અપડેટ્સ – ૪૬

* રવિવારે ૧૫ કિમી (~ ૧૪.૫૫ જો GPSનું માનીએ તો!) દોડવાનું આયોજન ADR તરફથી હતું. દોડાયું અને મજા આવી. બપોરે થાકીને સરસ ઊંઘ આવી તે એકસ્ટ્રા ફાયદો. ADR ની સરસ મજાની ટી-શર્ટ મળી.

* કેવી રીતે જઈશ.. ના ગીતો ડાઉનલોડ માટે પ્રાપ્ત છે. જુઓ: http://keviritejaish.com/index1200.html સાઇટ પણ સરસ મજાની છે. વેલ ડન!

તેના મ્યુઝિક લોન્ચમાં ન જઈ શક્યો. અમારે ‘ત્રણ દરવાજા’ જવાનો કાર્યક્રમ હતો, જે સફળ રહ્યો. વર્ષો પછી એ રસ્તા પર કંઈક ખરીદી માટે ગયા. કવિનને લઈને તો પહેલી વાર ત્યાં ગયા. ફ્રુટ્સ, શરબત અને કેકની સામગ્રીઓની ખરીદી કરવામાં આવી 🙂

* કોઈને ‘ભેદી ટાપુ’ (The mysterious island – Jules Verne નો ગુજરાતી અનુવાદ) પ્રાપ્ત છે? આ પુસ્તક સ્કૂલમાં હતો ત્યારે ૨૦ થી ૨૫ વખત વાંચ્યું હશે, પણ હવે પાછી ફરી એકવાર વાંચવાની ઈચ્છા છે. છે કોઈ? 🙂 નહિતર પછી છેવટે, અંગ્રેજીમાં વાંચવાનો વિકલ્પ તો છે જ.

ફિલમ: ધ એવેન્જર્સ

* ઘણાં બધાં પ્લાન બનાવ્યા આ ફિલમ એટલે કે – ધ એવેન્જર્સ – જોવા માટે, પણ એકેય સફળ ન થયો. મુંબઇ જઈને, આવ્યા પછી અને થોડા દિવસ પહેલાં પ્રયત્નો કરવામાં આવ્યા, પણ કોઈક વાર ટાઈમિંગ અથવા કોઈક વાર ઓફિસના કામ-કાજના લીધે આ મુવી અટકી પડેલું હતું. પહેલાં તો એમ થયું કે કવિનને લઈને જઈએ તો રિસ્ક રહે, પણ પછી ગઈકાલે નજીકમાં આવેલા સિનેપોલીસ થિએટરમાં આ શુભ મૂહુર્ત આવી ગયું.

જેને સુપરહીરોના મુવી ગમતા હોય તેના માટે એકદમ પરફેક્ટ મુવી છે. તાજેતર અને થોડા સમય પહેલાંની ફિલ્મોમાં આવી ગયેલા – થોર, હલ્ક, કેપ્ટન અમેરિકા, આર્યન મેન, બ્લેક વિડો (અને લોકી) -પાત્રો અહીં એક સાથે જોવા મળે છે. જે લોકોએ કેપ્ટન અમેરિકા મુવી પહેલાં જોયેલું હોય તો વધુ મજા આવશે (આર્યન મેન, હલ્ક – પણ જોઈ લેવા!!).

આ ફિલમ અમે થ્રી-ડી માં જોઈ પણ, મને બહુ ફરક લાગ્યો નહી. એકાદ-બે દ્રશ્યોમાં સરસ લાગે છે, બાકી અવતાર આવ્યા પછી દરેક એક્શન મુવી થ્રી-ડી બનાવવું એ સામાન્ય થઈ ગયું છે, એટલે હવે ઓવરડોઝ થાય છે.

સ્ટોરી સરસ પણ પ્રેડિક્ટ કરી શકાય તેવી છે. સ્ટાન્ડર્ડ – વિલન, સુપરહીરો ચેઝ. તેમ છતાંય, ટ્રાન્સરેક્ટ એનર્જી સોર્સનો ઉપયોગ શેના માટે કરવામાં આવશે તે છેલ્લે સુધી ખબર નથી પડતી. ફિલમનો સરસ ભાગ તેના વિટ્ટી ડાયલોગ્સ છે. તેમજ છેલ્લી ૧૫-૨૦ મિનિટની એક્શન, ખાસ કરીને હલ્ક અને થોરની એક્શન મજા કરાવી દે છે.

ફરી એકવાર ભારત-કલકત્તાની ગરીબી દેખાડવામાં આવી છે, તે ખૂંચ્યું. પણ, આપણે શું કરી શકીએ? આપણેય અમેરિકા-પશ્ચિમની નબળી બાજુઓ ચડાવી-ચડાવી બતાવીને ભારતીય સંસ્કૃતિ મહાન છે – એવું ગાવા-બજાવામાં ક્યાં પાછા પડીએ છીએ? 🙂

આજના સમાચાર

૧. રીબોકનાટોપ લેવલના ઓફિસર્સનું ૮૭૦૦ કરોડનું કૌભાંડ.

