- છેલ્લી સહ્યાદ્રિ ક્લાસિક ૨૦૨૧ રેસમાં લખ્યું હતું તેમ, આ રેસ નવેમ્બર-ડિસેમ્બરમાં થાય છે. કોરોનાને કારણે તે જાન્યુઆરીમાં થઇ અને સેકન્ડ વેવ પછી હવે આ વર્ષે રેસ ફરીથી આ જ વર્ષે થવાનું પ્લાનિંગ હતું. આ વખતે રજીસ્ટ્રેશન સમૂહમાં કરાવ્યું અને ૧૦ ટકા ફાયદો મેળવ્યો.
- શુક્રવારે અહીંથી ગાડીમાં થોડા મોડા નીકળ્યા અને લંચ વગેરે કરીને વાઇ પહોંચ્યા ત્યારે બપોર થઇ ગઇ હતી. ફટાફટ ફોર્માલિટી પૂરી કરી, બીબ નંબર લીધો અને હોટેલ પર આરામ કર્યો. રેસ પહેલા અમારું સ્ટાન્ડર્ડ ડિનર એટલે દાળ-ખિચડી! સદ્ભાગ્યે, દાળ-ખિચડી સારી હતી. નહીંતર આ બાજુ, મરચું એટલે દે દામોદર દાળમાં પાણી રીતે નાંખવામાં આવે છે!
- આ વખતે અમારો ફેવરિટ આમ્બરનેલી ઘાટ નહોતો એટલે તેની કમી પૂરી કરવા માટે આ રીતે રેસ યોજવામાં આવી હતી: ૧. પરસની (વાઇથી પંચગની), ૨. ત્યાંથી ડાબી બાજુ ભિલાર તરફ જવાનું, ૩. ભિલારથી મેઢા ગામની તળેટીમાં, ૪. ત્યાંથી પાછા ભિલાર ઘાટ ચડીને આવવાનું. ૫. ફરી પાછું નીચે ઉતરવાનું, ૬. ત્યાંથી ૧૦ કિમી દૂર મેઢા ઘાટની તળેટીમાં (કેલઘર ગામ) જવાનું અને ઘાટ ચડવાનો, ૭. ત્યાંથી મહાબળેશ્વર થી તપોલા નીચે જવાનું, ૮. તપોલા ઘાટ ચડીને પાછા મહાબળેશ્વર, ૯. ત્યાંથી મેઢા ઘાટની તળેટીમાં કેલઘર સુધી અને છેલ્લે, ૧૦. મેઢા ઘાટ ફરીથી ચડીને પાછા મહાબળેશ્વર! એટલે કે આ વખતે તપોલા બે વારની જગ્યાએ એક વાર હતો. તપોલાનો રસ્તો ખરાબ હતો એવું અમને એડવાન્સમાં કહેવામાં આવ્યું હતું. અને આમ્બરનેલીનો રસ્તો તો સંપૂર્ણ તૂટી જવાથી તેના પર સાયકલ ચલાવી શકાય તેમ હતું જ નહી!
- રેસ સવારે ૫.૦૫ વાગે શરૂ થઇ અને પસરની ઘાટ આરામથી પૂરો કર્યો. આ ઘાટ ૧૦ કિમીનો છે પણ, એકંદરે સરસ રસ્તો અને થોડો મુશ્કેલ છે. ત્યાંથી ભિલાર તરફનો રસ્તો ખાડા અને કૂતરાઓથી ભરેલો હતો! પણ, એકદમ સરસ! તેમાં નીચે જવામાં પણ ચડાણ આવે છે. ત્યાં હબ પર થોડો નાસ્તો કર્યા પછી ભિલારનો રસ્તો એકદમ સરસ, સિવાય કે વચ્ચે-વચ્ચે થોડા ખાડા-ખરાબા. તળેટીમાં જઇ થોડો ટાઇમપાસ કર્યા પછી ઘાટ ચડવાનો શરૂ કર્યો. મજા આવી. ત્યાંથી હબ પર બહુ સમય ન વેડફ્યો અને પાછા નીચે આવ્યા. મારી જોડે ગોઆમાં ઓળખાણ થયેલો રાઇડર સતિષ પાટીલ હતો. ત્યાંથી કેલઘર જવાનો રસ્તો પણ સારો છે. બાંધકામ પ્રવૃત્તિઓ ચાલતી હતી એટલે આશા રાખીએ કે હજુ વધુ સારો રસ્તો બને. કેલઘરથી પણ ઘાટ ચડવામાં જરાય વાંધો ન આવ્યો અને આરામથી મહાબળેશ્વર હબ પહોંચ્યા. હવે બે ઘાટ બાકી હતા. અહીં થોડો વધુ પડતો ટાઇમપાસ થયો જે અમને પછી ભારે પડવાનો હતો.
