નવું માઉસપેડ

* ઘણાં વખતથી નવું માઉસપેડ લેવાની ઇચ્છા હતી તો ગઇકાલે તે પૂરી થઇ. તંત્રા ટી-શર્ટથી તો મારાથી જાણીતી છે જ, માઉસપેડ મારા માટે નવું છે.

મસ્ત છે ને? 🙂

અપડેટ્સ – ૧૨૭ – શનિ/રવિ

* શનિવાર: વહેલી સવારનું એલાર્મ મિસ થયું. એટલે, મોડો-મોડો દોડવા માટે ગયો. છેક, ૭.૨૦ ની આસપાસ. પરંતુ, વાતાવરણ એકદમ ઠંડક વાળું હતું એટલે ૧૧ કિલોમીટર આરામથી પૂરુ કર્યું. ઘરે આવીને મિક્સ ફ્રુટ (કાળી દ્રાક્ષ, તરબૂચ)નો જ્યુસ પીધો (મોઢામાં પાણી આવ્યું હોય તો, ગુસ્તાખી માફ ;)) અને ત્યાંથી અમારે ડેકાથલોન જવાનું હતું. ડેકાથલોન આવ્યું દૂર. બાંસુરીએ મને રીક્ષામાં લિંક રોડથી પીક-અપ કર્યો અને મોટ્ટી રાઇડ અને મોટ્ટા મિટર બીલ સાથે ત્યાં કલાક પછી પહોંચ્યા. ડેકાથલોનમાં આમ-તેમ ફર્યા. ઢગલાબંધ મોજાંઓ લીધા (જેમાનાં એક મોંઘા ભાવના મોજાની જોડી ખોટી સાઇઝની આવી!!), લંચ ત્યાંજ પતાવ્યું. અમને એમ કે ત્યાંથી થાણે સ્ટેશનથી દાદર થઇને ઘરે આવીશું, પણ સ્ટેશન દૂર નીકળ્યું! તેમ છતાંય બીજો કોઇ રસ્તો નહોતો.  લોકલમાં સેન્ટ્રલ લાઇનની પહેલી મુસાફરી. આભાર. મારે બીજા દિવસનાં રન માટે બીબ નંબર લેવા જવાનું હતું, એટલે દાદરથી બાંદ્રા ગયો. બાંદ્રાનું બીબ કામ-કાજ તરત જ પત્યું.

સાંજે ઘરે આવ્યો ત્યારે સરસ રીતે થાકી ગયો હતો. તેમ છતાંય સાંજે ‘૧૦૦ ડેઝ‘ મુવી જોયું અને નાનપણની યાદો તાજી કરી. વિડિઓ કેસેટ્સ, ગોલ્ડસ્પોટ, માધુરી વગેરે વગેરે.

* રવિવાર: રવિવારે સવારે ૪.૧૫ જેવો ઉઠ્યો. મારા ફ્લોરેસેન્ટ શૂઝ અને ટી-શર્ટના કારણે સવારે કૂતરાંઓ બહુ ભસતા હતા, પણ મારું લક્ષ્ય સ્ટેશન પર પહોંચવાનું હતું. આરામથી BKC પહોંચ્યો ત્યારે બધાં રનર્સ મળ્યા. વાર્મ-અપ કર્યું, ગપ્પાં માર્યા. રેસ ૨૪ મિનિટ મોડી ચાલુ થઇ. તેમ છતાંય, ચાલુ થઇ એટલે દોડવું પડ્યું 😉 બીકેસી ની અંદર જ દોડવાનું હતું એટલે રસ્તાઓ સારા હતાં. રસ્તામાં પાણીની સગવડ સારી હતી એટલે બીજું શું જોઇએ? થોડી મહેનત, થોડા આરામ સાથે ૧૦ કિલોમીટર, ૫૪.૦૭ મિનિટ માં પૂરા કરવામાં આવ્યા. ત્યાર પછી ફોટો સેશન અને પાર્ટીની એક ઝલક પાર્કિંગ લોટમાં. જુઓ, ગુગલ પ્લસ પરનાં ફોટાઓ.

