પેરિસ-બ્રેસ્ટ-પેરિસ ૨૦૧૯

ગયા અઠવાડિયે થયેલી ૧૯મી પેરિસ-બ્રેસ્ટ-પેરિસ બી.આર.એમ.નો વિગતે અહેવાલ અહીં મૂકી રહ્યો છું. શું થયું એ મહત્વનું છે, એ પાછળની બીજી બધી વાર્તાઓ મહત્વની નથી. ૨૦૨૩માં આ વખતે થયેલી ભૂલો ફરીથી ન કરું એટલા માટે આ પોસ્ટ મહત્વની બની રહેશે.

સૌથી પહેલાં તો આ પેરિસ-બ્રેસ્ટ-પેરિસ શું છે? આ સાયકલિંગ ઇવેન્ટ દર ચાર વર્ષે પેરિસ નજીકથી શરૂ થાય છે અને પશ્ચિમ કાંઠે આવેલા બ્રેસ્ટ શહેર સુધી જઇ ફરી પાછા પેરિસ આવવાનું હોય છે. કુલ અંતર ૧૨૨૦ જેટલું હોય છે (દર વખતે થોડા કિમી આગળ પાછળ થઇ શકે છે). સમય હોય છે, ૮૦, ૮૪ અથવા ૯૦. તમારી મરજી. આ માટેની ક્વોલિફિકેશન એ હોય કે એ વર્ષમાં ૨૦૦-૩૦૦-૪૦૦ અને ૬૦૦ કિમીની બી.આર.એમ. પૂરી કરેલી હોવી જોઇએ. આ વખતે કુલ ૬૫૦૦ કરતા વધુ સ્પર્ધકોએ ૬૬ દેશોમાંથી ભાગ લીધો હતો. ભારતમાંથી આશરે ૩૧૫ રાઇડર્સ ગયા હતા. મુંબઈમાંથી માત્ર ૧૨. એ પણ કુલ આંકડો તો મને છેલ્લા દિવસે જ જાણવા મળ્યો 🙂

તો પેકિંગ પછી અને પેરિસ પહોંચ્યા પછીના દિવસો ૧ અને ૨ પછી કોઇ અપડેટ લખવાનો સમય મળ્યો નહોતો. રેસના આગલા દિવસે એટલે કે ૧૭ તારીખે બાઇક ચેક કરાવવાનું હતું. ભૂલ #૧: બાઇક ચેક માટે સાંજનો સમય પસંદ કર્યો. મારા રૂમ પાર્ટનર વિશાલનું બાઇક ચેક સવારે હતું. મને એમ કે એકલા કોણ જાય? એટલે તેની સાથે સવારે જ પહોંચી ગયો અને ત્યાં ઢગલાબંધ ઓળખીતા-નવાં રાઇડર્સની ઓળખાણ થઇ. સદ્ભાગ્યે મારું પણ બાઇક ચેક સવારે જ પૂરું થયું એટલે બપોરે સરસ લંચ કરીને અમે પાછા પણ આવી ગયા. એ દિવસે સારો એવો વરસાદ પણ હતો. ૧૭મીએ બાઇક બરાબર તૈયાર કરીને અમે જલ્દી સૂઇ ગયા પણ બીજા દિવસે સાંજે ૫.૪૫એ મારા ગ્રૂપની શરૂઆત હતી એટલે બીજા દિવસે પણ આરામ જ કર્યો અને બપોરે ટ્રેનમાં સ્ટાર્ટ પોઇન્ટ પહોંચ્યા. ટેકનિકલી, જે પેરિસથી ૭૦-૭૫ કિમી દૂર છે 🙂

ભૂલ #૨: પહેલા ન ટ્રાય કરેલી વસ્તુ રેસના દિવસે ટ્રાય કરવી. અહીં શું હતું? સેડલ બેગ? હાથી જેવી આ બેગનો લેવાનો દુ:ખ્યાલ મને પીબીપી ના એક મહિના પહેલા જ આવ્યો અને અમે છેલ્લી ઘડીએ તે લેવાનું નક્કી કર્યું. આ વિશે વિગતે પછી.

