ઓપન લેટર: ભારતીય ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારાઓને..

વ્હાલા ભારતીય ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારાઓ,

સહર્ષ જણાવવાનું કે અમને તમારી સેવા(ઓ)થી અત્યંત ખુશી થઇ છે. અમો અત્યાર સુધી તમારા વિવિધ અનુભવો જનતા જનાર્દનના હિતાર્થે રજૂ કરીએ છીએ. નોંધ લેવા વિનંતી.

૧. તમારા એજન્ટ (ઉર્ફે એજન્ટ સ્મિથો) જ્યાં-ત્યાં ફરતા હોય છે, જેઓ ખરેખર ઇન્ટરનેટ કેવું ચાલે છે, ખરેખર કેટલી સ્પિડ મળશે એવી કોઇ જાણકારી ધરાવતા નથી અને નવીન ગ્રાહકોને આરામથી ઘુવડ બનાવે છે.

૨. તમારા ટેકનિશિયનોને ગુગલ ક્રોમ શું છે એની કોઇ માહિતી મળતી નથી. વધુમાં તેઓ માય નેટવર્કમાં જવાનું કહે છે. જો ઇન્ટરનેટ જ કનેક્ટ ન હોય તો બ્રાઉરમાં ગુગલ ન ખૂલે તે સ્વાભાવિક છે. છે ને?

૩. તમારી ફોન પરની કસ્ટમર સર્વિસ તો અત્યંત મહાન છે. એટલી મહાન કે તમારે પૈસા કમાવવા માટે એક ટોલ-ફ્રી અને બીજી પેઇડ લાઇન રાખવી પડે છે. જો ટોલ ફ્રી પરથી ફોન કરીએ તો ફોન કદી લાગતો નથી કે બીઝી ટોન આવે છે. જો પેઇડ પરથી કરીએ તો દાખલ કરેલી માહિતી ખોટી છે (દા.ત. એકાઉન્ટ નંબર) એમ કહી અમારા પૈસા (રુપિયા – એમ વાંચવું) બગાડવામાં આવે છે.

૪. કસ્ટમર કેરને ક્યારેક ફોન લાગી જાય તો, અમારા નસીબ. પણ હજી, એવા સદ્ભાગી અમે નથી.

૫. ઓહ, અને જો અમે જોડાણ કપાવવાની વાત કરીએ તો.., ઇમેલ કરીએ તો ઇમેલ બાઉન્સ થાય છે. ફોન કરીએ તો કહે છે, અહીં નહીં, ત્યાં ઇમેલ કરવાનો છે. આજુ-બાજુ વાળાને પૂછીએ તો જાણવા મળે છે કે તમો જોડાણ કાઢી નાખ્યા પછી પણ બીલ મોકલ્યા કરો છો.

૬. અને, જો બિલ ભરવા જઇએ તો,

અ. તમારી વેબસાઇટ ચાલતી નથી.

બ. ચાલે છે તો ફાયરફોક્સ કે ગુગલ ક્રોમમાં મજાક કરતી હોય એમ ચાલે છે.

ક. વધુમાં, તમે પાસવર્ડ ‘પ્લેઇન ટેકસ્ટ’ માં મોકલો છો. તા.ક. આ ૨૦૧૩ છે!

ડ. પેમેન્ટ માટે દરરોજ SMS મોકલો છો. છેલ્લી તારીખને ૧૫ દિવસની વાર હોય તો પણ.

ઇ. પેમેન્ટ માટે કોઇક મૂર્ખાઓને કોલ કરવાનું કામ સોંપો છો, જે ભરબપોરે ફોન કરે છે!

બસ, હજી વધુ મોટો પત્ર લખવાની અમારી ક્ષમતા નથી.

એ જ (તમારાથી) પિડિત,

નવીન ઇન્ટરનેટ ગ્રાહકો.

PS: અહીં કોઇપણ ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારો બંધ બેસતી પાઘડી પહેરી શકે છે!!

16 thoughts on “ઓપન લેટર: ભારતીય ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારાઓને..

  1. ઓહ, અને જો અમે જોડાણ કપાવવાની વાત કરીએ તો.., ઇમેલ કરીએ તો ઇમેલ બાઉન્સ થાય છે. ફોન કરીએ તો કહે છે, અહીં નહીં, ત્યાં ઇમેલ કરવાનો છે. આજુ-બાજુ વાળાને પૂછીએ તો જાણવા મળે છે કે તમો જોડાણ કાઢી નાખ્યા પછી પણ બીલ મોકલ્યા કરો છો. >>> આમાં તો ટાટા ડોકોમો જોરદાર લુટારુ કંપની સાબિત થઇ છે…

    Like

    1. આનો અર્થ એમ થાય કે તેની feedback_internet_submit.jsp નામની ફાઈલ જ બનાવવાની ભુલાઈ ગઇ લાગે છે !!! 😛
      વેલ, આ વાત તો સામાન્ય છે… આ લોકોના ફીડબેક ફોર્મ ક્યારેય ચાલતા નથી હોતાં.

