અમેરિકન ડાયરી – ૧

* વેલ વેલ વેલ. અમે પાછાં સહી સલામત આવી ગયા છીએ એટલે તમને અમારી આ નાનકડી ડાયરીની નોંધો વાંચવા મળી રહી છે. અમેરિકામાં અઠવાડિયું – એવું કંઇક શીર્ષક રાખીએ?

* ગયા મંગળવારે અહીંથી ન્યૂયોર્કની ફ્લાઇટ હતી. જેનો ડર લગાડવામાં આવતો હતો તે ઇમિગ્રેશનમાં જરાય લાઇન નહોતી (કદાચ વહેલી સવારની અસર?) અને આરામથી ત્યાંથી સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયો. ત્યાં જઇને પછી બાર્ટ ટ્રેન અને ત્યાંથી પેલી લોકપ્રિય મ્યુનિ ટ્રામ પકડવાની હતી. અમને નહોતી ખબર કે અમેરિકામાં પણ છુટ્ટા પૈસા (અહીં પૈસા એટલે ડોલર એમ વાંચવું)ની મુશ્કેલી છે. લો. બસ ડ્રાઇવરે કહ્યું ૨.૨૫ ડોલર છુટ્ટા લાવો તો જ બેસવા મળશે. છેવટે, એક ચાની લારી પરથી (હા. ચા કાર્ટ કે એવું કંઇ મોર્ડન નામ હતું) છુટ્ટા ડોલર્સ મળ્યા અને હું મારી હોસ્ટેલ પહોંચ્યો. પ્રિમાના સુચન મુજબ આ વખતે ૪ બેડ વાળો રૂમ પસંદ કર્યો હતો. હોસ્ટેલની જગ્યા અફલાતુન હતી. ગોલ્ડન ગેટ જવાના રસ્તા પર જ આવેલી આ જગ્યા એકદમ હરિયાળી. ત્યાં પહોંચી તૈયાર થઇને વિકિમીડિઆની ઓફિસની ઉડતી મુલાકાત લેવાની હતી. અને અમે પાછું ચાલતા જવાનું પસંદ કર્યું. ૫ કિલોમીટર. સરસ. સાન ફ્રાન્સિસ્કોના રસ્તાઓ પાછાં ઊંચા-નીચા એટલે ધાર્યા કરતાં વધુ વાર લાગી પણ ત્યાં પહોંચીને બધાંને મળીને થાક નીકળી ગયો 🙂 વળતી મુસાફરી પીત્ઝાના ભારે ડોઝને કારણે મુશ્કેલ બની 😀

* બીજો અડધો દિવસ પણ લોકોને મળવામાં ગયો (ખોટી ટ્રામમાં બેઠો, પણ તેથી સાન ફ્રાન્સિસ્કો દર્શનનો લાભ મળ્યો!) પણ, એ પહેલાં સાન ફ્રાન્સિસ્કોમાં દોડવાનું કેમ ભૂલાય? હોસ્ટેલથી ગોલ્ડન ગેટ અને પાછાં. ૧૦ કિલોમીટરના રસ્તામાં ઢાળ, સીધો રસ્તો અને ટ્રેઇલ – ત્રણેનો સમન્વય. અને દરિયાકિનારો પણ ખરો.

ત્યાંથી સાન હોસે જવાનું હતું અને એ અને પછીની વાતો કાલે અથવા મોડી રાતની પોસ્ટમાં.

હેલ્લો અમેરિકા!

* એમ તો આ પોસ્ટ અમે અમેરિકા આવ્યા ત્યારે લખવી જોઇતી હતી, પણ એક દિવસનાં જેટલેગ પછી મારા પગની સાથે હાથ (અને મગજ) પણ જેટલેગ થઇ ગયું હતું.

* પહેલો દિવસ સારો રહ્યો. સાન ફ્રાન્સિસ્કોમાં રખડવાની મજા આવી પણ છુટ્ટા પૈસાની રામાયણ (એની સ્ટોરી પછી ક્યારેક).