સ્ટાર્ટ પોઇન્ટ પર ક્રમ અનુસાર ૩૦૦-૩૫૦ લોકોની શરૂઆત થતી હતી. મારો ક્રમાંક H052 હતો અને H ગ્રૂપ મુજબ મારે જવાનું હતું. સમયસર શરૂઆત થઇ અને I ગ્રૂપના લોકોથી રસ્તો કરતો-કરતો હું આગળ નીકળ્યો. બ્રેવે કાર્ડમાં સ્ટેમ્પ કરીને શરૂઆત થઇ. સૌ પહેલા ૩૦ કિમી તો સરસ ગયા પછી ખ્યાલ આવ્યો કે સાયકલમાંથી ક્યાંક અવાજ આવે છે. ઉભા રહીને જોયું તો બેગ ટાયરને અડતી હતી. ઓ તારી! આ તો ગરબડ થઇ. માંડ-માંડ બેગ સરખી કરી અને આગળ વધ્યો અને રસ્તાની અદ્ભૂત લ્હાવો લેતો આગળ વધતો રહ્યો. ૮૦ કિમી આસપાસ ફરીથી બેગ સરખી કરી અને જેકેટ અને મોજા પહેરી લીધા. ઠંડીની શરૂઆત થઇ ગઇ હતી.

સૌપ્રથમ કંટ્રોલ પોઇન્ટ હતો ૧૧૭ કિમી પર. ત્યાં પહોંચ્યો એ પહેલા રાત પડી ગઇ હતી અને ફ્રાન્સમાં રાત કોને કહેવાય એ ખબર પડી. અહીં રસ્તામાં કંઇ ન હોય. જંગલ એટલે માત્ર જંગલ. સૂનકાર. સરરરર કરતી સાયકલના અવાજ અને લાલ લાઇટ્સ સિવાય બીજું કંઇ નહી! ઘનઘોર, કાળુ ડબાંગ અંધારુ અહીં પહેલી વાર જોવા મળ્યું. ડર ન લાગ્યો કારણ કે અહીં કોઇ જંગલી પ્રાણીઓ કે જંગલી માણસો નહોતા. રસ્તામાં લોકો ચિઅર્સ એટલે Ale ના પોકારો કરતા હતા. તે જોઇને નવાઇ લાગે. કારણ કે રાત્રે લોકો ઘરની બહાર ૧ કે ૨ વાગે પણ પાણી, કોફી, ચોકલેટ્સ ઓફર કરતા હતા. કલ્ચર ડિફરન્સ!

૧૧૭ પર કંઇ ખાધું-પીધુ નહી. પાણી ભર્યા સિવાય. બીજી નાની ભૂલ. ૨૧૭ સુધી પહોંચતા ફ્રેશ હતો પણ આ બ્રેક થોડો લાંબો ચાલ્યો. પીબીપીમાં સમય હંમેશા મહત્વનો હોય છે અને કંટ્રોલ પર થતો સમયનો બગાડ એકંદરે મને ભારે પડવાનો હતો. જૂની આદત એમ જાય? ૨૧૭ પર પ્રશાંત ઉર્ફે એંગ્રી બર્ડ મળ્યો અને તેની જોડે નાસ્તો વગેરે કર્યો.

ત્યાર પછી લગભગ Fougeres ઉર્ફે ફુજે પહોંચ્યો ત્યારે ત્રણ કલાક પછીના ગ્રૂપમાં રાઇડ સ્ટાર્ડ કરેલા અમારા એરબીએનબી પાર્ટનર ક્રેગ મળ્યા. ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઇ આપણે સ્લો થઇ ગયા છીએ.

