* ગયા અઠવાડિયે ડીવીડી લાવ્યા પછી છેક ગઈકાલે રાત્રે અમને આ ફિલમ જોવાની તક મળી. કવિન જાગતો હતો, પણ એ એના લેગો બ્લોક્સ વડે વિચિત્ર રોબોટ બનાવવામાં વ્યસ્ત હતો, એટલે બહુ વાંધો ન આવ્યો. વચ્ચે-વચ્ચે જોકે એ હેરાન કરતો હતો.
શૈતાન મુવીની વાર્તા અલગ છે અને અનુરાગ કશ્યપનુ મુવી હોવાથી અપેક્ષા હતી કે વાર્તાની સાથે કેમેરાની કરામત પણ હશે જ. અને, ખરેખર એમ જ હતું. કોલેજમાં ભણતા (?) મિત્રો ભેગા થાય છે અને મસ્તીમાં જીવે છે, પણ અચાનક તેમનાંથી એક એક્સિડેન્ટ થઈ જાય છે અને પછી શરુ થાય છે પોલીસ-પૈસાનું ચક્કર. એક્સિડેન્ટ થયા પછી પોલીસ તેમની પાસે ૨૫ લાખ માંગે છે અને આ ૨૫ લાખ ક્યાંથી લાવવા તેની ચર્ચા છેવટે એમી (કલ્કિ)ના નકલી અપહરણ પર લઈ જાય છે. તેના પછી મીડિઆ-પોલીસ અને શરીરમાં જીવતા શૈતાનનું સ્વરુપ આપણને સરસ રીતે બતાવવામાં આવ્યું છે. સ્ટોરી તો બધાને ખબર જ હશે એટલે બહુ લખી નહી શકાય (એમ હોત તો હું સ્ટોરી રાઈટર ન હોત? ;)).
ગીતો સરસ છે. કેમેરો મસ્ત રીતે ફરે છે અને ડાયલોગ્સ – મસ્ત. આ માટે આ મુવીને ચાર પોઈન્ટ પાંચ સ્ટાર આપી શકાય. અંત થોડો વધુ સારી બનાવી શકાયો હોત. હવે, આ જ રીતે બાકી રહી ગયેલ દિલ્હી બેલીનો વારો. ડીવીડી આવે ત્યારે તેની વાત.