અપડેટ્સ – ૧૧૦

* યેય, દિવાળી વેકેશન પડી ગયું છે, એટલે આ બ્લોગ પણ વેકેશન-મોડમાં જશે. આમ પણ, છેલ્લાં કેટલાંય સમયથી મૂર્છિત અવસ્થામાં જ છે, એટલે કોઇને ખાસ ગેરહાજરી વર્તાશે નહી. કવિન જ્યારે આજે સ્કૂલથી આવ્યો ત્યારે બૂમો પાડતો-પાડતો આવ્યો કે વેકેશન પડી ગયું છે! આવો આનંદ હવે મને મળતો નથી એનું દુ:ખ છે. વેકેશન છે છતાંય લેપટોપ અને ઢગલાબંધ ઇલેક્ટ્રોનિક્સ કચરો જોડે લઇ જવાનું છોડી શકાતું નથી.

* રવિવારે વસઇ-વિરાર હાફ-મેરેથોન ઠીક-ઠાક સમયમાં પૂરી કરવામાં આવી (સમય: ૨.૩૨.૪૨ નંબર: ૧૨૬૭). મજાની વાત એ હતી કે આ મેરેથોન નગરપાલિકા દ્વારા સ્પોન્સર હતી એટલે રસ્તાની બન્ને બાજુએ લગભગ બધી જગ્યાએ વિવિધ સ્કૂલનાં છોકરાંઓ અમને ઉત્સાહિત કરતા હતા. લેઝિમ, ડ્રમ બેન્ડ અને ડી.જે. લોકો પણ યોગ્ય રીતે પાણી વગેરે પૂરા પાડતા જોયા પછી વસઇ-વિરારને બેસ્ટ સપોર્ટેડ મેરેથોનનો ખિતાબ મુંબઇ મેરેથોનમાંથી છીનવીને આપવામાં આવે છે. હા, થોડાંક લોચા હતા, પણ ઓર્ગેનાઇઝર વગેરેએ ફીડબેક પોઝિટીવ લીધો હોવાનાં અહેવાલો છે. જો તમે મુબંઇમાં હોવ તો, મસ્ટ રન મેરેથોન!

* સાયકલમાં ફરીથી ટાયર પંકચર, જેથી આ અઠવાડિયાનું સાયકલિંગ ખોરવાઇ ગયું છે. હવે વેકેશન પછી તેને પણ યોગ્ય ન્યાય અપાશે. એટલિસ્ટ, મુંબઇ મેરેથોન પહેલાં એકાદ ૧૦૦ કિમીની રાઇડ થઇ જાય તેવું આયોજન ચાલે છે. (જોકે મારા આયોજનો આયોજન પંચ કરતાં બહુ સારા હોતા નથી).

* એકાદ દિવસ અમદાવાદનો પ્લાન છે, પણ ત્યાં ડેન્ટલ ટ્રીટમેન્ટ ડોકિયાં કરે છે, એટલે કોઇને મળવાનો સમય મળે તેમ લાગતો નથી. પેલા ડેકાલથોન સ્ટોરમાં પણ આંટો મારવાની ઇચ્છા સાઇડ પર મૂકવી પડે તેમ છે. તેમ છતાંય ADRians જોડે દોડવાનો મોકો ગુમાવવાનો નથી 😉

* અને છેલ્લે, આ ત્રીજા મોરચાનું સરકસ જોઇને હસવું કે રડવું તે સમજાતું નથી. બંદરોનો નાચ, દેશને સો ટકા મોંઘો પડવાનો છે.

ફિલમો: આફ્રો સમુરાઇ (૨૦૦૭, ૨૦૦૯)

* સાદી ભાષામાં કહીએ તો ‘જેને આફરો ચડેલો છે તેવો સમુરાઇ યોદ્ધો’. વિસ્તૃત વર્ણન કરીએ તો ૧૮+ પ્રમાણપત્ર ધરાવતી સરસ જાપાનીઝ એનિમેશન ફિલ્મ.

આ ફિલમ વિશે ક્યાંક મેં લખ્યું છે કે નહી તે યાદ નથી, કારણ કે મને તે ફિલમ ટેગમાં મળ્યું નહી. ગઇકાલે તેની ટીવી મિની સીરિઝ જોઇ અને પહેલી ફિલમ જોઇ ત્યાર પછી યાદ આવ્યું કે યાર, આપણે હમણાં તો જોએલી ફિલમો વિશે લખતાં જ નથી. તો થઇ જાય એક પોસ્ટ.