પછીનો જે રસ્તો હતો, Brest પહોંચ્યા સુધીનો. ઓએમજી. ધુમ્મસ, અંધારુ અને ઢાળ-ઢોળાવો. એવું કહેવાય છે કે ૧૦૦ મીટર પણ રસ્તો સીધો નહોતો. ક્યાં તો ઉપર જાય અથવા નીચે જાય. સ્વાભાવિક રીતે ભારતના મેદાની પ્રદેશોમાં રહેતા લોકોને આવા રસ્તાનો અનુભવ ન જ હોય. અને, સ્વાભાવિક રીતે ફ્રેંચ લોકો આને સપાટ રસ્તો કહે છે, કારણ કે એમના માટે દક્ષિણ ફ્રાંસ જ પહાડી વિસ્તાર છે. ભારતમાં પણ પહાડો છે, જે બહુ ઉંચા છે, જેનો આપણને અનુભવ નથી હોતો. બ્રેસ્ટ પહોંચ્યા પહેલા હું એકદમ આરામથી ચલાવતો હતો અને એ પહેલા એક નાનકડી ઉંઘ ખેંચી લીધી હતી. જે ૪૫ મિનિટ આસપાસ હતી, જે ખરેખર તો ૨ કલાક જેટલી હોવી જોઇતી હતી.

હવે નીચેનો ફોટો જુઓ. દૂર એક નાની છોકરી રસ્તા પર ઉભી રહીને (ડાબી બાજુએ) ચિઅર્સ કરતી હતી, તે જોઇને આંખમાંથી આંસુ આવી જાય. દુર્ભાગ્યે ખરા સમયે મારા ફોનનો મુખ્ય કેમેરો કામ કરતો બંધ થઇ ગયો અને તેનો ક્યુટ ફોટો લેવાનો રહી ગયો!

બ્રેસ્ટ કંટ્રોલ પોઇન્ટ સૌથી બોરિંગ હતો. ક્યાંક ખાવા-પીવાનું નહી. શહેર પણ બોરિંગ. માંડ-માંડ ક્યાંકથી વેજ ફૂડ મળ્યું જેમાં ૧ કલાક બગડ્યો. પછી, થોડી સાયકલ ભગાવી પછીના કંટ્રોલ પોઇન્ટ પર પહોંચ્યો. ત્યાં થોડો આરામ કર્યો. વચ્ચે થોડો સમય મારું ગારમિન ક્યાંક મૂકાઇ ગયું તો તે શોધવામાં ૧૫-૨૦ મિનિટ બગડી. હવે થાક લાગ્યો હતો અને શરીર આરામ માંગતું હતું. નક્કી કર્યું કે થોડો આરામ કરી આગળ વધું. ફરી પાછો ફુજે પહોંચ્યો અને થોડી ઉંઘ ખેંચી કાઢી, જે ૨ કલાકની જગ્યાએ એલાર્મ મિસ કરી ૩ કલાક ઉપર થઇ.

ભૂલ #૩ હંમેશા ૪ એલાર્મ મૂકવા. પછીના ૨ કંટ્રોલ પોઇન્ટ્સ પર થોડી ઝડપ મેળવી કારણ કે સારો એવો આરામ પણ કરી લીધો હતો. હવે ફરી પાછી રાત થવા આવી હતી અને અચાનક મને લાગ્યું કે કંઇક ગરબડ છે બેગમાં. ભૂલ #૪ સેડલ બેગમાંથી થોડો સામાન કાઢી ફોલ્ડિંગ બેગમાં મૂક્યો. બેગ હળવી હતી, પણ બેગ હતી. હવે, ફરીથી ઉંઘ દેખાતી હતી અને થાક પણ લાગવો શરૂ થયો હતો. ૧૦૧૨ના કંટ્રોલ પોઇન્ટ પર પહોંચ્યો એ પહેલા એક કોફી શોપમાંથી કોફી પીધી અને ત્યાં જ પેલી ફોલ્ડિંગ બેગ ભૂલી ગયો. શરીર અને મગજ બંને થાક્યા હતા એ નક્કી થયું. આ પછી, જે ઝડપે શરીર જવાબ દેવા માંડ્યું, તે જીવનમાં પહેલી વખત બન્યું. સદ્ભાગ્યે પગના વાર્મર વગેરે લગાવેલા હતા, પણ મારી મુખ્ય ટી-શર્ટ, રેઇન જેકેટ અને શૂ-કવર હું ભૂલી ગયેલી બેગમાં હતા. છેવટે ૧૦૧૨ કંટ્રોલ પોઇન્ટ પછી મારે રસ્તા પર આવી રીતે કયાંક સૂવાનું આવ્યું.

