ગુડબાય ૨૦૧૫

* આશા રાખીએ કે ૨૦૧૬, ૨૦૧૫ જેવું ન જ હોય. એટલે કે વધુ પ્રવાસ અને ઓછી મગજમારી-માથાકૂટ હોય ઓછું સાયકલિંગ અને વધુ દોડવાનું. ઓછી ચર્ચા અને વધુ વિકિપીડિયામાં એડિટિંગ. ઓછી ફિલમો અને વધુ પુસ્તકો. ઓછા દિવાસ્વપ્નો અને વધુ કામ. ઓછી ગંભીરતા અને વધુ મસ્તી. ઓછું-ઓછું રડવાનું અને વધુ હસવાનું. ઓછું મરવાનું અને વધુ જીવવાનું! 😉

વ વેકેશનનો વ

* વર્ષો પછી અમે વેકેશન લીધું છે, પણ આ વેકેશન આરામમાં જ જશે. એટલે કે, એકાદ-બે ટૂંકી મુસાફરી વગર સંપૂર્ણ આરામ કરવામાં આવશે. હા, આ વેકેશનમાં પેન્ડિંગ રહેલા કામો પૂરા કરવામાં આવશે. દા.ત. હવે પછી આવતી મુસાફરીની તૈયારીઓ, વિકિપીડિયામાં ઢગલાબંધ એડિટ્સ, નેશનલ પાર્કની મુલાકાત વગેરે.

* કવિનને પણ દુર્ભાગ્યે વેકેશન પડ્યું છે, અને અમારા માથામાં લાગે છે. અમે વિચાર આવે છે અમે પણ આવી જ રીતે લોકોને હેરાન કરતા હતા? 🙂

* સાયકલિંગ હજી બંધ છે. એટલે કે, સાયકલિંગ શક્ય નથી.

* બે દિવસ કસરત કર્યા પછી,
** ડાબો હાથ: બરાબર છે.
** જમણો હાથ: બરાબર નથી.
** ડાબો પગ: બરાબર છે.
** જમણો પગ: બરાબર છે.
** પેટના સ્નાયુઓ: બરાબર નથી.
** કમર: બરાબર છે.

હવે, આજે દોડવાનો પ્રયત્ન કરવામાં આવશે.

અપડેટ્સ – ૧૭૮

* એમ તો નક્કી કરેલું કે ૨૫ ડિસેમ્બર થી ૧ જાન્યુઆરી વચ્ચે ૫૦૦ કિમી સાઇકલિંગ કરીશું અને એક પડકાર પૂરો કરીશું (સ્ટાર્વા). પણ હવે લાગે છે કે તેની જગ્યાએ ગુજરાતી વિકિપીડિયામાં ૫૦૦ ફેરફારો (એડિટ્સ) કરવાનો પડકાર સરળ છે. વધુમાં, ૧૦૦ કિમી દોડાઇ પણ જશે. ie પગ ઇઝ સાઝા, અને મોજાં નવાં લેવાના ઝાઝાં.

* એક મુશ્કેલી થઇ. સાઇકલ વગર ડિકાથલોન કે શાકભાજી લેવા કઇ રીતે જવાશે :/

* નવાં ચશ્માં આજે આવી જશે. સરસ કાળા રંગના.

* કવિનને કાલે સ્કૂલમાં ‘સ્પોર્ટસ ડે’ છે, પણ ટાંટિયા અમારા ટાઇટ થશે. કવિન રીલે-રેસમાં પસંદગી પામ્યો છે. જોઇએ હવે કેવી રીલ ઉતારે છે!

* બાકી, કાલે સાંજથી ૭ કલાક સતત કામ કર્યા પછી લાગ્યું કે હવે થાક લાગ્યો છે.

હાથ સલામત તો, મોજાં ઘણાં…

* હવે, હાથ સલામત તો, મોજાં ઘણાં (એમ તો છેલ્લાં સમાચાર મુજબ હાથમોજાં ય સાજા છે)!

* ગઇકાલે સવારે લોનાવાલા જવાનું હતું. સવારે ૩ વાગે ઉઠીને લગભગ ૩.૩૦ જેવો ઘરેથી ગોરેગાંવ (ત્યાંથી બે જણાં મળવાના હતા) જવા નીકળ્યો અને ત્યાંથી પવઇ થઇને પુને જૂના હાઇવે પર જવાનું હતું. લગભગ ખારઘર પહેલાં હું આરામથી સાયકલ ચલાવતો હતો અને કંઇ અવાજ થયો. આંખો ખોલી ત્યારે હું હોસ્પિટલમાં હતો (એ પહેલાંનું યાદ નથી!!). ત્યારબાદ ટેક્સીમાં ઘરે આવ્યા અને પછી થોડી-થોડી યાદશક્તિ પાછી આવી. મેં કહાં હું? નો જાણીતો ડાયલોગ હું ન બોલ્યો એટલે બહુ મજા ના આવી.

