મુંબઇ થી કચ્છ

ચાર ચતુર ચાયકલિસ્ટ્સ

મારી હજારો ઇચ્છાઓની યાદીમાંથી એટલે કે વિશલિસ્ટમાંથી એકનો ઘટાડો થયો છે.

લગભગ ત્રણ-ચાર મહિનાથી અમે મુંબઈથી કચ્છ સાયકલ પર જવાની યોજના બનાવતા હતા. યોજના એવી હતી કે દર વર્ષે નવરાત્રિ પહેલાં મુંબઈ અને પુનેથી ઘણાં લોકો આશાપુરા-માતાનો મઢ જવા નીકળે છે, તેવી રીતે અમે પણ જઇએ, પણ આ સાયકલ રાઇડ જલ્દી પૂરી કરીએ. સ્વાભાવિક રીતે, ઓફિસમાં રજાઓ ૧૦ દિવસની રજાઓ ન જ મળે વત્તા રાઇડ એટલી પણ સરળ ન બનાવીએ. બહુ પ્લાનિંગ થયું અને વળતી ટ્રેન ટિકિટ છેલ્લી ઘડીએ કન્ફર્મ ન થઇ વત્તા સામાનનો ભાર ઓછો કરવા માટે જોડે ગાડી એટલે કે સપોર્ટ વ્હીકલ રાખવાનું પણ નક્કી થયું. નક્કી કરેલા દિવસ પહેલાં અનિવાર્ય સંજોગોને કારણે દીપ જોડે ન આવી શક્યો, પણ કિરણ, સંતોષ અને કિરણ કોટિયન અને હું એમ ચાર જણાં કચ્છ જવા માટે નીકળી પડ્યા.

મંગળવારે સાંજે બોરિવલીથી સૌપ્રથમ અમે ફાઉન્ટેન હોટેલ પહોંચ્યા અને સંતોષની રાહ જોઇ, એ છેક ચેમ્બુરથી આવવાનો હતો. સંતોષ આવ્યા પછી રાતની રાઇડ શરુ થઇ. રાત્રે મોડા તલાસરી પહોંચી હોટેલ બૂક કરાવી ત્યાં રાત્રિ નિવાસ કર્યો પણ રાત્રે માત્ર ૨.૩૦ કલાકની જ ઉંઘ મળી. સવારે ૫ વાગ્યે તો ઉઠવું પડ્યું અને ૬.૩૦એ ફરી આગળ રાઇડ શરુ કરી. બીજા દિવસની રાઇડ પણ NH8 પર હતી.

ભરુચ પહેલાં સુધી સારી એવી સરળ મુસાફરી રહી પણ જેવાં પેલા ક્યારેય ન સૂતા પુલ પાસે પહોંચ્યા ત્યાં પહેલાં ટ્રાફિક જામ થયો અને પુલના અંત સુધી પહોંચતા ટાયર પંકચર. એક વખત હવા ભરી પણ પંકચર હતું એટલે ટ્યુબ બદલીને આગળ વધ્યો. નક્કી કર્યા મુજબ અમે કરજણ પહેલાં એક હોટલમાં રોકાયા, જે ધાર્યા કરતા સરસ હતી અને જમવાનું પણ સારુ હતું (ઓનેસ્ટ જિંદાબાદ). ત્યાં હવે થોડી વ્યવસ્થિત ઉંઘ મળી. બીજા દિવસનો માર્ગ અમે આગલા દિવસે બદલ્યો હતો અને વડોદરા જવાની જગ્યાએ પાદરા થઇને તારાપુર ચોકડી અને ત્યાંથી ચોટીલા જવાનું નક્કી કર્યું. પાદરા પછી અમે આંતરિક માર્ગ લીધો અને ત્યાંથી મુશ્કેલી શરુ થઇ. રસ્તો તો ખરાબ હતો જ પણ નાનો અને વધુ ટ્રાફિક ધરાવતો હતો, જોકે આ વડે અમે ૧૦ થી ૧૫ કિમી બચાવ્યા. આગળ જઇને કિરણના જીજાજીના કેમ્પમાં નાસ્તો કરવા રોકાયા અને મઝાની વાતો કરી. વધુ આગળ વધીને બપોરે આરામ કરવાનું નક્કી કર્યું અને કેમ્પમાં જ જમી આરામ કર્યો પણ તડકા અને મકોડાં – આ બંનેએ મને ઉંધવા ન દીધો. વધુ આગળ વધ્યા અને લીમડી ગામે ગાડી મલી એ વાક્ય યાદ કરીને આગળ વધ્યા અને ત્યાં સુધીમાં તો રાત થઇ ગઇ હતી અને દુર્ભાગ્યે મારી ફેવરિટ હેડલાઇટ બગડી હોય એવું લાગ્યું. જેમતેમ કરીને આગળ વધ્યો પણ ચોટીલા લગભગ ૫ કે ૬ કિમી બાકી હતું ત્યાં હું કંટાળ્યો અને સાયકલ ગાડીમાં મૂકી ચોટીલા પહેલાં હોટલમાં રોકાવાનું હતું ત્યાં પહોંચી ગયો. સસ્તી અને એકદમ ભંગાર (દા.ત. બાથરુમમાં મોટી વિન્ડો પણ પડદા નહી) પણ જે મળે તે આ જ હતું અને આપણે ક્યાં બોલીવુડ હિરોઇન છીએ એ વાતે એ ઓપન જેવાં બાથરુમમાં નાહવાનો કાર્યક્રમ કર્યો 🙂 બીજા દિવસે સવારે નીકળ્યા અને હવે થાક દેખાવાનો હતો અને સૂકું વાતાવરણ દેખાતું હતું. પહેલાં વાંકાનેર અને પછી મોરબી. મોરબીમાં બ્રેકફાસ્ટ કર્યો અને ત્યાંથી માળિયામાં બપોરે લંચ. લંચ પછી ખબર પડીકે મારી સાયકલનું પાછલું ટાયર બે-ત્રણ કટ ધરાવતું હતું. સદ્ભાગ્યે સંતોષ જોડે વધારાના બે ટાયર્સ લઇ આવ્યો હતો એટલે ફટાફટ ટાયર બદલ્યું અને આગળ વધ્યા.