બપોરે સરસ લંચ, સરસ ઉંઘા, સાંજે જુહુ અને રાત્રે રનર્સ પાર્ટી. રાત્રે મોડ્ડા ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે બે દિવસથી બંધ ઇન્ટરનેટ ચાલુ થઇ ગયું છે. નવાં અઠવાડિયાની આનાથી વધુ સારી શરુઆત કઇ હોઇ શકે? 🙂

અપડેટ્સ – ૧૨૬

* રાહ જોવાતો વીક-એન્ડ આવી ગયો છે અને ક્યાં જતો રહેશે તેની કોઇ ખબર નથી. હવે, વીક-એન્ડમાં લોંગ-સ્લો રન, ડેકાથલોનની મુલાકાત, બાંદ્રા વાળી ૧૦ કિલોમીટરની રેસ, એકાદ પાર્ટી અને કદાચ જુહુની મુલાકાત નક્કી છે – એટલે આ પણ ક્યાં જતો રહેશે તેની ખબર નથી. વીક-એન્ડમાં મારે ઘરમાં સૌથી પહેલાં જાગી જવું પડે છે (દોડવા માટે ;)).

* આ નકશો જુઓ. ગણીને ત્રણ દેશો છે જે મેટ્રિક સિસ્ટમ વાપરતા નથી. આમાં એકનો ઉમેરો કરીએ તો એ છે – સફારી મેગેઝિન 😉

* રીલાયન્સનું બ્રોડબેન્ડ હવે રીલાયેબલ લાગતું નથી. આ મહિનામાં ત્રીજી વખત ડાઉન છે.

* વિકિપીડિઆમાં તમારે કંઇક નવું જોવું હોય તો, તમારા Preferences –> Beta માં જઇને પ્રાયોગિક ધોરણે મૂકેલાં નવાં નક્કોર ફીચર્સ ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને ટાયપોગ્રાફી રીફ્રેશ અંગે તમારો પ્રતિભાવ આપવા વિનંતી.

* સાયકલિંગ હજી બંધ જ છે.

અપડેટ્સ – ૧૨૫

* થાણે હાફ મેરેથોન પૂરી કરી અને આરામથી પગને તકલીફ આપ્યા વગર ૨ ક ૧૭ મિ ૧૨ સે (ઓફિસિયલ ટાઇમિંગ) માં દોડવામાં આવ્યું. સવારે અહીંથી થાણે પહોંચ્યા ત્યારે આગલા દિવસના વરસાદને કારણે વાતાવરણ સરસ ઠંડક વાળું હતું. ત્યાં વાર્મ અપ કરીને બધાંને મળ્યાં, ગપ્પાં માર્યા અને થોડીવારમાં દોડ શરુ થઇ. ખબર હતી તેમ થાણેનો રેસ રુટ ઉતાર-ચઢાવ વાળો હતો પણ પહેલાં ૧૦.૫ કિલોમીટર સારા ગયા પણ પછી જ્યાં પણ ચઢાણ આવે ત્યાં ચાલવાનું શરુ કર્યું. અમદાવાદની જેમ અહીં પણ કેટલાંય કિલોમીટરનાં માર્કિંગ ખોટાં હતાં. ખાસ કરીને છેલ્લાં ૫૦૦ મીટરમાં લોકોને બહુ તકલીફ પડી. થાણેની પબ્લિક ઠંડીને કારણે ખાસ બહાર નીકળતી લાગતી નથી એવું લાગ્યું, પણ ઓવરઓલ બધી વ્યવસ્થા મસ્ત હતી. રેસ પત્યાં પછી પણ ઢગલાબંધ વાતો, ફોટા અને ચેમ્બુરનાં શીખ રનર્સ દ્વારા રાખવામાં આવેલ છોલે-કુલ્ચા ખાધાં. પોસ્ટ રેસ બ્રેકફાસ્ટ પણ સારો હતો (હેલો, SCMM અને અમદાવાદ!!). એક મેન્ડેટરી પોસ્ટ-રેસ ફોટો અહીં જોવા મળશે, એટલે વર્ડપ્રેસની જગ્યા બગાડતો નથી.

