ફટાકડા – ૨

* અમે ધાર્યું હતું તેમ, ફટાકડા ન ફોડવાનો સંકલ્પ એકાદ દિવસ ચાલ્યો. પછી છેલ્લે છેલ્લે માળિયાંની સાફ-સફાઇ કરતાં તેમાંથી ગયા વર્ષના વધેલા ફટાકડાઓ મળ્યા એટલે કવિને એક દિવસે તે ફોડ્યા અને પછી પોકેમોન કાર્ડ્સના બજેટમાંથી અડધાનો ખર્ચ ફટાકડામાં કરવામાં આવ્યો (એને પ્લાન બી કહેવાય?) 🙂

IMG_20171019_124546_710
.. અને લાગે છે કે સદામ હજુ પણ લોકપ્રિય છે 🙂

અપડેટ્સ – ૧૮૭

* છેલ્લું અઠવાડિયું કંઇ ન કર્યું છતાંય વ્યસ્ત રહ્યો (લો બોલો!). કારણ કે, કવિન ઇઝ બેક. અને આ વખતે પણ લેગ. એટલે કે ગામમાં પગે કંઇક વાગ્યું અને પછી તે પાક્યું. એટલે, પછી ડોક્ટરની મુલાકાતો હજુ ચાલુ છે (હવે ઠીક છે, પણ આરામ છે). તેની દોડમ-દોડી તો ચાલુ જ છે. રમવા ન જાય તો ઘરને મેદાન બનાવવા માટે તેને કહેવું ન પડે.

* ત્રણ દિવસમાં ત્રણ ફિલમો જોઇ કાઢી. જો જીતા વોહી સિકંદર, સરફરોશ અને ભૂત. ભૂત પહેલીવાર જોઇ. સરસ છે, હજી સુધી તો ડરી જવાયું નથી!

* રનિંગ વ્યવસ્થિત ચાલ્યું, પણ સાયકલિંગમાં ડચકાં ખાધાં. વિચાર આવે છે કે, ટ્રાયથલોન એથ્લેટ્સ કેવી રીતે બેલેન્સ કરતાં હશે?

* બાકી શાંતિ છે! 🙂

ભ ભમરડાનો ભ

ટીચર: ભ એટલે ભમરડાનો ભ.

કવિન: ભમરડાને અંગ્રેજીમાં ‘બે બ્લેડ’ કહેવાય.

અમે: LoL

PS: ભમરડો, top વગેરે.

પહેલી ગુગલ શોધ

… એટલે કે કવિનની ગુગલ સર્ચ

૧. PS 4.
૨. ગોડ ઓફ વોર.

હવે ખબર નહી કે કોણે તેને ગુગલમાં સર્ચ કરતાં શીખવાડ્યું, પણ હવે મારે ધ્યાન રાખવું પડશે (ખોટું બોલતા પહેલાં) 😉

અપડેટ્સ – ૧૪૧

* છેલ્લી અપડેટ્સ પછી ઘણી બધી ઘટનાઓ બની ગઇ. ના, રાજકારણમાં બનેલી ઘટનાઓની વાત નથી.

* સૌથી પહેલી ઘટના. વોટરપાર્કનો પ્લાન કર્યો. પ્લાન કેન્સલ કર્યો પછી છેલ્લી ઘડીએ પ્લાન બનાવ્યો અને મજા આવી ગઇ. કવિનને વધારે મજા આવી અને અમે આરામથી પાણીમાં પલળ્યા. જોકે ભયંકર રીતે થાકી ગયા અને નક્કી કર્યું કે હવે એસ્લેલ વર્લ્ડ જવું, પણ વોટરકિંગડમના નામે ચોકડી.

* બીજી ઘટના. વોટર કિંગડમમાંથી આવ્યા પછી એવો પ્લાન હતો કે રાત્રે શિવાજી પાર્ક દોડવા જવું. પ્રીતિનો આગ્રહ હતો અને પ્રણવભાઇની સાથે દોડવાનો મોકો ગુમાવવો નહોતો એટલે વોટર કિંગડમનો થાક હોવા છતાં છેક દાદર શિવાજી પાર્ક પહોંચી ગયા. ૧૦ કિલોમીટર બાદ થોડો આરામ કર્યો અને પછી થયું કે ચાલો દોડીએ. કુલ ૨૦ કિલોમીટર આરામથી પાંચેક કલાકમાં દોડવામાં આવ્યું. ૪.૩૦ વાગે ટેક્સી પકડી બધાંને રસ્તાં મૂકતો-મૂકતો ઘરે આવ્યો. રસ્તામાં ટેક્સી ડ્રાઇવર સરસ ઝોકું ખાતો જોયો અને જો જરાક મોડી બૂમ પાડી હોત તો આ અપડેટ્સ કદાચ લખાઇ ન હોત. અમે બન્ને જણાંએ સીટ-બેલ્ટ નહોતો પહેર્યો!

