ડિસક્લેમર : આ મારા અંગત સૂચનો છે. જરુરી નથી કે આ વડે તમે ૧૦૦ ટકા સલામત હોવ જ.
* આ વખતની પોસ્ટ છે, સલામતી. સેફ્ટી ફર્સ્ટ! અહીં જોકે ચોથી છે, પણ તેથી કંઇ મહત્વની નથી એવું નથી.
કેટલાંક સૂચનો. મોટાભાગે અહીં-તહીંથી લીધેલા, અનુભવે લખેલા અથવા મળેલી ટીપ્સ પરથી.
૧. તમે જે રસ્તે દોડવા જાવ તે રસ્તો ઘરના એકાદ સભ્યને ખબર હોવો જોઇએ. એમને કહી દેવાનું કે હું આટલા સમયમાં પાછો આવીશ. સાથે ફોન રાખવો જેથી બે ફાયદા થાય – સંપર્કમાં રહેવાય વત્તા સંકટ સમયે ગુગલ મેપ્સ વગેરે ઉપયોગ કરીને પાછા ઘરે પહોંચી શકાય ie ભૂલા ન પડાય. જોડે તમારું કોઇ ID કે બિઝનેશ કાર્ડ રાખવું. ઘણાં લોકો બ્લડ ગ્રુપ વાળું કાર્ડ રાખે છે, એ પણ સરસ. સાથે થોડા જ પૈસા વગેરે રાખવા, જેથી વચ્ચેથી પાણી-એનર્જી ડ્રિંક લઇ શકાય, અથવા દોડવાનું અટકાવવું પડે તો રીક્ષા-ટેક્સી કરી શકાય.
૨. ટ્રાફિક બહુ હોય એવો રસ્તો ન લેવો.
૩. અથવા જો ટ્રાફિક હોય એવો રસ્તો હોય તો સામા ટ્રાફિકે રસ્તાની એક બાજુ જ દોડવું. કારણ કે, પાછળથી તમને કોઇ અડાવી જાય એના કરતાં સામેથી આવે તો આપણે ચેતી શકીએ. પણ, આ દેશમાં રોંગ સાઇડ પર વાહન ચલાવવું એ જન્મસિધ્ધ હક્ક હોવાથી આ રીતનું કાર્ય કરવું એમાં ૧૦૦ ટકા જોખમ છે.
૪. જો આજુ-બાજુ પાર્ક હોય તો એમાં દોડવું શ્રેષ્ઠ. વચ્ચે કોઇ હડફેટે ન આવે એટલા માટે વહેલી સવારે કે સાંજે મોડા દોડી શકાય. તેમ છતાંય એક વખત હું એક નાનાં છોકરાં જોડે અથડાયો હતો. ટેક કેર!
૫. રાત્રે દોડવાનો અનુભવ મને નથી, પણ અંધારામાં શક્ય હોય તો રીફલેક્ટર ધરાવતી ટી-શર્ટ, શૂઝ પહેરવાં. મોટા ભાગની રનિંગ ટી-શર્ટ, શૂઝ આ પ્રકારની સગવડ ધરાવે જ છે.
૬. બની શકે તો મ્યુઝિક-હેડ ફોન સાંભળવાનું ટાળવું અથવા વોલ્યુમ એકદમ ધીમું રાખવું જેથી તમે ટ્રાફિક કે અણધારી વ્યક્તિઓથી સાવધાન રહો.
૭. અજાણ્યા લોકોથી દૂર રહેવું, પણ અજાણ્યા રનર્સ સામે મળે ત્યારે સ્મિતની આપ-લે કે હાથ ઉંચો કરીને hi કરવામાં કંઇ ખોટું નથી.
૮. ઠંડી-ગરમી પ્રમાણે વસ્ત્રો પહેરવા. એ પરથી યાદ આવ્યું કે ઠંડી માટે એકાદ જેકેટ મારે લેવાની જરુર છે.
૯. જ્યાં આવી ઉપરની કોઇ સલાહ કામ ન આવે ત્યારે કોમન સેન્સ વાપરવી!
આવતી વખતે – દોડ્યા પછીની તકલીફો વત્તા ખાવા-પીવાની ચર્ચા.