અપડેટ્સ – ૧૫૦

* લો. આવી ગઇ. ૧૫૦મી અપડેટ્સ. યાદ નહી કોણ હતું જેણે અપડેટ્સને ક્રમ આપવાનું સૂચન કર્યું હતું. જે હોય તે, થેન્ક્સ!

* આજે ૧૦ દિવસ, દરરોજ ૧૦ કિમીનો પડાવ પૂરો થયો. ત્યારે ખ્યાલ આવ્યો કે રાજ વડગામા દરરોજ ૫૦ થી ૮૦ કિમી દોડે છે, તો શું થતું હશે!!

* નવાં શૂઝ આવી ગયા છે. ફરી પાછી, સસ્તાં અને સારા એવાં, સ્કેચર્સ પર પસંદગી ઉતારવામાં આવી છે. આ વખતે અલ્ટ્રા રનિંગના ખાસ શૂઝ લીધા છે. જોઇએ હવે, આપણે કેટલું અલ્ટ્રા રનિંગ કરીએ. આ વર્ષમાં તો કોઇ પ્લાન નથી પણ આવતી સાલ, નિલગીરી અલ્ટ્રા (૧૦૦ કિમી)માં જવાનો પ્લાન છે. પ્લાન જ છે, હજી સુધી 🙂

* સાથે-સાથ કોમ્પ્યુટરમાં ગેમ રમવા માટેનું સસ્તું કંટ્રોલર લેવામાં આવ્યું છે, જે અમારી પેલી PS4ની જરૂરિયાતો પર ટેમ્પરરી પડદો પાડી દેશે.

* સાયકલનું ટ્યુબ પ્રોટેકશન કવર પણ આવી ગયું છે, એટલે સાયકલિંગ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. મેરેથોનની જેમ ક્યાંક સાયકલ લઇને “બહારગામ” જવું હોય તો મોટો પ્રોબ્લેમ છે. કદાચ ગાડી લઇશ તો આ પ્રોબ્લેમ માટે જ લઇશ 😉 (લેવાની નથી, પણ આ તો…)

* અને, આ મહિને છેક ફેબ્રુઆરી પછી બે આંકડામાં પોસ્ટની સંખ્યા થઇ. વિકિપીડિયા, ડેબિયન, કામ-કાજ, પ્રવાસો, દોડવું, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ડેઇલીમાઇલ – માણસ કેટ-કેટલી જગ્યાએ પહોંચી શકે? 🙂

બ્લોગબાબાનો કાલ્પનિક ઇન્ટરવ્યુ

* બ્લોગબાબા કાલ્પનિક ઇન્ટરવ્યુસ લખવામાં એક્સપર્ટ એટલે અમે આ વખતે બ્લોગ બાબાનો જ ઇન્ટરવ્યુ લેવાનું નક્કી કર્યું. પરંતુ, બ્લોગ બાબા બહુ બીઝી, એટલે છેક મંગળયાન પર ઉતરાણના શુભ દિવસે અમારો વારો આવ્યો. જે હોય તે,

હું: કેમ છો?

બાબા: મજામાં નથી, એક બાજુ નમોની લોકપ્રિયતા વધતી જાય છે, અને મારાં લેખોની અસરકારતા ઘટતી જાય છે. કાલ્પનિક ઇન્ટરવ્યુ સિવાય મને કંઇ લખવાનું સૂઝતું નથી. બાકી હજારેક લેખ લખ્યા પછીયે વાચકો દાણા નાખતા નથી.

હું: તો કંઇક બીજું લખો ને?

બાબા: બીજું કંઇ લખાય? બા ખીજાય!

હું: એટલે?

બાબા: સમજો યાર. તંત્રી લેખ હું લખી આપું છું.

હું: તમને બ્લોગ બાબાનું બિરુદ કઇ રીતે મળ્યું?

બાબા: જેમ પેલા પેટીકોટ બાબા હતા, તેમ હું બ્લોગબાબા!

હું: ઓહ, ઓકે! તમારો બ્લોગ ટોપમાં આવે તે માટે તમે શું કરો છો?

બાબા: કાંઇ ખાસ નહી. જે લેખ કાલે છાપવાના હોય તે બ્લોગમાં પેસ્ટ કરી દેવાના!!

હું: એટલે?

બાબા: એ એક ખાનગી વાત છે.