* ત્રીજી (દુ)ઘટના. કવિનને શુક્રવારે ઢીંચણમાં બોલ વાગ્યો (કે પછી એવું તે કહે છે). બે દિવસ થોડો સોજો હતો પણ તે ચાલી શકતો હતો એટલે અમે વોટરકિંગડમ ગયા અને બીજા દિવસે સંબંધીઓને મળવા છેક નાલાસોપારા પણ ગયા. ત્યાં સુધીતો એ ઠીક હતો. લોકલ ડોક્ટરને બતાવ્યું તો એકાદ દિવસ રાહ જોવાનું કહ્યું. કાલે સાંજે મારાથી રહેવાયું નહી અને ઓર્થોપેડિક ડોક્ટરને બતાવતા નાનકડું ફ્રેકચર નીકળ્યું. થોડું મોડું ક્યું હોત તો તકલીફ થવાની શક્યતા હતી. હવે અમારે ૨૧ દિવસ આરામ છે.

ફ્રેકચર!

બાકી, શાંતિ છે 🙂

અપડેટ્સ-૧૩૯

* એમ તો અમે ક્યારનાય પાછાં આવી ગયા પણ કામ-કાજ અને પછી આપણા આ મહાન ઇન્ટરનેટ રીલાયન્સે બધું બગાડ્યું. આજે સવારે ધમકી આપી કે અનિલ મારી જોડે દોડવા આવે છે, તેને વાત કરું? ચમત્કાર. ઇન્ટરનેટ ચાલુ!

* ચાર દિવસનું વેકેશન ક્યાં આવ્યું ને ક્યાં ગયું તે ખબર ન પડી.

* વેકેશન અહેવાલ:

રાત્રે અરાવલી એક્સપ્રેસમાં જવા નીકળ્યા. કવિનને એક સીટ ઉપરથી બીજી સીટ પર કૂદકાંઓ મારવાની મજા આવી અને અમને તેને જોઇને મજા આવી.

ડોકિયાં અને જીભડાં કરતો કવિન IMG_20140517_063407

બીજાં દિવસે આરામ હી રામ. પણ, સાંજે બાજુમાં આવેલા ગામે ચાલતાં ગયા. મજા આવી.

આરામ

ત્રીજા દિવસે ગબ્બર-અંબાજી જવાનું ગોઠવવામાં આવ્યું. પ્લાન હતો કે ગબ્બર ચડીને જવું અને રોપ-વેમાં ઉતરવું પણ, કવિનને પગથિયાંની મજા લેવી હતી એટલે એની જોડે નીચે મજાથી ઉતરવામાં આવ્યું. રોપ-વેમાંથી મારો અને કવિનનો ફોટો સરસ આવ્યો છે, જે થોડા દિવસ પછી મને મળશે (કેમેરા અત્યારે કોકી-કવિન પાસે છે).

પગથિયાં ઉતરતો કવિન.. પહાડી કાચિંડો

અંબાજી પછી નજીકમાં આવેલાં મોકેશ્વર ડેમ પર ગયા. બપોર થઇ ગઇ હોવાથી કંઇ ખાસ મજા ન આવી. ચોમાસાંમાં મજા આવી જાય એવી જગ્યા છે (એવું અનુમાન કરું છું).

મોકેશ્વર ડેમ મોકેશ્વર તળાવ

રસ્તામાં મારા ફેવરિટ (એક સમયે?) ગુંદા ખાધાં.

ગુંદા

PS: અમારી યાત્રા અધુરી રહી!!

PS: અમારી યાત્રા અધુરી રહી.

ચોથો દિવસ અમદાવાદ ખાતે. સૌથી પહેલા ફાલસાનો જ્યુશ પીધો.

