* ૧લી મે ના રોજ અમારે રજા હતી અને ૨ અને ૩ શનિ-રવિનો કોમ્બો. એટલે નક્કી કર્યું કે હરિશ્ચંદ્રગઢ ટ્રેકિંગ કરીએ. છેલ્લું ટ્રેકિંગ જુલાઈમાં વન ટ્રી હીલ ખાતે કરેલું અને એ વખતે મજા આવેલી એટલે થયું કે આ ઓવરનાઈટ ટ્રેકિંગમાં પણ મજા આવશે.
સવારે ત્રણ વાગ્યા જેવો ઉઠ્યો. જયદિપ કાંદિવલીમાં મળ્યો અને ત્યાંથી કિરણને પીક-અપ કરીને ઘાટકોપર ગયાં. ત્યાંથી લોકલમાં કલ્યાણ (કલ્યાણની પહેલી મુલાકાત). ત્યાંથી મહારાષ્ટ્ર એસ.ટી.માં (પહેલો અનુભવ) માલ્સેજ ઘાટ પછી ખૂબી ફાટા આગળ ઉતર્યા. પાંચેક કિમી દૂર દેખાતાં પહાડો અમારા સ્વાગત માટે તૈયાર હતા.

ત્યાંથી પાંચેક કિમી સીધો જ ધૂળિયો રસ્તો (પથ્થરો વાળો). હોટલ ઐશ્ચર્યા ખાતે નાસ્તો કર્યો (નામ પર ન જતાં, તે એક ઘર જ હતું જ્યાં પાણી અને કાંદા-પોહા સિવાય કંઇ મળતું નહોતું, પણ આ મળતું હતું એ મહત્વનું હતું) અને ત્યાંથી જંગલમાં થઇને ઉપર ચઢવાની શરૂઆત કરી. બે પર્વતોની વચ્ચેથી પસાર થઇને જવાનું હતું. દેખવામાં સિમ્પલ લાગતું હતું. ૧૦ મિનિટમાં જ રસ્તો ભૂલ્યા. જમણી તરફ જવું કે ડાબી? આગળ જઇ પાછાં આવ્યા અને બીજું એક ગ્રુપ આવતું હતું તેમની જોડે આગળ ચાલ્યા. ૧૫ મિનિટ પછી થયું કે અહીં તો આગળ જવું અશક્ય છે. ગામનાં બે-ત્રણ લોકોએ નીચેથી બૂમ પાડી કહ્યું કે અહીંથી ન જવાય એટલે પાછાં આવ્યાં અને તેમને રસ્તો બતાવ્યો. ગુડ.
હવે પછી સીધાં ચઢાણ હતાં. અને એ દિવસે હતો શુક્રવાર. અડધે રસ્તે ગયા પછી કિરણને યાદ આવ્યું કે આજે તો કોઇ લીંબુ-પાણી વાળાં નહી હોય. નહીંહીંહીંહી… પાણીનું રેશનિંગ. ડર હતો કે રસ્તામાં તો ઠીક, ઉપર જો કોઇ ન હોય તો માર્યા ઠાર. તેમ છતાંયે અડધે આવી ગયા છીએ તો આગળ વધીએ.

અને અમે આગળ વધ્યાં. એક નાનકડી ગુફામાં થોડીવાર રોકાયાં. ફરી આગળ વધ્યાં અને ફરી રોકાયાં. ઉપર પહોંચીને ફરી રસ્તો ભૂલ્યાં અને ખોટા અને કઠણ રસ્તે ખરાં રસ્તે પહોંચ્યા ખરાં. ત્યારબાદ? હાશ ઇન્ડિયા હાશ!
એમ તો ગુફાઓમાં રહેવાનું નક્કી કરેલું પણ અમારા સિવાય બીજાં કોઇ ટ્રેકર્સ ન હોવાથી એક ઝૂંપડી જેવી હોટલમાં ડિનર વત્તા રાતવાસો કરવાનું નક્કી કર્યું.સામાન વગેરે ત્યાં મૂક્યા પછી કોકણકાડા નામનાં પોઇન્ટ ઉપર સૂર્યાસ્ત જોવાં ગયાં. મસ્ત જગ્યા. પૈસા વસૂલ. અને ત્યાં? જમ્પ ઇન્ડિયા જમ્પ!

રાત્રે ડિનરમાં – ચોખા-બાજરીની રોટલી, કાંદા-બટાટાનું શાક, અથાણું અને ભાત. રાત્રે થોડું ફર્યા, બહુ વાતો કરી. તારા જોયા. ગુરુ અને શુક્ર ઓળખાયા. ધ્રુવનો તારો જોવાનો પ્રયત્ન કર્યો. ઉંઘ સરસ આવી અને સદ્ભાગ્યે મચ્છરોનો ત્રાસ નહોતો. પણ, સવારે સાડા ચારની આસપાસ સરસ ઠંડી લાગવાની શરૂઆત થઇ. વર્ષો પછી જમીન પર કોઇ પ્રકારના ગાદલાં વગર ઉંઘવાની મજા આવી.
સવારે ૬ વાગે તૈયાર થઇને નીચે ઉતરવાની શરુઆત કરી. હવે છાસ અને લીંબુ શરબતવાળાઓ આવી ગયા હતા. પેલી ભયંકર જગ્યાએ આવી ફરી તકલીફથી નીચે ઉતરાયું.

ફરી પાછાં કાંદા-પોહાનો નાસ્તો અને આ વખતે ડેમના સરોવરમાં થોડુંક નહાવાનું. તરતા નથી આવડતું એ વાતનો અફસોસ થયો!
હવે બસ પકડવાની ખરી મગજમારી હતી. બે બસ ઉભી ન રહી પણ ત્રીજી બસ સીધી જ મળી જે છેક મુલુંડ જવાની હતી. બસમાં ટાઇમ-પાસ, વાતો અને ઝોકાં. ત્યાંથી રીક્ષા અને સાંજે ૫.૩૦ જેવો ઘરે આવ્યો ત્યારે ભયંકર થાકી ગયો હતો.
સ્ટાર્વા પ્રમાણે ઉપર ચઢવા-ઉતરવા વગેરેના કુલ કિમી ૨૫ થી ૨૭ થયા. કુલ ચડાણ ૧૨૦૦ મીટર. હવે વિચારો કે એવરેસ્ટ ૮ કિમી ઉંચો છે, તો આપણું શું થાય? 😀
Like this:
Like Loading...