હું: આ મંગળયાન વિશે તમારૂં શું માનવું છે?

બાબા: આ તો બધી ગોઠવણ છે. જુઓ, મોદી અમેરિકા જવાના છે અને અમેરિકાના ક્યુરોસિટી યાને પણ મંગળયાનને હેલો કહ્યું. સમજી જાવ…

હું: બીજું કંઇ અમારા વાચકોને કહેવું છે?

બાબા: મુદ્દો ન હોય તો ઉભા કરવાનું મારી પાસેથી શીખો. કંઇ સારું થતું હોય તો ટીકા કરો, ખરાબ થતું હોય અને આપણાં ફાયદામાં હોય તો ચૂપ રહો. મોદીની ટીકા કરવામાં સોશિયલ મિડિયામાં આપણો જલસો પડી જાય છે 🙂

હું: ઓકે, બાબા. અમારે હવે બીજા ધુરંધર બાબાઓનો ઇન્ટરવ્યુ લેવાના છે. બાય.

બાબા: પણ, મારે હજી કહેવું છે…

હું: તમે એ વિશે તમારા બ્લોગમાં લખજો. બાય!!

પહેલી ગુગલ શોધ

… એટલે કે કવિનની ગુગલ સર્ચ

૧. PS 4.
૨. ગોડ ઓફ વોર.

હવે ખબર નહી કે કોણે તેને ગુગલમાં સર્ચ કરતાં શીખવાડ્યું, પણ હવે મારે ધ્યાન રાખવું પડશે (ખોટું બોલતા પહેલાં) 😉

અપડેટ્સ – ૧૪૯

* ગઇકાલથી ફરી પાછું દોડવાનું શરૂ કર્યું છે. મસ્તી ખાતર દસ દિવસ માટે દરરોજ ૧૦ કિલોમીટર દોડવામાં આવશે. બે દિવસ તો સારા ગયા છે, હવે જોઇએ કે ક્યાં સુધી દોડાય છે. હવે ગરમી પડવાની સરસ શરૂઆત થઇ ગઇ છે (વરસાદ હજી ચાલુ છે તો પણ). સાઇકલ પંકચર વાળી જ એમ જ પડી છે. આવતીકાલે તેનું રીપેરીંગ કામ-કાજ હાથમાં લેવાનો પ્લાન છે. સાઇકલની બેગનું પણ હેકિંગ ચાલુ છે (કારણ કે સેડલ બેગ અને રીઅર લાઇટ્સને મેળ બેસતો નથી!).

* બાય ધ વે, આ MOU ઓ નો ફાયદો શું? હું પણ ૫૦ કરોડનો MOU કરૂં પણ પછી રોકાણ ન કરું તો? જય બાબાજી.

* આ અઠવાડિયે, નવાં પુસ્તકો,
૧. મારો સંઘર્ષ – એડોલ્ફ હિટલર.
૨. બિરબલની વાર્તાઓ (અંગ્રેજી) – અમર ચિત્ર કથા (કવિન માટે).

* અને ઓહ, ફરીથી: ફેસબુકના “પાનાંઓ” લાઇક કરવા માટે મને રીકવેસ્ટ મોકલો તો,
૧. જો મને પાનું ગમતું હશે તો જ લાઇક કરીશ.
૨. નહી ગમે તો તમે ગમે તેટલું મથશો, લાઇક નહી જ કરું. કદાચ આવું કરશો તો નહીં જ કરું 😉

* આવતી અપડેટ્સ પોસ્ટ, ૧૫૦મી હશે. કોઇ પ્રકારની પાર્ટી રાખી નથી.

* માઇનક્રાફ્ટ (મોબાઇલમાં) રમવાની શરૂ કરી છે.

સિસ્ટર શહેરો

* હમણાં જાણવા મળ્યું કે, આપણાં શહેરો હવે ચાઇનાનાં શહેરો જોડે સિસ્ટર શહેરો બનવાના છે. હવે, એક નિર્દોષ પ્રશ્ન થાય કે, આમાં ફાયદો શું? શહેરના નાગરિકોને શું?

જવાબ ૧: કોર્પોરેટર્સને પ્રજાના પૈસે ફરવા મળે (અભ્યાસ કરવા માટે).
જવાબ ૨: વિકિપીડિયામાં લખ્યું છે તેમ…

તેમ છતાંય કોઇને વધુ માહિતી હોય તો જણાવવા વિનંતી.

રેસ રીપોર્ટ: BRM ૩૦૦

છેલ્લે લખ્યું તેમ, ૩૦૦ કિલોમીટરમાં અમે કૂદી પડ્યા હતા અને પછી જે થયું (એટલે કે અમે પડ્યા), એનો નાનકડો રીપોર્ટ હાજર છે:

ગઇકાલે વહેલી સવારે પહેલાં તો ૬ કિમીની વાર્મઅપ રાઇડ ગોરેગાંવ સુધી થઇ. ત્યાંથી બાંસુરીની ગાડીમાં મુલુંડ જવાનું હતું. ગાડીમાં સાયકલ માંડ-માંડ ફીટ થઇ. અમે તો સમયસર પહોંચીને બધી ફોર્માલિટી પૂરી કરી પણ રેસ ૨૦ મિનિટ મોડી શરુ થઇ. આ BRM માં નિયત સમયમાં રાઇડ પૂરી કરવી પડે. દા.ત. ૧૦૦ કિલોમીટર માટે ૧૨.૧૩ અને ૧૫૦ કિલોમીટર માટે ૪.૨૩નો સમય હતો. પહેલાં ૫૭ કિલોમીટર સરસ ગયા. આસનગાંવ ખાતે ઇડલી-સંભારનો બ્રેકફાસ્ટ કરવામાં આવ્યો, ત્યાંથી આગળનું ગામ જેનું નામ મને યાદ નથી આવતું (ખરાડી?) ત્યાં સુધી રસ્તો સરસ હતો. ત્યારબાદ કસારા ઘાટ શરુ થયો. મને સામાન્ય રીતે પર્વતો પર સાયકલ ચલાવવામાં વાંધો નથી આવતો અને અહીં વાંધો આવ્યો! આવો જોરદાર રસ્તો, હવામાન અને રસ્તામાં જોવા મળેલાં અભૂતપૂર્વ એક્સિડેન્ટસ (એક ટ્રક તો પુલ પરથી સીધો રેલ્વે ટ્રેક પર પડેલો!) અને સીધાં ચઢાણ ક્યારે જોયા નહોતાં. તેમ છતાંય, નિયત સમય કરતાં અડધો કલાક વહેલો ઇગતપુરી (૧૦૬ કિમી) પહોંચ્યો. ત્યારબાદ નાસિક સુધીના ૫૦ કિમી સરસ રહ્યા. નાસિક ખાતે એટીએમમાંથી બેલેન્સ ચેક કે પૈસા ઉપાડીને એટીએમ સ્લિપ સાચવી રાખવાની (જે સમય ચકાસવા કામમાં આવે, મસ્ત આઇડ્યા!). નાસિકથી વળતી મુસાફરી કરી ત્યારે ૩.૩૫ થઇ ગયા હતા. લગભગ કલાક પછી જોરદાર વરસાદની શરૂઆત થઇ. ૬ વાગ્યાને મને ખબર પડીકે આગલા ટાયરમાં પંકચર છે એટલે તરત જ તેની ટ્યુબ બદલી (ગલતી નં ૧, એ ટ્યુબનું પંકચર રીપેર કરવાની દરકાર કરી નહી. ગલતી નં ૨, એક જ સ્પેર ટ્યુબ રાખેલી). આગલી મુસાફરી, ઇગતપુરી ક્રોસ કર્યું. ૨૦૬ કિમી. બીજા થોડાક કિલોમીટર ગયો અને કસારા ઘાટ ઉતરવાની શરૂઆત થઇ.

કસારા ઘાટની ચેતવણીઓ અમને મળેલી, છતાંય હું ઉત્સાહમાં હતો અને રસ્તાની બહુ સાઇડમાંથી થોડો વધુ નીચે ઉતરી ગયો અને મસ્ત રીતે પડ્યો. કોણી, કમર અને ડાબો પગ – ઘવાયા. તેમ છતાંયે અમારો નિર્ણય અડગ હતો પણ અમારું ટાયર નહી. પાંચેક કિલોમીટર ગયો હોઇશને પાછલાં ટાયરમાં પંકચર! હવે શું કરવું? અમારા સંચાલકને ફોન કર્યો, તેણે કહ્યું – બે રસ્તા છે, ૧. પંકચર રીપેર કરવું, ૨. નીચે ઉતરવું. અમે રસ્તો ૧ પસંદ કર્યો, પણ પાણીની કમી અને લાઇટની કમી હોવાથી પંકચર મળ્યું નહી. એટલે બીજો રસ્તો, ઘાટ ઉતરવાનો અને બે કિલોમીટર સાયકલ હાથમાં પકડીને નીચે આવ્યો. કાર પંકચરની દુકાનમાં સાયકલ પંકચર કર્યું. બીજી ટ્યુબ પણ સરખી કરી અને ગાડી આગળ ચલાવી.

