* એમ તો આ કોમેન્ટ પ્રમાણે દોડવાનું કઇ રીતે શરુ કરવું એ વિષય પર એક પોસ્ટ લખવાની હતી પણ પછી આ આળસુ માણસ ભૂલી જ ગયો, Maulin ભાઇએ યાદ કરાવ્યું તે બદલ એમનો આભાર!
સૌથી પહેલા મારી દોડ-કથા કહેવી પડશે.
મને યાદ છે ત્યાં સુધી ગયા ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મારું વજન ૭૦ની આસપાસ પહોંચી ગયું હતું (ચોક્કસ રીતે યાદ નથી પણ ૭૨ પણ થયેલું!) ઉંચાઇ પ્રમાણે વજન વધુ કહેવાય અને ખાસ તો પાપી પેટ બહાર ડોકાવાની શરુઆત થઇ ગયેલી. મને કોમેન્ટો પણ મારવામાં આવતી હતી કે સુખી થવાની નિશાની છે (પૈસાની રીતે). આ મને જરાય સહન ન થયું કે પૈસા હોય નહી ને લોકો આવી કોમેન્ટ કરે તે ન ચાલે. સત્ય દેખાવું જ જોઇએ, એટલે પછી નક્કી કર્યું કે ઓગસ્ટમાં દોડવાનું ચાલુ કરીએ. ઓગસ્ટ આખો ઉપરથી ગયો. ઘરે બેઠાં કામ અને રાત્રે મોડા સુધી જાગવાની આદતને કારણે સવારે વહેલા ઉઠવામાં ભયંકર તકલીફ પડે તે સ્વાભાવિક છે.
લગભગ એક બીજા મહિના સુધી ૫/૫.૩૦ ના એલાર્મ મૂકતો અને બંધ કરીને સૂઇ જતો. મારે તો ઠીક કોકી-કવિનને પણ હેરાનગતિ થતી હતી. એક સાંજે વિચાર આવ્યો કે ચાલો સાંજે દોડવાનો પ્રયત્ન કરીએ. જીન્સ-કોટન ટી-શર્ટ પહેરીને દોડવાનો એ પ્રયત્ન સારો લાગ્યો એટલે પછી બીજા દિવસે શોર્ટ અને નવાં સોક્સ લેવામાં આવ્યા અને પછી તો અઠવાડિયાનાં એટલિસ્ટ બે-ત્રણ દિવસ આ કાર્યક્રમ સારો ચાલ્યો. વચ્ચે કેટલાય દિવસો પડ્યા પણ ઓક્ટોબર-નવેમ્બર સુધી સેટ થઇ જવામાં આવ્યું. ડિસેમ્બરમાં ગાંધીનગર મેરેથોન માટે રજીસ્ટર કરાવ્યું પણ તે કેન્સલ થઇ (સારું થયું, એ વખતે ૯ કિમી દોડવાનો કોઇ જ ક્ષમતા નહોતી!!).
સાબરમતી મેરેથોનના ડ્રીમ રન માટે પણ રજીસ્ટર કરાવવામાં આવ્યું, પણ ભૂલથી તે જ દિવસે મુંબઇ જવાની ટિકિટ લઇ લીધી એટલે એ પણ મિસ થઇ ગઇ. પછી, છેક જાન્યુઆરી-ફેબ્રુઆરી ઠીક-ઠીક દોડાયું. સાંજે મસ્ત ઠંડીમાં વસ્ત્રાપુર લેકમાં લગભગ એકલો હું દોડતો કંઇક વિચિત્ર લાગતો હતો, પણ મજા આવતી હતી. વચ્ચે, ૨૬ જાન્યુઆરીની યુવા દોડ પણ મિસ થઇ.
