આજનું સત્ય

તમામ તસવીરો ગુગલ-નેટ પરથી લીધેલ છે

.. આવું લખાણ બ્લોગની લગભગ દરેક પોસ્ટ પર લખતાં લોકોને ખબર નથી કે તેમનું ‘લખાણ પણ નેટ પરથી લીધેલ છે’ એવું અમને ખબર છે! :D

અપડેટ્સ – ૮૮

* આ અઠવાડિયાંનો બોધપાઠ: ગમે તેટલી સાવધાની રાખો, ગમે તેટલા પૈસા આપો કે ગમે તેટલું ધ્યાન રાખો – સામાન ફેરવવાનું કામ એ માથાકૂટ ભર્યું છે!

* વર્ષો પછી બસમાં લાંબી લચક મુસાફરી કરવામાં આવી (રહી છે!). ગમે તેટલી પ્રગતિ થાય, પણ આ ટ્રાવેલ્સવાળાઓ એવાં જ છે. આ અઠવાડિયામાં કુલ ૩૦૦૦ કિલોમીટરની આસપાસની મુસાફરી ટ્રેન-બસ દ્વારા કરવામાં આવી. હવે જોઇએ છીએ કે આવતા અઠવાડિયામાં બીજી ૧૦૦૦ કિલોમીટરની મુસાફરી આવે છે કે નહી – આશા રાખીએ કે આવી જ જાય! :)

* વજનમાં ૧.૫ કિલોનો વધારો!!

જ્યારે અમે નાના હતાં – ૧૫

*  જ્યારે અમે નાના હતાં સીરીઝ ક્યારે પૂરી થશે? ક્યારેય નહી, કારણ કે અમે અત્યારે છીએ એનાં કરતાં તો ગઇકાલે નાના જ કહેવાઇએ ને? ;) વેલ, શરુ કરીએ મુંબઇ ગમનથી. મુંબઇ આવવાનું અચાનક નક્કી થયું, પણ મનમાં એક ઉત્સાહ હતો કે મુંબઇ જઇને પ્રોજેક્ટ કરીશું અને પછી અમદાવાદ પાછાં આવી જઇશું. જાન્યુઆરી ૨૦૦૪ના અંતમાં (કદાચ ૩૦ તારીખ હતી. એને શહીદ દિવસ ગણાય છે?) હું ગુજરાત એક્સપ્રેસમાં બેસી બોરીવલી સ્ટેશને ઉતર્યો. પપ્પા સ્ટેશને લેવા આવેલા અને ત્યાં અમારે રહેવાનું હતું તે જગ્યા રહી શકાય તેવી હતી પણ પ્રોબ્લેમ હતો કે એ એક કારખાનું (હીરાનું) હતું અને મારી ઇન્ટર્નશીપ રાત્રે હતી, એટલે કે દિવસે મારે સતત અવાજ વચ્ચે ઉંઘવાનું હતું. હોસ્ટેલમાં આરામથી ઉંઘ્યા પછી, અહીં અવાજમાં રાતની પણ ઉંઘ ન મળે તો શું થાય? એક વાતે સુખ હતું કે મારું કામ લિનક્સ લોકલાઇઝેશનનું હતું – જે બીજા બધાંથી એ વખતે અલગ હતું એટલે ઉંઘ અને ભયંકર ટીફીન અવગણી મેં ધ્યાન એના પર જ આપ્યું. પહેલાં મહિનામાં જ જોકે હું થાકી ગયો અને મને મોઢામાં ભયંકર ચાંદા પડવાનાં ચાલુ થયા. અમે દરેક ઉપાયો કર્યા પણ કદાચ અપૂરતી ઉંઘ અને વ્યવસ્થિત ન મળતો ખોરાક હતો. એ વખતે મારી પાસે બીજો કોઇ ઉપાય નહોતો. તો જેમ-તેમ જીવન ચાલતું હતું.

અને હા, મુંબઇ આવ્યો ત્યારે મને ઇસ્ટ-વેસ્ટ એટલે શું? એ પણ ખબર નહોતી. જન્મેશને બીજા જ દિવસે મળવા ગયેલો અને પછી થોડા દિવસ પછી અમે ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ – ૩ જોવા ગયેલા તે મુવી મુંબઇમાં કેટલાય મહિનાઓ સુધીનું મારું થિએટરમાં જોયેલું એકમાત્ર મુવી બની રહેવાનું હતું. કારણ કે, જન્મેશ પણ પંદરેક દિવસ પછી હૈદરાબાદ શિફ્ટ થઇ જવાનો હતો.