૨. સેપના વીપીનું બારકોડ સ્કેમ.

કહેવાની જરુર છે કે આ બન્ને કિસ્સામાં સંડોવાયેલા વ્યક્તિઓ ભરપૂર પગાર મેળવતા હતા. એક વખત પૈસો આવી જાય ત્યાર પછી વધુ મેળવવાનો મોહ એટલો હદે વધી જાય છે કે.. માણસ પોતે શું કરે છે તેનો ખ્યાલ નથી આવતો.

પ્રિન્ટ આઉટ

* આજ-કાલ હવે પ્રિન્ટ આઉટ કે ઝેરોક્ષ કોપી જેવી વસ્તુઓ મારા માટે (અને કદાચ સરકારી કે ઓફિસો જોડે પનારો ન પાડતાં લોકો માટે પણ) રેર અર્થ મેટલ જેવાં બની ગયા છે. તેમ છતાંય, રેલ્વે કે એર મુસાફરી માટે ટિકિટની પ્રિન્ટ આઉટ કરાવવી પડે છે (એમાંય હવે તો મોબાઈલ પર ચાલે છે). ગઈકાલે પ્રિન્ટ આઉટ કરાવવા ગયો તો, પહેલાં તો કોમ્પ્યુટર ઓપરેટર મને બીઝી લાગ્યો, ડોકિયું કરીને દેખ્યું તો ભાઈ ફેસબુકમાં ચેટિંગ પર બીઝી હતા. મને એમ કે બહુ બીઝી છે, તો થોડીવાર રાહ જોઈએ, પણ તેઓ તો અત્યંત બીઝી લાગ્યા એટલે જરા જોરથી કહેવું પડ્યું ત્યારે જરા સળવળાટ થતો દેખાયો. મારી ટિકિટ PDF ફોરમેટમાં હતી (જે તદ્ન સ્વાભાવિક છે). પેલા ભાઈએ પેનાં પર ડબલ ક્લિક કર્યું તો ફોટોશોપ ખૂલ્યું. ઓહોહોહો. મેં કહ્યું PDF Reader નથી? એ કહે કે “છેલ્લાં અઠવાડિયાંથી તે ચાલતું નથી”. ગુડ. કીપ ઈટ અપ. ફોટોશોપમાં ત્રણ પાનાં પ્રિન્ટ કરવા માટે ત્રણ વખત PDF ખોલીને પ્રિન્ટ આઉટ આપી. હું તો ધન્ય થઈ ગયો અને ખુશ થઈને ઘરે આવ્યો.

કહેવાની જરુર છે કે એના કોમ્પ્યુટરમાં ઢગલાબંધ વાયરસ પડેલા છે. છેલ્લી વખતે કહ્યું હતું તો એ ભાઈ માનવા તૈયાર જ નહોતા. હશે. નસીબ એમનાં 😉

અપડેટ્સ – ૪૫

* શનિવાર – તદ્ન બેકાર. કંઈ કરતાં કંઈ જ ન કરવામાં આવ્યું અને આખો દિવસ બોરિંગ ગયો.

* રવિવાર – નક્કી કર્યું હતું તેમ, રવિવારે સવારે ભવ્ય રનિંગ કાર્યક્રમ હતો, જે બહુ સફળ ન થયો, છતાં ૧૩.૩૦ કિલોમીટર દોડવામાં આવ્યું અને મજા આવી. બપોરે મસ્ત નિંદ્રા લેવામાં આવી અને સાંજ માટે ઘણાં બધાં પ્લાન બનાવ્યા અને ડ્રોપ કરવામાં આવ્યા. છેવટે, સુંદરવનની મુલાકાત લેવામાં આવી. આ વખતે Snakes Show જોવાનો મોકો મળ્યો અને આંધળી ચાકણ, ધામણ અને કોબ્રાને જોવા અને સમજવા મળ્યા. આવતા મહિને ખેડા વેટલેન્ડમાં એક ટુર છે એના માટે નામ પણ નોંધાવ્યું. મોબાઈલ વડે પાડેલા ફોટાઓ અહીં જોઈ શકાશે.

આશા રાખીએ કે પ્લાનિંગ કરવામાં અને દોડવામાં – આવતો વીકએન્ડ સારો જાય! 🙂

આજની કડી

* જાણવા જેવું – ગુગલ દ્વારા: http://www.google.com/intl/gu/goodtoknow/

આનંદની વાત છે કે ગુજરાતીમાં પણ ગુગલ વડે ઇન્ટરનેટ જાગૃતિ લાવવા માટે આ પ્રયત્ન થયો છે. લખાણ એકંદરે સારું અને સમજ પડે એવું છે. વિવિધ વિષયો યોગ્ય રીતે આવરી લેવાયા છે.