* ફેસબુક પર ઓલરેડી લખાઇ ગયું છે તેમ છતાંય,

૧. સાયકલ સાચવીને ચલાવવા છતાં, તમારું જીવન બીજા પર આધારિત છે.
૨. હેલ્મેટ જીવન બચાવે છે (મારી હેલ્મેટના ટુકડે-ટુકડા થઇ ગયા, પણ માથું સલામત છે).
૩. દુ:ખાવો થોડા સમય પછી થાય છે.
૪. મિત્રો જીવન બચાવે છે.
૫. અંધારામાં સાયકલિંગ બંધ. એમ વાયકા મુજબ તો હવે પછી મારું સાયકલિંગ જ બંધ છે 🙂
૬. ખરા મિત્રોની ઓળખાણ પણ આવા સમયે જ થાય છે.

અંગત રીતે ઘરે આવીને, ફેસબુક, મેસેજીસ, ઇન્સ્ટાગ્રામ કે ફોન વડે પૃચ્છા કરનાર સર્વ કોઇનો આભાર!

PS: લો ત્યારે, આ પી.એસ.માં શું લખવાનું હતું એ જ ભૂલી ગયો :/

બે રાઇડ્સ

* શનિવારે અને રવિવારે એમ બંને દિવસ સાયકલિંગના રાખ્યા હતા. શનિવારે ઘરથી લગભગ ૫૫ કિમી દૂર આવેલા વાંદરી તળાવ (હા, આ જ નામ છે!) જવાનું નક્કી કરેલું અને રવિવારે આરે કોલોનીમાં બ્રેકફાસ્ટ રાઇડ હતી.

શુક્રવારે અલીફ લૈલા જોઇને મોડા-મોડા સૂવામાં આવ્યું એ શનિવારે નડ્યું. એલાર્મ મિસ થયું અને પછી સાયકલ ભગાવી. વરુણ અને અમિત મારી રાહ જોતા ઘોડબંદર રોડ પર ઉભા હતા. ત્યાંથી સીધો જ જાણીતો એનએચ-૮. ત્યાંથી સીધા નાકોડા તીર્થની સામે જમણી બાજુએ વાંદરી તળાવ જવાનો રસ્તો હતો. રોડ ઠીક-ઠીક (હાઇવે જેવો તો ના જ હોય). ત્યાં ગયા પણ તળાવના બંધ પર જવાની પરવાનગી નથી. અમે તળાવમાં બીજા રસ્તે ગયા અને…

વાંદરી તળાવ

.. એટલે કે અદ્ભૂત તળાવ. ત્યાં થોડો સમય પસાર કરી બંધ પર પરવાનગી લઇને આંટો માર્યો. ફોટા અમને પાડવા ન દેવામાં આવ્યા. ત્યાંથી આરામથી ઘરે આવ્યો ત્યારે બપોરે ૧ વાગી ગયા હતો.

સરસ જગ્યા. જોડે નાસ્તો જમવાનું લઇ જવું. હાઇવે પર જોકે પૂરતું પાણી-જમવાનું મળે પણ ત્યાં અડધા દિવસની પિકનિક જેવું કરી શકાય.

* રવિવારે ખાસ બ્રેકફાસ્ટ રાઇડ હતી. બધાંએ પોતાના પાર્ટનર (ie પતિ કે પત્નિ કે જોડે રહેતા હોય તે) વડે બનાવેલો નાસ્તો લઇને આરેમાં જવાનું હતું. લગભગ બધાં જ નવાં લોકો મળ્યા (પુષ્પક જોડે ઘણાં સમયે મુલાકાત થઇ. બે જગ્યાએ અમે મળતાં-મળતાં રહી ગયેલા!) અને મજા પડી ગઇ.

કોકીએ મને સરસ મેથી થેપલાં બનાવીને આપેલા, જે બધાં જ પૂરા થઇ ગયેલા. વળતાં હું બચેલી કેકમાંથી થોડી ઘરે લઇ આવ્યો.

બ્રેકફાસ્ટ રાઇડ

ભવિષ્યમાં આવી વધુ બ્રેકફાસ્ટ રાઇડ્સ કરવામાં આવશે 🙂