* ઓફિસમાં જઇને બધાંને હાય અને બાય કહેવામાં આવ્યું અને આમ પણ અહીં આવવાનો મુખ્ય હેતુ સાન હોસે (જોશે, પણ હોસે) માં ગુગલ સમર ઓફ કોડની મેન્ટોર સુમિટમાં જવાનો હતો. ત્યાં ઓવરઓલ મજા આવી રહી છે. ગઇકાલે લિનસ ટોરવાલ્ડ્સ, પીટર નોરવિગ અને બીજાં મોટ્ટાં માથાઓની મળવાની મજા આવી. આજે પણ ડેબિયન અને અન્ય પ્રોજેક્ટસનાં વિવિધ ઓપનસોર્સ લોકોને મળ્યો.

* અહીં આવીને દોડવાનું બાજુ પર મુકાઇ ગયું છે. (સાન ફ્રાન્સિસ્કોમાં ૧૦ કિમી સિવાય) છતાંય, આજે સાંજે સાયકલિંગ અને કાલે રનિંગનો કાર્યક્રમ છે. કાલનો દિવસ એકદમ ભરચક. એટલે વધુ મજા આવશે.

* ફોટાઓ? ઇન્સટાગ્રામ અને ફેસબુક પર સમય મળ્યે મુકવામાં આવશે.

* અને હા, ન્યૂ યોર્કમાં એક દિવસ ખરેખર મજાનો જવાનો છે. કેમ? સામાન સાથે કેમ રખડાય એનો તમને ખ્યાલ આવી જશે 😉

અપડેટ્સ – ૧૫૩

* ફરી પાછી ચૂંટણીઓ આવી અને ગઇ. એટલિસ્ટ, કોંગ્રેસ આવી એટલે શાંતિ છે.

* * વેકેશન પડી ગયું છે પણ મારે વધુ કામકાજ ચાલુ જ છે. આ અઠવાડિયું આખું દોડાદોડમાં રહ્યું. પેલું દોડવા વાળું દોડવાનું નહી પણ, ભાગંભાગ. પુને જવાનું નક્કી થયું અને એમાં ફેરફાર કરવો પડ્યો એટલે કોઇને મળવાનો કે ત્યાં દોડવાનો સમય ન મળ્યો. બીજા દિવસે ગુગલ વેબ ફોન્ટ અંગેની એક વર્કશોપ રચના સાંસદ કોલેજ, દાદર ખાતે હતી. વર્કશોપમાં જવામાં વાંધો નહી પણ “દાદર ઇઝ સ્પાર્ટા”. જતાં જવાય પણ વળતાં તો જેને મદદે ખુદા હોય એજ આવી શકે. અમે આવ્યા, એટલે ખુદા-ભગવાન અમારી જોડે છે એમ કહી શકાય. વર્કશોપ સરસ રહી. મારા ફોન્ટ અંગેના જ્ઞાનમાં વધારો વત્તા નવાં ફોન્ટ બનાવવાના વિશલિસ્ટને અગ્રતા આપવાની જરૂર છે એમ લાગ્યું. ડેવ અને પાથુમને મળવાની અને વાતો કરવાની મજા આવી.

* આજે સવારે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અજય, જે રનર છે અને અકસ્માતમાં હાથ ગુમાવેલો છે, તેની મદદ (પ્રોસ્થેટિક હાથ માટે) માટેની એક ૧૫ કિ.મી.ની નાનકડી દોડમાં ભાગ લીધો. હા, સવારે ચશ્માં પહેરવાનું ભૂલી ગયો અને દરવાજો બંધ કર્યો (લેચ), અને ઘરની ચાવી તો હું જોડે લેતો નથી એટલે ચશ્માં વગર પહેલી દોડ એ પણ મારી રનિંગ કારકિર્દીમાં એક માર્ક (“તેજા મે હું”) ગણી શકાય 😉

