ઓપનસોર્સમાં યોગદાન કેવી રીતે આપશો? ભાગ ૦

* સામાન્ય રીતે આ પ્રકારનાં લેખો તમને અંગ્રેજી કે બીજી ભાષાઓમાં ઢગલાબંધ મળી જશે. એટલે, જો તમે ત્યાં વાંચેલું જ હોય તો, આ પોસ્ટ છોડી શકો છો, તેમ છતાંય આ લેખની ગુણવત્તા વધારવાના પ્રાયોગિક સૂચનો સહર્ષ આવકાર્ય છે.

આ ઓપનસોર્સ છે શું?

ઓપનસોર્સ એટલે કંઇ રહસ્યમય વસ્તુ નથી! ઓપન એટલે ગુજરાતીમાં શબ્દનું ભાષાંતર કરીએ તો ખૂલ્લું અને સોર્સ એટલે સ્ત્રોત કે કોડ. તેમ છતાંય, અહીં ઓપનનો અર્થ ‘મુક્ત’ પર લેવો.

અને આ ફ્રી સોફ્ટવેર શું છે?

તમે ફ્રી સોફ્ટવેર અને ઓપનસોર્સ એમ બે શબ્દો વારંવાર મારા બ્લોગમાં સાંભળ્યા હશે. ફ્રી સોફ્ટવેર એ અલગ પ્રકારની ચળવળ છે. ઓપનસોર્સ સોફ્ટવેર મોટાભાગે વધુ પ્રચલિત શબ્દપ્રયોગ છે, પણ અંતે તો હેમનું હેમ એમ બન્ને શબ્દો એકબીજાં માટે વાપરી શકાય છે (ક્યારેક નહી, પણ તેની વાત પછી ક્યારેક!)

ઓપનસોર્સ સોફ્ટવેરનાં ઉદાહરણો?

સૌથી લોકપ્રિય ઉદાહરણ આપવું હોય તો – લિનક્સ (કે લાઇનક્સ. જેવો જેનો ઉચ્ચાર!). પછીથી, ફાયરફોક્સ, થન્ડરબર્ડ ઇમેલ ક્લાયન્ટ, પિડગિન મેસેન્જર ક્લાયન્ટ, એનડ્રોઇડ (આ અંગે થોડા મતભેદો છે, તેમ છતાંય..) અને ઢગલાબંધ બીજા સોફ્ટવેર.

શરુઆત ક્યાંથી કરવી જોઇએ?

આપણે ત્રણ ભાગમાં શરુઆત કરીએ,

૦. સામાન્ય સમજ અને પરિચય
૧. નોન-ટેકનિકલ યોગદાન.
૨. ટેકનિકલ યોગદાન.

આ પ્રથમ લેખમાં બન્ને માટે સામાન્ય શીખવાની વસ્તુ પર ધ્યાન આપીશું. ધ્યાનમાં રાખજો કે જે ઉદાહરણ હું લઇશ એ ઉદાહરણ તરીકે જ હશે. ઓપનસોર્સનો ફાયદો એ કે એક કામ માટે તમને એકથી વધુ વિકલ્પો મળી રહે છે. હું અહીં એક રસ્તો બતાવીશ. એવું જ કામ કરવાના બીજા હજાર રસ્તાઓ હાજર છે.

અહીં આપણે ત્રણ વસ્તુનો પરિચય કરીશું.

