ગુજરાતીલેક્સિકોન તરફથી ફોન્ટ રસિકો માટે એક નવું નજરાણું

તમે ગુજરાતી ‘કલાપી’ ફોન્ટનું નામ તો સાંભળ્યું જ હશે. ૨૦૦૫માં શરુ થયેલી ‘સન્ડે ઈ–મહેફીલ’ની શરુઆત કલાપી ફોન્ટથી કરવામાં આવેલી. ચિત્તાકર્ષક અદ્ભુત વળાંકો ધરાવતો નયનરમ્ય નોન-યુનિકોડ ગુજરાતી ફોન્ટ એટલે ‘કલાપી’.

‘ગુજરાતીલેક્સિકોન’ના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાએ વર્ષો પહેલાં, જ્યારે ‘ગુજરાતી યુનિકોડ ફોન્ટ’ એવા શબ્દોયે કોઈએ સાંભળ્યા નહોતા ત્યારે, એક સ્વપ્ન જોયેલું કે એક સર્વ સુવિધાયુક્ત સર્વોત્તમ ગુજરાતી ફોન્ટ બનાવવો જે ગુજરાતી લિપિની બધી જ ખૂબીઓ અને વિવિધતાઓ ધરાવતો હોય (દા.ત. બધા જ અક્ષરો, જોડાક્ષરો, વિરામચિહ્નો, વિશિષ્ટ ચિહ્નો વગેરે). એમના સ્વપ્નના આ નોનયુનિકોડ કલાપી ફોન્ટ પર અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાની સજ્જતાથી કામગીરી કરી અને જ્યારે ‘કલાપી’ ફોન્ટ આખરી રૂપ પામ્યો ત્યારે તે ગુજરાતી ભાષાનો એક સર્વોત્તમ ફોન્ટ હતો. લેક્સિકોનની શરૂઆતની તે વેળાની સઘળી એન્ટ્રી આ નોનયુનિકોડ ‘કલાપી’ ફોન્ટમાં કરવામાં આવેલી.

જ્યારે ગુજરાતી યુનિકોડ ‘શ્રુતિ’ ફોન્ટ મળ્યો ત્યારે ‘કલાપી’માં લખાયેલી તે સઘળી બહુમુલ્ય એન્ટ્રી અમે સફળતાથી તેમાં પરિવર્તિત કરી શક્યા. એ કામ જે સરળતાથી થઈ શક્યું તે જોઈ, ત્યારે જ તેમને મનમાં થયું કે આ કલાપીને પણ યુનિકોડનું રૂપ અપાય તો કેવું સારું ! વળી, ‘કલાપી’માં લખતા શીખેલા અનેક વપરાશકારોની પણ સતત એ જ માગણી રહી.

ઘણી વિચારણા અને ચર્ચાને અંતે ‘ગુજરાતીલેક્સિકોન ટીમે’ પણ નક્કી કર્યું કે આ કામ ઘણું જ અગત્યનું છે. આ નવા ફોન્ટનિર્માણના કાર્યમાં, ફોન્ટની કામગીરીમાં રસ લેનાર બીજા અનેક ફોન્ટનિષ્ણાતો પણ પોતાનો સહયોગ આપી શકે, વપરાશકર્તાઓ મારફત તેની વારંવાર ચકાસણી થતી રહે અને તેમનાં વ્યવહારુ સૂચનો પણ મળતાં રહે, તો જ આ કાર્ય વધુ ઝડપથી અને વધુ ચોકસાઈથી સર્વોત્તમ કક્ષાનું થઈ શકે.

આ ફોન્ટનો મુખ્ય ધ્યેય એક જ છે : સઘળી ખુબીયુક્ત અને ક્ષતિમુક્ત એક સારો ગુજરાતી ફોન્ટ ગુજરાતીઓને સાંપડે અને ભાષાવિકાસ અને સંવર્ધનમાં એનોય ફાળો હોય. આ ધ્યેય હાંસલ કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે આ કાર્યને ‘ઓપનસોર્સ’ હેઠળ મૂકવામાં આવે (‘ઝાઝા હાથ રળિયામણા’) અને એટલે જ, આ ફોન્ટ આજથી ઓપનસોર્સ બને છે. ‘ઓપન ફોન્ટ લાયસન્સ’ નામના લાયસન્સ હેઠળ કોઈ પણ તેનો ઉપયોગ કરી શકશે.

કલાપી ફોન્ટનું મુખ્ય પ્રોજેક્ટ પાનું ‘ગીટહબ.કોમ’ પર અહીં જોવા મળશે:
https://github.com/gujaratilexicon/font-kalapi

તેમાં રહેલી મુશ્કેલીઓ Issues પર મૂકવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ નવા Issue તેમાં ઉમેરી શકશે. અત્યારે તેમાં ફોન્ટની ttf ફાઇલ આપવામાં આવી નથી; પણ ટેસ્ટ કરવા માટે તે ટૂંક સમયમાં મૂકવામાં આવશે.

Git જેવી નવી ટૅકનોલૉજી મારફત ગુજરાતી લિપી–ભાષાના વિકાસમાં પોતાની જાણકારીનો લાભ આપવો હોય તો આ નવો અવતાર પામનારા ‘કલાપી–યુનિકોડ’ ગુજરાતી ફોન્ટ પર કામ કરવા આપ સૌને અમારું ‘ગુજરાતીલેક્સિકોન ટીમ’ વતી ભાવભીનું નિમંત્રણ છે.

બ્લોગ પોસ્ટનો સોર્સ: ગુજરાતીલેક્સિકોન.કોમ બ્લોગ

અપડેટ: તમે મેક, લિનક્સ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે ફોન્ટ ફાઇલ અહીંથી ડાઉનલોડ કરી શકશો: કલાપી ફોન્ટ ૦.૧ ડાઉનલોડ

6 thoughts on “ગુજરાતીલેક્સિકોન તરફથી ફોન્ટ રસિકો માટે એક નવું નજરાણું

  1. Hello Kartikbhai..

    I would like to help you in this project. Please let me know how can I give my contribution(testing, development)

    Sorry, I wanted to write in gujarati, but still don’t know typing in gujarati, learning it slowly..

    Thanks,
    Jalpa

    Like

  2. હજૂ તો ગઈકાલે માંડ યુિનકોડ ડાઇનલોડ કયા, પરતું તેમ છતા તે પહેલાથી તમારા બ્લોગ વાંચૂ છૂ તેથી કલાપી ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરીશ. આભાર..

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.