વેલકમ ટુ કચ્છ. વચ્ચે રણનો નાનો વિસ્તાર સરસ પવન ધરાવે છે એટલે ઝડપ પર અસર પડી. કચ્છ પહોંચ્યા પછી થાક વત્તા વાતાવરણ ખાસ તો મારા પર અસરો દેખાડતું હતું. ભૂજથી લગભગ ૩૦ કિમી પહેલાં સંતોષના ટાયરમાં પણ મુશ્કેલી થઇ પણ ટાયર બદલતાં સમય બગડે અને એ એકલો ટાયર બદલે તો વધુ સમય બગડે એટલે, બંને કિરણ આગળ વધ્યા અને અમે ટાયર બદલી ભૂજમાં હોટલ શોધવા નીકળ્યા. લો, હાઇવે પર કંઇ જ નહી. એક હોટલ માંડમાંડ મળી જે રુમમાં સાયકલ રાખવા તૈયાર નહોતા એટલે પડતી મૂકી અને બીજી હોટલમાં રીસેપ્નિસ્ટનો બકવાસ સહન કરીને પણ હોટલ બૂક કરી. એકંદરે સારા રુમ પણ જમવાની સગવડ નહોતી. અમે તો ઠીક, બાકીના બે રાઇડર્સ તકલીફમાં મૂકાયા જ્યારે તેમને ખબર પડી કે ૧.૩૦ વાગે કંઇ નહી મળે. છેવટે, બધાંની પાસે જે કંઇ ખાવાનું હતું તેના પર ચલાવ્યું અને સૂઇ ગયા. અમદાવાદના નિર્સગ કંસારાએ મને ભૂજના સાયકલિસ્ટ્સનો સંપર્ક આપ્યો હતો. એ લોકો અમને મળવા આવ્યા અને જ્યુબિલી સર્કલ આગળ વાતો, ફાફડાં-જલેબી અને ચાની જયાફત અમે ઉડાવી. ત્યાંથી અમે આશાપુરા જવા નીકળ્યા અને રસ્તામાં આવતા કેમ્પનો લાભ લેતાં-લેતાં અને મુશ્કેલ રસ્તાને પાર કરતાં લગભગ ૧.૩૦ વાગે બપોરે અમારા ફાઇનલ ડેસ્ટિનેશન પર પહોંચ્યા. ત્યાં પહોંચી સાયકલોને પેક કરી, ફ્રેશ થઇને મંદિરમાં ગયા અને ત્યાં જ પ્રાસાદરુપી જમ્યા. મઝા આવી ગઇ. પછી તરત જ પાછાં જવા નીકળ્યા.

રસ્તામાં ભૂજોડી અને કિરણના નાનીમા ના ઘરે જઇ આવ્યા. કચ્છની પ્રખ્યાત દાબેલીઓ ખાધી અને કડકનો ટેસ્ટ કર્યો.

ફોટાઓમાં ખાસ ભલીવાર આવ્યો નહી. હવેનો પ્રવાસ કદાચ કેમેરા સાથે કરીશ અને આ પ્રવાસમાંથી મળેલા બોધપાઠો યાદ રાખીશ.

સંપૂર્ણ પ્રવાસનો નકશો (બદલેલા માર્ગ સાથે): https://www.strava.com/routes/6596579

9 thoughts on “મુંબઇ થી કચ્છ

  1. ભાઈ !!! પ્રવાસનો નકશો જોતા લાગ્યું તમે ઘર ની બાજુ માથી નીકળી ગયા ….. મળવા નો મોકો ગયો 😦 😦 બે ચાર દિવસ મિત્રો સાથે કેમ્પ માં આટા ફેરા હતા એટલે કદાચ હું ત્યાં હોઇસ ….. જો એ દિવસ માં તમે નીકળિયા હોઈ તો સાવ નજીક થી નીકળી ગયા …

    Like

  2. ઘણા દિવસે કોઈ બ્લોગ પર આવ્યો….
    સાલ્લુ fb એ બ્લોગીંગ મુકાવી દીધું છે એની વે, તમારી વાત કરું તો હવે તો સાયકલ સફર કમ પ્રવાસ (સુખરૂપ કહી શકાય એવો) પૂરો થઇ ગયો એટલે સલાહ સૂચન કામ ન આવે પણ મને પહેલા ખબર હોત તો અમુક જગ્યાએ હું નહિ તો અમુક ટીપ્સ મદદરૂપ થાત.
    ખૂબ ખૂબ અભિનન્દન અને આવી કેટલીયે સફરો પૂરી કરો એવી શુભેચ્છા સાથે એ મને મારી પેલી પોસ્ટ યાદ આવી જે “પેડલ પર પૃથ્વીની પરિક્રમ્મા” પુસ્તક પર લખી હતી અને સાથે સાથે એ પણ શુભેચ્છા કે તમે લોકો પણ પૃથ્વીને ચક્કર લગાવી આવો ! (y)

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.