પહેલાં મેં ૨૦૦૯ની ‘આફરો સમુરાઇ: રીસરકશન’ જોયેલી ત્યારે વાર્તા થોડી અધૂરી-અધૂરી લગતી હતી, પછી ખબર પડી કે ઓહ, આ તો બીજો ભાગ છે 😉 ક્યાંકથી પહેલો ભાગ મળ્યો, ત્યારે મજા આવી ગઇ. જાપાનીઝ સમુરાઇ કલ્ચર વત્તા ટેકનોલોજી વત્તા મારા-મારી-કાપ-મ-કાપીનું મસ્ત મિક્ષચર. આફરો તેનાં પપ્પાની હત્યાનો બદલો લેવા માટે મેદાને પડે છે અને તેમાં જ તે તેનાં કુટુંબ જેવા લોકોની હત્યા થતાં રોકી શકતો નથી, આ તેની મુખ્ય થીમ છે. આફરોએ “નંબર ૧ માથાની પટ્ટી” (‘નંબર ૧ હેડ બેન્ડ’નું ગુજરાતી) લેવા માટે ઘણાં બધાં લોકોનો સામનો કરવો પડે છે અને અંતે? જુઓ તમારી નજીકનાં લેપટોપ પર. સેમ્યુઅલ જેક્સનનો અવાજ હોય ત્યારે ફિલમ સરસ જ હોય.

# IMDB કડીઓ:
૧. http://www.imdb.com/title/tt0465316/
૨. http://www.imdb.com/title/tt1265998/
૩. અને ઓહ, વિકિઆ ફેન પોર્ટલમાંથી વ્હાલી સિઓ: http://afrosamurai.wikia.com/wiki/Sio 🙂

PS: આ ૧૮+ફિલમો છે, નાનાં બાબાઓએ જોવી નહી.

અપડેટ્સ – ૧૦૯ – રનિંગ

* આ બ્લોગ વાંચીને જેણે-જેણે દોડવાનું શરૂ કર્યું હોય (અને પછી બંધ કર્યું હોય) તેમણે વાંચવા જેવું.

* અત્યાર સુધી હું માત્ર દોડવા પર જ ધ્યાન આપતો હતો. સાયકલિંગથી ક્રોસ ટ્રેઇનિંગ અને ત્યારબાદ રાજ વડગામા જોડે મુલાકાત થયા પછી વ્યવસ્થિત ટ્રેઇનિંગ શરુ કરી. ત્યારબાદ સમજાયું કે સાલું મારું શરીર તો એકદમ નબળું છે. પુશઅપ્સ તો હજુય વ્યવસ્થિત થતા નથી, પણ ઓવરઓલ ફીટનેસ સારી થતી જાય છે.

* દોડવા ઉપરાંત વાર્મ-અપ અને કૂલ-ડાઉન – એ અત્યંત મહત્વની વસ્તુઓ છે. દોડ્યા પછી સ્ટ્રેચિંગ એટલું જ અગત્યનું છે. મોટી રેસ પછી જો આ ચૂક્યા તો, મસલ્સ બંધુઓને ડોક્ટરની મુલાકાત થવાના ચાન્સ ઉજળા છે.

* ઓક્ટોબર મહિનો મારા માટે સારો રહ્યો છે. સાયકલિંગ અને રનિંગ વત્તા સ્ટ્રેન્ધ ટ્રેઇનિંગ – ત્રણેય વ્યવસ્થિત થતા જાય છે. હવે, રવિવારે વસઇ-વિરાર હાફ મેરેથોન જે શાંતિથી પૂરી કરવાની છે, ત્યારબાદ કદાચ અમદાવાદ મેરેથોન અને પછી સીધી જ મુંબઇ મેરેથોન!

* કવિન મને દરરોજ કહે છે કે હું પણ ફૂલ મેરેથોન દોડીશ. હવે એક દિવસ તેને એકાદ કિલોમીટર દોડાવવાની ઇચ્છા છે. આઠેક વર્ષ પૂરા થાય એટલે અમે જોડે નિયમિત રનિંગ કરીશું, હજી તો એ બહુ નાનો છે 🙂

અપડેટ્સ – ૧૦૮

* આ ૧૦૮ સેવા અંગેની અપડેટ્સ નથી એની નોંધ લેવા વિનંતી.

