અપડેટ્સ – ૮૬

* મારા ફોન માટે જેલી બીન મળતી હતી એટલે, તેને રોતો બંધ કરવા માટે અપાવી દીધી! સાયનોજનમોડ ટીમનો આભાર!

જેલી બીન ૪.૨.૨

બાકી મારા ફોનને અપડેટ્સ આપવાનું સેમસંગે તો ક્યારનુંય બંધ કરી દીધેલું. હવે, વધુ એકાદ વર્ષ સુધી એપ્લિકેશન્સ અપડેટ્સમાં વાંધો નહી આવે. મેં જોકે નાઇટલી બિલ્ડ વાપર્યું છે, એટલે અમુક એપ્સ વિચિત્ર વર્તન કરે છે. જ્યારે સ્ટેબલ ૧૦.૧ રીલીઝ આવશે ત્યારે પણ ફરી ફોનને અપડેટ કરવાનો વિચાર છે (વિચાર નહી, કરવો જ પડશે!). ગુજરાતી ફોન્ટ્સ પણ ઉમેરી દેવામાં આવ્યા છે. તમે તેને ‘મેન્યુઅલી’ પણ ઉમેરી શકો છો. મોટાભાગે આને માટે તમારો ફોન root કરેલો હોવો જોઇએ.

બે દિવસ જેલી બીન ખાધા પછી?

૧. વોટ્સ એપને તેની બેકઅપ-રિસ્ટોર સિસ્ટમ માટે ૧૦૦ ગુણ આપી શકાય.

૨. ઓવરઓલ એન્ડ્રોઇડમાં SMS કે પાસવર્ડ વગેરે બેકઅપ લેવા માટેની કોઇ સ્ટાન્ડર્ડ એપ્લિકેશન નથી. છેલ્લે વાપરેલી Life Saver એપ કામમાં ન આવી. જોકે કોઇ મહત્વનો SMS કે કોલ લૉગ ગુમાવ્યો નથી.

૩. સ્ક્રિનસેવરનો વિકલ્પ સરસ છે (એને અહીં DayDream કહેવામાં આવ્યું છે).

૪. ઓવર ઓલ, ફોન થોડો ઝડપી થયો હોય એમ લાગે છે.

૫. જૂની રીંગટોન જતી રહી છે, એટલે શુક્રવારે દોડવા માટેનું એલાર્મ મિસ થઇ ગયું 😦

* વધુમાં પેલાં બન્ને જૂનાં ડબલાં (ટાટૂ અને iPhone) પાછાં ઠીક થઇ ગયા છે. સરપ્રાઇઝ! iPhone માં બે જેલબ્રેકિંગ સોફ્ટવેરનો જમ્બો-કોમ્બો કરીને છેવટે બધું પાછું લાવવામાં આવ્યું છે. ફોન ત્રણેક વર્ષ જૂનો હોવા છતાં, ૪ મહિના જૂનાં Android કરતાં વધુ સારી બેટ્રી લાઇફ આપે છે!

* અને, વર્ષો પછી ક્યાંય ‘માઇક્રોસોફ્ટ વર્ડ ફોરમેટ’માં CV મોકલવામાં આવ્યું 😉

બે અઠવાડિયાની ફિલમો – ૨૩

આ વખતે ઓશન્સ સીરીઝ વત્તા ટારાન્ટિનો સીરીઝની શરુઆત!

૧. ઓશન્સ ઇલેવન (૨૦૦૧)

એકદમ સરસ મુવી. મસ્ત ડાયલોગ્સ અને સરસ પ્લોટ. વર્ષો પહેલાં કદાચ અમે હોસ્ટેલમાં હતા ત્યારે જોયેલું અને પછી યશની સ્પેશિયલ ૨૬ પરની કોમેન્ટ પરથી ફરીથી જોવાનું મન થયું તો આખી સીરીઝ જોડે જ જોવાનું નક્કી કરેલું પણ, હમણાંથી ધાર્યા કરતાં ઓછો સમય મળવાને કારણે આરામથી એક અઠવાડિયામાં માત્ર બે જ ફિલમો જોવાનું નક્કી કર્યું છે.

લગભગ બધાંનો અભિનય એકદમ ચડિયાતો. પ્લોટમાં પેલો બોમ્બ જે સરળતાથી ચોરે છે એ સિવાય બધું યોગ્ય લાગે છે.