* પગ ઇઝ નોટ ઓકે, માઇન્ડ ઇઝ. એટલે, ૨૩ તારીખે બીજી એક ૧૦ કિલોમીટરમાં (બાંદ્રા) જવાનું પ્લાનિંગ કરી લીધું છે. ત્યાં સુધી થોડું ઠીક થઇ જશે, પણ એ પહેલાં ડોક્ટરની એકાદ મુલાકાત થઇ જાય એમ લાગે છે.

* અને, રેસ પર અસર પાડતી મોટ્ટી વસ્તુ? શનિવારે પુણે આંટો મારવો પડ્યો. વર્ષો પછી એટલે કે ૨૦૦૭ પછી બીજી વખત ગ્નુનિફાયમાં ગયો. એ જ બિલ્ડિંગ, એ જ સ્ટાન્ડર્ડ પબ્લિક (કોલેજનાં લોકો) અને એ જ સ્ટાન્ડર્ડ સ્પીકર ઇઝ ધ કિંગ . ગ્નુનિફાયની એક સારી વસ્તુ છે કે એ લોકો મહેનતથી દર વર્ષે આ કોન્ફરન્સ જાણે અભ્યાસક્રમનો ભાગ હોય તેમ આયોજન કરે છે, અને આ ખરાબ વસ્તુ પણ છે. જે બેચ કોન્ફરન્સનું આયોજન કરે છે, એમના સિવાય બાકીની બેચને આ વિશે કોઇ રસ જણાતો હોય એમ લાગતું નથી. પણ, મારા માટે આ ટ્રીપ યાદગાર બની કારણ? કિટાણું? ના, પહેલી વખત સવારે ટ્રેન મિસ થઇ ગઇ અને ન છૂટકે બસમાં જવું પડ્યું!

* સોમવારની શરુઆત અને હવે આખું વીક મસ્ત બીઝી. વિકએન્ડની અત્યારથી જ રાહ જોવાય છે 🙂

કેડીઇ કોન્ફરન્સ ૨૦૧૪: તમારે કેમ જવું જોઇએ?

* મારી કેડીઇ કોન્ફરન્સ વિશેની છેલ્લે લખેલ પોસ્ટ નો સંદર્ભ લઇને ફરી એ વિશે લખી રહ્યો છું. કેમ? કારણ કે, ગુજરાતને આંગણે આવી કોન્ફરન્સ થતી હોય અને એનો લાભ કોઇને ન મળે તો મને એમને ગુમાવેલ તકનું વધારે દુ:ખ થશે.

મને યાદ છે કે જ્યારે હું કોલેજમાં (૨૦૦૦-૨૦૦૪) હતો ત્યારે લિનક્સ, ઓપનસોર્સ કે કોઇ કોન્ફરન્સ એટલે શું એનું કંઇ જ્ઞાન ન હતું. જ્યારે મુંબઇ આવ્યો અને ઉત્કર્ષ પ્રોજેક્ટમાં જોડાયો ત્યારે લિનક્સ અને ઓપનસોર્સની એક નવી દુનિયા મારી સામે આવી. ત્યારે થયું કે આ જ્ઞાન મને કોલેજમાં મળ્યું હોત તો કેટલાં વર્ષો પહેલાં મેં ઓપનસોર્સમાં યોગદાન આપવાનું શરુ કરી દીધું હોત? કદાચ મારો પ્રોજેક્ટ જુદો હોત, પણ કંઇ વધુ હું કરી શકત. જો તમે અત્યારે કોલેજમાં હોવ અને આવી તક તમને મળતી હોય તો ચોક્કસ ગુમાવવા જેવી નથી જ. અને, હું તો કહું છું કે જો તમે કોલેજનાં ફેકલ્ટી, પ્રોફેસર હોવ તો – આ કોન્ફરન્સ  કે બીજી કોઇપણ ઓપનસોર્સ કોન્ફરન્સ – તમારા માટે છે. કારણ? અહીં તમને દુનિયાભરમાંથી આવેલા વ્યક્તિઓ મળશે જે ડેવલોપર છે, પણ ઓપનસોર્સમાં તેમનાં યોગદાનમાં જુદા પડી આવે છે.  દા.ત. કેડીઇ કોન્ફરન્સની વાત કરીએ તો, નિખિલ મરાઠે, અત્યારે મોઝિલા સાથે કામ કરે છે, જે ગાંધીનગરની DAIICT કોલેજનો જ છે.