* કેટલાય સમયથી અપડેટ્સની પોસ્ટ લખાઇ નથી. અને, બ્લોગ પોસ્ટ પણ આજ-કાલ અત્યંત અનિયમિત બનતી જાય છે. કારણ? કિટાણું. (વર્ક કિટાણું એમ વાંચવું).

* સારા અપડેટ્સમાં જોઇએ તો ગઇકાલે જ NCPA<–>મેલા સિગ્નલ (૧૮.૫ કિમી) સુધીનું સરસ દોડવામાં આવ્યું. ત્યારબાદ પગનાં તળિયાનું સ્કેન કરીને મારા માટે કયા શૂઝ સારા તેની માહિતી મને ASICS વાળાઓએ આપી, જે તેમના માર્કેટિંગનો ભાગ હતો એવું લાગ્યું, તેમ છતાંય તેના શૂઝ એકંદરે સારા હોય છે (થોડાંક સસ્તાં પણ). સાંજે બહાર જવાનો કાર્યક્રમ હતો, જે મને ખબર હતી તેમ બાકી-કામના કારણે થોડા અસ્ત-વ્યસ્ત થયો, વચ્ચે નિરવ-વિનયને મળી લેવાયું એટલે કામનું ટેન્શન ઓછું થયું, છેવટે SOS કોલ આવ્યો ત્યારે ફરી લેપટોપ લઇને બેસવું પડ્યું, જે બહાર જવાના કાર્યક્રમમાં લેપટોપ જોડે લઇ જવા સુધી ખેંચાયું (અને રાત્રે મોડા સુધી પણ!). છેવટે, આલ ઇઝ વેલ 🙂

* કવિનને અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે, તેમ છતાંય તેની મસ્તી એમની એમજ છે. સારી વાત છે!

* વેકેશનની જે થવાની હતી એ ટિકિટ કન્ફર્મ થઇ નથી, પણ બીજી બેકઅપ ટિકિટ્સ લઇ લેવામાં આવી છે, જે એકદમ વિચિત્ર સમયની હોવા છતાં, બીજો કોઇ વિકલ્પ નથી (હાલ પૂરતો).

* દિવાળીનું (મારું) શોપિંગ? થઇ ગયું છે: પાણીની નવી બોટલ, સાયકલ માટે મોબાઇલનું સ્ટેન્ડ વગેરે!

RIP: રતિકાકા

* અત્યાર સુધી તો તમને સમાચારપત્રો કે બ્લોગ પોસ્ટ્સ વગેરે દ્વારા સમાચાર મળી ગયા હશે કે, ગુજરાતીલેક્સિકોન.કોમ ના સ્થાપક રતિકાકા હવે આપણી વચ્ચે રહ્યા નથી. ગયા શુક્રવારે મને સમાચાર મળ્યા કે તેમની તબિયત સારી નથી અને હું તેમની મુલાકાત લેવા જવાનું નક્કી કરતો જ હતો ત્યાં તેમના અવસાનના સમાચાર મને મળ્યા. રતિકાકા જ્યાં સુધી ગુજરાતી ભાષા રહેશે ત્યાં સુધી યાદ રખાશે.

રતિકાકા સાથેની યાદો અનેક છે. ખાસ કરીને જ્યારે ઉત્કર્ષ ટીમ તેમને પ્રથમ વખત તેમના મુંબઇના નિવાસસ્થાને ગઇ ત્યારે તેમનો મને પરિચય થયો. નવી શરૂઆતની ઉજવણીમાં તેમને આપેલો રેડ વાઇનનો ગ્લાસ, તેમનું મેક અને તેમની કોમ્પ્યુટર વાપરવાની ક્ષમતા (ઉંમર: તે વખતે ૮૫ વર્ષ!) અને ગુજરાતીલેક્સિકોન.કોમ માટેની ધગશ – અભૂતપૂર્વ. ૨૦ કરતાં વધુ વર્ષ સુધી એક પ્રોજેક્ટની પાછળ પડ્યા રહીને, વિવિધ પ્રકારનાં લોકો સાથે કામ પાર પાડીને, પ્રોજેક્ટને અત્યારની સ્થિતિમાં લાવવો સરળ વાત નથી જ. અમે (માત્ર ટૂંકા સમયમાં જ) જાણી ગયા કે અમારે કેવી-કેવી સંસ્થાઓ અને કેવા-કેવા લોકો જોડે કામ કરવાનું છે. ૨૦૦૬-૨૦૧૦ દરમિયાન રતિકાકા સાથે બહુ મુલાકાતો થઇ, ત્યાર પછી પણ અમે ઇમેલ અને સ્કાયપે વગેરે વડે સંપર્કમાં રહ્યા જ. ગુજરાતીલેક્સિકોન અત્યારે ધરખમ ટીમ હેઠળ છે અને આશા રાખીએ કે આ ટીમ ગુજરાતી ભાષાને જીવંત રાખવાના ધ્યેયને આવી જ રીતે વળગી જ રહે.

