લોકડાઉન વધુ લંબાવાયું છે, પણ લોકો રામભરોસે છે. આઉટડોર સાયકલિંગ હજુ બંધ જ રાખવામાં આવશે, કારણ કે, રેઇન ઇઝ કમિંગ!
મહત્વના અપડેટ્સમાં જોઇએ તો, મે મહિનો ભારે રહ્યો છે, ખાસ કરીને સાયકલિંગમાં. લોકડાઉન દરમિયાન (માર્ચ ૧૦ પછીથી અત્યાર સુધી) કુલ ૧૨૭ કલાક સાયકલિંગ, ૨૬૮૭ કિમી અંતર, ૪૯૦૮૦ મીટર ઉંચાઇ (એલિવેશન ગેઇન) અને ૫૩,૭૯૪ કેલરી બાળવામાં આવી છે. એટલે, ટૂંકમાં, લોકડાઉનમાં ઢગલાબંધ વાનગીઓ ઝાપટવા છતાં અમારા વજનમાં જરાય વધારો થયો નથી, ઉલ્ટાનો ઘટાડો થયો છે. એટલે, આવતા બે અઠવાડિયા થોડું ઓછું સાયકલિંગ કરાશે. જોકે એવી કોઇ ગેરંટી નથી 😉 છેલ્લાં અપડેટમાં લખ્યું હતું તે ચેલેન્જમાં હું પહેલો આવ્યો છું. ઓફિશિઅલી, વેબસાઇટ પર પરિણામ મૂકાયું નથી!
કવિનની ઓનલાઇન સ્કૂલ આ અઠવાડિયે શરૂ થશે. ઝૂમ પર ક્લાસ ચાલશે અને છોકરાંઓનો ત્રણ મહિના પછી જીવ નીકળશે એવું લાગે છે. જોકે બીજો કોઇ વિકલ્પ નથી અને મારા મત પ્રમાણે આવી સ્થિતિમાં એડજસ્ટમેન્ટ જ જીવન છે. લોકોને જોકે આ પણ નથી ગમ્યું, અને વિરોધ કરવા ખાતર વિરોધ ચાલુ રાખ્યો છે.
અને હા, એક પણ નવી વેબસીરીઝ કે મુવી પણ જોયા નથી. સ્ક્રોલ કરીને ફટાફટ ટાઇમપાસ કર્યો છે. મહાભારત દરરોજ રાત્રે નિયમિત સહકુટુંબ (યુટ્યુબ!) જોવાય છે, એટલું જ.