* અને હા, ફટાકડાં લઇ લેવામાં આવ્યા છે, લાગે છે કે એ બે દિવસમાં પૂરા થઇ જશે…

છેલ્લી પરીક્ષા

* મારી આદત-ટેવ કવિનને વારસાગત મળી હોય એમ લાગે છે. અમને બન્નેને છેલ્લી પરીક્ષા બાકી હોય ત્યારે રમવાનુ, રખડવાનું અને ન વાંચવાની અદમ્ય ઇચ્છા થાય છે. મને તો છેક કોલેજ સુધી આવી લાગણીઓ થતી હતી અને સરવાળે તેનું ફળ આપણા રીઝલ્ટમાં દેખાતું હતું. વેલ, હવે કવિનની પરીક્ષાઓ પતી ગઇ છે અને વેકેશન ચાલુ થઇ ગયું છે…

બીજાં કોઇને આવી ટેવ-સુટેવ હોય તો વિગતે લખવા વિનંતી. હાલમાં, હું કવિનની પાર્ટીમાં બીઝી છું 😉

વ…

… વિઝાનો વ.

સામાન્ય રીતે વિઝા અંગેનો મારો અનુભવ દુખ:દાયક રહ્યો છે, પણ આ વખતે સુખદાયક રહ્યો.

વિઝાના વ વિશે વધુ વિગતો, આવતા અંકે!

અપડેટ્સ – ૧૫૨

(આ પોસ્ટ, રહસ્યમય રીતે ડ્રાફ્ટમાં જતી રહી હતી એટલે ગઇકાલની જગ્યાએ આજે પ્રકાશિત કરાઇ છે)

* આનંદો. ગુગલ ક્રોમ વત્તા કેડીઇ વત્તા ગુજરાતી ઇનપુટ મેથડ (સિસ્ટમ ડિફોલ્ટ) ફરીથી કામ કરતાં થઇ ગયા છે. એટલે, કોમ્પ્યુટર હવે ફરી પાછું એક જ બ્રાઉઝર પર ચાલશે.

* વર્ડપ્રેસની નવી પોસ્ટ સિસ્ટમ બેકાર છે.

* કવિનની પરીક્ષાઓ ચાલુ છે, પણ તેને માઇનક્રાફ્ટમાં વધુ રસ છે. માઇનક્રાફ્ટ ખરેખર મસ્ત ગેમ છે.

* ના. ફ્લિપકાર્ટના એ ફ્લોપ દિવસે કોઇ પણ શોપિંગ કરવામાં નહોતી આવી. જોકે મારી લાગણી ફ્લિપકાર્ટના ટેકનિકલ વિભાગ સાથે છે તો મારો ગુસ્સો તેમનાં માર્કેટિંગ વિભાગ સામે છે.

* નવાં પુસ્તકો:
૧. ફેન્ટમ કોમિક્સ (ડાયમંડ ડાયજેસ્ટ) ૧, ૨ અને ૩.
૨. શિવ મહાપુરાણ (સંક્ષિપ્ત)

* સાયકલ હજી ખોડંગાતી જ પડી છે. લોંગ ડ્રાઇવનો કાર્યક્રમ બને તેમ લાગતું નથી!!

* વસઇ-વિરાર મેરેથોન ચૂંટણીને કારણે હવે ૨૧મી ડિસેમ્બરે ખસેડાઇ છે. સરસ. મને ઠંડીમાં દોડવાની આમેય મજા આવે છે વત્તા જૂની તારીખે એક સામાજીક પ્રસંગે જવાનું ગોઠવાયેલું એટલે હવે શાંતિથી દોડાશે 😉

અપડેટ્સ – ૧૫૧: પાલનપુર મુલાકાત

* ગુરુવારે રાત્રે અમે ગયા પાલનપુર. હું કદાચ લાંબા સમય પછી પાલનપુર ગયો અને આ વખતે બધી પબ્લિક ભેગી થઇ એટલે મજા આવી ગઇ. શુક્રવાર અમારા માટે બહુ બીઝી દિવસ (અને રાત પણ) હતો. પુરાણા રિવાજો મુજબ કવિનનો ગરબો હતો. એઝ યુઝઅલ, મને ગરબા ગાતા આવડતું નહોતું 😉

* બીજી હાઇલાઇટ્સમાં, કોઇજ મિત્રો (સિવાય કે સુધીર-વિરેન, દિલ્હી ગેટ પર અને હિરેન જે અચાનક મળ્યો) મળ્યા નહી.

