બ્રેક

* આજ-કાલ સોશિઅલ નેટવર્કિંગ માંથી સંન્યાસ લેવાના વિચારો વધતા જાય છે, પણ સાફ-સફાઇથી વાત આગળ વધતી નથી એટલે એક ટેસ્ટ બ્રેક આવતા મહિનામાં ફેસબુક, ટ્વિટરમાં લેવામાં આવશે. જો હું વર્ડપ્રેસ (એટલે કે આ અને અંગ્રેજી બ્લોગ) સિવાય ક્યાંય દેખાઉં તો મારી પાસેથી ૫૦૦ રુપિયાનું ઇનામ ક્લેઇમ કરી શકે છે. વર્ડપ્રેસમાં પણ કોમેન્ટ્સ હું મર્યાદિત રાખવાનો પ્રયત્ન કરીશ!

જોઇએ ક્યાં સુધી ખંજવાળ રોકી શકાય છે. જો આ બ્રેક સફળ થશે તો, વધુ મોટો બ્રેક લેવાનો વિચાર છે (ના! બ્લોગ તો ચાલુ જ રહેશે, એટલે હાશ! એવું ન બોલતા!).

આજનો મંત્ર

* એમ તો હું આ બ્લોગમાં અંગ્રેજીમાં લખતો નથી (સિવાય કે મારા ગુજરાતીમાં ઘૂસી ગયેલા અંગ્રેજી શબ્દો સિવાય!) પણ નીચેની કવિતા-ક્વોટ કે જે ગણો તે. આજ-કાલ હું તે ગણગણ કરતો જોવા મળી શકું છું (ie બાથરુમમાં).

I must not fear.
Fear is the mind-killer.
Fear is the little-death that brings total obliteration.
I will face my fear.
I will permit it to pass over me and through me.
And when it has gone past I will turn the inner eye to see it’s path.
Where the fear has gone there will be nothing.
Only I will remain.

(વાયા: આ કોમેન્ટ)

હા. ડરેલો છું, પણ ડરવાનો નથી.

૨૫ કલાક

અંધેરા કાયમ રહૈ

આવો ડાયલોગ ઇલેકટ્રીસીટી ડિપાર્ટમેન્ટમાંથી કે કોઇ ખોદ-કામ પ્રવૃત્તિ દરમિયાન બોલાયો હશે, જેથી અમારા બિલ્ડિંગની એક લાઇન શનિવારે સાંજે પાંચથી રવિવારે લગભગ સાત વાગ્યા સુધી ચાલુ નહોતી ie અંધારુ. એમાય પાછી મારી જગ્યા ખોપચામાં એટલે વધુ અંધારું. સદ્ભાગ્યની વાત કે મારે કાલે પેલી કોલેજમાં લેક્ચર માટે જવાનું હતું એની સ્લાઇડ્સ શનિવારે બપોરે જ પૂરી કરી દીધી હતી નહીતર મુશ્કેલી થઇ જાત! તેમ છતાંય, લેપટોપની જે કંઇ બેટ્રી બચી હતી વત્તા વચ્ચે એક કલાક માટે લાઇટ આવેલી (એટલે જ ૨૫ કલાક લખ્યું છે) વત્તા જે રુમ્સમાં લાઇટ હતી ત્યાંથી ચાર્જ કરી-કરીને એક મુવી પૂરુ કરવામાં આવ્યું 😉

કોઇ શક્તિમાન આમાં કશું કરી શકવાનો હતો, એ તો માત્ર આપણાં વીજળી કર્મચારીઓની મહેરબાની વત્તા મુનસુફી પર આધાર હતું!

બે અઠવાડિયાની ફિલમો – ૧૮

* આ બે અઠવાડિયે તો નવી-નક્કોર ફિલમો (એટલે કે ૨૦૧૨ની, તો શું?).

૧. ફ્લાઇટ (૨૦૧૨)

વેરી ઇન્ટ્રેસ્ટિંગ શરુઆત અને લગભગ બોરિંગ અંત. જેને પ્લેન, એરહોસ્ટેસ અને દારુ-ડ્રગ્સ ગમતું હોય એમના માટે. પણ, આપણાં ડેન્ઝેલ વોશિંગ્ટનભાઇનો અભિયન એઝ-યુઝયલ અદ્ભૂત.