૨. ઓશન્સ ટ્વેલ્વ (૨૦૦૪)

કોઇપણ ફિલમનો બીજો ભાગ બને ત્યારે પહેલા ભાગ કરતાં ચડિયાતો હોવાની આશા હોય છે. અને, અમુક અપવાદોને બાદ કરતાં આ સઘળી આશા નિરાશામાં પરિવર્તિત થાય છે. એમ જ થયું. હવે ત્રીજો ભાગ અત્યારે માંડી વાળી આવતા અઠવાડિયે જોવાનો પ્લાન છે. રીવ્યુ પરથી તો જોવા જેવો લાગતો નથી, પણ જાત મહેનત જિંદાબાદ!

૩. ફ્રોમ ડસ્ટ ટિલ ડોન (૧૯૯૬)

ટિપિકલ ટારાન્ટિનો મુવી! એક્શન અને પછી અચાનક હોરર મુવી! ટારાન્ટિનોની ખાસિયત મોટાભાગે એ છે કે તમને એ હીરો જેવા લાગતાં પાત્રનો અંત અચાનક લાવી ચોંકાવી દે છે. માણસો તો ભાજી-મૂળાની જેમ કપાય છે અને બંદૂકો તો ધાણીની જેમ ફૂટે. આપણી સલમા હાયેક હોય (અને એ પણ ટેબલ ડાન્સ કરતી હોય) પછી શું જોઇએ? 🙂

૪. કિલ બિલ વોલ્યુમ ૧ (૨૦૦૩) અને,

૫. કિલ બિલ વોલ્યુમ ૨ (૨૦૦૪)

આપણું ફેવરિટ ક્વોટ:

Revenge is a dish best served cold

શનિવારની બોરિંગ સાંજ અને રવિવારની બોરિંગ સવાર – કિલ બિલને નામ! મારી પ્રિય ફુિલમોમાંની બે. ભરપૂર હિંસા, મસ્ત ડાયલોગ્સ, મસ્ત કેમેરા મુવમેન્ટ્સ અને મસ્ત સ્ટોરી. ઉમા થર્મનની જય! ખબર નહી કેટલી વાર મેં આ ફિલમો જોઇ હશે અને હજી કેટલી વખત જોઇશ.

અને છેલ્લે,

૬. ગુમનામ (૧૯૬૫)

થોડા સમય પહેલા ‘ગુમનામ હૈ કોઇ… ઇહીહીહીહીહીહીહી’ ગીત સાંભળ્યા પછી ખાસ્સી ઇચ્છા હતી કે આ ફિલમ જોવામાં આવે. હું નાનો હતો ત્યારે ટીવી પર આવેલું પણ એ વખતે એટલી ડર લાગતી હતી કે ટીવી પર ચાલુ હોવા છતાં માથે ઓઢીને સૂઇ ગયેલો અને માત્ર સાંભળેલું. આવું જ બીજી એક ફિલમ ખામોશ હતી જે મેં થોડા સમય પહેલાં આ સીરીઝમાં જોયેલી. મહેમૂદની એક્ટિંગ આપણને ગમી. ગીતો સરસ છે, ગીતો સ્કિપ ન કરીને જોયેલી હોય તેવી અમુક ફિલમોમાંની એક ગણી શકાય!

સ્ટ્રેસ અકા..

* એટલે કે તણાવ. ખબર નહી પણ કેમ આ શબ્દ મારી પાછળ પડી ગયો લાગે છે! શનિવારે NRC સેશનમાંથી આવ્યા પછી જમણા પગનાં મસલ્સ થોડા ખેંચાઇ ગયા અને એ તણાવે મને ચાર દિવસ દોડવામાંથી બાકાત રાખ્યો. સાથે-સાથે, ન દોડવાથી મગજ પર ન દોડવાના ભારથી દોડવાથી જે તણાવ મુક્ત થવાતું હતું એય અટકી પડ્યું (આ વાક્યથી તમને સ્ટ્રેસ પડ્યો હોય તો માફ કરજો ;)). ના ચાલે, આ સ્ટ્રેસ દૂર થવો જ જોઇએ. એ માટે હવે ફરી પાછું બે-ત્રણ દિવસથી પડતું મૂકાયેલું વાંચન (હવે લાગે છે કે એકાદ મોટિવેશનલ પુસ્તક પણ વાંચવું પડશે) વત્તા પેન્ડિંગ પ્રોગ્રામિંગ પણ હાથમાં લીધું છે. સામાન્ય રીતે ગમે તેવી પરિસ્થિતિમાં હું સ્ટ્રેસ અનુભવતો નથી, પણ આજ-કાલ આવું વધુ બનવા માંગ્યું છે એ કદાચ વધતી ઉંમરનો પ્રતાપ લાગે છે.