ફાલસાનો જ્યુશ

નયનામાસીને મળવા માટે ચંદ્રપુરી ગયો (અમદાવાદમાં જ છે :)), અને ત્યાંથી ઇશિતા જોડે “ડીકાથલોન” (સાચો ઉચ્ચાર)માં જવાનો પ્લાન બનાવેલો. પણ, મારી પાસે હજી સમય હતો એટલે નક્કી કર્યું કે ટાઇમપાસ કરવા (અને ગરમીથી બચવા) માટે કોઇ મુવી જોવા જઇ શકાય એટલે પછી મિલિયન ડોલર આર્મ જોવામાં આવ્યું. જે સરસ મુવી છે. ત્યારબાદ પેલાં ડીકાથલોનમાં ગયા. દુર્ભાગ્યે, ત્યાં દરેક વસ્તુઓ પર ભયંકર ધૂળ લાગેલી હતી. કવિન માટે સાયકલ લાઇટ, એક ધૂળ વાળી ટી-શર્ટ લીધી. બિલ્ડિંગ બનાવવું હોય તો જે તે પ્રદેશનું વાતાવરણ જોઇને બનાવાય એ વાત ડીકાથલોન વાળાને સમજાઇ લાગતી નથી! (અને અમદાવાદમાં બિલ્ડિંગ ઉપર કાચ લગાવવાવાળાઓને પણ) ત્યાંથી મારે કોનારકને મળવાનું હતું. GSoC વિશે થોડી ચર્ચા કરી. લાઇમ સોડા પીધો અને ત્યાંથી આપણા ફેવરિટ દર્શિતભાઇની મુલાકાત કરવાની હતી (મારોબગીચો.કોમ વાળા!). તેમને HL આગળ મળ્યો. નક્કી થયું કે ટોમેટોસ્ માં જઇને બેસીએ પણ, અલાસ, એ તો બંધ હતી એટલે પછી પાછાં આવી કોલ્ડ કોકો પીધો અને ત્યાંથી મારે મણીનગર જવાનું હતું એટલે વાત-ચીતનો દોર ગાડીની ૪૫ મિનિટમાં જમાવ્યો. તેમનાં વિશે વધુ જાણ્યું. મારા વિશે તો કંઇ ખાસ વાત કરવાની હતી જ નહી.

કોલ્ડ કોકો

મણિનગર પહોંચીને ખબર પડીકે મોદી ત્યાં આવવાના છે. થોડીવાર ટીવી પર મોદીને સાંભળ્યા અને પછી ધવલ જોડે ડિનર પતાવી ત્યાંથી કાલુપુર સ્ટેશન. સરસ વેકેશનનો અંત! 🙂

અપડેટ્સ – ૯૪

* સૌથી પહેલા, નવા સ્ટોકની સચિત્ર માહિતી:

પુસ્તકો - જુન ૨૦૧૩

નંબર ૪: કિમ્બલ રેવન્સવૂડ – મધુ રાય.

* ઉપરોક્ત પુસ્તકોની સાથે-સાથે કવિનને એક સરસ ‘સ્કેટ બોર્ડ’ મળ્યું છે. અમારા નીચેના ફ્લેટ વાળાઓએ હજી સુધી બૂમો પાડી નથી. એમની આ સહનશીલતા બદલ તેમનો ધન્યવાદ! 😉

* મસ્ત વરસાદ ચાલુ છે. રવિવારના સવારના બે ભવ્ય કાર્યક્રમો મોકૂફ રાખવા પડ્યા હતા. સાંજે સમય કાઢીને અમે ‘યે જવાની હૈ દિવાની’ જોવા ગયા. જિંદગીમાં કરેલી ભૂલોમાંની એક વધુ ભૂલ. મુવી શું કહેવા માંગતું હતું તે ખબર ન પડી 😦 હા, થોડા ડાયલોગ્સ સારા હતા, દુનિયા દર્શન કરાવ્યું. DSLR/કેમેરા દેખાડ્યા. ઉદેપુરનો મહેલ જે અમે ક્યારેય દેખવાના નહોતા, તે બતાવ્યો. પણ, અંતે ભાઇ ભારત પાછા આવ્યા. કરણ જોહર મૂર્દાબાદ! 🙂

* બ્લડી ખૂની મન્ડે!

કાર-બેકાર

* એક હતી કાર..

કાર

.
.
.

જે થઇ બે-કાર.

બેકાર!

એચિવમેન્ટ અનલોક્ડ

* કવિન: ફેક્ચર.

* હું: એકપણ ગુજરાતી ન હોય એવા PG માં.

(અહીં તો ફોટો મૂકવા જેવુંય કશું નથી!)

સિક્રેટ રુમ

* શનિવારે કવિનની સ્કૂલમાં ‘Cleanliness Week’ ના મોડેલ્સનું પ્રદર્શન હતું એ માટે ગયા હતા. પ્રદર્શન જોયા પછી કવિન મને લોબીમાં ખેંચીને લઇ ગયો.

