* ફ્લિકરના ગ્રુપ ઉપરથી ખબર પડી કે IPR માં ૩૦ તારીખે સાંજે એક ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. મેં પ્રભાતકુમારનો સંપર્ક કર્યો અને નક્કી થયું કે અમારે પાલડી આગળ ગુજરાત ફોટોમાં મળવાનું અને ત્યાંથી વર્કશોપના આયોજક પ્રભાતકુમાર અને જાણીતા ફોટોગ્રાફર ભાર્ગવ પંડ્યા સાથે ગાડીમાં જવાનું છે. હું બહુ જ ઉત્સાહિત થયો કારણકે કેમેરો નવો છે અને નવું કંઈ શીખવા મળે અને પાછું વર્ષો પછી પ્લાઝમા જોડે સંપર્ક થાય.
બપોરે મસ્ત ગરમીમાં હું પાલડી ગયો અને ચાર રસ્તાની થોડે આગળ રીક્ષામાં પંકચર પડ્યું. હવે, રીક્ષા મારી ન હોવાથી તેને ત્યાંજ છોડી જાત મહેનત ઝીંદાબાદ કરતો એ દુકાન શોધવા નીકળ્યો. પ્રભાતકુમારે ગુગલ મેપ્સનો ઉપયોગ કરેલોને ખોટા શોપિંગ સેન્ટરનું સરનામું આપેલું એટલે ૧૦ મિનિટ ગોથાં ખાધાં પછી દુકાન મળી. થોડીવાર અંદર આંટાફેરા માર્યા. એકાદ નવી બેગ દેખી. અમદાવાદમાં કેમેરો વગેરે લેવો હોય તો આ દુકાન સારી એવું જાણવા મળ્યું. પ્રભાતકુમાર અને ભાર્ગવ પંડ્યા આવ્યા અને અમે રવાના થયા. મને એમ કે ગાડીવાળો હમણાં એસી ચાલુ કરશે પણ, અરેરે, ગાડીમાં એસી નહી અને ચાર વાગે સરસ ઠંડો પવન ખાતાં અમે આગળ વધ્યા. સારું થયું કે રસ્તામાં કેરીનો રસ પીધો. પણ, પેલી ચા પીધેલી નહી એટલે મારું માથું ડોલતું જ હતું..
IPR પહોંચ્યા. સિક્યુરીટી વગેરે પતાવી આગળ મુખ્ય ગેટમાં પહોંચ્યા. પ્રભાતકુમારની લેબમાં પહોંચ્યા. ત્યાં બાજુમાં જ પ્લાઝમા ટોકોમાક SSST જોયું અને સાડા પાંચ સુધી આડાઅવળી વાત કરી. એક વાત મને ન ગમી કે IPR માં પહોંચ્યા પછી મને મારી મનગમતી ટોપી કાઢી દેવાનું કહેવામાં આવ્યું. કારણ? આ ઓડ લાગે છે. ઓહ, માય ગોડ. પણ, આપણે વળી ક્યાં ગાંધીજી એટલે મન મનાવી લીધું.
વર્કશોપ પ.૩૦ એ ચાલુ થઈ અને એકદમ સરસ રહી. મારા ઘણાં બધાં ખ્યાલો પરથી અમદાવાદની ગરમ ધૂળ નીકળી ગઈ. ખાસ કરીને વ્હાઈટ બેલેન્સ અને મીટરિંગ વગેરેનો સારો ખ્યાલ આવ્યો. વર્કશોપમાં બતાવેલા વિડિઓ અને ટ્રીક ફોટોગ્રાફીનો ડેમો એકદમ સરસ રહ્યો.
હવે, કંઈક વિચિત્ર અખતરાઓ કરવાના પ્લાન છે. અને, ખાસ તો અમદાવાદમાં ફોટોવોકનું આયોજન કરવાનું છે. રાત્રે ૮ વાગ્યા જેવા અમને સ્ટાફ બસમાં જ પાછાં નીકળ્યાં. રસ્તામા ભાર્ગવભાઈ જોડે ઘણી સારી એવી વાતો કરી.