      Like

        1. 🙂 તમે રિલાયન્સ બ્રોડબેન્ડનું સેલ્ફકેર પોર્ટલ જોયું હોય તો ખબર પડે !! મેનુંમાં બે-બે જગ્યાએ તો ડેટા યુસેઝના ઓપ્શન્સ બતાવે. જેમાંથી એક લિન્ક ચાલતી હોય જ્યારે બીજી લિન્ક ડેડ જ હોય. અરે, ખતરનાક વાત તો એ છે કે રિલાયન્સના કસ્ટમરકેરવાળાને પેપલ (Paypal) પેમેન્ટ ગેટવે વિશે ખબર નથી !!!

          Like

  2. આ લોકોના ફીડબેક . . . એટલે જાણે એસ ટી બસમાં રાખેલી ફીડબેકવાળી પેટી 😉

    અમારે રાજકોટમાં BSNLને આમ કહે છે : બહાર શેરીમાં નીકળીને લો 😀

    બ્રોડબેન્ડ એટલે કે . . . તમારી ( આપણા સૌની ) બ્રોડ લેવલે બેન્ડ બજાવવી ❗

    અને ભરબપોરે ફોન . . . સેમ પીંચ 😦

    Like

  3. 2 વરસ પહેલા મને કુબુન્ટુ OS માટે એમ પૂછવા માં આવેલું કે એ OS છે ? પણ તમારો આ ગૂગલ ક્રોમ વાળું વાંચી ને તો રડવું આવી ગયું … 😀

    Like

  4. ટાટા ડોકોમો દ્વારા તો નવી સેવા શરુ થઇ છે , તમારા કનેક્શનમાં પ્રોબ્લેમ હોય , તમે કમ્પ્લેન નોંધાવો તો એન્જીનીયર તમારી સાઈટ પર આવી પ્રોબ્લેમ સોલ્વ કરવાને બદલે તમને ફોન પર જ સૂચનાઓ આપ્યા કરે છે અને આગ્રહ રાખે છે કે તમે સ્વાવલંબી બનો અને જાતે જ પ્રોબ્લેમ સોલ્વ કરો અને તેને ગમે એટલી વાર સમજાવો કે ભાઈ તમે આપેલી સૂચનાઓ મુજબ ફેરફાર કરવા છતાં પ્રોબ્લેમ સોલ્વ નથી થતો તો પણ તમને સ્વાવલંબી બનાવવાની લીધેલી જીદ એ મુકવા જ તૈયાર નથી અંતે કસ્ટમર કેર સેન્ટર માં રૂબરૂ જઈ ઉચ્ચ અધિકારી ને ” શિષ્ટ ” ભાષામાં રજૂઆત કર્યા બાદ એમણે ઉપકાર કર્યો અને કનેક્શન ચાલુ કરાવી આપ્યું

    Like

  5. ઉપર બધા ઇંટરનેટ પ્રોવાઇડરથી દાઝેલા લોકોની વાતોમાં અહી હું બે સારી વાતો લખી દઇશ તો બધા ભેગા મળીને મારો હુરીયો બોલાવી દો એવી શક્યતા વધારે છે. છતાંયે જોખમ લેનેમેં શું જાતા છે….

    મને અમદાવાદમાં BSNL બ્રોડબેન્ડનો અત્યાર સુધી ઘણો સારો અનુભવ રહ્યો છે. હવે તેના કારણમાં પેલા ઇશ્વરભાઇનો મારી ઉપરનો અપાર સ્નેહ કે પછી મને નસીબદાર ગ્રાહક હોવાનું ગણાવી શકો છો! 🙂 તે લોકો તો બીલ ભરવાનું છેલ્લે દિવસ સુધી યાદ પણ નથી કરાવતા કે પછી કયારેય સાચો-ખોટો ફોન-મેસેજ પણ નથી કરતા બોલો ! ઓનલાઇન પેમેન્ટ સુવિધા તો છેલ્લા એક-બે વર્ષથી ઘણી સુધરી ગઇ છે અને વળી ઓનલાઇન પેમેન્ટ કરો તો ૧% ડિસ્કાઉન્ટ પણ આપે છે! હા, વર્ષમાં બે-ત્રણવાર નેટ ડાઉન થઇ જાય છે પણ એ તો હવે આ મહાન ભારતમાં સામાન્ય વાત ગણાય.

    નોંધ- ઉપરની વાત બ્રોડબેન્ડ પુરતી મર્યાદિત રાખવી. BSNLની મોબાઇલ સેવાની ગુણવત્તા વિશે પુછીને દુખતી નસ દબાવવી નહી.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.