થોડી વાર સૂવાનો પ્રયત્ન કર્યો. ૧૦૪૭ કિમી પર હવે, પેટ-પગ અને ગરદન – ત્રણેય થાક્યા હતા અને અંતે કોકીને ફોન કર્યો અને નક્કી કર્યું કે ૩ મહિના હોસ્પિટલમાં ગાળવા એના કરતા રાઇડ ત્યાં જ પૂરી કરું. મને કોઇજ દુખ નથી કે પીબીપી પૂરું નથી થયું. જે કંઇ રાઇડ કરી પૂરા મનથી સાચી રીતે કરી છે. જાતને છેતરવી નહી, એ મારો મોટ્ટો છે.

૨૦૨૩ – અમે આવીએ છીએ, આ અધૂરી વાત પૂરી કરવા માટે!

સ્ટાર્વા કડી: https://www.strava.com/activities/2640453242

આ પણ જુઓ: https://gu.wikipedia.org/wiki/પેરિસ-બ્રેસ્ટ 🙂

ચેકિંગ

ભાગ ૧:

પેરિસથી વળતી વખતે નક્કી કર્યું કે આ વખતે ટ્રેનમાં એરપોર્ટ જવું. આમ પણ, સાહસો કરવાના આપણને શોખ. એરબીએનબી થી સાયકલ બોક્સ વત્તા થેલાંઓ ઉપાડી સ્ટેશન પર પહોંચ્યો. સારું થયું કે પૂછ્યું અને ઉપરોક્ત ટિકિટ લીધી. એ પહેલાં પેરિસનાં બીજા એક સ્ટેશને પહોંચવાનું હતું. લોકોની મદદ વડે બે ટ્રેન બદલીને પેરિસ સ્ટેશને પહોંચ્યો. ત્યાંથી મેટ્રોમાં બેઠો. મેટ્રો પણ બે બદલવાની હતી. હવે થયું એવું કે બીજી કે પહેલી મેટ્રો સ્ટેશનમાં પસાર થતી વખતે ક્યાંક ટિકિટ પંચ થઇ નહી પણ દરવાજો ખૂલ્યો (તો જ હું જઇ શકું ને?). બીજી એરપોર્ટ મેટ્રોમાં ટિકિટ ચેકર્સ આવ્યા અને મારી પાસે ટિકિટ માંગી અને ભાંગી તૂટી અંગ્રેજીમાં કહ્યું કે આ માન્ય નથી, ૫૦ યુરો આપવા પડશે. મને થયું, આ શું? એક ચેકર્સ અંગ્રેજી સમજતો હતો તો તેને સમજાવ્યું કે ટિકિટ વગર તો દરવાજો ન ખૂલે, બરાબર? તો પંચ ન થઇ તો મારો શું વાંક? તેને મારી પેરિસ-મુંબઈ ટિકિટ પણ બતાવી અને સમજાવ્યું કે હું પેરિસનો ચોર-ઉચક્કો નથી. એક ગર્વિષ્ઠ ભારતીય નાગરિક છું. પેલો માની ગયો અને મને દંડ ન ફટકાર્યો.

ભાગ ૨:

દુબઈથી મુંબઈ ફ્લાઇટ સરસ રહી. અહીં ઉતર્યા પછી પહેલું ટેન્શન સાયકલનું હતું પણ તરત આવી ગઇ. કસ્ટમની લાઇનમાંથી મને બોલાવવામાં આવ્યો અને ઓફિસરે પૂછ્યું, આ શું છે? ટીવી? ના. સાયકલ છે. પછી તેણે બિલ માંગ્યું અને કહ્યું કે આમાંથી સાયકલ કઇ છે? કઇ કંપનીની છે. શેના માટે ગયા હતા? પછી આપણે બાકી રહીએ? પીબીપીની હિસ્ટરી કહી દીધી અને તેણે આગળ કંઇ પૂછ્યું નહી. ઓફિસરને કહ્યું કે અહીં આવા કેટલાય સાયકલ બોક્સ ટૂંક સમયમાં આવશે, તો બધા આ જ ઇવેન્ટ માટે ગયા હતા. તો ધ્યાનમાં રાખજો. આશા રાખું છું કે કસ્ટમ ઓફિસર્સ હવે થોડા દિવસ માટે કોઇને પીબીપી વિશે પૂછશે નહી. પૂછે તો વિગતે જણાવજો 🙂

