અપડેટ્સ – ૯૬

* એમ તો આ પોસ્ટ વહેલી આવવી જોઇતી હતી, પણ: હેથ વે! આ હેથ વે ના કર્યા હૈયે વાગ્યા અને મારું ઇન્ટરનેટ ગઇકાલથી આજ બપોર સુધી લગભગ બંધ જેવું જ હતું. એના કારણે એક મહત્વની મિટિંગ ગુમાવવી પડી. મર્ફીના નિયમ મુજબ મારું બેકઅપ ઇન્ટરનેટ (રીલાયન્સ ડોંગલ) પણ ખરા સમયે બરોબર ન ચાલ્યું. હેથ વે અત્યારે તો ચાલુ થઇ ગયું છે. રીલાયન્સનું ડોંગલ પાછું આપીને નવું થોડું વધુ ઝડપી ટાટા ડોકોમોનું ડોંગલ લેવામાં આવ્યું છે, જે બેકઅપ તરીકે કામ આવશે. હેથ વે નો વિકલ્પ શોધાઇ રહ્યો છે. આ ક્ષણે મને થયું કે ભારતમાં રહેવું હવે નક્કામું છે, પછી વિચાર આવ્યો કે ના રે ના, અમારો ભારત દેશ મહાન છે. જય હિંદ!

* વાર્ષિક ખર્ચો: નવાં શૂઝ. આ વખતે જાપાનીઝ શૂઝ Asics પર પસંદગી ઉતારી છે. વત્તા મિનિમલ કુશનવાળાં લીધા છે, જેથી દોડતી વખતે પગની મૂવમેન્ટ સરખી રહે (સરખી રાખવી જ પડે, નહિંતર ટાંટિયાનાં ઢીંચણ ટાંય ટાંય ફીસ્સ!).

* ગયા રવિવારે સાયકલ પર બાંદ્રા ગયો, ત્યાં ૧૦ કિમીની નાનકડી દોડનું આયોજન હતું (ઇન્ટરનેશનલ ઓલ્મપિક ડે નિમિત્તે). નવાં લોકો મળ્યાં અને પાછો એજ રુટ પર આવ્યો. ૪૦ કિમી સાયકલિંગ. મજા આવી!

* અને, રાસ્પબેરી પાઇ ઉપર પાછાં પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ટોર અને પાઇનું યોગ્ય જો઼ડાણ થાય એ માટે બે-ત્રણ પ્રોજેક્ટસને અજમાવવામાં આવ્યા છે, જેમાં ટોરબેરી સરસ ચાલે છે. હવે, પાઇનો કેમેરો લેવાનો છે, એટલે હોમ સિક્યુરીટી સિસ્ટમ કે કવિન સર્વેલિયન્સ સિસ્ટમ જેવું કંઇક બનાવી શકાય 😉

પુસ્તક: અંતહીન યાત્રા

અંતહીન યાત્રા પુસ્તકનું મુખપૃષ્ઠ

* અંતહીન શબ્દને તમે ગુજરાતીમાં છૂટો પાડો તો – અંત, હીન બને. હીનને આગળ લઇ જઇએ તો? હીન અંત. જેનો અંત હીન (ખરાબ) છે એ. અંતહીનને અંગ્રેજીમાં લઇએ તો? Anthin –> A (n) thin. પાતળું. બસ, એવું જ! હીન અને થીન! આ પુસ્તક છે! ગંભીરતાથી કહું તો છેલ્લાં કેટલાય સમય પછી મને એવું પુસ્તક વાંચવા મળ્યું જે વાંચ્યા પછી મને નફરતની લાગણી થઇ હોય. પંદર પાનાં સુધી પ્રસ્તાવના ચાલે છે. છેલ્લાં સોળ પાનાંમાં લેખકોનો પરિચય, ક્વિઝ વગેરે છે અને વચ્ચે? વચ્ચે છે એવી વાર્તા જે ત્રાસવાદ, ભૌતિક શાસ્ત્ર, કુદરત, રાજકારણ, દયા-ધર્મનો મસાલો છે. ફરી એકવાર ભારતીય સંસ્કૃતિ ચડિયાતી છે એવા ગીત ગાવામાં આવ્યા છે. અને, એકદમ અમેરિકન ગુજરાતી. ઓકે, એ વાત માટે લેખકોનો વાંક ન કાઢી શકાય. હું ક્યાં શુધ્ધ ગુજરાતી લખી રહ્યો છું? છતાંય, કંઇક તો લિમિટ હોય ને? આ પુસ્તક મને ક્યાંક Earth’s Final Hours ને મળતું આવે છે. યસ, કદાચ પુસ્તકની પ્રેરણા હોઇ શકે (જોકે એકદમ કોપી નથી ;)).

