ઓપનસોર્સમાં યોગદાન કેવી રીતે આપશો? ભાગ ૨

ભાગ ૦ અને ભાગ ૧ પછી હવે હાજર છે ભાગ ૨. એટલે કે ભાગ-મ-ભાગ — ઓપનસોર્સ તરફ? 🙂

વેલ, ટેકનિકલ યોગદાન એ પહેલાં બે હપ્તામાં જોયેલા યોગદાનથી ખાસ અલગ નથી. તમે જો કોડિંગ કરી શકતા હોવ કે પછી ટેકનિકલ સાઉન્ડ હોવ તો, તમે કોઇ પણ પ્રોજેક્ટમાં તમારું યોગદાન આપી શકો છો. ધ્યાન એ રાખવું કે કોમ્યુનિકેશન-કોમ્યુનિટી મુદ્દો અહીં પણ મજબૂત હોવો જરુરી છે. સારું કોડિંગ કરનાર, સારો કોમ્યુનિટી મેમ્બર બને તે જરુરી નથી! નીચે થોડાંક મુદ્દાઓ લખ્યા છે, જે મારા નાનકડાં અનુભવોને આધારે છે. સુધારા-વધારા માટે સૂચનો આવકાર્ય છે. આ સીરીઝની બ્લોગ-પોસ્ટ્સ હું સમયાંતરે અપડેટ્સ કરતો રહીશ.

૧. ધીમી શરુઆત.

ધીરુભાઇ ઝિંદાબાદ. ધીરુભાઇ અમર રહો. (ઓપનસોર્સની) દુનિયા મુઠ્ઠીમાં કરી લેવા માટે હંમેશા ધીમી શરુઆત કરવી. દા.ત. કર્નલમાં યોગદાન આપવું હોય અને કમ્પાઇલ કર્યા વગર એ પ્રકારના પ્રશ્નો તમે સીધાં જ કર્નલનાં મેઇલિંગ લિસ્ટમાં જઇને પૂછો તો, સારા જવાબોની અપેક્ષા (કે આશા – તમને જે ગમે તે) રાખવી નહી. PS: આપણાં ભારતીયો આ પ્રકારના સવાલો કર્નલ મેઇલિંગ લિસ્ટમાં પૂછવા માટે ફેમસ છે (અને બીજી બાજુ હોશિંયાર, હોનહાર કર્નલ ડેવલોપર્સ ભારતમાંથી પણ છે!).

૨. ગીટહબ, બિટબકેટ કે ગિટોરિઅસ.

આ ત્રણ વેબસાઇટ્સ તમારા કોડિંગને દુનિયા સુધી પહોંચાડશે. વત્તા ગીટહબ, બિટબકેટ, ફોર્ક અને પુલ રિકવેસ્ટનાં સરસ ફીચર્સ ધરાવે છે એટલે તમે ગમે તે પ્રોજેક્ટમાં યોગદાન આપી શકશો. એકદમ સરળ અને સુંદર.

૩. રીઇન્વેન્ટિંગ ધ વ્હીલ.

^^ આ ન કરવું. કોલેજમાંથી બહાર પડીએ ત્યારે આપણી ઇચ્છા પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની હોય છે. એમ કરવાની જરુર નથી, કારણ કે લિનક્સ કે પહેલેથી ચાલી રહેલા સારાં પ્રોજેક્ટને શ્રેષ્ઠ બનાવીએ એ જ ઘણું છે (આ લખીને તમારી ઇચ્છા પર હું કુહાડો નથી મારતો, પણ કોમ્યુનિટી સાથે જોડાવવું એ નવી કોમ્યુનિટી બનાવવા કરતાં સરળ છે!).

૪. મોટિવેશન.

મોટિવેશન આપવું અને જાળવી રાખવું. અહીં તેની જરુર પડશે!

૫. ઉદાહરણો.