રતિકાકાનું એક બીજું સ્વપ્ન હતું – કલાપી ફોન્ટ. જે અત્યારે ગિટહબમાં પ્રાપ્ત છે. વિકિપીડિઆ અને ગુજરાતીલેક્સિકોનનું જોડાણ થાય એવો મારો પ્રયત્ન હતો, જે ફળીભૂત થોડા અંશે (વિક્ષનરીમાં યોગદાન વડે) થયો, પણ આ ધ્યેય પર કામ કરવાની મારી આગળ ઇચ્છા છે.

અલવિદા, રતિકાકા. જ્યારે ફરી ઉપર મળીશું ત્યારે મારી પાસે ગુજરાતી ભાષા માટે કંઇક કામ કરેલ છે – તેવો સંતોષ તમને થશે એની ખાત્રી આપું છું.

જ્યારે અમે નાના હતાં – લોહચુંબક

* આજે સવારે મોડો-મોડો દોડવા માટે ગયો ત્યારે રસ્તામાં બે-ત્રણ ટાબરિયાં ચુંબકને દોરીથી લટકાવીને લોખંડની વસ્તુઓ ભેગી કરતા હતા. પહેલાં તો તેમનો આભાર માની લઉં કારણ કે, ગયા અઠવાડિયે મારી સાયકલમાં પહેલું પંકચર પડ્યું ત્યારે કોઇએ ફેંકેલી ખૂલ્લી સેફ્ટી-પિન જવાબદાર હતી. જો  એ સેફ્ટી-પિન આવા કોઇ ચુંબકમાં આવી ગઇ હોત તો પંકચર ન પડ્યું હોત 😉

વેલ, તે પરથી મને યાદ આવ્યું કે લોહચુંબક મને બહુ ગમતું. ખાસ કરીને બે લોહચુંબક ભેગા કરીને એક-બીજાંથી દૂર ખસેડવાની રમતોમાં કલાકો નીકળી જતાં અને હા, ચુંબકને દોરી પર બાંધી પેલા છોકરાંઓ જેવી હરકતો પણ કરેલી (મજા ખાતર) અને ભેગી કરેલી લોહકરચોને કાગળ પર મૂકીને ડાન્સ પણ કરાવેલો. શરુઆતમાં મને કોઇએ ડરાવેલો કે જો ચુંબક બહુ વાર હાથમાં રાખીએ તો લોહીમાં રહેલું આર્યન ખેંચી લે અને એ ડરથી હું તેને ખાસ ડબ્બીમાં રાખતો. થોડા સમય પછી પાંચમાં કે છઠ્ઠા ધોરણમાં ચુંબક વિશે વિજ્ઞાનમાં આવેલું ત્યાર પછી હોકાયંત્ર લેવાની બહુ ઇચ્છા હતી, પણ શાળાજીવન દરમિયાન ક્યારેય તે મળ્યું નહી. છેવટે, વર્ષો પછી બે-ત્રણ એક સામટાં લીધાં. એક બગડી ગયું છે, એક મારી પાસે ક્યાંક પડ્યું છે. હવે તો, મોબાઇલમાં compass સરસ એપ્લિકેશન છે, ખબર નહીં ક્યારે ક્યાંય ખોવાઇ જઇએ તો કામમાં આવશે.

હોકાયંત્ર

વર્ષો પછી કુશાલે મને હાઇ ઇન્ટેન્સિટી મેગ્નેટ આપેલા, જે હજી પડ્યા છે. કોઇને કોઇની હાર્ડ ડિસ્ક બગાડવી હોય તો કહેજો 😉

અપડેટ્સ – ૧૦૭

* અત્યંત દુ:ખ સાથે કહેવું પડે છે કે ગુગલ હેંગઆઉટને હું ગુગલની એકદમ ઉતરતી કક્ષાનાં ઉત્પાદન (ie પ્રોડક્ટ) માં મૂકી રહ્યો છું. પેલાં ગુગલ વેવ કરતાંય આ તો જાય તેવું છે. મારી કેટલીય મિટિંગોની હાલત તેના કારણે ખરાબ થઇ છે (અને મારી પણ!).