પેરિસ – ૨

બીજો દિવસ ઉગી ગયો, પણ રૂમના પડદા બંધ હોવાને કારણે ખબર જ ન પડી કે કયારે ૮ વાગી ગયા છે. તરત તૈયાર થયો. બુબુલેએ મને સરસ ૬૦ કિમીનો માર્ગ દોરી આપ્યો હતો, તેના પર રાઇડ કરવાનું નક્કી કર્યું હતું. સવારે સાયકલની બેગ બરોબર કરીને અહીંથી ગયો. ગારમિન સરસ રીતે માર્ગદર્શન આપતું હતું.

એટલે સરસ રસ્તા, ખેતરો, ઢાળ અને ઢોળાવો જોતો-જોતો જંગલમાં ક્યારે પહોંચી ગયો તે ખબર ન પડી. તો પણ, ભુલા પડવાનું કેમ ભુલાય? ચાર વખત ખોટા રસ્તે ચડી ગયો. ગારમિને બુમો પાડીને પાછો બોલાવ્યો અને જંગલના બે કિમી સિવાય પૂરો રસ્તો મસ્ત નીકળ્યો. પાછળ આવતી ગાડી આપણને ઓવરટેક પણ ન કરે અને કરે તો ધીમેથી. હળવે, હળવે. એકાદ-બે જોકે મારામારી કરતા નીકળ્યા પણ આપણા મુંબઈ કરતા લાખ દરજ્જે સારી રીતે.

૬૦ કિમીનો આ માર્ગ જંગલ સિવાય કાલે ફરી કરવાનો પ્લાન છે. બધાં જોડે જઇશું એવું નક્કી થયું છે. કાલે મારો પાર્ટનર વિશાલ પણ આવે છે, એટલે સવારે આરામ જ છે. મોડા ઉઠીશું અને થોડું દોડવા જઇશ – અથવા નહી જઉં 🙂

અહીં ખાસ લોકો જોવા મળતા નથી. મારો વિસ્તાર ભેંકાર સૂનો છે. આપણને ઘોંઘાટની આદત જે પડી ગઇ છે!

PS: મારી સાયકલ અહીં પ્રદર્શિત થઇ છે: https://www.dotwatcher.cc/feature/push-bikes-of-paris-brest-paris

પેરિસ – ૧

.. એટલે કે લગભગ પેરિસ જોડે જ કહેવાય. ચાર્લ્સ-દ-ગૉલ એરપોર્ટથી મારું સ્થાન ૭૦-૭૫ કિમી દૂર છે. એટલે કે પેરિસથી પણ ૩૦ કિમી દૂર. એરબીએનબી નો પહેલો અનુભવ લેવાનો હતો અને હોસ્ટ લેડીને ફ્રેંચ સિવાય બીજી કોઇ ભાષા આવડતી નથી એવું તેના સંદેશાઓ ઉપરથી લાગ્યું. જીવનમાં પ્રથમ વખત ગુગલ ટ્રાન્સલેટને આભાર વ્યક્ત કર્યો.

એરપોર્ટથી અખિલેશભાઇ અને સુરત-વડોદરા-અમદાવાદ-વલસાડના રાઇડર્સ જોડે બસમાં આવ્યો અને તેમના સ્થાનથી ટેક્સી કરી મારા સ્થાને જવાનું નક્કી કર્યું. ઉબર બોલાવી તો ઑડી કાર આવી. લો તારે. ઑડીમાં સાયકલનું બોક્સ ન આવ્યું. બેકાર. આવી કાર શું કામની? એટલે સાયકલ ત્યાં જ રાખીને મારા ત્યાં આવ્યો, તો સ્વાગત એક અલમસ્ત કૂતરાથી થયું. રૂમ મકાનના ઉપલા માળે છે, અને મસ્ત નાનકડો છે. હાલ તો ચાલશે પણ પછી વિશાલ આવશે ત્યારે કંઇક સેટિંગ કરવું પડશે. સરસ કોફી અને બ્રેકફાસ્ટ કરીને ત્યાંથી ચાલતો અખિલેશભાઇને ત્યાં ગયો. મારી સાયકલ લઇ જવા અંગે કંઇ ગેરસમજ થઇ તો તે ત્યાં જ પડી રહેલી અને સારું થયું કે કોઇ ઉઠાવી ન ગયું. જે હોય તે. સાયકલ એસેમ્બલ કરી અને ત્યાંથી ડિકાથલોન ગયા. થોડી બિનજરૂરી શોપિંગ કરી અને પૈસા ઉડાવ્યા પણ તે પહેલાં ટ્રેઇલની મજા લીધી.