ટેકનિકલ યોગદાન આપવા માટે બેસ્ટ પ્રોજેક્ટ્સ: કેડીઇ (C++, Qt, Python વગેરે), પાયથોન (C, Python), ડેબિયન, (તમને જે કંઇ આવડે તે!), ફાયરફોક્સ (આ પાનું જોવા જેવું છે).  વત્તા, જો તમે તાજેતરમાં થયેલી કેડીઇ કોન્ફરન્સ વિશેની વિવિધ પોસ્ટ્સ વાંચી હોય તો, ઓપનસોર્સમાં ઝંપલાવવાનો ઉત્તમ રસ્તો, કોઇ કોન્ફરન્સમાં જવું અને ત્યાં ડાયરેક્ટ ડેવલોપર્સ જોડે જ્ઞાન મેળવવું.

તો, આ સીરીઝ અહીં પૂરા થાય છે!! સમય મળશે તો આપણે આવાં મુદ્દાઓ ચર્ચતા રહીશું!!

ઓપનસોર્સમાં યોગદાન કેવી રીતે આપશો? ભાગ ૧

* ભાગ ૦ વાંચવા ને બદલે તમે જો સીધાં અહીં આવ્યા હોવ તો, તે પહેલાં વાંચી લેવા વિનંતી (ઓકે, અત્યારે તો ચાલશે)!

સોફ્ટવેર એન્જિનિયર્સ માટે સામાન્ય રીતે ઓપનસોર્સમાં યોગદાન આપવું સરળ છે, પણ જો કોઇ સોફ્ટવેર એન્જિનિયર્સ ન હોય તો (એટલે કે ટેકનિકલ બેકગ્રાઉન્ડ ન હોય તો)? તો પણ, તમે આ અદ્ભૂત ચળવળમાં તમારું યોગદાન અને યથાશક્તિ ફાળો આપી શકો છો. કેવી રીતે? આપણે તે અહીં જોઇએ.

૧. ગ્રાફિક્સ, ડિઝાઇન, આર્ટવર્ક

કેડીઈ આર્ટવર્ક

જો તમને સારી કલાત્મક દ્રષ્ટિ હોય અને તમે જીમ્પ કે ઇન્કસ્કેપ જેવાં કાર્યક્રમો વાપરી શકતાં હોવ તો, બધાં જ ઓપનસોર્સ પ્રોજેક્ટ તમને આવકારશે. જીમ્પ અને ઇન્કસ્કેપ હવે શીખવા એટલાં અઘરાં નથી અને દરેક ઓપનસોર્સ પ્રોજેક્ટમાં સરસ મજાનાં લોગો, આઇકન્સ કે વિઝ્યુલ ઇફેક્ટ્સ બનાવનારની ખૂબ જ ડિમાન્ડ હોય છે. દા.ત. કેડીઇ ઇન્ડિયાનું આર્ટવર્ક

૨. ફોન્ટ્સ

ફોન્ટ્સ, ખાસ કરીને ભારતીય ભાષાઓમાં ફોન્ટ બનાવનારની ભારે માંગ છે. ગુજરાતી ઓપનસોર્સ ફોન્ટ્સ જેવાં કે, લોહિત, રેખા, આકાર અને કલાપીમાં તમારું યોગદાન આવકાર્ય છે (છેલ્લાં ત્રણ હું સંભાળી રહ્યો છું, એટલે તો ખાસ જરુર છે!!)

૩. ડોક્યુમેન્ટેશન (દસ્તાવેજ, મદદ વગેરે)

કોઇ પણ પ્રોજેક્ટમાં તાતી જરુર મદદ કે ડોક્યુમેન્ટેશન લખવાની હોય છે, કારણ કે આ કામ બોરિંગ છે! બોરિંગની સાથોસાથ એટલું જ મહત્વનું છે. બધાંને ડોક્યુમેન્ટેશન જોઇએ, પણ કોઇ તેને લખવા તૈયાર હોતું નથી એટલે આ પણ ઝડપી લેવા જેવી તક છે, જો તમને આ કામ બોરિંગ ન લાગતું હોય તો! લિનક્સમાં તમે શરુઆત man પાનાંઓથી કરી શકો છો. (આ પાછો બીજો વાઇડ વિષય છે, ફરી ક્યારેક ઊંડાણમાં ઉતરીશું.)

PS: ઢગલાબંધ ડોક્યુમેન્ટેશન.

