વીકએન્ડ અને વરસાદ

આ વરસાદ વીકએન્ડ હોય ત્યારે જ કેમ તૂટી પડે છે? 🙂

જોકે આજે એક ફાયદો થયો – બે અઠવાડિયાંથી બાકી રહેવું એવું દાઢીકામ પૂરું કર્યું. હવે બાકી રહી ગયેલી ખરીદીમાં પણ વરસાદ વચ્ચે ન આવે તો સારું.

નવાં ગુજરાતી ફોન્ટ: રાસ

કે પછી રસા? એક સરસ નવાં ગુજરાતી ફોન્ટ મળ્યા છે. ઓપનસોર્સ છે તેથી ડેબિયનમાં મૂકવામાં આવ્યા છે અને થોડા સમય પછી કદાચ અન્ય લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં પ્રાપ્ત થશે. ત્યાં સુધીમાં તમે તમારી હાલની ઓપરેટિંગ સિસ્ટમમાં તેને ડાઉનલોડ કરીને ચકાસણી કરી શકો છો. ગીટહબ પર છે, એટલે કોઇ મુશ્કેલી કે બગને સીધો ત્યાં ‘રીપોર્ટ’ કરવો.

અપડેટ્સ – ૧૯૦

* છેલ્લી પોસ્ટ ફ્રીજ મેગ્નેટ મેકમાંથી લખી હતી અને ઇ.સ. ૨૦૧૬ હોવા છતાં વર્ડપ્રેસ+મેક+ગુજરાતી ફોન્ટમાં લોચા થાય છે. બોલો. વિશ્વની શ્રેષ્ઠ ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય છે!

* આખું અઠવાડિયું આરામમાં ગયું. પેલી ૩૦૦ કિમીની રાઇડ પણ પડતી મૂકવામાં આવી. કારણ? કીટાણું. ભયંકર શરદી, કફ અને તાવને કારણે હજુ પણ અત્યંત નબળાઇ લાગે છે. કાલથી ફરીથી કામ પર લાગીશું, પણ દોડવા-સાયકલિંગમાંથી હજુ જ્યાં સુધી ગુમાવેલું વજન પાછું ન આવે ત્યાં સુધી આરામ છે.

* વિકિપીડિયાની ચંદીગઢ કોન્ફરન્સનું ફાઇનલ છે (એટલે કે ટિકિટ્સ, હોટેલ વગેરે). ત્યાં ફરીથી બધાંને મળવાની તેમજ તેમના અનુભવો જાણવાની મજા આવશે. ચંદીગઢ મારું ઉત્તર ભારતમાં સૌથી દૂર સુધી જોયેલું સ્થળ હશે. ના, અમે હજુ કાશ્મીર નથી ગયા 🙂 (કે હવે જવું પણ નથી. હા, લદાખ-લેહ સાયકલ લઇને ક્યારેક જઇશું).

ફ્રીજ મેગ્નેટ

સર્વત્ર જાણીતું છે કે અમને ફ્રીજ મેગ્નેટનો બહુ શોખ છે. હું અથવા કુટુંબ કે મિત્રોમાંથી કોઇ ક્યાંય પણ જાય ત્યાંથી ફ્રીજ મેગ્નેટ મંગાવું છું. હવે, ઘણાં બધાં દેશો અને શહેરોના ફ્રીજ મેગ્નેટ ભેગા થયા પછી મને થયું કે આપણા ભારતીય શહેરોમાંથી કંઇ નથી (સિવાય કે મુંબઈનું એક જૂનું ફ્રીજ મેગ્નેટ એલિફન્ટામાંથી લીધેલું). એટલે, બે દિવસ પહેલાં ચર્ચગેટ પર મારી નજર રેલ્વેએ મૂકેલા કાચના કબાટ પર પડી, ત્યાં અમને ફ્રીજ મેગ્નેટ દેખાયું. પ્રેમીને પ્રેમિકા અચાનક વિરાર ફાસ્ટ પકડતા દેખાઇ જાય તેવો આનંદ અમને થયો. અમે ત્યાં રહેલી વ્હીલરની સડેલી દુકાનમાં પૂછ્યું તો તેમણે કહ્યું કે આ તો અહીં ૨૦૧૫થી પડ્યા છે, પછી રેલ્વેવાળા અહીં ફરક્યા પણ નથી. અમે તેને અડી ન શકીએ (જોકે ઉપર આ વસ્તુઓ સામેના સ્ટોરમાં મળશે એવું લખેલું હતું).

અને આમ અમારા સંગ્રહમાં એક વધુ ફ્રીજ મેગ્નેટ આવતા રહી ગયું!!

અપડેટ્સ – ૧૮૯

* અપડેટ ટાઇમ.

* જુલાઇ મહિનો આવી ગયો પણ અમારી અપડેટ આવી નહોતી એટલે ઘણાં લોકોને ખોટું ન લાગે એટલા માટે અમે આવી ગયા છીએ. જુલાઇ મહિનામાં કામ-કાજ વરસાદને કારણે વધ્યું છે (એટલે કે દોડવાનું અને સાયકલ ચલાવવાનું). હજુ ૩૦૦ કિમીની બીઆરએમ મહિનાના મધ્યમાં છે, એટલે મજા આવશે. વધુમાં એકાદ-બે મોટી રાઇડ કરવામાં આવશે.

* વરસાદ સરસ છે. હજુ વધુ આવે તો વાંધો નથી. જોકે બૂટ ભીનાં થઇ જાય છે એટલા પૂરતો વાંધો આવે છે ખરો.

* પુસ્તકોનો દુકાળ છે, એટલે કે વાચન કંગાળ છે. વધુમાં જગ્યા પણ નથી. એટલે હવે કંઇક ઉપાય તો કરવો જ પડશે.

* વિકિપીડિયાની એક કોન્ફરન્સ ચંદીગઢ ખાતે રાખવામાં આવેલી છે, તો ત્યાં જવાનું ગોઠવાઇ રહ્યું છે.