કવિન: પપ્પા, એક સિક્રેટ રુમ બતાવું?
હું: કયો રુમ? room of requirement?

હેરી પોટરના ચાહકો-વાચકો જ સમજી શકશે. સારું છે, કવિન કંઇ બોલ્યો નહી કારણ કે એને ખબર છે પપ્પા મજાક ઉડાવવા માટે જાણીતા છે.

Where’s my water?

* નોંધ: આ પોસ્ટ હવામાન ખાતાં, સરકાર સામે પરિવર્તન કે રાજકીય સંબંધ ધરાવતી નથી.

Where's my water?

આ પોસ્ટ છે, Where’s my water? નામની એન્ડ્રોઇડ ગેમની. મને અને કવિન બન્નેને આ ગેમ બહુ ગમી ગઇ અને અમે પર્ચેઝ કર્યા પછી આરામથી રમતા હતા. ગઇકાલે બપોરે હું મારા રુમમાં બેઠો હતો, તો ગુગલમાંથી ઇમેલ આવ્યો કે, થેન્ક યુ ફોર પર્ચેઝિંગ Cranky’s Story. 1.99$. ઓહ. મેં તો કંઇ આ ખરીદ્યું નહોતું. અંદરના રુમમાં જઇને જોયું તો કવિન કંઇક આડા-અવળું કરતો લાગ્યો અને, એણે જ Cranky’s Story ઉપાડી હતી. In-app Purchase ની સિસ્ટમનો ફાયદો ડિઝની વાળા આટલી ખરાબ રીતે, ભૂલથી ક્લિક થઇ જાય એ રીતે ઉઠાવશે, તે મને ખબર નહોતી. ખેર, જે થયું તે, Cranky’s Story લેવલ્સ સારા છે, તો અમે રમીએ છીએ 😀

કવિન ક્વોટ્સ

* આજ-કાલ કવિન વિષયક કોઇ પોસ્ટ નથી લખતો એટલે હવે આજે બ્લોગના વાચકોને હેરાન કરવામાં આવશે.

કવિન: મમ્મી, આજે રીક્ષામાંથી ઉતરીને સ્કૂલમાં જતાં હતા ત્યારે ….. ને એક છોકરાએ શું કહ્યું ખબર છે?

મમ્મી: શું?

કવિન: આઇ લવ યુ, …..!!

 

કોકી: ગઇસાલની થોડી રાખડીઓ એમને એમ પડી છે.. (હજી વાત ચાલતી હતી..)

કવિન: મમ્મી, દાંડો પણ પડ્યો છે..

અમે: દાંડો??

કવિન દોડીને ‘દાંડિયો’ લઇને આવ્યો!

😉

અપડેટ્સ – ૫૧

* શુક્રવાર બપોરથી લઈને છેક આજ સવાર સુધી – નેટ બંધ હતું. એટલે કે, અમે બહાર હતા. કોકીના ગામની એક મુલાકાત.

અઢી દિવસમાં આમ તો આરામ કરવાનો જ પ્રોગ્રામ હતો પણ જતી વખતે સરસ મજાનો રસ્તો અને બન્ને બાજુ ખેતરો જોઈને બે દિવસ એવો જ સરસ મજાનો દોડવાનો પ્રોગ્રામ પણ બની ગયો.  એલાર્મ મૂકવાની જરુર જ નહી. મંદિરમાં ૫.૩૦ જેવી આરતી શરુ થાય અને ધાબા પર સરસ ઠંડકમાં સૂતા હોઈએ એટલે આપણે આપમેળે ઉભા થઈ જઈએ. દોડતી વખતે સાથીઓ પણ મળ્યાં. સિંગલ ટ્રેક પર જોકે ગાય-ભેંસ ટ્રાફિક જામ કરતા પણ જોવા મળ્યા ત્યારે થોડી તકલીફ થઈ હતી 🙂 પણ, આ વખતે “ફર્સ્ટ ઈન્ટરવિલેજ રન” કરવામાં આવી 😉

આગલા દિવસે સરસ વરસાદ આવેલો એટલે રાત્રે જાત-જાતનાં જીવ-જંતુઓ જોવા મળ્યા. કેમેરામાં પાડેલા તેના ફોટા બીજે ક્યાંક મૂકીશ. અત્યારે તો અમને આ લાલ જીવડું (કદાચ ડંગ બીટલ છે) બહુ ગમ્યું.

