જ્યારે અમે નાના હતાં – embarrassing ક્ષણો – ૧

* મોટા થયા પછી ડગલેને પગલે આપણને embarrassing moments નો અનુભવ થાય છે (અને એ તો લખી શકાય એવી પણ ન હોય ;)), એ વખતે આપણે નાનપણમાં કરેલી ભૂલો કેવી વ્હાલી લાગે છે, તે મને હવે ખબર પડી. વાંચો અમારી આવી જ કેટલીક ક્ષણો, ધોરણ પ્રમાણે.

ધોરણ ૨:

પપ્પા મારા માટે મુંબઇથી બન્ને બાજુએ પર (એટલે કે ઉલ્ટો કરીને) પહેરી શકાય એવો શર્ટ લાવેલા. એક બાજુ ડાર્ક કલર, અંદરની બાજુ લાઇટ બ્રાઉન કે એવો કંઇક રંગ હતો. અમારી વખતે ૪થા ધોરણ સુધી શાળામાં યુનિફોર્મ નહોતો. કંઇ પણ પહેરાય . એટલે, હોંશિયારી મારવા માટે મેં નક્કી કર્યું કે રીસેશ દરમિયાન શર્ટ ઉલ્ટો પહેરવો અને લોકોને આંજી દેવા. તો, રીસેશ પડી ત્યારે અમે શર્ટ કાઢીને ઉલ્ટો કરીને પહેરવા ગયા, પણ કંઇક ગરબડ થઇને આપણાથી સીધો શર્ટ પણ માંડ-માંડ પહેરી શકાયો. પછી, કદાચ બીજી વાર એ શર્ટ શાળામાં પહેરવામાં નહોતો આવ્યો.

ધોરણ ૩:

અંગ્રેજી આપણો અણમાનીતો વિષય. એટલે, ઘણી વાર હું હોમવર્ક કર્યા વગર જાઉં અને જે લોકોને હોમવર્ક બાકી હોય તેમને ક્લાસરુમની બહાર બેસાડીને હોમવર્ક પૂરુ કરીને પછી જ ક્લાસની અંદર આવવાનું એવું એ વખતે અંગ્રેજીના ટીચર માનતા હતા. થાય એવું કે અમારા ઘરે ટ્યુશનમાં આવતી મારા કાકાની દીકરી બહેનને અમારા અંગ્રેજીના તાસ વખતે જ ચિત્રનો તાસ હોય અને ચિત્રનો ક્લાસ અમારા ક્લાસની બાજુમાં. જુઓ આ ફોટો:

શિશુશાળા
શિશુશાળા. જ્યાં લાલ છે ત્યાં અમને બેસાડવામાં આવતા હતા 😉

સ્વાભાવિક રીતે, અમારા આ પરાક્રમની જાણ મમ્મીને થઇ જ જાય, અને એ વખતે અમારું મોઢું જોવા જેવું એટલે કે, ઉપરની લાલ લીટી જેવું થઇ જાય 😉

ધોરણ ૪:

‘ગુજરાતીઓ આરંભે શૂરા’ એ ન્યાયે જ્યારે પણ નવું વર્ષ શરુ થાય એટલે હું હોમવર્ક, ક્લાસવર્ક, સ્વાધ્યાય-પોથીઓ, રીવીઝન — વગેરેમાં એકદમ પરફેક્ટ હોઉં. જેમ-જેમ દિવાળી નજીક આવતી જાય એમ રખડપટ્ટી કે ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન વધતું જાય (એ વખતે અમારી ઇતર પ્રવૃત્તિ – સાયકલ ચલાવવા પર મર્યાદિત રહેતી!) અને સરવાળે ખાસ કરીને હોમવર્કમાં ગાબડા પડવાના શરુ થાય. આપણે નિરિક્ષણ કર્યું કે શિક્ષક હંમેશા છેલ્લાં પાનાં પર સહી કરે છે, આગળનું હોમવર્ક જોતા નથી. એટલે, અમે તેમને બનાવવાનું શરુ કર્યું અને માત્ર એક જ પાનાંનું હોમવર્ક કરવાનું અને જ્યારે તેઓ ચકાસવા આવે ત્યારે એ પાનું કાઢીને સહી કરાવી લેવાની. પરફેક્ટ. ક્યાંય સુધી ચાલ્યું. છેવટે, એક દિવસ અમારી પોલ પકડાઇ અને ક્લાસમાં ‘સટ્ટાક’ અવાજ ગૂંજ્યો.

બસ. બસ, યાદ ન કરાવો એ ક્ષણો 😉 વધુ આવતી પોસ્ટમાં!

5 thoughts on “જ્યારે અમે નાના હતાં – embarrassing ક્ષણો – ૧

  1. અમે તો ભાઈબંધ ની નોટમાં સહી થઇ જાય પછી એ નોટ નું છેલ્લું પાનું ફાડી ને એ જ નોટ સહી કરાવવા લઇ જવાની , અને એ નોટમાં સહી થઇ જાય એટલે ફરી થી પાનું ફાટે ! એમ કેટલીયે નોટના કેટલાયે પાનાઓ ફાટ્યા છે 🙂

    Like

Leave a reply to vikas જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.