ત્યાં એક રાઇડરને ટચવુડ થયું ને જરાક માટે મોટો અકસ્માત થતાં રહી ગયો. હવે, ત્યાંથી અમારા સ્ટાર્ટ પોઇન્ટ રેમ્બૂલે જવાનું હતું, પણ અમે રસ્તામાં બહુ ગોથા ખાધા. ઢગલાબંધ વખત ખોવાઇ ગયા. મારો ફોન પણ બંધ થઇ ગયો અને એ પણ કન્ફ્યુઝ હતો. છેવટે, હોટેલ પાછા ગયા અને ફોન ચાર્જ કરી અને મસ્ત કોફી-થેપલાની મઝા લઇ હું પાછો ટ્રેઇલનો આનંદ માણી મારા ત્યાં પાછો આવ્યો તો ત્યાં સ્વાગત બે કૂતરાંથી થયું. એક બિલાડી પણ છે એવું જાણવા મળ્યું અને ઢગલાબંધ પક્ષીઓ પણ છે. આખા ઘરમાં એક ઘરડા બેન એકલાં. છોકરા-છોકરી ક્યાંક બીજે સેટ થયા છે એવું લાગ્યું.

હવે કાલે સવારે મારો ફ્રેંચ મિત્ર GPX મોકલશે તેના પરથી રાઇડ કરવાનો પ્લાન છે. અથવા રેમ્બૂલે જઇ આવીશું. પીબીપી પહેલાં બહુ સાહસ કરવું નથી. થોડીક કસરત ચાલુ રહે એ બરાબર છે. સાયકલનું ટેસ્ટિંગ આજે બરાબર થયું છે, કાલે ફરીથી ચેક કરી અને બધાં નટ-બોલ્ટ બરાબર છે, તે જોઇ લઇશ.

અહીં ૯.૩૦ સુધી અજવાળું રહે છે. ઠંડી પણ રાત્રે મસ્ત હોય છે. અને હા, અંધારુ થાય ત્યારે જોરદાર હોય છે. ઓફ-હાઇવેના રોડ પર જ અમારા ૧૨૦૦ કિમી છે, એટલે એવા ડાર્ક અંધારામાં જે મજા આવે એની વાત જ અલગ છે.

મર્સી – આ શબ્દથી જીવન અહીં સરસ રીતે ચાલે છે. પણ, આખરે જીવનમાં મર્સી સિવાય પણ શું મહત્વનું છે? આજે કેટલાય નવા રાઇડર્સની ઓળખાય થઇ. બધાં જ ખેરખાં, જોરદાર અને મઝાના માણસો. સાયકલિંગ મારા જીવનમાં આવેલી ખરેખર અદ્ભૂત વસ્તુ છે.

હા – હાલ તો કોકી, કવિન, કેટ અને કેક્ટસની ખોટ છે!

પેકિંગ

જીવનમાં પ્રથમ વખત એકદમ એરલાઇન્સની આડોડાઇને અડે એવો લગેજ થયો છે. એ લોકોને અકાળે કોઇ અબુદ્ધિ (એમ તો અબુદ્ધિ જેવો કોઇ શબ્દ નથી પણ પ્રાસ બેસાડવા માટે મૂક્યો છે, એ ભાષાવિજ્ઞાનીઓએ ધ્યાનમાં લેવું!) ન સૂઝે એવી એવિએશન ભગવાનને પ્રાર્થના છે. જુઓ ચઢતા ક્રમમાં અમારી પ્રગતિ.