પણ, કુદરત અમારી જોડે નહોતી 🙂 આમ પણ, ઘણો સમય વ્યય થઇ ગયો હતો અને મારી કોણીએ જવાબ દઇ દીધો. બીજું એક પંકચર (પડઘા ગામ આગળ). તેમ છતાંય આગળ વધ્યો. છ કિલોમીટર બાકી હતાં (૩૦૧.૧ કિમી થયા હતાં) અને મુલુંડમાં જ બીજું પંકચર. મારી પાસે ૨૦ મિનિટ હતી. બે રસ્તાં હતાં. ૧. ચાલીને પૂર્ણ વિરામ પોઇન્ટ પર જવું અને ૨. પડતું મૂકવું અને ટેક્સી કરીને ઘરે જવું.

અમે (એટલે કે હું) રસ્તો ૨ લીધો. કસારા ઘાટ, અમે પણ યાદ રાખીશું – આવતી વખતે.

બોધપાઠ્સ:
૧. ઓછામાં ઓછી, ૫ કે ૬ સ્પેર ટ્યુબ રાખવામાં વાંધો નહી.
૨. સાયકલની ટ્યુબનું પ્રોટેક્શન કવર આવે છે. લઇ લેવામાં આવશે.
૩. એકલા સાયકલ ચલાવવા કરતાં સાથે-સાથે સાયકલ ચલાવવામાં સારું. બિગ બોધપાઠ.
૪. સારી હેડલાઇટ જરૂરી છે.

ફોટાઓ આવશે ત્યારે મૂકવામાં આવશે 🙂

અપડેટ્સ – ૧૪૮

* ગુગર રીડરની કમી હજુ પણ વર્તાય છે…

વણવાંચ્યા લેખો...

* હમણાં ખબર પડી કે, મારી ફેવરિટ સંખ્યા, 0x1f1f એ યુનિકોડ નંબર પણ છે, એટલે કે “἟” છે 🙂

* ૩૦૦ કિમીની તૈયારી રૂપે ગઇકાલે ૮૦ કિમીની નાનકડી સાયકલ સફર કરવામાં આવી. ખરેખર, મુંબઇના રસ્તા હવે સાયકલ માટે તદ્દન નક્કામાં બની ગયા છે. અરે, NCPA આગળ પર ખાડાં? કહેવું પડે, થીગડાં મારતી મુંબઇ મ્યુન્સિટાપલીને (શબ્દ ચોરી, અધિરભાઇ. આભાર સાથે).

* છેલ્લે કદાચ લખ્યું હતું કે ઓક્ટોબર-નવેમ્બરમાં રનિંગમાં આરામ કરવો છે, પણ પેલી વસઇ-વિરાર (હાફ) મેરેથોન માટે નોંધણી કરવામાં આવી છે (૨જી નવેમ્બર). આ મેરેથોન એકદમ અલગ છે. રસ્તાની બંન્ને બાજુએ (વસઇ-વિરાર) મ્યુન્સિપાલિટી શાળાઓના છોકરા-છોકરીઓ લેજીમ, ડ્રમ વગાડતા હોય, વસઇની પબ્લિક સ્ટીલના ગ્લાસમાં પાણી ઓફર કરતી હોય અને કદાચ આખા ભારતમાં થતી રેસમાં ચીઅર-અપ કરવા આવતા લોકો કરતાં પણ વધુ લોકો રસ્તા પર જોવા મળે ત્યારે મન ધન્ય ન થાય? એ માટે જ અહીં દોડવા જેવું ખરું. એકંદરે સસ્તી ફી અને સ્ટાર્ટ પોઇન્ટ નજીક. તેમાં ખાટલે મોટી ખોડ હતી કે શરૂઆત મોડી થતી હતી, પણ સંચાલકોએ આ વાત પર ધ્યાન આપીને અડધો કલાક વહેલી રેસ શરુ કરવાનું વચન આપ્યું છે, એટલે હવે મજા આવશે. (ઓહ, ફરી પાછું તેના પહેલાં કદાચ ટ્રાવેલિંગ છે. જોઇએ, શું થાય છે!!)