૨. ક્લાઉડ એટલાસ (૨૦૧૨)

વોટ. સરસ ફિલમ. થોડી-થોડી કોમ્પલિકેટેડ, પણ સરસ. વિગતે રીવ્યુ ફરી ક્યારેક! યાદ નહી પણ કોઇકે કોઇ બ્લોગમાં કોમેન્ટ કે ક્યાંક આ વિશે લખેલું ત્યાર પછી વિકિપીડિઆ, IMDB માં શોધખોળ કરી (હું સમાચારપત્રો કે સમાચાર સાઇટ્સ જોતો નથી) અને ખબર પડી કે ઓહ, આ તો આપણાં ફેવરિટ એવાં Wachowski ભાઇ-બહેનની ઉપજ છે.

૩. પ્રિમિયમ રશ (૨૦૧૨)

સાયકલ, સાયકલ, સાયકલ. સાયકલ પ્રેમીઓ માટે ખાસ. PS: આવી રીતે સાયકલ ચલાવવાનું જોખમ લેવું નહી!!

૪. હિચકોક (૨૦૧૨)

હિચકોકના ફેન્સને ગમશે. થોડા સમયથી હું હિચકોક વિશે વાંચતો હતો અને કદાચ વર્ટિગો, રીઅર વિન્ડો, સાયકો અને નોર્થ બાય નોર્થવેસ્ટ જોયા પછી ખબર પડી કે ઓહ, ઘણું મિસ કર્યું. મુવી હિચકોકના સાયકો મુવીના નિર્માણની આસપાસની ફિલમ છે. ડાયલોગ્સ પણ અફલાતૂન છે.

અપડેટ્સ – ૭૭

૭૭મી અપડેટ્સ પોસ્ટ નિમિત્તે અપડેટ્સ!

* ઓહ. હેલ્લો બેંગ્લુરુ.

* ટ્રેનની મુસાફરી >>> પ્લેનની મુસાફરી. ખાસ કરીને લોકો અને સિક્યોરીટીના નામ પર થતાં વિચિત્ર ચેકિંગના કારણે. સિક્યોરીટીને એટલી પણ ખબર ન હોય કે રાઉટરનું એરિયલ હાનિકારક ન હોય? વેલ, છેલ્લે એમને એમાં કંઇ હાનિકારક ન લાગ્યું અને મારું રાઉટર બિન-એરિયલ તડપતાં રહી ગયું.

* નવાઇની વાત કહેવાય કે હું આ વખતે એક પણ વસ્તુ ભૂલીને આવ્યો નથી. પણ, એમ કંઇ મિ. મર્ફી આપણને છોડે ખરા? અમદાવાદથી કેમેરાની બેગ, હાર્ડડિસ્ક અને બીજી વસ્તુઓ લાવવાના પ્લાન પર ચાવી ફરી વળી!

* પગ સલામત, તો જૂતિયાં બહોત. કંઇ નવા શૂઝ લેવાના નથી થયા. આ તો જરા કહેવત યાદ આવી ગઇ.

* ઢેટણેટેં.. દોડવાનું ફરી નિયમિત શરુ કરી દેવામાં આવ્યું છે! (એટલે કે આજથી)

* આવતી કાલે એક લોકલ કોલેજમાં (જે ગામના છેડે છે) ડેબિયન પર સેશન-લેક્ચર આપવા જવાનું છે, એટલે ફરી પાછી લગભગ એરપોર્ટ સુધીની બોરિંગ મુસાફરી કરવાની છે.

* અને હા, બધાંને હેપ્પી પ્રજાસત્તાક દિવસ!

આજની કડી

* આજની (મોડી મોડી, કારણ કે કાલ થવામાં પાંચ મિનિટ જ બાકી છે!) કડી છે: કાર્તિક મિસ્ત્રીના વિચારો, એમની ભાષામાં. અને, એ પણ સૌરભ શાહ દ્વારા. મારે મનમાં સંકોચ સાથે કહેવું પડે કે સૌરભભાઇએ એમનો બ્લોગ ચાલુ કર્યો એ પહેલાં મને જરા પણ આઇડ્યા નહોતો કે એ આટલું સરસ લખે છે અને હજી સુધી મેં આટલું સરસ લખાણ ગુમાવ્યું. એમની જોડે કોમેન્ટ વડે સંવાદ ચાલુ થયો એ યાદ કરીને પણ હું પોતાને બે ધોલ-ધપાટ મારી શકું તેમ છું, કારણ કે એ વખતે પણ મેં જબરી તોછડાઇ કરેલી. એ વાત પર સૌરભભાઇની જાહેરમાં માફી વત્તા આભાર!