અને – સારા માર્ક લાવી, સારા કેમ્પસમાં જવાનું દરેકનું સપનું હોય છે, પણ કંઇક અલગ કરવું છે? તો આવી કોઇ કોન્ફરન્સ તમને માર્ગ ચીંધશે!

બે નવાં અકસ્માતો

૧. ગઇકાલે સાયકલિંગ કરવાનો ભવ્ય પ્લાન હતો. ૧૦૦ કિલોમીટર. સવારે ૫.૫૯ એ નીકળ્યો. એસ.વી. રોડ થી બાંદ્રા સુધી શાંતિથી પહોંચ્યો અને ત્યાં એક બીજો સાયકલિસ્ટ મળી ગયો અને અમે સાથ-સાથ NCPA જવાનું નક્કી કર્યું. પેડર રોડ પહોંચ્યા ત્યાં સુધી અમે આરામથી ચલાવતા હતા, ત્યાં એક ઊભેલી ટેક્સી વાળાએ અચાનક બારણું ખોલ્યું અને મને અડી ગયું. બેલેન્સ લોસ્ટ અને જમીન દોસ્ત! ડેમેજ? કોણી અને સાયકલની સીટ અને ચેઇન. સીટ-ચેઇન રીપેર કરી. પાણીથી ઘા ધોયા. અને, મિશન ૧૦૦ ફરી શરુ કર્યું. NCPA પહોંચ્યો ત્યારે સાથી સાયકલિસ્ટ ખબર નહી ક્યાં જતો રહ્યો એટલે, પછી મિશન ૧૦૦ પડતું મૂક્યું અને ચા પીધી. થોડા ફોટાઓ લીધા.

કાગડો, સાયકલ અને નરીમાન પોઇન્ટ
કાગડો, મારી સાયકલ અને નરીમાન પોઇન્ટ.
ઘા
નાનકડો ઘા – સાફ કર્યા પછી.

ત્યાર પછી ગેટ વે ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી. કાલા ઘોડાનો પ્લાન પડતો મૂક્યો, કારણ કે પછી બહુ વાર થઇ જાય એમ લાગ્યું. વળતી મુસાફરી કોઇ પણ ઘટના વગર રહી. હા, સી-લિંક આગળ મારી સાયકલને રોકી દેવામાં આવી. કારણ? ત્યાંથી પ્રેસિડેન્ટ પસાર થવાના હતા. લો ત્યારે! બ્લો ટુ મોદી.

કુલ અંતર: ૮૨.૮૧ કિલોમીટર. સમય: ૪.૨૦ (છે ને પરફેક્ટ સમય!)

૨. ગઇકાલની ઘટના તાજી હતી, પણ કોણી સિવાય બીજે ક્યાંય લાગ્યું નહોતું એટલે પગ સાબૂત હતા. એટલે પછી આરે કોલોનીમાં અમારું LSD (લોંગ સ્લો રનિંગ) હતું. સવારે પ.૩૦ જેવો ત્યાં જવા નીકળ્યો ત્યારે સરસ ઠંડક હતી. લગભગ ૬.૩૦ સુધી અંધારું હતું અને ત્યાં પછી ન્યૂઝિલેન્ડ હોસ્ટેલ આગળ વાર્મઅપ કરીને રનિંગ શરુ કર્યું. ગેસ્ટ હાઉસથી નીચે આવતાં મારું મન ભટક્યું કે તન, ખબર નથી પણ જ્યારે મને ખબર પડી ત્યારે હું નીચે પડ્યો હતો. કોઇકે ઊભો કર્યો અને જોયું તો કોણી, ઢીંચણ, હથેળી – લાલ-લાલ! દુર્ભાગ્યે, પહેલી વખત મને ઢીંચણ પર માર પડ્યો. થોડું ચાલ્યો અને પછી લાગ્યું કે દોડાશે એટલે ધીમે-ધીમે દોડ્યો. ૧૭ કિલોમીટરે આવીને કંટાળ્યો અને રનિંગનું સમાપન કર્યું. ત્યાર પછી અમારો સ્ટાન્ડર્ડ બ્રેકફાસ્ટ (ઇડલી-સંભાર) તો ખરો જ.

