* ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને કદાચ ફેસબુક વડે મોટાભાગનાં લોકોને ખબર જ હશે કે હું ક્યાં ગાયબ થઇ ગયો હતો. વેલ, હું હતો ફોસએશિયા ૨૦૧૫ એટલે કે સિંગાપોર (સિંગાપુર?)માં.
મહિનાની શરૂઆતમાં ટિકિટ અને વીઝા ફિક્સ થયા હતા અને નક્કી થયું હતું નેહલભાઇના ઘરે રહેવાનું. સિંગાપુર બૌ મોંઘું, ભાઇ. છેલ્લી વખતે ગયેલો ત્યારે સારો એવો અનુભવ થયેલો. આ વખતે ઘણાં સમય કોન્ફરન્સમાં મારી ટોક હતી એટલે થોડુંક ટેન્શન હતું, પણ સ્લાઇડ્સ વગેરે બનાવવામાં આપણે માનતા નથી (કે પછી આગલા દિવસે જ બનાવવી એવી પરંપરા છે).
૧૨ તારીખે સવારે ચાંગી એરપોર્ટ પર ઉતર્યો. આરામથી નેહલભાઇને ત્યાં ગયો અને ત્યાંથી રેડ હેટની ઓફિસમાં પ્રિ-કોન્ફરન્સ મિટિંગ હતી. થોડો સમય ટાઇમ-પાસ કર્યા પછી મેટ્રો સ્ટેશન પર નેહલભાઇ મળ્યા. રાત્રે મારે ઓફિસનું કામ હતું અને મહત્વનું હતું એટલે ટાઇમઝોનનાં તફાવતના કન્ફ્યુઝન સાથે એ પતાવવામાં આવ્યું. વચ્ચે થોડો સમય કાઢીને સ્વિટ બીયરનો ટેસ્ટ પણ કર્યો ખરો.
બીજા દિવસે કોન્ફરન્સ હતી તે સ્થળ વિચિત્ર હતું પણ મળી ગયું. મોટાભાગનો દિવસ લોકોને મળવામાં, વાતો કરવામાં અને વચ્ચે-વચ્ચે ટોક એટેન્ડ કરવામાં ગયો. ખાસ મુલાકાત – કુશાલ, જેસ, જેસની નાનકડી દીકરી – અમલ, મોઝ્ઝિલાના ગેન કનાઇ, અમદાવાદની ઇશી સિસ્ટમનાં નિકુંજ ઠક્કર અને બીજા અન્ય લોકો. બપોરનું જમવાનું બેકાર હતું (એટલે કે મને ન ભાવ્યું) પણ નેહલભાઇ-પાયલબેને ભરપુર નાસ્તો કરીને મને જવા દીધેલો એટલે વાંધો ન આવ્યો. સાંજે લીટલ ઇન્ડિયામાં ડિનર લઇને ઘરે આવ્યો ત્યારે મોડું થઇ ગયું હતું અને અત્યંત થાકી ગયો હતો.
ત્રીજો દિવસ અને કોઇ બીજી જ જગ્યા. વધુમાં કોન્ફરન્સનું ટાઇમ ટેબલ વારંવાર બદલાતું હતું. મારી ટોક એકાદ કલાક વહેલી થઇ અને એકંદરે સારી અને જામ પેક્ડ રહી. લોકોના પ્રતિભાવો પણ સારા મળ્યા. સરસ, બહુ જ સરસ 😉
સાંજે નેહલભાઇ જોડે ક્લાર્કી, ઓર્ચાડ ટાવર વગેરે જગ્યાએ રખડવામાં આવ્યું. આ વખતે કૃનાલભાઇ યાદ આવ્યા! રાત્રે મોડા થાકીને આવ્યા. સિંગાપોર આ બાબતમાં સરસ, સુરક્ષિત છે.
ત્રીજો દિવસ બીજા પ્રોજેક્ટ્સની માહિતી લેવામાં, લોકો જોડે વાતો કરવામાં અને ટાઇમ પાસમાં ગયો. બીજા દિવસે સવારે વહેલાં નીકળવાનું હતું એટલે જલ્દી પાછો આવી ગયો અને હા, સિંગાપોરમાં દોડવાનું બાકી હતું એટલે ૧૦ કિલોમીટર દોડ્યો પણ ખરો. આજ-કાલ દોડવામાં હું ઢ થઇ ગયો છું.
રીટર્ન મુસાફરી મસ્ત રહી. સૌ પહેલાં તો ત્રીજી ટ્રેની દિશા ખોટી પકડી. સારું થયું કે એક જ સ્ટેશન પછી મને ખબર પડી અને કંઇ વાંધો ન આવ્યો. ડ્યુટી ફ્રી શોપ્સમાં ફાંફા મારતો હતો ત્યારે બોર્ડિંગ પાસ ક્યાંય પડી ગયો અને ગભરાઇ ગયો. એકાદ શોપમાં પૂછ્યું તો કહ્યું, ઇન્ફો ડેસ્ક પર પૂછો. ત્યાં ગયો તો તેઓ મારા મળેલાં પાસની જાહેરાત કરવાના જ હતા. જીવ ઇન જીવ – એટલે કે જીવમાં જીવ આવ્યો. ત્યાર પછી કોઇ ઘટના ન બની અને અમે ઘરે પાછાં આવ્યા.
અથ શ્રીફોસએશિયા કથા.
Like this:
Like Loading...