(સોર્સ: @rajnikantjoshi, ફેસબુક)

મૂર્ખતા

* અમુક લિંકની જગ્યાએ આખી-ને-આખી વેબસાઈટ્સ ie પેસ્ટબિન.કોમ, વિમિઓ.કોમ – બંધ કરવામાં આવે એને મૂર્ખતા સિવાય બીજા કયા શબ્દોમાં વર્ણવી શકાય? ખરેખર, ધન્ય છે એ લોકો જેણે આ કેસ કર્યો અને ધન્ય છે તેમની જનેતાની આંખને.

નોંધ: અત્યારે ઘણીબધી સરકારી વેબસાઈટ અન્ડર એટેક છે. વધુ માહિતી માટે: @opindia_revenge ને ફોલો કરો.

અપડેટ્સ – ૪૪

* ભારે અપડેટ્સ: લેપટોપના (ie મેકબુક) સ્ક્રિનમાં કંઈક ગરબડ થઈ છે. ગમે ત્યારે બ્રાઈટનેસ એકદમ ઓછી થઈ જાય છે. થોડા સમય પછી જાતે જ નોર્મલ થઈ જાય છે (કે ન પણ થાય એવુંય બને છે). નિર્મલ બાબાને પ્રશ્ન પૂછવો પડશે. વૈકલ્પિક ધોરણે T410 છે જ, પણ હવે આ લેપટોપ એટલું વ્હાલું છે કે.. વેલ, બીજો વિકલ્પ ક્યારનુંય પેન્ડિંગ એવું LED મોનિટર લેવાનું છે. જોઈએ હવે, આગળ શું થાય છે..  હાલ પૂરતું T410 માંથી TightVNC નો ઉપયોગ કરીને Linux ના x11vnc વડે મેકબુક સાથે જોડાણ કરવામાં આવ્યું છે. વિચિત્ર લાગણી થાય છે, પણ હાલ પૂરતું કામ ચાલી રહ્યું છે 😀

* કવિન વેકેશનનો અદ્ભૂત આનંદ લઈ રહ્યો છે. સાઈકલ ચલાવી ચલાવીને અને ક્રિકેટ ટીચી-ટીચીને વેકેશનની મજા લેવાય છે.

* દોડવાનું સરસ ચાલે છે. ૧૫ કિલોમીટર દોડવાનો પ્લાન આ અઠવાડિયામાં છે. ચીઅર્સ લીડર્સની જગ્યા હજી પેન્ડિંગ છે. થોડી ઝડપ અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે. મુંબઈ કરતાં અત્યારે (એટલિસ્ટ, સવારે) દોડવાની મજા આવે છે. સાત વાગ્યા પછી જોકે બહુ ફરક પડતો નથી.

ફિલમ: પાનસિંહ તોમાર

* એમ તો આ રીવ્યુ આઉટ ડેટેડ કહેવાય, પણ શું થાય? થિએટરમાં આ મુવી જોવાનું રહી ગયું, સીડી-ડીવીડી આવે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું, કારણ કે સીડી-ડીવીડી માત્ર સારા મુવીની જ ખરીદાય, મારા મતે, સારા મુવીના સીડી-ડીવીડી ‘ખરીદવા’ જ જોઈએ. (વેલ, મુવી ઈન્ડસ્ટ્રીઝ ત્રણ-ચાર મહિના સુધી એ બહાર ન પાડે, તો એમનો વાંક જ કહેવાય એ વાત અલગ છે.)

ઓકે. એકંદરે આ મુવી મને (અને અમને) ગમ્યું. ઈરફાન ખાનના સંવાદો બોલવાની સ્ટાઈલના કારણે મજા આવી, સાથે-સાથ હોમ થિએટરમાં સીડીની ક્વોલિટીના કારણે અવાજનો પ્રોબ્લેમ હતો એટલે તેમાં મજા ન આવી. પાનસિંહ જ્યારે ટોકિયો જાય છે ત્યારનો સંવાદ હજીયે લાગુ પડે છે. એથ્લેટ્સને પૂરતી સગવડ મળતી નથી, અને આપણે અપેક્ષા રાખીએ કે ઓલ્મપિકમાં આપણે ગોલ્ડ મેડલ જીતીએ! આ વાત પરથી એક વાત યાદ આવી કે રનિંગ કે એવી એનર્જી ખેંચી કાઢતી (અને જેમાં પ્રસિધ્ધિ કે પૈસા ઓછા મળે એવી) રમતોની હાલત કેવી છે. હું મુંબઇ હતો ત્યારે સ્પોર્ટસની એક દુકાનમાં રનિંગ બેલ્ટ (જેમાં પાણીની બોટલ, મોબાઈલ વગેરે રાખી શકાય) લેવા ગયો, તો તેણે મને કમરનો દુખાવો હોય ત્યારે પહેરવાનો બેલ્ટ બતાવ્યો! કપાળ કૂટ્યા વગર રહેવાય?

મુવીનો અંત જોકે અમને ન ગમ્યો. પાનસિંહ રનિંગ-સ્પોર્ટ્સમાં પાછો ફર્યો હોત તો, મજા આવત, પણ સત્ય હજીયે કડવું છે.