૧. સાયકલ સર્વિસ. થેન્ક્સ ટુ માસ્ટરમાઇન્ડ. નવા ટાયર-ટ્યુબ, નવી બાર ટેપ (ઓરેન્જ!), નવા કેબલ્સ, નવા પુલી, નવી ગોલ્ડન ચેન, નવાં બ્રેકપેડ, નવું બોટમ બ્રેકેટ! અને, હા નવો ટોર્ક રેંચ અને એલન કી સેટ પણ ખરો. ફેન્સી પંકચર કીટ પણ!

૨. પેકિંગ શરૂ.

૩. પેકિંગ અડધે રસ્તે.

અડધો રસ્તે..

૪. પેકિંગ પૂર્ણ. પણ, એ પહેલા બે-ત્રણ ટી-શર્ટ, જેલ્સ વગેરેનો ભોગ આપી સીધાં ચઢાણો ચડવા પડ્યા. હેન્ડ બેગનું વજન ચેક-ઇન લગેજ કરતા વધુ થાય છે :/

સાયકલ ફ્લાઇટમાં લઇ જવાનો પ્રથમ અનુભવ છે, જે સારો હશે એવી અમારી આશા છે. હવે, અમે સ્વપ્નસિદ્ધિની શોધમાં છીએ..

અપડેટ્સ – ૨૨૯

બેકસ્ટ્રોક માટે તૈયાર છે, કવિન!

ફરીથી, લોંગ ટાઇમ, નો અપડેટ્સ! પણ, એકંદરે અપડેટ્સમાં કંઇ ખાસ ભલીવાર નથી. પીબીપીને ૧૮ દિવસ બાકી છે અને હજુ ઘણી બધી વસ્તુઓનો મેળ પડ્યો નથી. સાયકલ કેવી રીતે પેક કરવી, એરપોર્ટથી એરબીએનબી સુધીનું ટ્રાવેલ, ડ્રોપ બેગ, બેગ પેક (જૂની બેગ હવે નાની પડે છે અને ચેક-ઇન સામાન બને એટલો ઓછો રાખવો છે) અને પરચૂરણ વસ્તુઓ – હજુ બાકી છે. ચડ્ડી-બંડી લેવાઇ ગયા છે એટલે વાંધો નથી. સાયકલની એક બેગ પણ લઇ લીધી છે. લાઇટ્સ પણ બરોબર છે. જેકેટ-કપડાં પણ તૈયાર છે. બાકીનો સામાન પેરિસ જઇને લેવાઇ જશે. હા, પૈસાનો બંદોબસ્ત બાકી છે 😀

પીબીપી પછી પણ આગલા ત્રણ મહિનાઓમાં બહુ ટ્રાવેલ છે. એક રીતે કંટાળી જવાય પણ વિવિધ દેશોની મુલાકાતો, ત્યાંનું ફૂડ, સંસ્કૃતિ, નવી જગ્યાઓ, નવા અનુભવો મજા કરાવી દે. પીબીપી એ થકાવી નાખે અને ચેલેન્જ છે – પણ ત્યાંનો અનુભવ લેવો એ જ મજાની વસ્તુ છે, એટલે આ બ્લોગ અને સોશિયલ મિડિયાઓમાં મારી પોસ્ટ-ફોટાઓથી કાળો કેર વર્તાશે એ ચેતવણી આપું છું!

બીજી અપડ્ટેસમાં કવિન તેની પ્રથમ સ્વિમિંગ સ્પર્ધામાં રહ્યો હતો. તેને ખબર પડીકે સ્વિમિંગ કોને કહેવાય. હવે બરોબર મહેનત કરશે 🙂

અને હા, safe-cycling.in – મારો એક પ્રોજેક્ટ છે, જે સાયકલિંગ કોમ્યુનિટીમાં સાયકલિંગને સલામત કેવી રીતે બનાવવું તેનો એક પ્રયત્ન છે. આ માટે પહેલો સેમિનાર રવિવારે રાખ્યો છે. તેનો પ્રતિસાદ કેવો મળે છે તેના પરથી આગલું કદમ ઉઠાવવામાં આવશે. પીબીપીના અનુભવો પ્રમાણે તેને ટ્યુન કરાશે.