પણ, કાલે ફરી પાછું દોડવાનું છે, એ વાત યાદ આવવાથી જ મારો સ્ટ્રેસ ઓછો થઇ ગયો અને આ નાનકડી (દરેક પોસ્ટની જેમ) લખાઇ ગઇ છે.

હેપ્પી હોળી!!

* પહેલાં તો હોળી નિમિત્તે બધાંને: હેપ્પી હોળી અને ધુળેટી!

પિચકારી

બે દિવસ પહેલાં જ ખબર પડી કે અમારે હોળી-ઘુળેટીની રજા નથી. ઠાકુર, આ તો અન્યાય કહેવાય! હળહળતો અન્યાય. તહેવારોની બાબતમાં આ બેંગ્લોર આટલું બોરિંગ છે એની મને નહોતી ખબર! રક્ષાબંધન, ઉત્તરાયણ, દિવાળી, નવરાત્રિ, હોળી, ધુળેટી — કશું જ નહી 😦

મીસીંગ બક્ષીબાબુ

* ઉપરનું શીર્ષક કોઇક પોસ્ટ, લેખ કે પુસ્તકમાં વાંચેલું હોય એમ લાગે છે (PS: રજનીભાઇની એક પોસ્ટ પર), પણ જે હોય તે, અત્યારે તે સાચું જ છે. મારા બ્લોગની શરુઆત બક્ષીબાબુના આ દુનિયામાં ગયા પછી થઇ, એ પહેલાં તેમને બહુ વાંચ્યા અને પછી પણ બહુ વાંચ્યા. એમનાં લેખો માટે સમાચારપત્રો બદલ્યા. આખી લાઇબ્રેરી ફેંદી નાખી. જ્યાં-ત્યાંથી જે પણ કંઇ લેખ વાંચવા મળે તે વાંચી લીધા અને જ્યાંથી મળે ત્યાંથી તેમનાં પુસ્તકો વસાવવા શરુ કર્યા. હજી પણ છેલ્લાં અઠવાડિયે મુંબઇ ગયો હતો ત્યારે ગુર્જરની મુલાકાત લઇ બક્ષીબાબુનાં બે ઐતહાસિક પુસ્તકો (અયનવૃત્ત, તવારીખ) મેળવ્યાં અને હજીય એમ થાય કે બક્ષીબાબુ હજી ૧૦૦-૨૦૦ જેટલાં વધુ પુસ્તકો લખીને ગયા હોત તો? 🙂 તો શું? અમને કયા પુસ્તકો વાંચવા એવી મૂંઝવણ તો ન થાત!

આજે રાત્રે બક્ષીબાબુના વિકિપીડિઆ પાનાં પર થોડી ખૂટતી વિગતો ઉમેરવામાં આવશે. એટ લિસ્ટ, આપણે એટલું તો કરી શકીએ.

એક જાહેર અપીલ: જો કોઇએ બક્ષીબાબુનો ફોટો પાડેલો હોય તો વિકિપીડિઆ કોમન્સ પર અપલોડ કરવા વિનંતી. વધુ વિગતો માટે મારો ઓફલાઇન સંપર્ક કરી શકો છો.

અને હા, આજનાં દિવસે પેલાં મેઘદૂત પર્વતવાસીઓએ સરસ પોસ્ટ લખી છે. વાંચવા જેવી. રજનીભાઇએ પણ સરસ પોસ્ટ લખી છે, કોમેન્ટ્સ વગેરે પણ જોવા જેવી છે!

અપડેટ્સ – ૮૫

* આજે (ટેકનિકલી તો આવતી કાલે!!) બ્લોગ જગતમાં અમારા સાત વર્ષ પૂરાં થયા. કંઇ ખાસ લખવાનું નથી આજે, પણ પાછલાં વર્ષોની વર્ષગાંઠની પોસ્ટ્સ રસપ્રદ લાગે છે (આજની બોરિંગ અપડેટ્સ પોસ્ટની સરખામણીમાં). જુઓ:  અને  વર્ષોની પોસ્ટ્સ.

* પેલાં ‘રાસ્પબેરી પાઇ’ જોડે આજ-કાલ બહુ છેડખાની કરવામાં આવી રહી છે. મારી પાસે એક્સટર્નલ મોનિટર નથી, પણ ssh વડે તેનાં પર જાત-જાતનાં પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. તેની માટે એક નવું sdcard લેવાનું છે.