છેક, માર્ચમાં હું ADR ની ૭ કિમી માટે ગયો અને એ મારું પ્રથમ સારું એવું અંતર ગણી શકાય. વજન ઘટવાનું છેક માર્ચ પછી શરુ થયું જ્યારે મેં ૫ કિમી કરતાં વધુ અંતરની દોડ કરવાની શરુ કરી અને આ રીતે મારી દોડ-કથા પૂરી થઇ 🙂
વેલ, આ પરથી બોધપાઠ લઇ શકાય કે,
દોડવા માટે શું જરુરી છે અથવા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઇએ?
અ. નિયમિતતા. સૌથી અગત્યનું પાસું છે. એક વખત શરુ કર્યા પછી વચ્ચે મોટા ખાડાં પડે તો શારિરિક અને માનસિક બન્ને રીતે અસર કરે છે. વચ્ચે, મુંબઇમાં પણ જઇને ઘરની નજીકનો નાનકડો ગાર્ડન દોડવા માટે શોધી કઢાયો તો કોકીના ગામથી બીજા ગામ સુધી પણ દોડી લેવાયું. રનરને દોડવા માટે ક્યાંય પણ જગ્યા મળી રહે છે 🙂
બ. મેન્ટલ ટફનેસ. દોડવું અઘરું છે, પણ તેથીય અઘરું છે, મનને મનાવવાનું કે દોડવાનું અઘરું નથી. પરસેવો થાય, હ્દ્ય ગળા સુધી આવી જાય એવું ધબકે અને હાથ-પગ ધ્રુજારી અનુભવે અને તોય મજા આવે એને જ મેન્ટલ ટફનેસ કહેવાય. જોકે, હજીયે મારે આ વસ્તુ પર ધ્યાન રાખવાની જરુર છે.
ક. યોગ્ય ડાયેટ. એક વખત રુટિન બન્યા પછી આપમેળે જ તમે જંક ફૂડને બાય-બાય કહી દેશો, કારણ કે એમાં #અ અને #બ તમારી મદદે આવશે. છેલ્લા એક વર્ષમાં ખોરાકને કારણે મારું પેટ એકાદ વખત જ બગડ્યું છે (મારી જ ભૂલ એમાં). બ્લોગવૂડ, પણ એકંદરે દોડવાથી કાર્યસ્થળે વત્તા માનસિક શાંતિમાંય વધારો થયો છે. બીજા પોઇન્ટ પર મારે હજીયે ધ્યાન રાખવાની જરુર છે 🙂
ડ. યોગ્ય રનિંગ શૂઝ, સોક્સ. જોકે આ બહુ મહત્વનો મુદ્દો નથી. બેરફૂટ મેરેથોન પણ દોડી શકાય છે 🙂 છતાંય, સારાં શૂઝ લેવા હિતાવહ છે. સોક્સ પણ રનિંગ સોક્સ જ લેવા કારણ કે નોર્મલ મોજાં તમને લાંબા સમય સુધી ફાવશે નહી અને સામાન્ય રીતે પરસેવા જોડે પહેરવા યોગ્ય નથી.
ઇ. ગ્રુપ. દોડતી વખતે કંપની હોય તો બેસ્ટ. કારણ કે, રનિંગ માટેની પ્રોપર ટ્રેઇનિંગ મને ADRમાં જોડાયા પછી જ મળી. લગભગ દરેક શહેરમાં હવે કોઇને કોઇને કોઇ રનિંગ ગ્રુપ હોય જ છે. જોડાઇ જાવ અને મજા કરો! ADR મહિનામાં એક વખત રનિંગ વત્તા વચ્ચે-વચ્ચે અમુક મેમ્બર્સ પ્રેક્ટિસ રન વગેરેનું આયોજન કરે છે. અનુભવી રનર્સ પાસેથી ‘થોડામાં-ઘનું’ શીખવા મળે છે.
આવતી વખતે ‘ન દોડવાના બહાનાં’ પર ખાસ પોસ્ટ! 🙂
(અ. નિયમિતતા છે અને ક. ડાયેટ છે, અનિયમિતતા કે કડાયેડ ન સમજવું ;)).
Like this:
Like Loading...