- તપોલાનો રસ્તો શરુથી ખરાબ હતો પણ સદ્ભાગ્યે થોડા-થોડા અંતરે સારો રસ્તો મળી જતો હતો. તપોલા મારો સૌથી પ્રિય ઘાટ છે. કારણ? ૨૫ કિમી લાંબો ઘાટ! તેને મહારાષ્ટ્રનું કાશ્મીર કહેવાય છે (જે થોડું વધું પડતું છે, પણ સરસ જગ્યા છે!).

- તપોલા નીચે પહોંચ્યા ત્યારે અમારી પાસે પૂરતો સમય હતો અને બે ઘાટ બાકી હતા. તો, થોડો નાસ્તો કર્યો અને આરામથી ઘાટ ચડવાનું શરુ કર્યું. પાંચ કિમી ગયા પછી મને ખબર પડી કે હેલ્મેટ તો પહેર્યું જ નથી અને તે હું કદાચ કંટ્રોલની બાજુ વાળી હોટેલમાં ભૂલી ગયો છું
મને તો ઠીક, મારી જોડે રાઇડ કરતા કે સામેથી નીચે આવતા લોકોએ પણ મને કંઇ ન કહ્યું! કદાચ બધાં રેસિંગ માઇન્ડ ઝોનમાં હશે? 🙂 જે હોય તે, પાંચ કિમી નીચે આવવામાં પણ ચડાણ હતું અને પાંચ કિમી ફરીથી વધારાનું અંતર ચડાવવું પડ્યું. આ ૩૦ મિનીટ અમને પડવાના હતા ભારે!
- તપોલા પાછા આવ્યા પછી હેલ્મેટ લીધું અને સાયકલ ભગાવી, હા ખરેખર જોશથી ભગાવી. તપોલા ઘાટમાં આજુ-બાજુ ક્યાંય જોયા વગર! લા મેરેડિયન હોટલ કંટ્રોલ પર પહોંચ્યો ત્યારે મારે પાસે મેઢા ઘાટ નીચે ઉતરવા અને ફરી ચડવા માટે ૨ કલાક હતા. કારણ કે, આ રેસમાં રેકિંગ તમારા ઘાટના ક્લામ્બિંગ સમય પર આવે તો પણ આખી રેસ ૧૪ કલાકમાં તો પૂરી કરવી જ પડે એટલે કે સાંજે ૭ વાગ્યા પહેલા!
- હવે, પાણીની બોટલ ભરીને સાયકલ ભગાવી મેઢા ઘાટ ઉતારવા માટે. સદ્ભાગ્યે સરસ રસ્તો હતો (આ એજ ઘાટ હતો, જ્યાં ૬૦૦ બીઆરએમમાં અમારી વાટ લાગતી હતી!). એટલે લગભગ ૩૯ મિનિટમાં ૧૭ કિમીનો ઘાટ (+ ન્યૂટ્રલ ઝોનનું અંતર, તેના પહેલા) ઉતાર્યો. રસ્તામાં જેમનાથી હું ક્યાંય આગળ હતો એ લોકો મળતા જતા હતા અને તેમને ઉત્સાહિત કરતો હું નીચે પહોંચ્યો ત્યારે મારી પાસે ૧ કલાક ૧૫ મિનિટનો સમય બાકી હતો – ૧૭ કિમીનો ઘાટ પૂરો કરવા માટે!
- આ વખતે હું ખરેખર જાન હથેલી પર રાખીને સાયકલ ચલાવતો હતો. એક બાજુ વધુ પડતો પ્રયત્ન ન કરાય (કારણ કે તેનાથી મસલ્સ પુલ થઇ જવાની શક્યતા હતી) અને બીજી તરફ ધીમા પણ ન પડાય. સંપૂર્ણ બેલેન્સ રાખીને સાયકલ ચલાવી અને છેલ્લા ૫ કિમીનું માર્ક જોયું ત્યારે અંધારુ તો ઘોર થઇ ગયું હતું. રસ્તામાં કેટલાય સાપ, દેડકાં અને અન્ય નાના પ્રાણીઓ જોતો-જોતો છેલ્લા બે કિમીનું અંતર મારામાં હતી એટલી તાકાતથી ફિનીશ લાઇન પાર કરી ત્યારે મારી પાસે ૧ મિનિટ બાકી હતી!!
- જીવ આવ્યો અને હજુ બીજા ૨ કિમી હબ તરફ જવાના હતા. એ પહેલાં પાણી પીધું અને મારા હ્દ્યને “આભાર” કહ્યું. એક સરસ રેસ પૂરી થઇ. મળીશું મેઢા ઘાટ આવતા વર્ષે કે એ પહેલાં પણ કદાચ!!
અને હા, આ પણ જુઓ: