અપડેટ્સ – ૧૩૨

* રવિવારે પેલી આરે કોલોની-NCPA લાંબી રન પછી આ અઠવાડિયું લગભગ આરામમાં જ ગયું છે. એ દિવસે સવારે માંડ-માંડ બચ્યો (એટલે કે એલાર્મ મિસ થયું પણ, સાથે દોડવા આવવા માટે રોશને ફોન કરેલો એટલે પહોંચી ગયો). મારા નવાં ચમકતાં બૂટ હવે ફરીથી ચેક કરવા પડશે કે પછી હવે આવા લાંબા-લાંબા રનિંગની પ્રેક્ટિસ કરવી પડશે (આ વખતે ૨૯ કિલોમીટર જ દોડાયું).

* રાસ્પબેરી માટે નવું કવર આવી ગયું છે. સપ્તરંગી કવર ebay.in પરથી મંગાવેલું છે, જે આપણાં રાજકોટમાંથી આવ્યું છે. ફોટો મૂકવાની આળસ પૂરી થાય ત્યારે પેલાં ઉપકરણો પાનાં પર અપડેટ કરીશ. એજ પાનાં પર અપડેટ કરવા માટે નવું એક્સર્નલ મોનિટર પણ આવી જશે એવું લાગે છે.

* ચૂંટણી વિશેષ. આ વખતે પણ વોટ આપી નહી શકાય. વ્હોટ!

* વીઝા લેવા એ ભારે કામ છે, ખાસ કરીને આપણાં ભારતીય લોકોને. કદાચ આપણે જ બહાર એટલી ખરાબ છાપ છોડેલી છે કે ભારતીયોને ડબલ ચેક કરીને જવા દેવાય છે. આ વિશે વધુ વિગતો આવતા અંક વિસ્તૃત માહિતી સાથે.

* બોરિવલીમાં ક્યાંક પુસ્તક મેળો છે, તો કાલે જવામાં આવશે. પણ જોવું પડશે કે હજી ચાલુ છે કે નહી 😉

* શનિ-રવિ થોડું કામ, થોડું સાયકલિંગ, થોડું રનિંગ. બીજું શું હોય અમને?!!

આઠ વર્ષ

* હેલ્લો વર્લ્ડ!

* બ્લોગ જગતમાં (અ)મારા આઠ વર્ષ પૂરા થયા એ બદલ મને અભિનંદન પાઠવું છું. દિવસે-દિવસે આ બ્લોગની આવૃત્તિ ઘટતી જઇ રહી છે. આ વર્ષમાં તેનું મુખ્ય કારણ કે છે – કિટાણું? ના, કામ-કાજ. આજ-કાલ ફેસબુક પણ બંધ જેવું જ છે, પણ ટ્વિટર હજી અડીખમ છે. તેમ છતાંય, મહિને-દહાડે દસેક પોસ્ટ (સરેરાશ) થઇ જાય છે, જેમાં મુખ્યત્વે અપડેટ્સની પોસ્ટ રહે છે.

* આવતા મહિને થોડો પ્રવાસ છે, એટલે બ્લોગમાં કંઇ નવીનતા આવવાની શક્યતા છે.

બાકી, કવિન પણ હવે મોટો થઇ ગયો છે, અને મને બહુ ભાવ આપતો નથી (સિવાય કે કંઇ રમકડું વગેરે જોઇતું હોય ;)).

વાચન ખાતે, હું પણ આજ-કાલ હવે કિન્ડલમાં વ્યસ્ત રહું છું. હમણાં જ એક યાદી પરથી આ વર્ષમાં વાંચવાનાં પુસ્તકો વિશલિસ્ટમાં ઉમેરીને એક પછી એક વાંચવાના શરુ કર્યા છે. PS: સાયન્સ ફિક્શન પર તમારો કોઇ સુઝાવ હોય તો કહેજો.

લો ત્યારે વધુ એક અપડેટ્સ પોસ્ટ બની જાય એ પહેલાં – સૌ બ્લોગજનોનો આભાર. મળતા રહીશું!

પહેલી..

.. કિસ નહી પણ ટ્વિટ આ હતી,

Compiling Openoffice.org

હેપ્પી બર્થ ડે, ટ્વિટર! 🙂

અપડેટ્સ – ૧૩૧

* વેલ, અપડેટ્સ આર બેક.

* શનિવારે ફરી પાછું બોરીવલી નેશનલ પાર્ક  જવામાં આવ્યું (એન્ટ્રી ફી નાં ૩ રુપિયા વધી ગયા છે!). આ વખતે કાન્હેરીની ગુફાઓને ટારગેટ બનાવવામાં આવી અને મજા આવી ગઇ. કાન્હેરીની ગુફાઓ જોતાં-જોતાં જ થાકી ગયા, એટલિસ્ટ હું થાકી ગયો કારણ કે, મારા સિવાય બાકી બધાં કારમાં હતા જ્યારે હું ત્યાં સાયકલ લઇને ગયો હતો. વચ્ચેનો એકાદ કિલોમીટરનો રસ્તો કામ-ચાલુ-છે સ્થિતિમાં હતો એટલે મારા માટે ટ્રેઇલ સાયકલિંગ બની ગયું. જોકે કાન્હેરી આગળ કાંદા-પૌંઆ એ મને શક્તિ આપી દીધી.

કાન્હેરી ગુફાઓ સરસ છે. એકંદરે જાળવણી સારી છે. હજી કેટલીક ગુફાઓ જોવાની રહી ગઇ. કવિનને પર્વત ઉપર ચડવા-ઉતરવાની મજા આવી અને તેનાં મનમાં ઉદ્ભવતા કેટલાંક પ્રશ્નનોનાં જવાબો પણ આપવાની મજા આવી. દાત. આ ગુફાઓ કોણે બનાવી? આ ભગવાન કોણ છે? આ શું લખ્યું છે? અહીં કોણ રહે છે? વગેરે વગેરે.

શિલાલેખ
શિલાલેખ

ટ્રીપનાં ફોટાઓ અહીં જોવા મળશે. મારી સાયકલિંગ ટ્રીપનો નકશો અહીં જોવા મળશે.

* રવિવારે લોખંડવાલામાં ૬ કિલોમીટરની નાનકડી રેસ હતી. જે સફળતાપૂર્વક ૨૮.૪૮ મિનિટમાં પૂરી કરવામાં આવી. રેસનું અંતર ૬ કિલોમીટરની જગ્યાએ ૫.૬૧ કિલોમીટર હતું. જે હોય તે, અમારી આખી રનિંગ ટીમ ત્યાં હતી એટલે મજા આવી ગઇ. ફોટાઓ? ગુગલ પ્લસ પર.

અત્યાર સુધીની મારી ફાસ્ટેસ્ટ રેસ આ રહી.

* સોમવારે? હોળી ઉર્ફે ધુળેટી. સવારમાં કવિન અને ઘરનાં બધાં જોડે હોળી (અરર, ધુળેટી) રમવામાં આવી. પછી, જલેબી-ફાફડા-લાડવા. ઓહ નો. બાકીનો આખ્ખો દિવસ મિટિંગ્સ અને કામ-કાજમાં ગયો. થોડાંક ફોટાઓ અહીં છે.

પછી? બાકીના દિવસો સંપૂર્ણ રીતે કામ-કાજમાં ગયા છે.

રવિવારે ૩૨ કિલોમીટરનાં લોગ રનનું પ્લાનિંગ છે. શનિવારે એ માટે સંપૂર્ણ આરામ કરીને પેન્ડિંગ પુસ્તકો પૂરા કરવાનો પ્લાન છે. જોકે મારા પ્લાન માત્ર પ્લાન જ રહી જતાં હોય છે એટલે.. 🙂

ફિલમ: ક્વિન

* શુક્રવારે નક્કી કર્યું કે કોઇક મુવી જોવા જઇએ તો પછી ક્વિનનું ટ્રેઇલર વત્તા ગીતો જોઇને નક્કી કરેલું કે કંઇક અલગ વાર્તા છે એટલે પછી ત્યાં જ જવાનું ફાઇનલ થયું. કવિનને જોડે લીધેલો એટલે રિસ્ક હતું અને સવારથી થોડી દોડમદોડી હતી એટલે એવું હતું કે કંટાળાજનક ફિલમ ન હોય તો સારું. સમય કરતાં અડધો કલાક જેટલો મોડો શો શરુ થયો.

સ્ટોરી?

સ્ટોરી પંજાબની છે. ઓહ નો, મને થયું. ભાંગડા? નો. પંજાબ દા પુત્તર? નો. થેન્ક ગોડ (અને રાઇટર). શરુઆતમાં લાગ્યું કે આ સ્ટોરી પાછી યુરોપ-દર્શન હશે (એમ તો આમર્સ્ટરડેમ દર્શન કહી શકાય ;)) પણ, ઇન્ટરવલ (ie મધ્યાંતર) પછી સ્ટોરી ખરેખર સારી જ છે. સાર એટલો કે તમારે જે કરવું હોય કરો, દુનિયા જાય તેલ લેવા. કોઇના કારણે દુ:ખી થવાની જરુર નથી અને જીવનમાં આનંદ કરો. આજે નહી તો કાલે, સારી વ્યક્તિઓને સારું પાત્ર મળે જ છે, અને ન મળે તો ય શું વાંધો છે? મજા કરો.

કવિનને ચાલુ શોમાં ડાયલોગ્સ ફટકાર્યા, જેવા કે – કોઇ ફની સિન કેમ નથી આવતો? હવે એ કયા ફની સિન ની વાત કરતો હતો એ ખબર નથી 😉

રાત્રે ૧૨.૩૦ જેવા ઘરે આવ્યા. વહેલી સવારે મારે ઉઠીને અંધેરી પેલી ૬ કિલોમીટરની ફન રનમાં જવાનું હતું.

ઓવરઓલ – સરસ મુવી. ચોક્કસ જોઇ શકાય.

(ટેક) અપડેટ્સ – ૧૩૦

* મોબાઇલમાં ગુજરાતી (અને બીજા ભારતીય) ભાષાઓમાં લખવું હોય તો સુપર એપ્લિકેશન છે, SMC નું ઇન્ડિક કી-બોર્ડ આ કી-બોર્ડ વિકિપીડિઆનાં કી-બોર્ડ્સ નો આધાર લઇને બનાવવામાં આવ્યા છે. સરસ અને સ્લિક એપ છે.

* વોલપેપરમાં રસ છે, આર્ટિસ્ટિક માણસ છો? તો, મુઝેઇ એપ્લિકેશન (કે પછી જે કંઇ ઉચ્ચાર થતો હોય તે!). આપણે શું? 😉 તમારા માટે છે.

ઉપરોક્ત બન્ને એપ્લિકેશન્સ ઓપનસોર્સ છે.

* વિકિપીડિઆની નવી એપ્લિકેશન થોડા સમયમાં આવી રહી છે, એ પણ સરસ છે. બીટાનો ટેસ્ટ કર્યો તો મીઠી લાગી.

* અને હા, આજની વેબસાઇટ? જુઓ, ટાઇનીહેક.કોમ એમાંથી એકાદ પ્રોજેક્ટનો પ્લાન આ ઉનાળામાં છે. રે અમારું દુર્ભાગ્ય કે અહીં ઉર્ફે ભારતમાં જોઇએ એવાં પાર્ટ્સ મળતાં નથી. મળે તો વચ્ચે ડખા થાય છે. વચ્ચે બીગલબોર્ડનો ઓર્ડર આપ્યો ત્યાં ખબર પડી કે એમાં ગર્વમેન્ટની પરમિશન લેવી પડે (કદાચ હવે એના વગર મળે છે). લો, બોલો!

અપડેટ્સ – ૧૨૯

* અઠવાડિયું હર્યુ-ભર્યું રહ્યું – એટલે કે બહુ વ્યસ્ત રહ્યું. વીક-એન્ડ પર બનાવેલા પ્લાન મુજબ સવારે સાયકલિંગ, બપોરે આરામ અને સાંજે એક લોકલ પ્રદર્શનમાં જવામાં આવ્યું. તેમાંથી મારા માટે એક નાનકડું ફ્લાવર વાઝ લેવામાં આવ્યું, જેમાં જ્યાં સુધી ફુલ મળે ત્યાં સુધી પેન્સિલ્સ ગોઠવવામાં આવી છે. બાકી બીજી બધી ખરીદી ઘર ખાતે (જેમાં સરસ નાસ્તાનો પણ સમાવેશ થાય છે).