* ટ્વિટરમાં ૯૦૦૦+ ટ્વિટ્સ આ અઠવાડિયે થયા. મોટાભાગનાં રિટ્વિટ્સ અને બોરિંગ અપડેટ્સ. દુર્ભાગ્યે ટ્વિટરનો બેકઅપ લેવાની કોઇ સુવિધા નથી.

* સફળતાનાં શિખરો અને નિષ્ફળતાની ખાઇઓ. તદ્ન ખોટું. સફળતાની ખાઇઓ અને નિષ્ફળતાના શિખરો હોય છે. સફળતા દેખાતી નથી, પણ તમારી નિષ્ફળતા ટોચની માફક દૂર-દૂરથી દેખાઇ જાય છે. ક્યારેક પેલી ફેઇલકોન્ફમાં જઇ આવીશ. ક્યારેક એવું લાગે કે, આપણે સફળ થઇશું ત્યારે જ નિષ્ફળતાનો પહાડ ચડવાનો આવે છે. અત્યાર સુધી તો ચડાઇ સફળ રહી છે! હવે, આ બધી ચડાઇ કામમાં આવે તો ઠીક છે 🙂 જય હો!!

KDE માટે OPW

* ફૂલ ફોર્મ કરીએ તો Outreach Program for Women!

પહેલાં Gnome અને હવે પછી KDE એ ઓપનસોર્સમાં સ્ત્રીઓના યોગદાનનો ફાળો વધારવા માટે GSoC જેવો એક કાર્યક્રમ શરુ કર્યો છે. જે સ્ત્રીઓએ પહેલાં ભાગ ન લીધો હોય તેઓ આમાં ભાગ લેવા માટે એપ્લિકેશન કરી શકે છે. જરુરી નથી કે તમને કોડિંગ આવડતું હોય. તમે ભાષાંતર, ડિઝાઇન, મદદ દસ્તાવેજો વગેરેમાં પણ ફાળો આપી શકો છો. GSoC ની જેમ પસંદ થયેલ ઉમેદવારોને ૫૦૦૦ ડોલર વત્તા ૫૦૦ ડોલર મળશે. માત્ર ત્રણ મહિનાનાં કામ માટે આ કંઇ ઓછું ન કહેવાય. વધુમાં, એક વખત ઓપનસોર્સનો સ્વાદ ચાખ્યા પછી આ કાર્યક્રમની અપેક્ષા એ રહે કે તમે કાર્યક્રમ પૂરો થયા પછી પણ તમારું યોગદાન ચાલુ રાખો.

વધુ વિગતો નીચેની કડીઓ પરથી મળી શકશે:

૧. http://mail.kde.org/pipermail/kde-soc/2013-March/000856.html

૨. https://community.kde.org/OutreachProgramForWomen

(મોડે મોડે ખબર પડી કે અત્યારે તો માત્ર ૧ જ જગ્યા છે. પણ, આ વધવાની શક્યતા ખરી!)

આજનો અળખામણો શબ્દ

U ther

… શબ્દ સાંભળીને ભોંય પરથી દસમા માળે કૂદકો મારવાનું મન થઇ જાય છે 😉

અપડેટ્સ – ૮૪

* આ વખતના અપડેટ્સની શરુઆત એક સરસ ચિત્ર (એટલિસ્ટ, મારી દ્રષ્ટિએ) દ્વારા,

Juhu Beach

કવિન અને અમને જુહુ પર મજા આવી ગઇ.

* હું નાનો હતો એટલે મને small નો સ્પેલિંગ નહોતો આવડતો, કવિનને પણ small માં મુશ્કેલી પડે છે 🙂

* મારા આ બ્લોગને પણ પ્લેનેટ ફ્લોસ ઇન્ડિયા પર સમાવી લેવામાં આવ્યો છે. થેન્ક્સ ટુ શંકરશન!

* બે દિવસ જૂનાં સમાચાર છે પણ, ગુગલ રીડર જુલાઇ ૨૦૧૩ પછી જોવા મળશે નહી 😦 વૈકલ્પિક સોફ્ટવેરની શોધ ચાલુ છે.