મારી અપેક્ષાઓ કદાચ બહુ ઉંચી હતી. મને એમ કે યુગયાત્રા પ્રકારની નોવેલ ગુજરાતી સાહિત્યને મળશે અને આપણને જલ્સા પડશે. ગર્વથી હું કહીશ કે ગુજરાતીમાં પણ સાયન્સ ફિક્શન લખાય છે. રે પંખીડા! રે મારા નસીબ (અને તમારાં, જો તમે આ પુસ્તક ખરીદ્યું-વાંચ્યું હોય!).

😦

હું ચંદ્રકાંત બક્ષી

હું ચંદ્રકાંત બક્ષી

* મુંબઇ સમાચાર (થેન્ક્સ ટુ વિનયભાઇ) અને દેશ ગુજરાત દ્વારા જાણવા મળ્યું કે શિશિર રામાવત બક્ષીબાબુના જીવન પર આધારિત નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’ નો શૉ મુંબઇમાં રજૂ કરવાના છે. લો ત્યારે – શિશિરભાઇની કૉલમ અને કલમનો લાભ તો આપણે લીધેલો અને હવે બક્ષીબાબુનો વિષય હોય ત્યારે આપણે પાછા પડીએ? દુર્ભાગ્યે, ૧૫ અને ૧૬ તારીખે હું અત્યંત વ્યસ્ત હતો (જુઓ: આ પોસ્ટ્સ) એટલે પછી NCPAની ૨૨ તારીખની ટિકિટ્સ બુક કરાવવામાં આવી/ (એના કારણે પૃથ્વી થિએટર જોવાનું રહી ગયું. નેક્સ્ટ ટાઇમ!) NCPA બુકમાયશૉ.કોમ થી ટિકિટ્સ બૂક કરવા દે છે, જે એકદમ સરસ વેબસાઇટ છે. ક્લિઅરટ્રીપ અને ફ્લિપકાર્ટની જેમ આપણે હવે તેના નાનકડા સમર્પિત કસ્ટમર બની ગયા છીએ 🙂

તો, ગઇકાલે સાંજે અમે NCPA પહોંચી ગયા. એમ તો કવિનની પણ ટિકિટ લીધેલી પછી કવિને કહ્યું – મને પૂછ્યું હતું? એટલે મારા સસરાને એની જગ્યાએ આમંત્રિત કરવામાં આવ્યા. જે અમારા સર્વશ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક ગણી શકાય! 😉 NCPA માં સારી એવી સંખ્યામાં પબ્લિક હતી. નાટક યોગ્ય સમય પર શરુ થયું. Experimental થિએટર પ્રમાણમાં નાનું હતું પણ એકદમ પરફેક્ટ જગ્યા લાગી.

નાટકની શરુઆત જ એકદમ પ્રભાવશાળી રહી. પ્રતિક ગાંધીનો અભિનય લાજવાબ હતો. શરુથી લઇને અંત સુધી એકપણ નબળો સંવાદ કે નબળો અભિનય લાગ્યો નહી (ડિસક્લેમર: નાટકનો મારો પ્રથમ અનુભવ!). બક્ષી ખરેખર સ્ટેજ પર ઉતરી આવ્યા હોય એવું લાગતું હતું. જેને બક્ષીનામા વાંચી હોય (કયા બક્ષી ચાહકે ન વાંચી હોય??) એને વધારે મજા આવે એવું મને લાગ્યું. બક્ષીબાબુએ મેરેથોન ૨ કલાક અને પ૫ મિનિટમાં પૂરી કરેલી એવું સાંભળ્યા પછી મારા પ કલાક અને ૫૫ મિનિટના સમય પર ઘરવાળાઓએ માછલાં ધોયા 😉

૧ કલાક અને ૪૫ મિનિટ – મજા આવી ગઇ!

હેટ્સ ઓફ ટુ – પ્રતિક ગાંધી, શિશિરભાઇ અને મનોજ શાહ. આ ત્રિપુટી જો મોટું બક્ષીમય નાટક બનાવે તો જલ્સા પડી જાય અને પહેલી ટિકિટ હું સપરિવાર લઇ લઉં!

અને છેલ્લે મેન્ડેટરી વસ્તુ – સ્ટેટસ હોટલમાં મસ્ત સાઉથ ઇન્ડિયન ફૂડ ઝાપટવામાં આવ્યું!

[ચિત્ર: નાટકના પેમ્ફલેટમાંથી રિમિક્સ]

અપડેટ્સ – ૯૫

* મસ્ત વરસાદમાં રવિવારે ‘આરે કોલોની’ના જંગલમાં ૧૧ કિમીની રેસ (એમ તો હાફ મેરેથોનનો પ્લાન હતો, જે પડતો મૂકવામાં આવ્યો) વત્તા ૧૫ કિમી સાયકલિંગનો લાભ લેવામાં આવ્યો. આરે જંગલ સરસ જગ્યા છે. હવે પછી ૭મી જુલાઇએ ત્યાં જ ‘રનિંગ ઍન્ડ લિવિંગ’ મોન્સુન હાફ મેરેથોન છે. એ પહેલાં બાન્દ્રામાં ૧૦ કિમીની રેસ છે. એટલે આ બે મહિના એકદમ હર્યા-ભર્યા રહેશે!