નવો ફોન: ઇન્ટેક્સ ક્લાઉડ એફએક્સ

…એટલે કે Intex Cloud FX

ફાયરફોક્સ ફોન!

જ્યારે મોઝિલાએ જાહેરાત કરીકે તેઓ ભારતમાં સસ્તો ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતો ફોન રજૂ કરવાના છે, ત્યારે જ મારો ચમકતો ફોન પડ્યો અને પછી દોડવા માટે એક નવા ફોનની જરૂરિયાત સામે તરત જ આ ફોને મને ખેંચ્યો. સ્નેપડીલ ઉપરથી થોડી મહેનત પછી ફોનનો ઓર્ડર આપ્યો. સ્નેપડીલ ઉપરથી પહેલો ઓર્ડર હોવાથી અમે તેને કેશ-ઓન-ડીલિવરી વિકલ્પમાં રાખ્યો (જેથી પછી કેષ ખેંચવા ન પડે). આજ-કાલ બધાં સ્માર્ટ થઇ ગયા છે. પહેલાં બતાવે કે ઓર્ડર આ તારીખે શિપિંગ કરીશું, પછી તારીખ કરતાં પહેલાં કરે અને પછી કહે અમે કહેલી તારીખ કરતાં પહેલાં ડીલિવરી કરી એટલે અમે સરસ. માય ફૂટ. આ ચેપ આજ-કાલ ફ્લિપકાર્ટને પણ લાગ્યો છે. વેલ, જે હોય તે. ફોન સમયસર મળ્યો.

ગમી જાય તેવી ખાસિયતો?

૧. રૂપિયા ૧૯૯૯/- માં ફોન.
૨. ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ.
૩. વજનમાં હલકો.
૪. ડબલ સીમ.
૫. એફ.એમ. રેડિયો.

ન ગમે તેવી વસ્તુઓ?

૧. રજી જ અને નો ૩જી.
૨. ઓછી રેમ. કદાચ ૨૫૬ એમબી હોત તો ઠીક. પણ ૧૨૮ એમબી?? 🙂

અત્યાર સુધી ખાસ વાપર્યો નથી (સિવાય કે બધી એપ્સ ટ્રાય કરવામાં અને ટેસ્ટ કોલ્સ કરવામાં), પણ આ ફોન લઇને દોડવામાં કે સાયકલ ચલાવવામાં રિસ્ક નથી. રજી ઇન્ટરનેટ હજી ટ્રાય કર્યું નથી, થોડા દિવસ પછી એની ચકાસણી કરવામાં આવશે. ખાલી વોટ્સ એપ અને મેપ્સ ચાલે એટલે બહુ થઇ ગયું. હા, આમાં GPS પણ નથી, એટલે ક્યાંય ખોવાઇ જાવ તો ન ચાલે (કે દોડે!).

સેકન્ડરી ફોન તરીકે આ ફોન સરસ છે. Spice એ પણ તેમનો ફાયરફોક્સ ફોન રજૂ કર્યો છે (જોકે ક્યાંય દેખાયો નહી!) જે આનાં કરતાં ૩૦૦ રૂપિયા મોંઘો પણ થોડા સારા ફિચર્સ ધરાવતો ફોન છે. જો લેવો હોય તો એ આના કરતાં વધુ સારો ઉમેદવાર છે!

અપડેટ્સ – ૧૪૭

* અપડેટ્સ ટાઇમ!

૧. જે થાય તે, અમે નક્કી કર્યું કે ક્રેક હોય તો શું? આપણે દોડીશું, એટલે કે સાયકલ ચલાવીશું (એટલે કે, ત્રણ સોને એક કિમી પૂરા). જો ડર ગયા, એ ડાઇડ.

૨. હવે, આ અઠવાડિયામાં બીજું તો કંઇ ખાસ બન્યું નથી. પણ, કવિને બે સંવાદો જોરદાર કહ્યા:

“આ મોદી જાપાન ગયો છે. તમને ખબર છે?”
“મારે હેકર બનવું છે!”