એક વસ્તુ હજી મનમાં ખટકતી હોય તો તે તેમનાં લેખો RSS ફીડ દ્વારા વાંચવા મળતા નથી. હે પરમ કૃપાળુ, પરમાત્મા – જલ્દીથી આ સગવડ થઇ જાય તો વિનયભાઇ પર આધારિત થવું મટે 🙂

રેસ રિપોર્ટ: મુંબઇ મેરેથોન ૨૦૧૩

* તો હાજર છે, મુંબઇ મેરેથોન ૨૦૧૩ (ઉપ્સ, સ્ટાન્ડર્ડ ચાર્ટડ મુંબઇ મેરેથોન ૨૦૧૩!) નો રેસ રીપોર્ટ.

મુંબઇ પહોંચ્યો ત્યારે પેલી ૨૩ કલાક (વત્તા દાદર-ચર્ચગેટ-ઘરની લોકલ મુસાફરી + સ્ટેશનથી ઘર) મુસાફરીનો થાક ભરપૂર લાગેલો હતો. બીજા દિવસે કફ પરેડ બીબ નંબર અને ટાઇમિંગ ચીપ લેવા માટે જવાનું હતું. ત્યાં ગયા પછી બીજા ADR સભ્યો મળ્યા એટલે અડધી બપોર ત્યાં જ નીકળી ગઇ. પાછો આવ્યો ત્યાર પછી બીજા કામ પૂરા કર્યા અને રાત્રે છેક ૧૧.૩૦ વાગ્યા પછી સૂવામાં આવ્યું. જોકે મને હજી સુધી ઓછી ઉંઘની અસર કેવી પડે એનો ખ્યાલ નહોતો.

બીજા દિવસે સવારે પહેલી લોકલમાં ચડ્યો ત્યારે અડધી ટ્રેન મેરેથોન રનર્સથી ભરેલી હતી. ઘણાં નવાં લોકો જોડે ઓળખાણ થઇ અને તેમનાં અનુભવો સાંભળવાની મજા આવી. આઝાદ મેદાન પહોંચ્યા ત્યારે મેદાન મેરેથોનર્સથી ભરેલું હતું. શરુઆત થયા પછી ટાઇમિંગ કારપેટ પર જતાં મને ૧૦ મિનિટ લાગી! આ તફાવત મને મેન્ટલી બહુ મદદ કરવા વાળો હતો! શરુઆત તો સરસ થઇ. રાજેશ, નિરવ રસ્તામાં મળ્યા, બીજા લોકો મળતાં રહેતા હતા અને આગળ જતાં રહેતાં હતા 😉 વરલી સી-ફેસ સુધી તો આપણે સારું પ્રદર્શન કર્યું પણ, પછી સી-લિંકથી મને સી-સીકનેસ થવાની શરુઆત થઇ. વેલ, વાતાવરણ બહુ સરસ હતું એટલે લગભગ ૨૧ કિલોમીટર અઢી-કલાકમાં થઇ ગયા. ત્યાર બાદ ૨૦-૨૫માંય કંઇ ખાસ વાંધો ન આવ્યો. રસ્તામાં વાતો કરતાં-કરતાં સારો સમય પસા ર થઇ ગયો, પણ પછી તડકો ચડવાની શરુઆત થઇ અને ૩૦ કિલોમીટર પહોંચ્યા પછી હિપ જોઇન્ટમાં દુખાવાની શરુઆત થઇ જે છેક ૩૫ સુધી નડી. ૩૫ થી ૩૮ એટલે સૌથી તકલીફ વાળો રસ્તો – પેડર રોડ! આ પેડર રોડે અમારી પત્તર ફાડી. બીજી બાજુ કોકી-કવિન અને મારા સસરા મારી રાહ જોઇને ઉભા હતા. ૩૮થી ૪૧ – એટલે મેં લગભગ ચાલીને જ પૂરુ કર્યું. પેલી ટોપી કામમાં આવી અને પૈસા વસૂલ થયા.