૪. ભાષા સંબંધિત પ્રોજેક્ટસ (ભાષાંતર, ઇનપુટ મેથ્ડ્સ વગેરે)

ભાષાંતર એટલે કે અનુવાદ – ખાસ કરીને સોફ્ટવેરને ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવાં, કરેલો અનુવાદ સુધારવા અને સંભાળવા, ખાસ્સી મહેનત અને માણસોની જરુર છે. લોકો ભલે કહે કે, અંગ્રેજી બધાંને આવડે, પણ આપણે જાણીએ છીએ કે શહેરથી ૧૦ કિલોમીટર દૂર જાવ એટલે અંગ્રેજી  કેટલું લોકપ્રિય છે એ ખબર પડી જાય છે. કોમ્પ્યુટરનો ઉપયોગ સામાન્ય માણસ પોતાની ભાષામાં કરી શકે એ માટે ટેકનિકલ અનુવાદકો જરુરી છે. લગભગ દરેક પ્રોજેક્ટસમાં translator ની જરુરિયાત હોય જ છે. એટલે, ઓલ આર વેલકમ!

થોડાક ઉદાહરણો: ટક્સપેઇન્ટ, ટોર, કેડીઇ, ગ્નોમ, દ્રુપલ, વર્ડપ્રેસ.

ભાષા સંબંધિત બીજાં પ્રોજેક્ટ્સમાં ઇનપુટ મેથ્ડ્સ, ડિક્શનરી, સંબંધિત ટુલ્સ જેવાં કે કી-બોર્ડ લેઆઉટ વગેરે પણ એટલાં જ જરુરી છે. આવા પણ ઘણાં પ્રોજેક્ટસ છે. એમાં તમે નોન-ટેકનિકલ ઇનપુટ્સ જેવાં કે ટેસ્ટિંગ વગેરે આપી શકો છો.

કેટલીક રમતો જેવી કે KGeography કે Ktouch પણ તૈયાર જ છે, તમારી મદદ લેવા માટે!

૫. વિકિપીડિઆ

હા. વિકિપીડિઆમાં તમારું યોગદાન ઓપનસોર્સ-ઓપન કન્ટેન્ટમાં જ ગણાય એટલે ચિંતા નહી. વિકિપીડિઆમાં ટેકનિકલ યોગદાન કઇ રીતે કરવું એ કાલે જોઇશું.

અને છેલ્લે, કંઇ નહી તો,

૬. બગ રીપોર્ટિંગ

એટલે કે કંઇ મુશ્કેલી આવી હોય તો ડેવલોપર્સને જાણ કરો. ઉબુન્ટુમાં તમે લૉન્ચપેડ કે ડેબિયનમાં reportbug જેવાં રેડીમેઇડ ટુલ્સ તૈયાર જ છે. દરેક પ્રોજેક્ટ્સને પોતાનું ‘બગ ટ્રેકર’ હોય છે જે તમે વાપરી શકો છો. જોકે પહેલાં આ જ પ્રકારનો કોઇ બગ હાજર છે કે નહી તેની ખાતરી કરી લેવાથી તમારો અને લોકોનો સમય બચી જશે.

આવતી કાલે (અથવા પરમ દિવસે), ટેકનિકલ યોગદાન કેવી રીતે આપવું એના પર જોઇશું.

ઓપનસોર્સમાં યોગદાન કેવી રીતે આપશો? ભાગ ૦

* સામાન્ય રીતે આ પ્રકારનાં લેખો તમને અંગ્રેજી કે બીજી ભાષાઓમાં ઢગલાબંધ મળી જશે. એટલે, જો તમે ત્યાં વાંચેલું જ હોય તો, આ પોસ્ટ છોડી શકો છો, તેમ છતાંય આ લેખની ગુણવત્તા વધારવાના પ્રાયોગિક સૂચનો સહર્ષ આવકાર્ય છે.

આ ઓપનસોર્સ છે શું?

ઓપનસોર્સ એટલે કંઇ રહસ્યમય વસ્તુ નથી! ઓપન એટલે ગુજરાતીમાં શબ્દનું ભાષાંતર કરીએ તો ખૂલ્લું અને સોર્સ એટલે સ્ત્રોત કે કોડ. તેમ છતાંય, અહીં ઓપનનો અર્થ ‘મુક્ત’ પર લેવો.

