અપડેટ્સ: ૧૧૯: મેકરફેસ્ટ અને સાબરમતી હાફ મેરેથોન

* આ મોટ્ટી પોસ્ટ છે!

* શનિવારે લોકશક્તિમાં અમદાવાદ પહોંચ્યો ત્યારે ખબર પડી કે અહીં તો ઠંડી પડે છે 😉 મારી પાસે પેલું KDE નું જેકેટ હતું એટલે વાંધો ન આવ્યો. સવારે થોડો ટાઇમ-પાસ કરીને NID પહોંચ્યો. NID માં મેકરફેસ્ટમાં જવાનું હતું. ત્યાં સમ્યક, હર્ષ વગેરે મળ્યા. અમે જે વર્કશોપમાં જવાનું પ્લાન કર્યું હતું, તે ૨ વાગે હતી એટલે અહીં-તહીં ફર્યા અને વિવિધ ઓપન-સ્ટોલની મુલાકાત લીધી. ૧૧.૩૦ જેવો હું ત્યાંથી નીકળી ગયો અને મને એમ કે સાંજે ત્યાં પાછો આવીશ.

મેકરફેસ્ટનાં ફોટાઓ અહીં છે.

મેરેથોન એક્સપોમાં પહોંચ્યો ત્યારે મારા ફેવરિટ ADRians ત્યાં હતા. બધાંની જોડે મજાની વાતો કરી. થોડી વાર પછી મુંબઇથી બીજા રનર્સ રાજ, ભાસ્કર વગેરે ત્યાં આવી પહોંચ્યા એટલે વળી નવી ઓળખાણો અને મજાકનો દોર ચાલ્યો. ત્યાંથી ટોમેટોસ માં લંચ માટે ગયા. નોન-આલ્કોહોલિક બીયર પીધો અને એકદમ મસ્ત રોટી-પાલક પનીરનું શાક ખાધું. થોડી વાર પછી એક્સપોમાં પાછો આવ્યો અને ઇશિતાને મળ્યો. ટૂંકમાં, આ દિવસ મિત્રોને સમર્પિત હતો. કીટલી પર ચા પીને વિશલિસ્ટમાંથી એક આઇટમ ઓછી કરી અને સાંજે વળી પાછો મામાનાં ઘરે આંટો માર્યો. યાદ આવ્યું કે ચિરાગભાઇ આટલામાં જ ક્યાંય રહે છે. તેમને ફોન કર્યો અને અમે મળ્યા. મારે બીજા દિવસે મેરેથોન હોવાથી ઝાઝો સમય નહોતો પણ, થોડીવારની મુલાકાત યાદગાર બની ગઇ. તેમણે મને પ્રેમથી તેમનું અનુવાદિત કરેલું પુસ્તક (શેઠજી) આપ્યું. ચાણક્ય મંત્ર તો મારી પાસે ઘરે આવી જ ગયું હતું. બ્લોગ પર ઓળખાણ હોવાને લીધે અમને લાગ્યું નહી કે અમે પહેલી વાર મળ્યા છીએ! રાત્રે તેઓ મને મારા સ્થાન સુધી મૂકી ગયા અને બીજા દિવસની રાહ જોતો હું મોડા સુધી પડ્યો રહ્યો. શાળામાં કાલે પરીક્ષા હોય તેવી પેટમાં પતંગિયા ઉડે તેવી લાગણી થતી હતી (દરેક રનરને થાય છે ;)) છેવટે ઊંઘ આવી ત્યારે એલાર્મ વાગ્યું. ઇશિતા પણ ડ્રીમ રન દોડવાની હતી એટલે અમે અને બીજા મિત્રો જોડે જવાના હતા, પણ તેઓ ૫.૩૫ સુધી દેખાયા નહી એટલે જે મળી તે રીક્ષા લીધી અને સમય સર પહોંચી ગયો, ત્યારે વાતાવરણ રનમય બની ગયું હતું. ત્યાં ડીજે લોકોના ઉત્સાહ જગાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા દેખાયા. જ્યાં સુધી મોદીજી આવ્યા નહી ત્યાં સુધી લોકો ઉત્સાહમાં આવ્યા નહી એવું લાગ્યું.

૬.૨૫ – રેસ શરુ થઇ. મારો ટારગેટ હતો કે ૨ કલાકની આસપાસ ફિનિશ કરી દેવું. પહેલાં બે કિલોમીટર ઠીક રહ્યા પણ ૨ થી ૧૦ કિલોમીટરમાં મજા આવી ગઇ. ૧૦-૧૧ કિલોમીટર વચ્ચે માર્કિંગના અને વોલિયન્ટરની સમજના ભયંકર લોચા હતા, અને એનાં કારણે જેટલાં પણ લોકો < ર કલાકમાં દોડ્યા તેમણે ૫૦૦ મીટર જેટલું ઓછું દોડ્યા. ૧૯-૧૮ કિલોમીટરના માર્કિંગ પણ ખોટાં હતાં. ટેરિબલ કહેવાય. છેલ્લાં બે કિલોમીટરમાં મારા પગ થાક્યા પણ એકંદરે મજા આવી ગઇ. અત્યાર સુધીની મારી સૌથી ઝડપી રેસ. હવે? મુંબઇ મેરેથોનમાં પણ આ જ ઝડપ રાખવાની છે!