૪૧ પછી થોડું સ્પ્રિન્ટ કરવામાં આવ્યું અને ફિનિશિંગ લાઇન પર પહોંચ્યો ત્યારે ૬ કલાક, ૦૩ મિનિટ થઇ ગઇ હતી પણ અમે મોડા ચાલુ કર્યું એટલે ઓફિશિયલ ટાઇમિંગ આવ્યો: ૫.૫૫.૩૫.

થાક લાગ્યો છે પણ એટલો બધો નથી લાગ્યો જેટલો લાગવો જોઇએ. હવે વ્યવસ્થિત તૈયારી આ અનુભવથી બોધપાઠ લઇને કરવામાં આવશે. દા.ત. મારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી છેલ્લાં પાંચ કિલોમીટર કેવી રીતે ઝડપથી દોડી શકાય? અપર બોડીને મજબૂત કરવી વગેરે વગેરે.

જે હોય તે, પહેલી મેરેથોન અને પૂરી કરી એટલે હું ખુશ છું. ie મારો જેવો ફ્લોબર વોર્મ દોડી શકે તો તમે કેમ નહી? 😀

(ફોટો વગેરે આવશે ત્યારે, અહીં અપડેટ કરીશ, અથવા ફેસબુક ઝિંદાબાદ)

PS: ડેઇલીમાઇલ એન્ટ્રી.

PS ૨: ઓફિશીઅલ પરિણામ.

આ (ત્રણ) અઠવાડિયાની ફિલમો – ૧૭

* છેક ત્રણ અઠવાડિયે આ પોસ્ટ આવી છે, અને માત્ર ચાર ફિલમો લઇને. બહોત નાઇન્સાફી હૈ!

૧. ટેકન-૨ (૨૦૧૨)

સરસ મુવી. આપણને આ લિઆમ નેસન ગમે એટલે વધારે મજા આવી. સરસ એક્શન. આ ભાગ-૨ની સ્ટોરીમાં થોડાંક છિંડા છે, પણ માર-ધાડની સ્ટોરી હોવાથી ચાલી જાય. જોકે પેલાં ભાગ-૧ માં વધારે મજા આવી હતી.

૨. વ્હિસ્પર ઓફ ધ હાર્ટ (૧૯૯૫)

સ્ટુડિઓ ઘીબ્લી (કે ગ્હિબ્લી?) ઇઝ બેક! આ વખતે સ્ટોરી થોડી મોટી ઉંમરના બાળકો માટે છે. કારણ કે, એમાં કવિતા છે, પ્રેમ છે અને ફૂટતી યુવાનીમાં અનુભવાતી સંવેદનાઓ છે! એમાં પુસ્તકો છે, વાર્તા છે, વાયોલિન છે અને નવાં-નવાં પ્રેમીઓ વચ્ચે થતો વાદ-વિવાદ પણ છે. સરસ સ્ટોરી અને સરસ મ્યુઝિક. Country road.. ગીત સરસ છે. મેં મોબાઇલમાં રેકોર્ડ કર્યું છે, હવે ક્યાંકથી MP3 મળે તો લઇ લઇશું અને રાત્રે સૂતાં પહેલાં સાંભળી શકાય એવી ગોઠવણ કરીશું 🙂

૩. પોન્યો (૨૦૦૮)

ફરીથી સ્ટુડિઓ ઘીબ્લીની સરસ ફિલ્મ. મને જોકે જળચરો કે દરિયાની ફિલ્મો થોડી ઓછી ગમે છે. પણ, આ તો સરસ છે! વ્હિસ્પર ઓફ ધ હાર્ટની જેમ સરસ જાપાનીઝ ગીતો અને રસપ્રદ વાર્તા.

૪. *બેટ્ટરીસ નોટ ઇન્ક્લુડેડ (૧૯૮૭)

વાહ. સાયન્સ ફિક્શન વત્તા ઇમોશનલ ફેક્ટ્સ! આજનાં બિલ્ડરોને સમર્પિત. વેલ, આ મુવી પણ અમારા ધ્યાન બહાર કેમ રહી ગયું એ પણ નવાઇની વાત છે. રોબોટને બચ્ચું આવે? તમને નવાઇ લાગતી હોય તો આ ફિલમ જરુરથી જોવી! સંવાદો પણ સરસ.