આરે કોલોની, ગોરેગાંવ, મુંબઇ.
અહીં ક્યાંક હું પડ્યો હતો..

ઢીંચણ ઓકે નથી, અને આવતા અઠવાડિયે હાફ-મેરેથોન છે એટલે ચિંતા થાય છે. હજી કાલ સુધી ઠીક ન થાય તો ડોક્ટરને ત્યાં જવામાં આવશે.

કેડીઇ કોન્ફ ૨૦૧૪

કેડીઇ કોન્ફરન્સ ૨૦૧૪

* તો હાજર છે, ૨૦૧૪ની કેડીઇ કોન્ફરન્સ, અને એ પણ ફરીથી આપણાં ગુજરાતમાં! ગયા વખતની જેમ જ આ કોન્ફરન્સ ગાંધીનગર ખાતે, DAIICT માં યોજાવાની છે. રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. આ વખતની કોન્ફરન્સ એકદમ અલગ છે, કારણ કે આ વખતે કેડીઇના જાણીતાં ડેવલોપર્સ પ્રથમ વખત અહીં આવી રહ્યા છે. દુર્ભાગ્યે, આ કોન્ફરન્સ મારી એક બીજી કોન્ફરન્સ સાથે જ છે, એટલે મારાથી આ વખતે પણ આવી શકાય એવું લાગતું નથી, છતાંય અહીં આંટો મારવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે. કેડીઇની સાથે-સાથ જો તમને C++ પ્રોગ્રામિંગમાં રસ હોય તો પણ અહીં હાજરી આપવા જેવી ખરી. કેડીઇ એ એકદમ મસ્ત અને વધુમાં કહીએ તો ફ્રેન્ડલી પ્રોજેક્ટ છે. એક વખત જો તમને એમાં રસ પડશે તો પેલા માનવભક્ષી (અહીં કોડભક્ષી એમ સમજવું) વાઘની જેમ તમે લોહી (અહીં કોડ એવું સમજવું) ચાખી જશો 🙂

ત્યાં મળીશું?

અપડેટ્સ – ૧૨૪

* ફરી પાછી આ અપડેટ કાળ (વર્ડપ્રેસ) ના કળણમાં જતી રહી અને હું તો ભૂલી જ ગયો કે મારે પણ એક બ્લોગ છે 😉 વેલ, આજે હમણાં યાદ આવ્યું એટલે પોસ્ટ અપડેટ કરીને અપડેટ્સની પોસ્ટ મૂકી રહ્યો છું.

* થોડા દિવસથી બહુ ખરાબ સપનાં આવતા લાગે છે. એક સ્વપ્ન એવું આવ્યું કે હું ૨.૫ કલાકનું ભાષણ (કે સારી ભાષામાં કહીએ તો, વ્યકતવ્ય) આપી રહ્યો છું. એટલે કે, પેલો ધોરણ ૯ નો રેકોર્ડ તોડ્યો! (અહીં લિંક મૂક્યા પછી ખબર પડી કે, આ ઘટનાનું વિસ્તૃત વર્ણન તો કર્યું જ નથી, એટલે આ પછી બીજી પોસ્ટમાં) બીજું એવું આવ્યું કે મારી ગારમિન ઘડિયાળનો બેલ્ટ તૂટી ગયો અને નવો બેલ્ટ આવતાં ૪ થી ૬ મહિના થશે એવું મને કહેવામાં આવ્યું. ઓહ નો!

* આવતાં અઠવાડિયાનો કાર્યક્રમ બનતો લાગે છે, વધુમાં થાને હાફ મેરેથોનની તૈયારી પૂરજોશમાં ચાલે છે. કાલે કદાચ કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલમાં જવાનું છે (મુખ્ય વસ્તુ: સાયકલ લઇને).