અને, કવિને પણ આટલા દિવસ બહુ જ ધમાલ કાઢી. લાકડી અને ટોર્ચ તેના ખાસ રમકડાં બન્યાં. તેને પણ અમે ખેંચીને ખેતર જોવા લઈ ગયેલા પણ – આ તો જંગલ છે – એમ કહી તેણે સારો એવો કકળાટ કર્યો.

અને હા, દરરોજ ખીચડી-છાસ પેટ માટે અત્યંત સારી. સાથે-સાથે, અડદના વડા અને મીઠાઈઓ પણ ઝાપટવામાં આવી 😉

બબલ્સ

* બબલ્સ એટલે કે સાબુ પાણીના બબલ્સ બધાંને બહુ ગમે. કવિનની આ ફેવરિટ આઈટમ. બજારમાંથી અત્યાર સુધી જાત-જાતનાં બબલ્સ કરવાના ઉપકરણો લીધાં એમાં આ દાદાએ અપાવેલી બબલ્સ ગન એકદમ સરસ નીકળી. એમાં જોડે લાઈટ્સ પ્લસ મ્યુઝિક ઈફેક્ટસ વત્તા બેટ્રી ઓપરેટેડ બબલ્સ સિસ્ટમ પણ ખરી 😀

એમ કંઈ છે નહી પણ, બબલ્સની બોટલમાંથી સાબુનું પાણી પાઈપ વડે ખેંચાય અને પછી મોટર વડે હવા ફૂંકાય એટલે મસ્ત બબલ્સ ઉદ્ભવે. કવિને એક બોટલ તો અડધા કલાકમાં જ પૂરી કરી પછી, સાબુનું પાણી બનાવી તેમાં નાખવાનો પ્રયત્ન પણ કરી ચૂક્યો છે. ગન હતી ન હતી થાય એ પહેલાં તેનો સચિત્ર અહેવાલ લખી દેવો એમાં જ ભલાઈ છે.

અને કવિન ઈન એક્શન!

આજનો બ્લોગ – સા વિદ્યા યા વિમુક્તયે

* આજનો બ્લોગ એટલે, સેજલબેનનો બ્લોગ – સા વિદ્યા યા વિમુક્તયે – તેમનાં હોમસ્કૂલિંગ વિશેના અનુભવો અને એકદમ સરસ પ્રયોગો અને અવનવું શીખવાનો બ્લોગ. તેમનો બ્લોગ થોડા સમય પહેલાં જોયેલો, પછી કાળક્રમે તેના વિશે લખવાનું કે નોંધ લેવાનું ભૂલી ગયેલો અને આજે ફેસબુક પર રજનીભાઈના એક ફોટાની કોમેન્ટ્સ-ચર્ચા પરથી તેમના દ્વારા ફરી મળ્યો. હોમસ્કૂલિંગ એટલે કદાચ મા-બાપ માટે સૌથી અઘરી વસ્તુ છે (હેલ્લો, જયભાઈ!) એ માત્ર મા-બાપને તેમના સંતાનોને હોમવર્ક કરાવતા કેટલી તકલીફ પડે છે એના પરથી ખ્યાલ આવે. સેજલબેનની શીખવવાની પધ્ધતિ જોતા હોમસ્કૂલિંગ તેમનાં સંતાનો માટે સો ટકા ફન બનતું હશે.

કવિનને હોમસ્કૂલિંગ તો શક્ય નથી, પણ બને ત્યાં સુધી તેને કંઈક નવી રીતે શીખવવાનું હવે નક્કી કર્યું છે. આમ પણ, અમે થોડી ટેકનિક તો અપનાવીએ છીએ, પણ કદાચ હજી થોડો મોટો (૧લા ધોરણ પછી) થાય તો અમારું કંઈક સાંભળે પણ ખરો. અત્યારે તેની મસ્તી અને અમારા બૂમ-બરાડા સિવાય અમારુ કોમ્યુનિકેશન નબળું છે 🙂 (હા, કોઈક વાર સાંભળે છે, પ્રશ્નો પૂછે છે, અમને કન્ફયુઝ કરે છે અને કોઈક વાર અમને પણ ચક્કર આવે એવા સંવાદોની આપ-લે થાય છે – એ એક્સ્ટ્રા).

હા, સેજલબેનનો બ્લોગ – બ્લોગરોલ, ગુગલ રીડર કે ફીડ રીડરમાં ઉમેરી લેજો!