* ગુજરાતી વિકિપીડિઆમાં પ્રથમ બાર્નસ્ટાર મળ્યો.

* બુધવારે, રજી ઓક્ટોબરે ગોરેગાંવ–>બાંદ્રા–>અંધેરી સુધીની નાનકડી દોડનું આયોજન હતું. જોડે અમારા ગ્રુપનાં સભ્યો હતા. હાઇવે પર દોડવાનું અઘરું છે (અને ભયાનક પણ). સવારે જલ્દી શરૂ કરો તો, અંધારુ નડે. મોડા શરુ કરો તો ટ્રાફિક નડે. હવે, રવિવારે પાછું આમ ન થાય તો સારું, પણ હવે તો ૫ વાગ્યાથી જ શરુ કરવામાં આવશે.

* વેકેશનનું પ્લાનિંગ થઇ ગયું છે. જવાની ટિકિટ હજી મળી નથી, પણ પાછા આવવાની મળી ગઇ છે 😉 અને, વેકેશનમાં એક લોંગ ડિસ્ટન્સ રનિંગનું પણ આયોજન થયું છે.

* કવિન હવે એ ઉંમરે પહોંચી ગયો છે, જ્યાં તેનાં કપડાં અને રમકડાં અમારા કપડાં અને રમકડાં કરતાં મોંઘા આવે છે. તેમ છતાંય, તેનો વર્ડ પાવર મજબૂત બનાવવા માટે Scrabble બોર્ડ-ગેમ લાવવામાં આવી છે. હજી થોડો નાનો પડે, પણ મજાની રમત છે. વેકેશનમાં તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે.

આભાર, પ્રણવભાઇ!!

* અશ્વિની ભટ્ટનું અવસાન થયું ત્યારે મેં પોસ્ટમાં લખ્યું તેમ તેમનો વિકિપીડિઆમાં કોઇ લેખ નહોતો એટલે મેં એ કામ હાથમાં લીધું. લેખમાં મારી પાસે થોડી વિગતો વત્તા પુસ્તકોની યાદી સિવાય બીજી માહિતી નહોતી અને તેમની છબીની મેં ફેસબુક અને બ્લોગમાં વિનંતી કરેલી પણ કોઇ જવાબ આવ્યો નહી. બે દિવસ પહેલાં પ્રણવભાઇ જોડે ફોન પર કંઇ બીજી બાબતે ચર્ચા થતી હતી તેમાંથી યાદ આવ્યું કે તેમની પાસે અશ્વિની ભટ્ટનો ફોટો ચોક્કસ હોઇ શકે અને પ્રણવભાઇએ ફેસબુક પર મને બે-ત્રણ સરસ ફોટાઓ મોકલી આપ્યા, પણ તે તેમની રચના હોવાથી હું તેને અપલોડ કરી ન શકું (કોપીરાઇટ ભંગ). પ્રણવભાઇને મેં કોમન્સ પર આ ફોટો અપલોડ કરવા માટે સ્ટેપ્સ મોકલ્યા અને તેમને ધીરજ રાખીને મારા ગરબડ વાળા સ્ટેપ્સને સમજીને ફોટો અપલોડ કરી દીધો અને મને જ્યારે સંદેશ મળ્યો ત્યારે વિકિપીડિઆમાં અશ્વિની ભટ્ટ લેખમાં ચડાવી પણ દીધો.

આને કહેવાય, ખરું યોગદાન (ના, મારું નહી, પ્રણવભાઇનું!).

PS: જો તમારી પાસે, તમે પાડેલા, સાહિત્યકારોનાં કોઇ પણ ફોટા હોય તો,

commons.wikimedia.org પર જાઓ,

* ખાતું બનાવો (જો વિકિપીડિઆનું હશે તો એ અહીં ચાલશે!),

* ડાબે બાજુ (જો RTL ભાષા જેવી કે ઉર્દુ કે હિબ્રુ વાપરતા હોવ તો જમણે!) રહેલી ‘અપલોડ ફાઇલ’ કડી પર ક્લિક કરો.

બાકીની વિગતો એકદમ સરળ છે. ધ્યાન રાખજો કે ફોટો તમે જ પાડેલો હોવો જોઇએ, અન્યથા તમારી પાસે એ ફોટો તમને વહેંચવા (ક્રિએટીવ કોમન્સ હેઠળ) માટે પરવાનગી છે એનો સ્ત્રોત હોવો જ જોઇએ.