અને આ ફ્રી સોફ્ટવેર શું છે?

તમે ફ્રી સોફ્ટવેર અને ઓપનસોર્સ એમ બે શબ્દો વારંવાર મારા બ્લોગમાં સાંભળ્યા હશે. ફ્રી સોફ્ટવેર એ અલગ પ્રકારની ચળવળ છે. ઓપનસોર્સ સોફ્ટવેર મોટાભાગે વધુ પ્રચલિત શબ્દપ્રયોગ છે, પણ અંતે તો હેમનું હેમ એમ બન્ને શબ્દો એકબીજાં માટે વાપરી શકાય છે (ક્યારેક નહી, પણ તેની વાત પછી ક્યારેક!)

ઓપનસોર્સ સોફ્ટવેરનાં ઉદાહરણો?

સૌથી લોકપ્રિય ઉદાહરણ આપવું હોય તો – લિનક્સ (કે લાઇનક્સ. જેવો જેનો ઉચ્ચાર!). પછીથી, ફાયરફોક્સ, થન્ડરબર્ડ ઇમેલ ક્લાયન્ટ, પિડગિન મેસેન્જર ક્લાયન્ટ, એનડ્રોઇડ (આ અંગે થોડા મતભેદો છે, તેમ છતાંય..) અને ઢગલાબંધ બીજા સોફ્ટવેર.

શરુઆત ક્યાંથી કરવી જોઇએ?

આપણે ત્રણ ભાગમાં શરુઆત કરીએ,

૦. સામાન્ય સમજ અને પરિચય
૧. નોન-ટેકનિકલ યોગદાન.
૨. ટેકનિકલ યોગદાન.

આ પ્રથમ લેખમાં બન્ને માટે સામાન્ય શીખવાની વસ્તુ પર ધ્યાન આપીશું. ધ્યાનમાં રાખજો કે જે ઉદાહરણ હું લઇશ એ ઉદાહરણ તરીકે જ હશે. ઓપનસોર્સનો ફાયદો એ કે એક કામ માટે તમને એકથી વધુ વિકલ્પો મળી રહે છે. હું અહીં એક રસ્તો બતાવીશ. એવું જ કામ કરવાના બીજા હજાર રસ્તાઓ હાજર છે.

અહીં આપણે ત્રણ વસ્તુનો પરિચય કરીશું.

૧. એડિટર (દા.ત. vim), ૨. વર્ઝન કંટ્રોલ સિસ્ટમ (દા.ત. Git), ૩. કોમ્યુનિકેશન અને કોમ્યુનિટી (મેઇલિંગ લિસ્ટ, IRC, બગ ટ્રેકિંગ વગેરે). આપણે ધારી લઇએ કે તમે લિનક્સ વાપરી રહ્યા છો. લિનક્સનો તમારી પાસે ન હોય તો, અત્યારે ડેબિયન, ઉબુન્ટુ, ફેડોરા જેવા કેટલાંય વિકલ્પો તમારી પાસે છે. એક ઉપાય તરીકે તમે virtualbox જેવા સોફ્ટવેર પણ વાપરી શકો છો, પણ સૌથી ઉત્તમ ઉપાય, લિનક્સ જાતે જ ઇન્સ્ટોલ (સ્થાપિત) કરવાનો છે. પણ, એ આ લેખનો સ્કોપ નથી! 🙂 (પણ, તમને ગુગલ સર્ચ કરતાં આવડે તો, તમે ૧૦ મિનિટમાં લિનક્સ તમારા મશીનમાં ઇન્સ્ટોલ કરી શકો છો!)