અત્યારે તો,

૧. Bamboo Feed Reader (Thunderbird-Icedove માં)
૨. Feedly (વેબ બેઝ્ડ)
૩. NewsBlur (જોકે ૬૪ ફીડ્સ જ ફ્રી આપે છે. અપડેટ: હવે ૧૨ જ!)
૪. akregator (KDE નું ઓફલાઇન ફીડ રીડર)

.. પર ટ્રાયલ્સ કરવામાં આવી રહી છે. જોકે આ બધામાં ન્યૂઝબ્લર મારા માટે સૌથી યોગ્ય લાગે છે. એ પાછું ફ્રી-ઓપનસોર્સ સોફ્ટવેર છે એટલે, ડેબિયન માટે તેનું પેકેજિંગ કરવાનો પ્લાન છે. એ માટે મદદની જરુર છે, તો જો તમને પાયથોન અને મોન્ગોડીબી વગેરે જોડે માથાકૂટ કરવાની ઇચ્છા હોય તો, તમે મોસ્ટ વેલકમ! આ વિશે વિગતે સમાચાર આગલી કોઇ પોસ્ટમાં!

બે અઠવાડિયાની ફિલમો – ૨૨

* અર્ગો (૨૦૧૨)

અર્ગોનું નામ ઓસ્કાર મળ્યો એ પહેલાં દૂર દૂર સુધી સાંભળ્યું નહોતું. હા, ક્યાંકથી પેલી બંધક બનાવેલા તે ઘટના વાંચેલી. ફિલમ જોયા પછી લાગ્યું કે, ખરા સમયે આ ઓસ્કાર આપવામાં આવ્યો છે.

૧. લોકોનું ધ્યાન હવે ઇરાન પર જાય.
૨. જેથી કાલે ઉઠીને અમેરિકા ઇરાન પર હુમલો કરે તો ઇરાન કેવું ક્રુર છે એનો પુરાવો આપવાની જરુર ન પડે.
૩. જય અમેરિકા!

વેલ, સ્ટોરી સરસ છે અને આઇડ્યા સરસ છે. જો અમેરિકન સરકાર ફેક મુવી બનાવવામાં પૈસા ખર્ચી શકે તો અર્ગો મુવી બનાવવા માટે પૈસા કેમ ન આપી શકે (અથવા ઓસ્કાર અપાવવા માટે) 😉

અભિનય માટે પાંચમાંથી ચાર તારા. આ સંવાદ માટે બીજો એક તારો 🙂 (કોઇએ એમ કહેવું નહી કે આનું ગુજરાતી કેમ ન કર્યું?)

* ઝીરો ડાર્ક થર્ટી (૨૦૧૨)

વાઉ. આને કહેવાય મુવી. ખાસ કરીને બીજા ભાગમાં ઓસામા બિન લાદેનનાં ઘર પર હુમલો કરે છે ત્યારે એક-એક ત્રાસવાદીઓને અમેરિકન સૈનિકો નામ લઇને બોલાવે છે. છેલ્લે ‘ઓસામા’ શબ્દ સાંભળતા જ ઓસામા બહાર આવવાનો પ્રયત્ન કરે છે અને ખેલ ખતમ. જેસિકાબેનની સરસ એક્ટિંગ અને તેમનાં સરસ ‘સંવાદો’ પણ સાંભળવા લાયક છે.

અર્ગોની જગ્યાએ આને વધુ ઓસ્કાર મળ્યા હોત તો વાંધો નહોતો, પણ સૌરભભાઇએ લખ્યું તેમ, અમેરિકા કંઇ કોઇને ટોર્ચર કરે? આ વાત પર જ આ ફિલમે મોટાભાગનાં ઓસ્કાર ગુમાવ્યા હોય તેમ લાગે છે.

* ધ એટેક્સ ઓફ ૨૬/૧૧ (૨૦૧૩)

સરસ ફિલ્મ. સરસ એટલા માટે કે એ વાસ્તવિકતાની એકદમ નજીક છે. જે છે એ દેખાડવામાં આવ્યું છે. સંવાદો પણ સરસ છે. કેટલાકને નાના પાટેકરનો અભિનય નબળો લાગ્યો પણ, જો તમે કમિશ્નર હોવને ૨૬/૧૧ની વાસ્તવિકતા રજૂ કરતા હોવ તો, તમે ગર્વથી તિરંગા વાળા નાના પાટેકરની અપેક્ષા ન રાખી શકો. વાસ્તવિકતા એટલે માત્ર પરઝાનિયા કે બ્લેક ફ્રાયડે જ એવું માનતા લોકો માટે આ ફિલ્મ જોવા જેવી.

* બોનસ રિપિટ્સ: ઓહ માય ગોડ, સ્પેશયલ ૨૬ અને ચૂપકે-ચૂપકે.