બ્રેવે!

* લખાય બ્રેવેટ (Brevet) પણ બોલાય બ્રેવે. આમ પણ, ફ્રેંચ ભાષા ખરી એટલે તેની નવીનતા તો હોય જ. મારી સાયકલિંગ રાઇડ્સની જૂની પોસ્ટ્સમાં તમને BRM નામનો બહુ ઉલ્લેખ જોવા મળ્યો હશે. દર ચાર વર્ષે થતા બ્રેવે પેરિસ-બ્રેસ્ટ-પેરિસ રાઇડ પર એક સરસ મુવી Brevet બન્યું છે. પહેલી વાર Vimeo પર ઓનડિમાન્ડ મુવી લીધું છે, અને સંપૂર્ણ રીતે પૈસા વસૂલ છે. તમને ઉપરોક્ત લિંક પર ટ્રેલર તો જોવા મળશે જ. અને હા, ૨૦૧૯ પરનું મુવી બને તો હું ક્યાંક રેન્ડમ ખૂણે ઝડપાઇ શકું છું. એ બધી વિગતો પછીની પોસ્ટ અથવા પછી ક્યારેક!

વરસાદ

ગઇકાલે વરસાદ આવ્યો. મને એમ કે એક્યુવેધરની આગાહી પ્રમાણે આજે સાંજે આવશે એટલે હવે એપ આધારિત આગાહી પર આધાર રાખીશ તો આગામી સાયકલિંગ પર અસર પડશે એવું લાગે છે. આજે છાપાંમાં વાંચ્યું કે આ તો પ્રિ-મોન્સુન વરસાદ પણ નહોતો પણ બહુ ગરમીને કારણે કોઇ વિચિત્ર સંજોગોમાં પડેલો વત્તા વાયુ વાવાઝોડાંની અસરને કારણે પડેલો વરસાદ હતો. જે હોય તે, ગરમીમાં રાહત થઇ છે, પણ નિયમિત વરસાદ ન આવે ત્યાં સુધી ભેજમાં પાપડી બફાય તેમ અમારે બફાવાનું નક્કી છે. એટલે, પાપડી ભેગી ઇયળ વાળી કહેવત ત્યાં સુધી યાદ રાખવી.

વરસાદમાં બે-ત્રણ જ લાંબી રાઇડના પ્લાન છે. બાકી ટ્રેનર ઝિંદાબાદ છે!

૬ વર્ષ!

મુંબઈમાં અસ્થાયી રીતે સ્થાયી થયાને ૬ વર્ષ થયા છે. અને, હજુ તો અહીંના બધાંય રસ્તાઓ રનિંગ-સાયકલિંગથી મપાયા નથી ને મનમાં ક્યાંય એમ પણ થઇ રહ્યું છે કે ગોવા કે ક્યાંક પહાડો પર ચાર પાંચ હજાર મીટરની ઊંચાઇ પર ક્યાંક સારી જોબ મળે તો ત્યાં જઇએ. ત્યાંના ઘાટ-રસ્તાઓને પણ ઘુમેડી કાઢીએ. હજુ એવું બન્યું નથી પણ, બની શકે છે! 🙂

આ ૬ વર્ષમાં ઘણું બધું થઇ ગયું છે. બ્લોગ ફિક્કો પડ્યો છે અને હું પણ હવે અહીં બહુ સક્રિય રહી શકતો નથી. રૂટિન સિવાય બીજું કંઇ લખવું ઘણું અઘરું બનતું જાય છે, છતાંય અહીં મજા આવે છે. નવાં-નવાં બ્લોગ દેખાઇ રહ્યા છે એટલે ક્યારેક ક્યારેક આ રીતે પોસ્ટ કરવાનું મન થઇ જાય છે.

અને હા, વરસાદની રાહ જોવાય છે!