વિરાર, કવિન અને કોઇન

* ચાર તારીખે એટલે કે બુધવારે અમે નક્કી કર્યું કે મારા મિત્ર અને કોકીની મિત્રને મળવા માટે વિરાર જઈએ. હવે, કાંદિવલીથી વિરાર જવું એ સાહસનું કામ છે. ખાસ કરીને ચાલુ ઓફિસનાં દિવસોમાં. છતાંય અમે મન મક્કમ કર્યું અને બપોરે સીધી વિરારની લોકલ પકડી. સરસ રીતે પહોંચી ગયા. કોકીની મિત્ર – જીજ્ઞા તેને પાંચ વર્ષ પછી મળી અને તે લોકોએ પેટ ભરીને વાતો અને નાસ્તો કર્યો. કવિન થોડો સમય શાંત રહ્યો અને પછી મસ્તી કાઢી. લગભગ સાડા ચાર જેવા અમે કુનાલના ઘરે જવા નીકળ્યા. એ બોલિંજ રહે છે, જે વિરારથી થોડું અંદરની બાજુએ છે. ત્યાં પહોંચી ગયા, બેઠા. કુનાલ અને અમોદ ઓફિસથી આવ્યા અને અમે વાતો કરતા હતા. કવિન પલંગ પર પડ્યો પડ્યો સિક્કા ઉર્ફે કોઈન રમતો હતો. અચાનક એક રુપિયાનો કોઈન મોઢામાં નાખ્યો અને અમે કંઈ સમજીએ તે પહેલા કોઈન સીધો અંદર! અમે સીધા ડોક્ટર પાસે દોડ્યા કારણકે એક રુપિયાનો કોઈન ગળામાં ફસાવવાની શક્યતા હતી. જોકે કવિનને કંઇ થતું નહોતું એટલું સારુ હતું. ડોક્ટરને ત્યાં ગયા પણ ક્લિનિક બંધ હતું. ઘરે પાછા આવ્યા, થોડી વાર બેઠા, ફરી પાછા ડોક્ટરની મુલાકાત લીધી. ડોક્ટરે એક્સ-રે કરાવવાનું કહ્યુ અને કાંદિવલીના ડોક્ટરનો નંબર આપ્યો.

ડિનર પછી અમે નીકળ્યા. ડિનર પ્લસ બિઅર. એટલે વધુ મજા આવી 🙂 રાત્રે મોડા ઘરે પહોંચ્યા. કવિનને ખૂબ કેળા ખવડાવવાનો પ્રયત્ન કર્યો. કવિનને ય નવાઈ લાગી કે દર વખતે તો મને કેળાં ખાવની ના પાડવામાં આવે છે. આ શું થયું છે, બધાને. બીજા દિવસે એક્સ-રે પડાવ્યો, તો કોઈન આરામથી આંતરડામાં દેખાયો. ડોક્ટરને બતાવ્યું, તો કહ્યું કે ચિંતા કરવાની જરુર નથી ૪૮-૭૨ કલાક લાગે તે સામાન્ય છે.

તેના પછી ૭૨ કલાક અમે રાહ માત્ર એક કોઈન માટે જ જોઈ. અને છેક, આજે સવારે અમને સફળતા મળી. એક રુપિયાનો કોઈન બધું મળીને ૭૦૦ રુપિયામાં પડ્યો તે વાત અલગ છે.

12 thoughts on “વિરાર, કવિન અને કોઇન

  1. જાત અનુભવની વાત કહું તો નાના છોકરા ક્યારે શું કરી નાખે કંઈ કહેવાય નહીં, અને દર સેકંડે ધ્યાન આપો તોય આંખનો પલકારો થાય ત્યાંતો કંઈક પરાક્રમ કરી નાંખ્યું હોય. તમારી આ પોસ્ટ એકદમ સાદી વાતથી શરૂ થાય છે, અને જ્યારે સિક્કાવાળો ટવીસ્ટ આવે છે ત્યારે આંચકો લાગે છે, પછી પોસ્ટ અંત સુધી જકડી રાખે છે, અને ફિલ્મની માફક અહીં પણ અંત સુખરૂપ છે. સરસ બ્લોગીંગ.

    Like

  2. એક બહુ જૂનો joke યાદ આવી ગયો!
    … પછી ટોળામાંથી એક ભાઈ આગળ આવ્યા અને પેલા બહેનને કહ્યું -“આમ તેને મારવાથી તમારો રૂપિયો એના પેટમાંથી પાછો નહિ આવે!” અને તેને ફટ દઈને પેલા સાતેક વર્ષના ટેણીયાને પગેથી પકડી ઊંધો લટકાવ્યો ત્યાં એના મોઢામાંથી ચીસ સાથે પેલો રોકડો રૂપિયો બહાર આવી ગયો! બધાને હાશ થઇ!
    તેની મમ્મીએ કહ્યું – આ તમે સરસ કર્યું! આ વિચાર કેવી રીતે આવ્યો? તો પેલા ભાઈ કહે હું તો ભલભલાના રૂપિયા કઢાવી જાણું છું – Income Tax Officer છું!

    Have fun!

    Like

  3. મને યાદ આવે છે મારા મા કહેતા કે હું નાનો હતો ત્યારે લખોટી મેં મારા નાકમાં ઘુસાડેલી ! આને જ કદાચ નિર્દોષ બાળપણની મસ્તી કહેતા હશે !

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.