૩. પેલી બુક બકેટ ચેલેન્જની તૈયારી ચાલુ છે. હવે ટોપ ૧૦ લિસ્ટ બનાવવામાં અઠવાડિયું નીકળશે. તેમ છતાંય, આડા-અવળાં ક્રમમાં,

# બક્ષીનામા
# પેરેલિસિસ (અને બક્ષી બાબુની અલમોસ્ટ બધી નોવેલ્સ)
# હેરી પોટર – (માત્ર ડેથલી હેલોસ)
# પેડલ પર પૃથ્વી પરકમ્મા
# ફાંસલો (ભાગ ૧)
# વોટ આઇ ટોક અબાઉટ વ્હેન આઇ ટોક અબાઉટ રનિંગ – મુરાકામી
# શ્લીલ-અશ્લિલ – વિનોદ ભટ્ટ (અપ્રાપ્ત)
# ધ આર્ટ ઓફ પ્રોગ્રામિંગ
# ધ લોર્ડ ઓફ ધ રિંગસ્
# સત્યજીત રાયની ફેલુદા સીરીઝ

૪. દોડવાનું ઠીક-ઠીક ચાલે છે. શનિ-રવિ તેના પર ધ્યાન આપવામાં આવશે. હવે એકાદ શનિ-રવિ મારે કંઇ પણ ન કરવાનો પણ કાર્યક્રમ રાખવો પડશે 🙂

ફિલમ: બે યાર

* હવે અગાઉ નક્કી કર્યા મુજબ અમે બે યારની બે ટિકિટ્સ લીધી હતી (કારણ કે કવિનને દાદાને ત્યાં જવાનો કાર્યક્રમ હતો), પણ રાત્રે અચાનક ગણપતિ વિસર્જનની ડીજે પાર્ટીનો અવાજ જોઇને તેનો કાર્યક્રમ બદલાયો અને અમને ટેન્શન થઇ ગયું કે જોડે ટિકિટ મળશે? છેવટે, કોર્નરની ટિકિટ લીધી હોવા છતાં યોગ્ય રીતે ટિકિટ મળી ગઇ. તો, એક નાનકડો રીવ્યુ.

કેવી રીતે જઇશ જોયા પછી મને હતું કે અભિષેક જૈન સો ટકા આવી જ બીજી ચકાચક ફિલમ બનાવશે જ અને જ્યારે બે યારનું ટ્રેલર જોયું ત્યારે થઇ ગયું કે હવે આને તો થિએટરમાં જ જોવાય. ફિલમની વાર્તા તો મોટાભાગે તમને ખબર જ હશે તેમ છતાંય,

૧. અમદાવાદની પોળનું બેક ગ્રાઉન્ડ.

૨. ચાની દુકાન.

૩. (થોડા રખેડેલ પણ) ઊંચી મહત્વકાંક્ષા ધરાવતા મધ્યવર્ગનાં યુવાન મિત્રો.

૪. ધુતારા ઢોંગી બાબા.

૫. લોભી પૈસાદાર આર્ટ ડિલર.

૬. મિત્રો માટે મરી મીટવા તૈયાર મિત્રો.

આ બધાંને ભેગા કરીને યોગ્ય રીતે ગોઠવો એટલે બે યાર તૈયાર? ના, એમાં અભિનય નાખવો પડેને ગુજરાતી ફિલમોનું સ્ટાન્ડર્ડ બીબું હટાવવું પડે. એમાં રીસ્ક, ગુજરાતી લોકોનું માનસ અને એકપણ તાળી ન સાંભળવાની તૈયારી રાખવી પડે. બે યાર બધાંને ગમી એનું કારણ છે કે એમાં આ બધું સચવાયું છે. રોજ-બરોજની અમદાવાદી ભાષા (અને ગાળો પણ) છે – એ અભિષેક જૈનનાં દિર્ગદર્શનનો પ્લસ પોઇન્ટ છે જ.

હેટ્સ ઓફ – બે યારનાં બધાં કલાકારો અને પડદા પાછળની વ્યક્તિઓને.

PS: બે યાર વખતે લીધેલો અમારો બે ડિગ્રી ટિલ્ટ કરેલો સેલ્ફી 🙂