* શુક્રવારે શહેરની મુલાકાત ચાલતાં-ચાલતાં લીધી. પરિણામ? વિકિમિડીઆ કોમન્સ માટે પાલનપુર વર્ગ અને પાંચ-છ જેટલાં ખૂટતાં ચિત્રો. તમે પણ તમારા શહેર-ગામ-મહાશહેર માટે આમ કરી શકો છો. એક કાંકરે બે પથ્થર.

* શનિ-રવિ આરામ વત્તા ફરવાનો કાર્યક્રમ. શશિવન અને બાલારામ. રવિવારે સવારે શશિવનમાં દોડવાનો કાર્યક્રમ રાખ્યો હતો. ૪૪૦ મીટરનો સરસ ટ્રેક છે. દુર્ભાગ્યની વાત છે કે, દોડવા-ચાલવા વાળા ગણીને ૧૦ માણસો પણ નહી હોય. આ દરમિયાન અમારી શાળાનાં શિક્ષક રમેશભાઇ સોની મળી ગયા, થોડી વાતો કરી અને ફરી પાછાં ધોરણ ૮ થી ૧૦નાં દિવસો યાદ આવ્યા. રવિવારે સવારે જ બાલારામની ટૂંકી મુલાકાત લેવામાં આવી. ફરી પાછાં આખી નદીમાં અમે ત્રણ જણાં 😉 કવિનને માટી-પાણીમાં થોડીવાર રમવાની મજા આવી, પણ સમય ઓછો પડ્યો. શશિવનની વિસ્તૃત મુલાકાત કવિન માટે ફરી લેવામાં આવી અને ત્યાંના કેરટેકર-ચોકીદાર મને ઓળખી ગયા કે આ એ જ એકમાત્ર વ્યક્તિ છે જેણે બગીચાની બે દિવસમાં ત્રણ મુલાકાત લીધી છે.

* ખાસ નોંધ: સેકન્ડ સ્લિપર હોય કે થર્ડ એસી. સ્વચ્છતા અભિયાનની શરૂઆત અહીંથી કરવાની જરૂર છે!!

કેટલાક નિરિક્ષણો

૧. રસ્તો ભલે એજ હોય પણ, એ રસ્તા પર તમે ચાલતાં જાવ, દોડતાં જાવ, રીક્ષામાં જાવ, ટેક્સીમાં જાવ, રાત્રે જાવ અને દિવસે જાવ. દેખાવ અલગ-અલગ મળે. દા.ત. અમુક મકાનો, દુકાનો મને એક રસ્તા પર સાયકલ લઇને જાઉં ત્યારે જ દેખાય. એમ, લોકોની ટ્રાફિક સેન્સ વિવિધ વાહનોમાં વિવિધ રીતે દેખાય. જેવી તમારી દ્રષ્ટિ 🙂

૨. જન્મદિવસ ફેસબુક પર દેખાડેલો ન હોય તો ભારે શાંતિ રહે છે. એવી જ રીતે વોટ્સએપના સ્ટેટસનું છે.

૩. પ્રવાસ-મુસાફરી દરમિયાન લેપટોપ-કેમેરા લેવાના ન હોય તો અડધી બેગ ખાલી રહે છે!

૪. રજાના દિવસે લોકો વધુ દોડતા દેખાય છે.

અને છેલ્લે,

૫. ચૂંટણી આવતા જ પત્રકારો-કોલમિસ્ટો જાણે રેડબુલ પીધું હોય એમ જોશમાં આવી જાય છે (અને પરિણામ પછી એવી જ રીતે ભોયમાં જતા રહે છે, એ વાત કહેવી ન પડે).