* વર્ડપ્રેસ એડમિનની થીમ બદલાઇ ગઇ છે, જે મારી આંખોને એડજસ્ટ થતાં કેટલાંક દિવસો લાગશે. તેમનાં વિઝ્યુલ એડિટરમાંય ફેરફારો થયા હોય એમ લાગી રહ્યું છે.

* મારી પ્રિય વિડિઓ ગેમ હાફ લાઇફ ૨ હવે લિનક્સમાં (સ્ટિમ વડે) સરસ ચાલે છે એટલે મજા આવે છે!

* અત્યારે ‘અંતહીન યાત્રા’ વંચાઇ રહી છે. કાલે કે પરમ દિવસે તેનો રીવ્યુ લખીશ.

* બાકી આરામ. કવિનની સ્કૂલ હવે શરુ થઇ ગઇ છે, એટલે થોડો સમય તો ઘરમાં શાંતિ રહે છે 😉

આજનું સત્ય

તમામ તસવીરો ગુગલ-નેટ પરથી લીધેલ છે

.. આવું લખાણ બ્લોગની લગભગ દરેક પોસ્ટ પર લખતાં લોકોને ખબર નથી કે તેમનું ‘લખાણ પણ નેટ પરથી લીધેલ છે’ એવું અમને ખબર છે! 😀

છ વર્ષનું ઝોમ્બી

છ વર્ષનું ઝોમ્બી

તો અમારું ઉપરોક્ત ઝોમ્બી આજે છ વર્ષનું થયું છે એની લાગતા-વળગતાઓએ નોંધ લેવી 😉

દોઢ મહિનાની ફિલમો – ૨૬

* છેલ્લે આવી પોસ્ટ એપ્રિલ અંતમાં લખાઇ હતી. ત્યાર પછી ફિલમો જોવાનો ખાસ સમય મળ્યો નથી, એટલે છેલ્લાં દોઢ મહિનાનો મસાલો અહીં એક સાથે રજૂ કરવામાં આવે છે (અને, એ પણ માત્ર ત્રણ ફિલમો – જરા વિચારો – મારા પર કેવી વીતતી હશે ;))

૧. ગો ગોઆ ગોન (૨૦૧૩):

ઝોમ્બી ફિલ્મ. સારા ડાયલોગ્સ અને બેકાર સ્ટોરી. છતાંય, બાબાજી (પેલા બ્લોગ વાળા નહી!) અને બ્લડી ખૂની મન્ડે ગીતો ગમ્યાં. કવિને પણ જોયું અને તેને ઝોમ્બી વિશે વિગતે સમજાવવામાં આવ્યું.

કવિન હવે ગોઆ જવા માટે રેડી છે (કારણ કે, તેને ઝોમ્બીઓ જોવા છે!) 😉

૨. યે જવાની હૈ દિવાની (૨૦૧૩):

એમ તો આ મુવીનો `રીવ્યુ` છેલ્લી અપડેટ્સ પોસ્ટમાં લખેલો જ છે, પણ સંદર્ભ માટે: આ એક એવી ફિલમ છે, જેના કારણે આજ પછી હિન્દી ફિલમ થિએટરમાં ન જોવાની પ્રતિજ્ઞા લેવામાં આવી છે (તેમ છતાંય, કોઇ વાર જવું પડે તો, સસ્તાં શોમાં જવું તેવો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો છે).

૩. ઉડાન (૨૦૧૦):

ક્યારનું બાકી રહી ગયેલું સરસ મુવી. રામ કપૂરને પહેલી વાર ઓફ-ટીવી જોયો (જોકે આમ પણ હું ટીવી જોતો નથી, ક્યારેક જોવાઇ જાય એ વાત અલગ છે). લગભગ બધાંનો અભિનય એકદમ સરસ. દરેક મા-બાપે જોવા જેવું.

અપડેટ્સ – ૯૪

* સૌથી પહેલા, નવા સ્ટોકની સચિત્ર માહિતી:

પુસ્તકો - જુન ૨૦૧૩

નંબર ૪: કિમ્બલ રેવન્સવૂડ – મધુ રાય.