૧. એડિટર

એડિટર એટલે આપણાં ગુ.સ.ના માનનીય સંપાદકશ્રી નહી, પણ એડિટર એટલે એવો કાર્યક્રમ જે આપણને કોમ્પ્યુટરમાં ટાઇપ કરવા દે. નોટપેડ, વર્ડપેડ થી માંડીને લિનક્સમાં જીએડિટ, ઇમેક્સ કે વિમ એડિટરના ઉદાહરણો છે. તમારે માટે લિનક્સમાં વિમ શીખવાનું સલાહ ભર્યું છે, તેમ છતાંય જીએડિટ, કેટ કે કેરાઇટ પણ ચાલે. આ બધાં એડિટર તમને ગમતી પ્રોગ્રામિંગ ભાષાનું બંધારણ (ie સિનટેક્સ્ટ) હાઇલાઇટ કરે છે. યાદ રાખો કે, તેઓ IDE નથી.

vim શીખવા માટે આ પુસ્તક સરસ છે.

૨. વર્ઝન કંટ્રોલ સિસ્ટમ

એક વર્ઝન કંટ્રોલ સિસ્ટમ કાફી છે. દા.ત. Subversion અથવા Git.

Git માટે જુઓ નીચેની કડીઓ:

૧. Git પુસ્તક

૨. Git બ્રાન્ચિંગ વિશે સરસ માહિતી

૩. Git ખ્યાલો સરળ ભાષામાં

છેલ્લી બે કડીઓ થોડી એડવાન્સ છે, એટલે સીધું જ ત્યાં જંપલાવવું નહી.

૩. કોમ્યુનિકેશન અને કોમ્યુનિટી

૧ અને ૨ – ટેકનિકલ પુલમાં ડૂબકી મારે છે, પણ ઓપનસોર્સમાં સૌથી મોટી વસ્તુ કોમ્યુનિકેશન અને કોમ્યુનિટી છે. ઓપનસોર્સનો અર્થ જ એ કે સાથે મળીને કામ કરવું. લગભગ દરેક ઓપનસોર્સ પ્રોજેક્ટ એક કે વધુ મેઇલિંગ લિસ્ટ, IRC ચેનલ ધરાવે છે, જેને તમે સબસ્ક્રાઇબ કરીને બધી ઇમેલ્સ મેળવી શકો છો. તમારા પ્રશ્નો પૂછી શકો છો અને કોઇ તેનો જવાબ આપશે. જોકે, નીચેની વિગતો ધ્યાનમાં રાખવી.

૧. તમારો સવાલ પૂછતાં પહેલાં જે તે પ્રોજેક્ટનાં FAQs, README કે તેનાં મેન્યુઅલ વાંચી લેવા. નહી તો લોકો તમને કહેશે, RTFM!

૨. તરત જ જવાબની આશા રાખવી નહી. ધીરજના ફળ મીઠાં. કારણ કે, તમારી જેમ લોકો પોતાના ફ્રી સમયમાં પ્રોજેક્ટમાં યોગદાન આપે છે, એટલે તરત જવાબ આપવા કોઇ બંધાયેલું નથી.

૩. નમ્રતા એ સદ્ગુણ છે, એનો ઉપયોગ અહીં વારંવાર કરવો.

ઓકે, આ બધું એક જ પોસ્ટમાં સમજાવવું શક્ય નથી, એ માટે જાત મહેનત જિંદાબાદ કે પછી આપ મૂઆ સ્વર્ગે જવાતું નથી, વગેરે વગેરે કહેવતો યાદ રાખવી અને અહીં કોમેન્ટ્સમાં તમારા સવાલો પૂછતા. બીજો ભાગ કાલે અથવા પરમ દિવસે.

અપડેટ્સ – ૮૧

* બુધ-ગુરુવાર મહા બોરિંગ રહ્યા. કારણ? બંધથી ડરીને ઓફિસમાં રજા આપવામાં આવી અને બંધ તો બંધ જેવું નીકળ્યું (સવારે બ્રેકફાસ્ટનો પ્રોબ્લેમ થયો, બાકી બધું બરાબર હતું) અને કારણ વગર આવી પડેલી રજા નવાં આવેલાં પુસ્તકો, ટેમ્પલ રન રમવામાં અને કોમિક્સ વાંચવામાં પૂરા કરવામાં આવ્યા. થોડુંક પ્રોડક્ટીવ કામ પણ થયું એ સારી વાત છે, પણ આવી રીતે સરપ્રાઇઝ રજા મળે એટલે આપણે ગૂંચવાઇ જઇએ. જોકે બહુ ખુશ થવાની જરુર નથી એની જગ્યાએ શનિ-રવિ ચાલુ રાખી એટલે મારે શનિવારનો સ્ટેડિયમ (NRC) જવાનો કાર્યક્રમ રદ્ કરવો પડ્યો અને પછી ખબર પડી કે ત્યાં મિલિંદ સોમણ આવ્યો હતો! બપોરે પાછી સમાચાર મળ્યા કે, રવિવારે રજા છે અને એની જગ્યાએ આવતા શનિવારે ઓફિસ ચાલુ છે. બાહ!!