૨૩ કલાક

* વર્ષો પછી ૨૩ કલાક લાંબી ટ્રેન મુસાફરી-પ્રવાસ-સફર કર્યો, અને એ પણ સ્લિપર કોચમાં. ટ્રેનમાં સૌથી વધુ મિસ થયેલી વસ્તુ હોય તો, એ છે — ઓશીકું, જે બિચારું દુકાનમાં જ પડ્યું રહ્યું.

ટ્રેનમાં મને બીજી વસ્તુ વગર ન ચાલે — ચશ્માનું બોક્સ. જો તમે ચશ્મા ધરાવતા હશો તો, મારી જોડે સહમત હશો કે પછી તમે લાંબી મુસાફરી નહી કરી હોય!

બોધપાઠ: ઓશીકું લઇને જ જવું (અથવા ૩-એસીમાંથી ખેંચી લેવું ;)).

RIP: એરન સ્વાર્ટઝ

* ઓકે, આ પોસ્ટ લેટ છે, પણ સાવ લેટ નથી એવું મારું માનવું છે. કોણ હતો આ, એરન સ્વાર્ટઝ? ૨૭ વર્ષનો આ યુવાન કેમ સમાચાર પત્રોમાં ચમક્યો? જોકે આપણાં ગુજરાતી સમાચારપત્રોએ હંમેશની જેમ કંઇ ખાસ નોંધ લીધી નહી (કે મને દેખાઇ નહી). જે હોય તે, એરનને લોકો અમેરિકાની ન્યાય સિસ્ટમને કારણે યાદ રાખશે.

એરન જ્યારે ૧૪ વર્ષનો હતો ત્યારે તેણે RSS 1.0 સ્પેશિફિકેશન બનાવવામાં ફાળો આપ્યો હતો, ત્યારબાદ Reddit ના સહ-સ્થાપક તરીકે તેનું નામ જાણીતું બન્યું. એ જોકે વધુ જાણીતો બન્યો, JSTOR ના કારણે. હવે આ JSTOR શું છે? એ કંપની છે, જે અમેરિકાની કોલેજો-યુનિવર્સિટીઓમાં થતાં શૈક્ષણિક પ્રકાશનો પર હક ધરાવે છે. રીસર્ચ કરે વિદ્યાર્થીઓ-શિક્ષકો, પૈસા ચૂકવવા પડે વિદ્યાર્થીઓને, પૈસા જાય – પ્રકાશકોને! એરનને આ ગમ્યું નહી અને તેણે આ બધાં પ્રકાશનો પબ્લિકમાં મૂકી દીધા. અમેરિકાની ન્યાય સિસ્ટમને એરનનું આ પરાક્રમ બહુ ગમ્યું નહી અને તેના પર કેસ ચલાવવામાં આવ્યો, પણ તેને કંઇ થયું નહી. એરન પછી PACER અને તેનાં ડિમાન્ડ પ્રોગ્રેસ અને આવાજ સંસ્થાઓ સાથેના કામ વડે જાણીતો બન્યો. પેલાં SOPA કાયદાને રોકવામાં તેનો મુખ્ય ફાળો ખરો.

તેમ છતાંય, ટેલેન્ટેડ માણસોને શું થાય છે કે એ દુનિયામાંથી વહેલી વિદાય લે છે? (જાતે કે પછી બીજી ઘટનાઓ દ્વારા?). એરન આ દુનિયામાં નથી. આપણાથી થઇ શકે એ, હું વિકિપીડીઆનો તેનો લેખ ભાષાંતર કરી રહ્યો છું. આ અઠવાડિયામાં તો બહુ સમય નથી, પણ આ મહિનાનાં અંત સુધીમાં એકદમ સરસ બનાવવાનો ઇરાદો છે.

જ્યારે પણ તમે RSS કે ગુગલ રીડર વડે લેખ વાંચતા હોવ ત્યારે, એરનને એક વાર યાદ કરજો. આ એક જ કામને લીધે પણ એરન માટે એક પોસ્ટ લખવું જરાય ખોટું નથી.

અલવિદા, એરન.