* શનિવારે સાંજે નક્કી થયું કે ફરીથી બાંદ્રા-NCPA દોડવું. ત્યાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે સાથે દોડવા વાળાં મારા સાથે મળીને કુલ ત્રણ જણાં જ છે, તો પણ મજા આવી ગઇ. હવે જોકે મુંબઇ ગરમ થતું જાય છે એટલે છેલ્લાં ત્રણ-ચાર કિલોમીટર ભારે પડ્યા. રસ્તામાં ફરી પાછાં અનિલ અંબાણી સાથે મુલાકાત થઇ (વર્લી સી-ફેસ આગળ) પણ મારે દોડવાનું હોવાથી પછી મળીશું એમ કહી હાથ ઉંચો કરી આગળ દોડવાનું ચાલુ રાખ્યું. NCPA પછી સ્ટેટસ રેસ્ટોરાંમાં જવાનો પ્લાન હતો, પણ સ્ટેટસ બંધ હતી એટલે theobroma ની મુલાકાત લેવામાં આવી. મસ્ત જગ્યા (અને મસ્ત ભાવ!). કોફી-બ્રાઉની-કપ કેક્સ અને બીજી ઢગલાબંધ વસ્તુઓ ઝાપટવામાં આવી, એટલે અમારી બાળેલી કેલોરી કરતાં અહીં મેળવેલી કેલોરી વધી ગઇ. ત્યાંથી સીધા ચર્ચગેટ અને પછી ઘરે પહોંચ્યો ત્યારે જોડે લીધેલી કપ કેક્સ પીગળવા આવી હતી એટલે પછી તેનો આનંદ અડધો થઇ ગયો.

અને હા, આવતા રવિવારે ૬ કિમીની નાનકડી રેસ છે 🙂

બપોરે-સાંજે ભરપૂર આરામ. થોડો સમય ગીટહબ અને ગુજરાતી વિકિપીડિઆને ન્યાય આપ્યો.

* ઉપરોક્ત પ્રસંગોનાં ચિત્રો અહીં જોઇ શકાશે.

અપડેટ્સ – ૧૨૮

* અપડેટ્સ ઝાઝાં ને પોસ્ટ નાની.

* છેલ્લાં શનિવારે નક્કી કર્યા મુજબ માઉન્ટ મેરી ચર્ચ અને બેન્ડસ્ટેન્ડની મુલાકાત લેવામાં આવી. મુસાફરી એકંદરે આરામદાયક રહી (સિવાય કે વળતી વખતે હું અને બાકી બધાં જુદી-જુદી ટ્રેનમાં આવ્યા!).

ત્યાં પાડેલા ફોટાઓમાંથી બે વિકિમિડિઆ કોમન્સમાં મૂક્યા છે. પણ, પછી ખબર પડી કે આનાં કરતાં તો ઘણાં સારા ફોટાઓ ત્યાં છે જ.

Mount_Mary_Church,_Top_view

ત્યાંથી બેન્ડસ્ટેન્ડ મજા આવી. ખાસ કરીને કવિનને ફરી વખત દરિયો જોવા મળ્યો એટલે!

* રવિવારે ફરી બાંદ્રાથી NCPA લોંગ સ્લો રન (૨૦ કિમી) અને મજા-મસ્તી. મસ્ત બ્રેકફાસ્ટ અને રીટર્ન ટ્રેન મુસાફરી. માર્ચ મહિનામાં બે નાનકડી રેસ છે, જેમાંથી એકાદમાં ભાગ લઇશ. ૩૦ માર્ચે ઓટિઝમ અંગે જાગૃતિ માટેની ૭ કિલોમીટરનું રનિંગ છે. કવિન જોડે આવશે તો એને પણ ૧ કિલોમીટરમાં દોડાવવામાં આવશે એવો પ્લાન છે. જોકે આ પ્લાન તેની ફાઇનલ પરીક્ષાઓના સમય પર આધારિત છે.

* કિન્ડલ પેપરવ્હાઇટ ૩જી લેવામાં આવ્યું છે. અત્યારે તો મોટાભાગે ટેકનિકલ રિડિંગ ચાલે છે. બે-ત્રણ ગુજરાતી પુસ્તકો ટેસ્ટિંગ માટે મૂક્યા છે, જે સરસ રીતે વાંચી શકાય છે (થોડી રેન્ડરિંગ ક્ષતિઓ સાથે).

* આ વખતે ડેબિયન અને વિકિપીડિઆ – બન્ને પ્રોજેક્ટ્સ માટે ગુગલ સમર ઓફ કોડનો કો-મેન્ટોર બન્યો છું. ખાસ કરીને ડેબિયનનાં પ્રોજેક્ટમાં મજા આવી જશે. વિકિપીડિઆનો પ્રોજેક્ટ પણ સરસ છે.