* આજે સવારે પીટી (ફિઝિકલ એજ્યુકેશન) વિશેકંઇક વાત નીકળી ત્યારે થયું કે આના પર એકાદ પોસ્ટ લખી શકાય.
* પીટી એટલે કે ફિઝિકલ એજ્યુકેશન એમ તો અમારો પ્રિય વિષય. કારણ કે, એમાં વર્ગખંડની બહાર અધિકૃત રીતે પગ મૂકવા મળે (અન્ય રીતે પગ મૂકવામાં તો, ૧. જ્યારે શાળા પૂરી થાય, ૨. જ્યારે શિક્ષક વર્ગખંડની બહાર સજારુપે ઉભા રાખેનો સમાવેશ થતો હતો) અને રમવા મળે. ૨ થી ૪માં તો આ વિષયમાં શું કર્યું એ યાદ નથી. પણ, ધોરણ ૫ પછી તેનો ટાઇમટેબલમાં સમાવેશ થતો હતો. દુર્ભાગ્યે, પીટી શિક્ષકોને ફિઝિકલ શબ્દ બહુ ગમતો હોય એમ લાગે છે. તેઓ સીધાં ફિઝિકલ સજા જ કરતાં. એમનું કામ વાસ્તવમાં તો એજ્યુકેશન આપવાનું હતું, પણ તેઓ મોટાભાગે વિદ્યાર્થીઓને મારઝૂડ કરવામાં અગ્રેસર રહેતા. અન્ય કામોમાં, એમ.ડી. (માસ ડ્રીલ) કરાવવી, ખો-ખો રમાડવી, પરીક્ષા લેવી વગેરેનો સમાવેશ થતો હતો.
હજુ યાદ છે કે ૧૦મા (કે ૯મા) ધોરણની પ્રાયોગિક પરીક્ષા માટે ૨૦ સેકંડમાં ૧૦૦ મીટર દોડવાનું હતું, જે હું દોડી શક્યો નહોતો. કાશ, એ વખતે દોડવાનું માત્ર પરીક્ષા વખતે હોવાની જગ્યાએ દરરોજ કરાવાતું હોત તો? જે હોય તે, પીટીની યાદો કડવી છે. હું તો બહુ માર ખાવામાંથી બચતો, પણ અન્ય કમનશીબ વિદ્યાર્થીઓને ભાગે હંમેશા માર ખાવાનો આવતો.
પીટીના સર્વ શિક્ષકોની યાદ સાથે. અસ્તુ.