૧. એડિટર (દા.ત. vim), ૨. વર્ઝન કંટ્રોલ સિસ્ટમ (દા.ત. Git), ૩. કોમ્યુનિકેશન અને કોમ્યુનિટી (મેઇલિંગ લિસ્ટ, IRC, બગ ટ્રેકિંગ વગેરે). આપણે ધારી લઇએ કે તમે લિનક્સ વાપરી રહ્યા છો. લિનક્સનો તમારી પાસે ન હોય તો, અત્યારે ડેબિયન, ઉબુન્ટુ, ફેડોરા જેવા કેટલાંય વિકલ્પો તમારી પાસે છે. એક ઉપાય તરીકે તમે virtualbox જેવા સોફ્ટવેર પણ વાપરી શકો છો, પણ સૌથી ઉત્તમ ઉપાય, લિનક્સ જાતે જ ઇન્સ્ટોલ (સ્થાપિત) કરવાનો છે. પણ, એ આ લેખનો સ્કોપ નથી! 🙂 (પણ, તમને ગુગલ સર્ચ કરતાં આવડે તો, તમે ૧૦ મિનિટમાં લિનક્સ તમારા મશીનમાં ઇન્સ્ટોલ કરી શકો છો!)

૧. એડિટર

એડિટર એટલે આપણાં ગુ.સ.ના માનનીય સંપાદકશ્રી નહી, પણ એડિટર એટલે એવો કાર્યક્રમ જે આપણને કોમ્પ્યુટરમાં ટાઇપ કરવા દે. નોટપેડ, વર્ડપેડ થી માંડીને લિનક્સમાં જીએડિટ, ઇમેક્સ કે વિમ એડિટરના ઉદાહરણો છે. તમારે માટે લિનક્સમાં વિમ શીખવાનું સલાહ ભર્યું છે, તેમ છતાંય જીએડિટ, કેટ કે કેરાઇટ પણ ચાલે. આ બધાં એડિટર તમને ગમતી પ્રોગ્રામિંગ ભાષાનું બંધારણ (ie સિનટેક્સ્ટ) હાઇલાઇટ કરે છે. યાદ રાખો કે, તેઓ IDE નથી.

vim શીખવા માટે આ પુસ્તક સરસ છે.

૨. વર્ઝન કંટ્રોલ સિસ્ટમ

એક વર્ઝન કંટ્રોલ સિસ્ટમ કાફી છે. દા.ત. Subversion અથવા Git.

Git માટે જુઓ નીચેની કડીઓ:

૧. Git પુસ્તક

૨. Git બ્રાન્ચિંગ વિશે સરસ માહિતી

૩. Git ખ્યાલો સરળ ભાષામાં

છેલ્લી બે કડીઓ થોડી એડવાન્સ છે, એટલે સીધું જ ત્યાં જંપલાવવું નહી.

૩. કોમ્યુનિકેશન અને કોમ્યુનિટી

૧ અને ૨ – ટેકનિકલ પુલમાં ડૂબકી મારે છે, પણ ઓપનસોર્સમાં સૌથી મોટી વસ્તુ કોમ્યુનિકેશન અને કોમ્યુનિટી છે. ઓપનસોર્સનો અર્થ જ એ કે સાથે મળીને કામ કરવું. લગભગ દરેક ઓપનસોર્સ પ્રોજેક્ટ એક કે વધુ મેઇલિંગ લિસ્ટ, IRC ચેનલ ધરાવે છે, જેને તમે સબસ્ક્રાઇબ કરીને બધી ઇમેલ્સ મેળવી શકો છો. તમારા પ્રશ્નો પૂછી શકો છો અને કોઇ તેનો જવાબ આપશે. જોકે, નીચેની વિગતો ધ્યાનમાં રાખવી.

૧. તમારો સવાલ પૂછતાં પહેલાં જે તે પ્રોજેક્ટનાં FAQs, README કે તેનાં મેન્યુઅલ વાંચી લેવા. નહી તો લોકો તમને કહેશે, RTFM!

૨. તરત જ જવાબની આશા રાખવી નહી. ધીરજના ફળ મીઠાં. કારણ કે, તમારી જેમ લોકો પોતાના ફ્રી સમયમાં પ્રોજેક્ટમાં યોગદાન આપે છે, એટલે તરત જવાબ આપવા કોઇ બંધાયેલું નથી.

૩. નમ્રતા એ સદ્ગુણ છે, એનો ઉપયોગ અહીં વારંવાર કરવો.