* અપડેટ: બિનબેગ આવી ગઇ છે. સોરી ફોર નો ફોટો.

અપડેટ્સ – ૧૨૩

* કવિન બે દિવસથી એના કાકાના ઘરે ગયેલો એટલે ઘર જાણે એકદમ ખાલી-ખાલી લાગતું હતું. સમય પસાર જ ન થાય. વળી પાછું, દોડવાનો કોઇ કાર્યક્રમ હતો નહી અને ક્યાંય બહાર જવાનું હતું નહી એટલે વધારે તકલીફ પડી. સવારે મોડા ઉઠીને મારી તાજેતરમાં ‘રીપેર’ કરવામાં આવેલી સાયકલ પર એકાદ નાનકડી રાઇડ કરીને અમદાવાદ સાયકલોથોન ગુમાવવાનો રંજ દૂર કર્યો. કવિન હવે આવી ગયો છે, એટલે ઘર પાછું ઘર લાગે છે.

* સમય આવી ગયો છે, ફોનને ‘root’ કરવાનો. એકાદ-બે દિવસમાં તેના પર અખતરા કરીને અહીં અપડેટ્સ આપવામાં આવશે. ગુજરાતી ફોન્ટ વગરનો ફોન શું કામનો?

* વોટ્સએપ બાકી હતું તે હવે ટેલિગ્રામ આવ્યું છે! (બ્લોગબાબા જેવાં જૂનાં જમાનાનાં લોકોએ આને પેલું ટેલિગ્રામ સમજવું નહી!) જોકે ટેલિગ્રામનો મુખ્ય ધ્યેય પ્રાયવસી છે, જેથી વોટ્સએપ કરતાં તો સારું જ ગણાય. જોઇએ હવે, લોકો ફ્રીમાં મેસેન્જર તરીકે વાપરે છે કે પછી પ્રાયવસીના પોઇન્ટ તરીકે (અત્યારે તો લાગતું નથી!). અને, આ કોન્ટેસ્ટ મસ્ત છે! અને, તેની કમાન્ડ લાઇન એપ્લિકેશનનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે 🙂

* આજનો બ્લોગ: બ્લોગના ઝરુખેથી દુર્ભાગ્યે, કોમેન્ટની કોઇ સુવિધા નથી 😦

બીનબેગ

* વર્ષો પહેલાં મારી હજારો ઇચ્છાઓની યાદી માં બીનબેગ મોખરાનું સ્થાન ધરાવતી હતી (અને પછી કાળક્રમે એ યાદીમાંથી નીકળી ગઇ). થોડા સમય પહેલાં થયું કે હવે કલાકો સુધી એક જ ખુરસીમાં બેસવાની મજા આવતી નથી અને ઘણી વાર બાલ્કની કે ટીવી જોતાં-જોતાં પણ લેપટોપ પર કામ થઇ શકે એ માટે સોફાસેટ લેવો જોઇએ. ભાવ જોયા પછી, બજેટ માપમાં કરીને બીનબેગ યાદ કરી 😉 અને અમારી બીનબેગ સ્ટોરી શરુ થઇ.

ગયા શનિવારે પહેલાં તો ઇન ઓરબિટ ગયા. ત્યાં હોમ સ્ટોપમાં પૂછ્યું. ન હતી. લાઇફ સ્ટાઇલમાં પૂછ્યું. ન હતી. હાયપરસીટીમાં ગયા, ત્યાં પણ ગણીને માત્ર એક જ મોડેલ પડ્યું હતું. ઓનલાઇન લેવાની ઇચ્છા ન હતી. બીજા દિવસે ગોદરેજનાં શો રુમમાં ગયા ત્યાં ખબર પડી કે ૨૬મી જાન્યુઆરીને કારણે શો રુમ બંધ હતો. છેવટે, આજે સમય કાઢીને ત્યાં જઇને અમારી પ્યારી બીનબેગ લીધી. ના, હજી આવી નથી. હજી પણ ૫-૬ દિવસ લાગશે!

આવશે ત્યારે એક સ્ટાઇલમાં ફોટો અહીં ક્યાંક મૂકવામાં આવશે.