જ્યારે અમે નાના હતાં – પેન ફ્રેન્ડ્સ

* બહુ સમય પહેલાં, જ્યારે સોશિયલ ફુ નેટવર્કિંગ સાઇટ્સનો રાફડો નહોતો ફાટ્યો, જ્યારે છોકરીઓ નામથી છોકરી જ મિત્ર બનતી હતી તેવા ‘પેન ફ્રેન્ડ્સ’ સમય ગાળો અમે જોયો છે, માણ્યો છે.

વેલ, એમાં થયું એવું કે દર બુધવારે ઇન્ડિયન એક્સપ્રેસમાં ‘ચેનલ વાય’ નામની પૂર્તિ આવતી હતી (અને, એ દિવસે છાપું ૧ રુપિયાનું આવતું હતું એટલે અમે વહેલી સવારે તે લેવા માટે પહોંચી જતા હતા!). તેમાં દર વખતે એકાદ પોપ-સ્ટાર, એક્ટર કે કોઇ સેલિબ્રિટીનું પોસ્ટર આવે વત્તા યુવાનો માટેના લેખો હોય, એકાદ બે સ્પર્ધા હોય. સંગીત વિશેની એકાદ કોલમ હતી (રોક, મેટલ વગેરે). ભેંકાર એવી મારી કોલેજ અને શહેરમાં ‘વાય-જનરેશન’ ની હાજરી નહીવત્. મને એમ કે કોલેજ ખરેખર કોલેજ જેવી હશે, પણ આતો એકદમ બોરિંગ નીકળી (હસવું નહી!) એટલે અમે અમારું સમગ્ર ધ્યાન ચેનલ વાય પર જ ફોકસ કર્યું. વચ્ચે પેલું જામ મેગેઝિન પર બંધાવ્યું જે જોઇને અમને પારાવાર ઇર્ષા થતી કે મુંબઇની કોલેજીસ કેવી મજાની છે!

ચેનલ વાયમાં કેટલોક સમય પેન ફ્રેન્ડ્સ માટેની કોઇક કોલમ આવતી હતી. મૂળ ઉદેશ્ય તો કોઇક છોકરીને ફ્રેન્ડ બનાવવાનો અને કોલેજની કમી પૂરી કરવાનો (સાચી કબૂલાત!) પણ થોડા સમય સુધી કોઇ પત્રો અમને ન આવ્યા એટલે અમે આ વિષયમાં પણ માંડી વાળ્યું. એક દિવસ અમારું નસીબ ઉઘડ્યું અને જામનગરથી કોઇક લેટર અમારા પર આવ્યો. એ લેટર નહોતો, ફૂલ-સ્કેપ્સ કાગળોથી ભરેલો લેટર હતો. અંદાજે ૧૨ ફૂલ-સ્કેપ પાનાં. લખવા વાળીએ સરસ અંગ્રેજીમાં લખેલું. ત્રણ વખત વાંચ્યો ત્યારે ખબર પડીકે કહેવા શું માંગે છે 😉 વેલ, પછી જવાબ આપ્યો (ટૂંકમાં. મારા બ્લોગની પોસ્ટ્સની જેમ જ, અને પરવડે તેવાં વજનનાં લેટરમાં) અને પરંપરા ચાલુ થઇ. જે અંદાજે બે-ત્રણ વર્ષ ચાલી. ત્યાં સુધી અમારા બન્નેનાં ઘરના ફ્લોર પ્લાન મોકલવાથી માંડીને, તેનાં કૂતરાંને ખંજવાળ કેમ ઉપડીથી લઇને પરીક્ષાઓના પરિણામ સુધીની ચર્ચાઓ થઇ. ફોટાઓની આપ-લે પણ થઇ. ખબર નહી પણ કેમ, ત્રીજા વર્ષમાં આવ્યો ત્યારે આ લાંબા-લચક લેટર્સ બહુ બોરિંગ લાગ્યા. આ શું? દિવાળી કાર્ડ, ક્રિસમસ કાર્ડ, ન્યૂ યર કાર્ડ, બર્થ ડે કાર્ડ વગેરે વગેરે. વચ્ચે બહારના દેશોના ફ્રેન્ડ્સ જોડે પણ પત્ર વ્યવહાર ચાલ્યો પણ તેમાં આપણો ઉદેશ્ય ટપાલ ટિકિટો ભેગી કરવાનો હતો.

