય તે એપ્લિકેશન એટલે – X Terminal 🙂

ઓહ, ફાયરફોક્સ! સૌથી પહેલાં તે ડાઉનલોડ કર્યું અને પછી મારો બ્લોગ (સ્વાભાવિક રીતે) દેખ્યો..

ફોન્ટની મુશ્કેલી છે, આજે રાત્રે તેના પર કીડા કરવામાં આવશે.. કેમેરો સરસ છે. આગળની બાજુ પણ કેમેરો દેખાય છે પણ કેવી રીતે ચાલુ કરવો તે હજી ખબર નથી. કેમેરા વડે મારો એક ફોટો લીધો..

બાકી પછી બીજા કોઈ પોસ્ટમાં ગુજરાતી ફોન્ટની મુશ્કેલીના નિવારણ પછી..

અને.. X Terminal જોયા પછી કહેવાની જરુર છે કે આ ફોન ડેબિયન લિનક્સ પર ચાલે છે 😉

શોખ અને વ્યસન..

* શોખ અને વ્યસન વચ્ચે પાતળી ભેદરેખા છે. (એમ તો ખાલી રેખા લખવા જતો હતો પણ, પાતળી અને રેખા – આ બન્ને શબ્દો વિરોધાર્થી હોવાથી રહેવા દીધું..) શોખ ક્યારે વ્યસન બની જાય તેની ખબર ન પડે. પણ, જો શોખને શોખ રહેવા દો તો વધારે મજા આવે. આ વાત ક્યાંથી મનમાં આવી? સવારની ચા પીતાં-પીતાં…

હું: આ મોટો મગ ભરીને ચા પીઉં છું, કાલથી એક નાનો કપ જ બનાવજે.

કે: કેમ?

હું: ચા હવે વ્યસન થતી જાય છે..

કે: એમ તો તું બીયર પણ પીએ છે..

હું: બીયર શોખ છે, ચા વ્યસન છે!

તે દિવસને આજની ઘડી. સવારે હવે એક નાનકડો કપ જ ચા પીઉં છું. ઓફિસમાં બે સમય અમદાવાદી કટિંગ ચા. જો કે તે પણ ટૂંક સમયમાં બંધ કરવાની ઈચ્છા છે. એવું જ ઠંડા પીણાંઓ માટે પણ. તેની બદલે ફ્રેશ લાઈમ સોડા પી શકાય..

તિંગ તિંગ ધતિંગ…

* માની ગયો દોસ્ત, આવા ધતિંગ હજી દેશમાં ચાલે છે. ખાસ કરીને ગુજરાતમાં આવું ચાલે અને દેશગુજરાત.કોમ જેવી સાઈટ પબ્લિસિટી કરે એટલે વધારે પડતું કહેવાય.

(સોર્સ: હર્ષ રાવલનો ઈમેલ, એમતો મેં ગુગલ રીડરમાં દેશ-ગુજરાતને સબસ્ક્રાઈબ કરેલ છે, પણ હવે બાય-બાય! હવે લાગે છે કે ધતિંગ નામની નવી કેટેગરી બનાવવી પડશે.)

બી.આર.ટી.એસ.

* છેવટે, રવિવારે અમે બધાંએ બી.આર.ટી.એસ. માં મુસાફરી કરવાનો લ્હાવો લીધો. સિસ્ટમ સરસ છે. આગલી બસ ક્યારે આવશે તેની નોંધ ડિસ્પ્લે પર બતાવે છે એટલે અનંત કાળ સુધી રાહ જોવામાંથી મુક્તિ મળે છે અને ટિકિટ પહેલેથી લેવાની સુવિધાથી કંડકટર ટિકિટ લેવા ક્યારે આવશે તે વિચારથી ઉંચા-નીચા થવાની પ્રવૃત્તિમાંથી મુક્તિ મળે છે. બી.આર.ટી.એસ. ખરેખર રેપિડ એટલે કે ઝડપી છે. મેમનગરથી કાંકરિયા અમે બહુ ઝડપથી (૨૫ મિનિટની આસપાસ?) પહોંચી ગયા. જોકે અમારે ઘરેથી મેમનગર સ્ટેન્ડ સુધી પરંપરાગત રીક્ષામાં જવું પડ્યું.

બે વાત ખૂંચી,

૧. લોકો ધક્કામુકી એવી જ કરે છે – પહેલા લોકોને ઉતરવા દેવાય. બેફામ ધક્કા મારીને ચડવાનો કોઈ ફાયદો નથી.

૨. બસ થોડી મોટી હોય તો? અત્યારની બસ ૩૫ (કે ૩૭) સીટ્સ જ ધરાવે છે. આરામદાયક છે – એ વાતમાં ના નહી.

આશા રાખીએ કે બી.આર.ટી.એસ.નો વધુને વધુ લોકો ઉપયોગ કરે, ટ્રાફિકમાં ઘટાડો થાય અને લોકોમાં ટ્રાફિક સેન્સનો વધારો થાય..

લેફ્ટ ઓર રાઈટ?

* આગે સે લેફ્ટ ઓર રાઈટ?

(આશ્રમ રોડ પર એક રીક્ષામાં..)