* આવતા રવિવારે વુમન્સ ડે નિમિત્તે કબન પાર્કમાં એક ૧૦ કિલોમીટરની સ્પર્ધા છે. બીજી એક પિંકેથોન છે (જે માત્ર વુમન્સ માટે છે). દોડવાનો હજી સુધી કોઇ પ્લાન પાકો કર્યો નથી, પણ કદાચ જઇશ. કબન પાર્ક સુધી દોડીને જઇ શકાય તો સરસ ૨૧ કિલોમીટરનો ટેસ્ટ થઇ જાય એવો પણ સેકન્ડરી પ્લાન છે, પણ રસ્તામાં કોરમંગલાના કૂતરાંઓ વિશે વિચાર આવતા થથરી જવાય છે.

* સાયકલનો પ્લાન પોસ્ટપૉન થતો જ જાય છે, અને ઓવરઓલ પડતો મૂકવાના વિચારો વધતાં જાય છે 😦

* લાગે છે કે હેરકટનો સમય થઇ ગયો છે!

પેઇડ

* પહેલાં પેઇડ લેખો હતાં, પછી પેઇડ તંત્રી લેખો આવ્યા. પહેલાં પેઇડ બ્લોગ હતાં, પછી પેઇડ બ્લોગ પોસ્ટ્સ આવ્યા. પહેલાં પ્રમોટેડ ટ્વિટ હતા, પછી પેઇડ ટ્વિટ આવ્યા. પહેલાં પેઇડ સમાચાર હતાં, પછી આખીને આખી પેઇડ ન્યૂઝ ચેનલો આવી. પહેલાં પેઇડ સમાચાર હતાં, પછી આખાને આખાં પેઇડ સમાચાર પત્રો આવ્યા. પહેલાં પેઇડ ફેસબુક પોસ્ટ હતી, પછી આખાને આખાં ફેસબુક એકાઉન્ટ આવ્યા. પેઇડ વક્તાઓ તો હોય છે, પેઇડ મૂંગાઓ પણ હોય છે (ના, આ આપણાં પ્રિય વડાપ્રધાનની વાત નથી!).

પેઇડ પપ્પા અને મમ્મીનો જમાનો આવવાનો બાકી છે. (ટેકનિકલી, આવી ગયો છે ;)).

PS: હું ટીવી દેખતો નથી, પણ જ્યારે પણ દેખું છું ત્યારે પેઇડ ન્યૂઝનો જ મારો ચાલતો હોય છે.

વિશ્વ માતૃભાષા દિવસ

* આજે એટલે કે ૨૧મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. આ નિમિત્તે જો તમે અમદાવાદમાં હોવ તો, ગુજરાતી સાહિત્ય પરિષદે એક કાર્યક્રમનું આયોજન કરેલ છે. લાભ લઇ શકો છો!