વેલ, એક દિવસ બધાં લેટરોનો સામૂહિક નિકાલ કરવામાં આવ્યો, જેથી ઘરમાં જગ્યા ઓછી થાય. પણ, હવે થાય છે કે એકાદ લેટર રાખ્યો હોત તો, મજા આવત 🙂

તો, આ હતો અમારી પેન ફ્રેન્ડ્સ સ્ટોરીનો અંત.

12 thoughts on “જ્યારે અમે નાના હતાં – પેન ફ્રેન્ડ્સ

  1. ચેનલ વાય & પેન ફ્રેન્ડ્સ — અમે પણ આના દ્વારા 2-3 મિત્રો મેળવ્યા છે. પણ મારે તો થોડા પત્રો પછી ફોન પરજ સંપર્ક અને વાતો ચાલુ થઇ જતી હતી. એ સમય પણ ગજબ હતો 🙂

    Like

  2. ચેનલ Yની યાદ તાજી કરાવી દીધી જે હું પણ નિયમિત વાંચતો હતો. 1 રૂપિયાનો સ્વૈરવિહાર પોષાય એમ હતો અને એ જમાનામાં મારી મુગ્ધાવાસ્થાને બરાબર ગલી ગલી કરી આપે એવો વીકલી ડોઝ હતો. જો કે હું પત્ર વ્યવહારમાં પડ્યો નહોતો કારણ કે મારી કોલેજ સારી હતી 🙂

    અંત થોડો કરૂણ રહ્યો તમારી આ રજૂઆતનો… યાદોનો નિકાલ નહોતો કરવો જોઇતો… મારી પાસે હજુ પણ થોડીક મુગ્ધવાસ્થાની યાદો સંઘરેલી છે જેનો ખજાનો ખૂલે ત્યારે અલગ દુનિયામાં પહોંચી જાઉ છું. ભૂતકાળ હંમેશા ભવ્ય જ લાગતો હોય છે નહીં??

    તમારી “જ્યારે અમે નાના હતા” શ્રેણી મને પણ વાંચતા વાંચતા નાનો બનાવી દે છે 🙂

    Like

  3. વાહ !! વાહ !!!!

    શરુઆત : માતૃ, પીતૃ, ભ્રાતૃભાષા – ગુજરાતીમાં રજૂ કરવાનો નાનકડો પ્રયત્ન….

    અંત : વેલ, એક દીવસ બધાં લેટરોનો સામૂહીક નીકાલ કરવામાં આવ્યો, જેથી ઘરમાં જગ્યા ઓછી થાય. પણ, હવે થાય છે કે એકાદ લેટર રાખ્યો હોત તો, મજા આવત…

    Like

  4. ચેનલ વાય અને જામ મેગેઝીનનો હું પણ વાચક રહેલો છું , પોસ્ટરો પણ હજી સચવાયેલા છે , એ વખતે એમ ટીવી પર ઈંગ્લીશ ગીતો આવતા એટલે એ બધા મારા ફેવરીટ પોપ સ્ટાર ના પોસ્ટર કલેક્ટ કરવાની મજા પડતી . પેન ફ્રેન્ડસ તો ત્યારે નહોતા બનાવ્યા પણ છેલ્લા બે વર્ષથી મને આ શોખ પોસ્ટક્રોસિંગ સાઈટને કારણે લાગ્યો છે , વિદેશના લોકો સાથે ઘણા વિચારોની આપ લે થાય છે , અને એ મહામુલી મિલકતનો તમારી જેમ નિકાલ કરવાનું હું તો ક્યારેય વિચારી પણ ન શકું

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.