અપડેટ: ઓફિશીઅલ સમય: ૧.૫૬.૪૯

રેસ પછી ભાસ્કર વગેરેની રાહ જોઇ. અમારા ગ્રુપમાંથી ત્રણ જણાં ઇનામ લઇ ગયા (મુંબઇ વાળાઓ) અને મોટાભાગનાં લોકોએ પોતાનું પર્સનલ બેસ્ટ પરિણામ મેળવ્યું. રેસનાં + અને – નીચે પ્રમાણે રહ્યાં.

+ મસ્ત ઠંડક.
+ લગભગ સીધો-સપાટ ઝડપી રસ્તો.
+ લગભગ આખા રસ્તા પર પાણી અને એનર્જી ડ્રિંક્સની વ્યવસ્થા.
+ પહોળા રસ્તા. અથડાવાનો ડર નહી.
+ મસ્ત ડીજે-મ્યુઝિક.
+ ટ્રાફિક બ્લોકની સરસ વ્યવસ્થા.
+ મોદીજીને દેખવાનો લ્હાવો.

– વોલિયન્ટર કે પછી જેની પણ ભૂલ હોય, ખોટું માર્કિંગ, ખોટું રસ્તાનું માર્ગદર્શન.
– ચીઅર અપ – અમદાવાદીઓ એકદમ ઠંડા!
– રસ્તાની બંધ સ્ટ્રીટલાઈટ (આશ્રમ રોડ!).
– ફિનિશલાઇન પર પાણીની અવ્યવસ્થા.
– ફિનિશ પછી – નો ફૂડ. માત્ર ચા.
– મગજ લોકઅપમાં મૂકીને દોડવા આવેલાં પોલીસ કર્મચારીઓ અને તેમની ફાલતૂ કોમેન્ટ્સ.

નેગેટિવ પોઇન્ટ્સ ઘણાં હોવા છતાં, આવતી સાલ ત્યાં ફરી દોડવામાં આવશે 🙂

અને હા, કોને મળવાનું રહી ગયું? સચીન, અર્નવ, પ્રણવભાઇ, નયનામાસી, દર્શિતભાઇ (બગીચાનો માળી ફેમ), બીજાં બ્લોગર્સ અને સગાં-સંબંધીઓ. ફરી ક્યારેક!

સાબરમતી મેરેથોનનાં ફોટાઓ અહીં છે.

10 thoughts on “અપડેટ્સ: ૧૧૯: મેકરફેસ્ટ અને સાબરમતી હાફ મેરેથોન

  1. – સરસ.. લાગે છે કે તમે થોડા સમયમાં જ મેરેથોનમાં ઇનામોની હારમાળા કરવાના છો.. !!! તમારો શોખ ધીરે-ધીરે તમને ઇનામો અને સાથો-સાથ પ્રસિદ્ધિ પણ અપાવ્યે જશે !!
    – મોદીજીને મળ્યા !! સરસ.. અમને પણ આવો એક મોકો મળેલો પણ અમે થોડા મોડા પડેલા !! ઇવેન્ટ પૂરી થઈ ગઈ પછી અમને બસવાળાએ પહોંચાડ્યા હતા ~!! 😀

    Like

  2. શરૂઆત’માં જ મોટી પોસ્ટ છે , એવો ખુલાસો કર્યો એ સારું થયું . . . સ્નેક્સ સાથે પોસ્ટ વાંચવા મળી 🙂

    જોડણી Alert : સ્ટ્રીલાઈટ >> સ્ટ્રીટલાઈટ . . . જોયું હું કેવું ધ્યાનથી વાંચું છું ! . . વાંચે ગુજરાત 😉

    Like

  3. પહેલેથી નક્કી કર્યું’તું કે આપણે ભલે ન દોડીયે, પણ દોડનારનો ઉત્સાહ વધારવા ત્યાં જવું જ છે. પણ ધાર્યુ તો ધણીનુંયે ક્યાં થાય છે…. અને અમે ન આવી શક્યા.

    પ્લસ પોઇન્ટ્સ ગમ્યા. માઇનસ પોઇન્ટ્સ અંદાજ કરી શકાય એવા છે. એકંદરે અહેવાલ ઉત્સાહ વર્ધક છે અને ગામમાં આવીને અમને બે-પળ માટે યાદ કર્યા તેનો પણ ઘણો આનંદ થયો.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.