માતૃભાષા બોલવી એ ગર્વની વાત છે, પણ જ્યારે બે ગુજરાતીઓ ગુજરાતની બહાર મળે ત્યારે ચોક્કસ અંગ્રેજી (જે કંઇ આવડે તે) કે હિન્દી (બાવા હિન્દી) માં વાત કરશે ત્યારે જે મજા આવે તેની વાત અલગ જ છે. છેલ્લા કેટલાય મહિનાથી હું પણ પહેલી કક્ષામાં આવી ગયો છું. થોડાક ગુજરાતી બોલતાં મિત્રો અહીં છે, જે સારી વાત છે. આનંદની બીજી વાત છે કે, ગુજરાતીઓ માતૃભાષાની બાબતમાં ફેનેટિક નથી (આ સારી વાત ગણાય. કારણ? આગળ વાંચો). દક્ષિણ ભારતમાં આવું ભાષા ઝનૂન તમને દરેક રાજ્યોમાં જોવા મળે છે, જે બહારનાં લોકોની બીજી ભાષા શીખવાની ક્ષમતા અને ઇચ્છા પર એટલો પ્રહાર કરે કે આપણે હિન્દી, અંગ્રેજી અને આપણી માતૃભાષા પૂરતાં જ મર્યાદિત રહી જઇએ. અહીં આવ્યા પછી અને વર્ષો સુધી રહ્યા પછી પણ તમને સ્થાનિક ભાષા ન આવડે તો ચાલી જાય તેમ છે. પણ, બહારથી આવીને લોકો ગુજરાતી સરળતાથી શીખી જાય છે. જે એક નોંધવા જેવી બાબત છે. એક બીજું કારણ પણ હોઇ શકે કે ગુજરાતીઓ મોટાભાગે બીજી ભાષાઓ શીખવા માટે બહુ તત્પર હોતા નથી (કારણ કે, એમાં કંઇ ફાયદો નથી થતો!).

અત્યારે તો, જય ગુજરાત, જય ગુજરાતી ભાષા!

કવિનનો પત્ર

* અપડેટ્સ-૭૯માં લખેલું તેમ કવિનનો પત્ર આવી ગયો છે. પત્ર કવિને લખ્યો છે અને એની પાસે લખાવડાવામાં આવ્યો છે. શાળામાં તો આ પત્ર મમ્મીને સંબોધીને લખવા માટે શીખવાડવામાં આવ્યો હતો, પણ એને patch કરીને કવિને મારા માટે લખ્યો છે.

કવિનનો પત્ર

ઓહ, આ પત્ર જોઇને તારી બહુ યાદ આવી ગઇ, કવિન! પહેલાં બે વાક્યો સો ટકા સાચા નથી, પણ થેન્ક્સ 😉

નોંધ: એમ તો આ પત્રની સાથે કવિનની મમ્મીનો પણ પત્ર આવ્યો છે, પણ એ કંઇ થોડો અહીં મૂકાય?!

હેપ્પી એનિવર્સરી

* તો, અમને સાથ-સાથ સાત વર્ષ પૂરા થયાંને આઠમું ચાલુ થયું. અત્યારે તો અમે સાથે નથી, પણ મનથી સાથે જ છીએ અને સાથે જ રહીશું. હાલ પૂરતી તમે, અમે આવતી આઠમી એનિવર્સરી તો રીઅલી સાથે જ મનાવીશું (ક્યાં મનાવીશું? એ ખબર નથી!) એવી શુભેચ્છા આપી શકો છો અને એ માટે અત્યારથી જ તમારો આભાર માની લઉં છું.

આજે સાહિત્યનો કોઇ ખાસ કાર્યક્રમ નથી, કારણ કે આજે સોમવાર છે 🙂

PS: , , , , અને વર્ષની પોસ્ટ્સ!

અપડેટ્સ – ૮૦

૧૩૩૭
(ચિત્ર સ્ત્રોત: વર્ડપ્રેસ.કોમ)

* એક સારા ગીકી સમાચાર એ છે કે મારા બ્લોગને મળેલા લાઇક્સની સંખ્યા બુધવારે (બપોરે. ખરેખર!) ૧૩૩૭  થઇ. વર્ડપ્રેસે જ્યારે આ સમાચાર આપ્યા ત્યારે અમે તો ધન્ય થઇ ગયા 😉

* બેક ટુ સ્કેવર વન. ફરી પાછું થન્ડરબર્ડ વાપરવાનું શરુ કર્યું છે, અને એ ભયંકર ધીમું છે! મને થાય છે કે, આખી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી મળીને એક સારું, સરળ અને સુંદર ઇમેલ ક્લાયન્ટ બનાવી નથી શકતી? એમ તો, અત્યાર સુધી વેબમેલ (જીમેલ) અને Mutt પર આધાર રાખ્યો છે. Mutt સરસ છે, પણ ગુજરાતી (કે કોઇપણ ભારતીય ભાષાઓ) જોડે તેને મિત્રતા નથી (ટર્મિનલ) અને જીમેલ ને GPG જોડે મુશ્કેલી છે.