* ઉપરોક્ત પુસ્તકોની સાથે-સાથે કવિનને એક સરસ ‘સ્કેટ બોર્ડ’ મળ્યું છે. અમારા નીચેના ફ્લેટ વાળાઓએ હજી સુધી બૂમો પાડી નથી. એમની આ સહનશીલતા બદલ તેમનો ધન્યવાદ! 😉

* મસ્ત વરસાદ ચાલુ છે. રવિવારના સવારના બે ભવ્ય કાર્યક્રમો મોકૂફ રાખવા પડ્યા હતા. સાંજે સમય કાઢીને અમે ‘યે જવાની હૈ દિવાની’ જોવા ગયા. જિંદગીમાં કરેલી ભૂલોમાંની એક વધુ ભૂલ. મુવી શું કહેવા માંગતું હતું તે ખબર ન પડી 😦 હા, થોડા ડાયલોગ્સ સારા હતા, દુનિયા દર્શન કરાવ્યું. DSLR/કેમેરા દેખાડ્યા. ઉદેપુરનો મહેલ જે અમે ક્યારેય દેખવાના નહોતા, તે બતાવ્યો. પણ, અંતે ભાઇ ભારત પાછા આવ્યા. કરણ જોહર મૂર્દાબાદ! 🙂

* બ્લડી ખૂની મન્ડે!

આજની ‘સેલ્ફ’ સલાહ

* બીજાની સારી સાયકલ પ્રત્યે મન ભટકાવવા દેવું નહી.

ગઇકાલે બાઇકશાર્કમાં ગયો ત્યારે મસ્ત પર્પલ કલરની સાયકલ (હવે તે કલર પર્પલ હતો કે પોપટી, રામ જાણે! આપણે તો અંધરંગભક્ત સાયકલનાં બની ગયા હતા!) જોઇને મન મોહિત બની ગયું. ત્યાર પછી જ્ઞાન થયું કે, જેવી છે મારી કાળી-લાલ સાયકલ, મારી જ છે. તો એ નિમિત્તે સરસ હેન્ડગ્રીપ નંખાવી અને સાયકલ વધુ સરસ બનાવી દીધી. હજી ટેઇલ લાઇટ અને સ્ટેન્ડ બાકી છે. જે આવતા અઠવાડિયે ઉમેરવામાં આવશે.

જ્યારે અમે નાના હતાં – વેકેશન

* અત્યારે કવિનનું વેકેશન ચાલી રહ્યું છે, અને સમગ્ર વેકેશન દરમિયાન તેણે રખડી ખાવા સિવાય કંઇ કામ કર્યું લાગતું નથી (મોસ્ટ હેપનિંગ-એક્સાઇટિંગ  એક્ટિવિટી: શેરીનાં કૂતરાંઓને પથ્થર મારવા. તા.ક. કોઇ ઝોલાંધારી શ્વાનપ્રેમી એક્ટિવિસ્ટે પગલાં લેવા નહીં, નહીતર તેમને પણ પથ્થર ખાવાના આવી શકે છે!). અને, મેં મારી જાતને કવિનને સલાહો આપતો સાંભળ્યા પછી યાદ આવ્યું કે અમે વેકેશનમાં શું કરતાં હતાં? આ જ. રખડી ખાવાનું.

છેલ્લું પેપર ક્યારે પતે એના ઉત્સાહમાં હું ઘણીવાર છેલ્લા પેપરમાં ભોપાળું-ધબડકો વાળીને આવતો. (હા, કોલેજમાં પણ મારે હંમેશા છેલ્લાં પેપરમાં ઓછા માર્ક્સ જ હોય.) વેકેશન શરુ થાય એના પહેલાં ભવ્ય પ્લાન્સ બનાવ્યા હોય કે આમ કરીશું ને તેમ કરીશું. શરુઆતમાં તો બહુ ઉત્સાહથી કંઇક નવી પ્રવૃત્તિ કરવામાં આવે અને પછી ધીમે-ધીમે આખું વેકેશન કારણ વગરના રખડવામાં પસાર ક્યારે થઇ જાય એની ખબર ન પડે. મોટાભાગનું વેકેશન જોકે મામાનાં ઘરે કે બાનાં (નાની) ઘરે જ વીતાવવામાં આવતું. મને યાદ છે ત્યાં સુધી વેકેશનમાં હું ક્યાંય ફરવા ગયો નથી (સિવાય કે આજુ-બાજુ નાનકડી ટ્રીપ્સ).

હા, વેકેશન એના માટે તો હોય જ છે. કવિનને કોઇ જ પ્રકારના ક્લાસિસમાં એની મરજી વગર મૂકવાનો ઇરાદો નથી. એ અત્યારે એના વેકેશનનું છેલ્લું અઠવાડિયું મસ્તીથી કાઢી રહ્યો છે. દા.ત. કાલે પહેલાં વરસાદમાં નહાવાનું 🙂

અને હવે, ઉનાળું-દિવાળી વેકેશન મળતું જ નથી 😦 (એટલે કે, લેવું પડે છે!)