ઓકે, આ બધું એક જ પોસ્ટમાં સમજાવવું શક્ય નથી, એ માટે જાત મહેનત જિંદાબાદ કે પછી આપ મૂઆ સ્વર્ગે જવાતું નથી, વગેરે વગેરે કહેવતો યાદ રાખવી અને અહીં કોમેન્ટ્સમાં તમારા સવાલો પૂછતા. બીજો ભાગ કાલે અથવા પરમ દિવસે.

17 thoughts on “ઓપનસોર્સમાં યોગદાન કેવી રીતે આપશો? ભાગ ૦

  1. 1. ગુ.સ સિવાય ના એડિટર ચાલે !

    2. આ ગીત નું પુસ્તક ઓનલાઈન મળે (વાંચો મફત) 😀

    3 આપણને RTFM ગમ્યું,:D રોફ્ડા થઇ જાય.

    4. અચાનક આટલી લાં …..બી પોસ્ટ લખો તો ધીરજ કેવી રીતે રાખવી !;)

    Like

  2. …મારા બ્લોગ ઉપર અનિયમિત રહેવાનો આજે જેટલો અફસોસ થયો એટલો ક્યારેય નથી થયો ! ;(

    હાં,મારે લખવું હતું પહેલાં (બધાંથી પહેલાં,કોઇનાથી પણ પહેલાં 😉 )OpenSource વિશે. હું રહિ ગયો. પણ.. અબ પછતાયે કયા… 😉

    Like

    1. એમાં શું? આ વિષય જ એટલો વિશાળ છે કે એક મુદ્દા પર તમે આખો બ્લોગ સમર્પિત કરો તો ય ઓછું પડે! આમાં કંઇ પહેલાં લખ્યું એટલે તમારે ન લખવું એવું ઓછું છે? આ કંઇ હોટ ન્યૂઝ ઓછા છે? 😉 બાય ધ વે, તમારા બ્લોગનું સરનામું તો આપો!! 🙂

      Like

      1. “આ વિષય જ એટલો વિશાળ છે કે…” એ આશ્વાસન તો છે જ. 😉 તમે ક્યારેક આવ્યાં હ્તાં મારા બ્લોગ પર ખૈર્ છતાંય…nikhilshukl . wordpress . com 🙂

        Like

  3. સરસ પોસ્ટ કાર્તિક ભાઈ, IITB ના આકાશ પ્રોજેક્ટ અંતર્ગત , એન્દ્રોઇડ સીસ્ટમ માટે ઓપન સોર્સ કન્ટેન્ટ/પ્રોગ્રામ બનાવાનું ચાલુ કર્યું છે, એટલે હવે ઓપન સોર્સમાં વધુ પ્રદાન તેમજે તે વિષે જાણવું ગમશે, આપની આ શ્રેણી ચાલુ રાખશો ! બીજી વિનતી એ કરવાની કે ઓપન સોર્સ રીલેટેડ કોઈ સારી કોન્ફેરેન્સ કે વેબિનાર હોય તો જણાવશો !

    Like

    1. એક તો હમણાં જ ગઇ, KDE Meetup 🙂 બીજી, foss.in હોય છે અને મુંબઇમાં હવે ‘ઉબુન્ટુ ગ્લોબલ જામ’ છે. માર્ચ ૨-૩ના રોજ. વધુ વિગતો માટે ILUG-BOM મેઇલિંગ લિસ્ટ જોઇન કરવું હિતાવહ છે 🙂

      Like

  4. ડેવેલોપર કી ગત કે ગિટ ડેવેલોપર હી જાને ….. મસ્ત રાઈટ અપ ખાસ કરી ને અમારા જેવા નવા ડેવેલોપર માટે . બાકી મારા જેવા નવા નિશાળિયા માટે એક મફત ની ટીપ : સબ વર્ઝન (એસ વી એન) કરતા ગિટ ઓછી માથાકૂટ વાળું છે IMO.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.