* મોંઘવારી મુર્દાબાદ! અમારી ‘foo સાગર’ હોટલનું બ્રેકફાસ્ટ અને ડિનર હવે મોંઘું થયું છે. બ્રેકફાસ્ટમાં રુપિયા ૩ અને ડિનરમાં રુપિયા ૨ નો વધારો એટલે દરરોજ ૫ રુપિયા વધુ થશે. જ્યારે ખરાબ થાય ત્યારે બધું ખરાબ થાય! એક બિલ બે વખત ભરાઇ ગયું. ૩જી રીચાર્જ કરવાનું ભૂલી ગયો અને એપ્સ ડાઉનલોડ કરવા મૂકી દીધી. બધો ટોક-ટાઇમ પૂરો!!

* ૨જી માર્ચે બારકેમ્પ બેંગ્લોર છે. અને, આ વખતે એક-એકથી ચડિયાતાં  સેશન્સ લાગે છે, એટલે મજા આવશે.

* ટ્વિટરમાં સાયલન્ટ એન્ટ્રી કરી છે. રિટ્વિક, લાઇક્સથી શરુઆત કરી છે. નહીહીંહીંહીં…

બે અઠવાડિયાની ફિલમો – ૨૦

* માર-ધાડ અને ધમધમાટી બોલાવતી ફિલમોનાં આ બે અઠવાડિયાં:

* જાંગો અનચેઇન્ડ (૨૦૧૨)

ડિજાંગો નહી જાંગો!

૧૦ માંથી ૯.૯ ગુણ આપી શકાય! પણ, જો તમને વિટ્ટી સંવાદો, વારંવાર ઉછળતું લોહી-માંસ અને અમેરિકન પ્રિ-ગુલામી સમયની ગાળો ન ગમતી કે સદતી હોય તો (કોને ગમે? ;)) આ ફિલમ તમારા માટે નથી. એઝ યુઝયલ, ટેરેન્ટિનોનું ડાયરેક્શન અદ્ભુત છે અને સ્ટોરી થોડી લાંબી પણ સરસ છે. એક-એક જણાં એકબીજાંથી ચડિયાતો અભિનય કરે છે. સૌથી વધુ, મને તો સેમ્યુઅલ જેક્શનનો રોલ ગમ્યો.

(પહેલી વાર .gif ચિત્ર, આ ફિલમોની પોસ્ટમાં. પ્રેરણા સ્ત્રોત: નિરવ!)

* સ્કાયફોલ (૨૦૧૨)

ડચ્ચ. જેમ્સ બોન્ડ ૦૦૭. બોન્ડની ઓક્ટોપસી પછીની દરેક મુવી મને બોરિંગ લાગી છે. આ પણ! જોકે અમુક સીન્સ સરસ છે, એટલે ચાલી જાય 🙂

* ગંગાજલ (૨૦૦૩)

વર્ષોથી પેન્ડિંગ મુવી. અજય દેવગણને મેં ઘણાં વખતે એક્ટિંગ કરતો જોયો (મેં હજી સિંઘમ નથી જોયું. જોકે તેમાં એક્ટિંગ કરી છે કે એકલી મારા-મારી, એ ખબર નથી!). સરસ ડાયરેક્શન, પણ છેલ્લા ભાગમાં મુવી થોડું માર ખાઇ જતું લાગે છે. ઓવરઓલ, આપણને ગમ્યું.

* વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબ(બા)ઇ (૨૦૧૦)

અફલાતૂન એક્ટિંગ – બધ્ધાની. ફરીથી અજય દેવગણની ફિલ્મ જે મને ગમી. પેલા સિરિયલ કિસર ઇમરાન હાશ્મીની પૂરી જોયેલી એકમાત્ર ફિલ્મ આ ગણી શકાય. આનો બીજો ભાગ આવે છે, પણ એમાં બધા કલાકારો ઉલટ-સૂલટ થઇ ગયા છે એવું સંભળાય છે. હોપફૂલી, મુવી તો સારું હશે.