ફેબ્રુઆરી અને માર્ચ મેં જેમ-તેમ કાઢ્યા. માર્ચ પછી ગરમી પડવાની શરુ થઇ અને મારી ઉંઘવાની જગ્યા અસહ્ય બની. એક બીજા સંબંધીના ઘરે પ્રયત્ન કર્યો પણ ત્યાં પણ મજા ન આવી (કેમ ન આવી? જો ગરમીમાં પંખા વગર ઉંઘવાનું હોય તો ત્યાં જવાનો ફાયદો શું?). દિવસે ઉંઘ ન આવે ત્યારે હું છાપું વાંચીને કે પછી આમ-તેમ રખડપટ્ટી કરી સમય પસાર કરતો. એ વખતે ખરેખર શું કરવું એ પ્રશ્ન હતો. એક ખાલી રવિવારે મજા આવતી, કારણકે હું અને પપ્પા દર વખતે નવી-નવી જગ્યાએ ફરવા જતા. કદાચ મુંબઇની મોટાભાગની ફેમસ જગ્યાએ એ સમયગાળામાં જ જોઇ કાઢી. થોડા સમય પછી ખબર પડી કે એક જગ્યાએ કોઇ છોકરી જોવા માટે જવાનું છે. એમ તો મને કોઇ પસંદ કરે એવી કોઇ આશા-અપેક્ષા નહોતી (ના, આ નામની છોકરીઓએ મને રીજેક્ટ નહોતો કરેલો!), એટલે જોવા જવાનું તો ઠીક મને એ સાંજે ચોપાટી જવાનું છે એ વાતનો વધુ ઉત્સાહ હતો.

ક્રમશ:

દોડવાનું કઇ રીતે શરુ કરવું – ૪

ડિસક્લેમર : આ મારા અંગત સૂચનો છે. જરુરી નથી કે આ વડે તમે ૧૦૦ ટકા સલામત હોવ જ.

* આ વખતની પોસ્ટ છે, સલામતી. સેફ્ટી ફર્સ્ટ! અહીં જોકે ચોથી છે, પણ તેથી કંઇ મહત્વની નથી એવું નથી.

કેટલાંક સૂચનો. મોટાભાગે અહીં-તહીંથી લીધેલા, અનુભવે લખેલા અથવા મળેલી ટીપ્સ પરથી.

૧. તમે જે રસ્તે દોડવા જાવ તે રસ્તો ઘરના એકાદ સભ્યને ખબર હોવો જોઇએ. એમને કહી દેવાનું કે હું આટલા સમયમાં પાછો આવીશ. સાથે ફોન રાખવો જેથી બે ફાયદા થાય – સંપર્કમાં રહેવાય વત્તા સંકટ સમયે ગુગલ મેપ્સ વગેરે ઉપયોગ કરીને પાછા ઘરે પહોંચી શકાય ie ભૂલા ન પડાય. જોડે તમારું કોઇ ID કે બિઝનેશ કાર્ડ રાખવું. ઘણાં લોકો બ્લડ ગ્રુપ વાળું કાર્ડ રાખે છે, એ પણ સરસ. સાથે થોડા જ પૈસા વગેરે રાખવા, જેથી વચ્ચેથી પાણી-એનર્જી ડ્રિંક લઇ શકાય, અથવા દોડવાનું અટકાવવું પડે તો રીક્ષા-ટેક્સી કરી શકાય.

૨. ટ્રાફિક બહુ હોય એવો રસ્તો ન લેવો.

૩. અથવા જો ટ્રાફિક હોય એવો રસ્તો હોય તો સામા ટ્રાફિકે રસ્તાની એક બાજુ જ દોડવું. કારણ કે, પાછળથી તમને કોઇ અડાવી જાય એના કરતાં સામેથી આવે તો આપણે ચેતી શકીએ. પણ, આ દેશમાં રોંગ સાઇડ પર વાહન ચલાવવું એ જન્મસિધ્ધ હક્ક હોવાથી આ રીતનું કાર્ય કરવું એમાં ૧૦૦ ટકા જોખમ છે.

૪. જો આજુ-બાજુ પાર્ક હોય તો એમાં દોડવું શ્રેષ્ઠ. વચ્ચે કોઇ હડફેટે ન આવે એટલા માટે વહેલી સવારે કે સાંજે મોડા દોડી શકાય. તેમ છતાંય એક વખત હું એક નાનાં છોકરાં જોડે અથડાયો હતો. ટેક કેર!

૫. રાત્રે દોડવાનો અનુભવ મને નથી, પણ અંધારામાં શક્ય હોય તો રીફલેક્ટર ધરાવતી ટી-શર્ટ, શૂઝ પહેરવાં. મોટા ભાગની રનિંગ ટી-શર્ટ, શૂઝ આ પ્રકારની સગવડ ધરાવે જ છે.

૬. બની શકે તો મ્યુઝિક-હેડ ફોન સાંભળવાનું ટાળવું અથવા વોલ્યુમ એકદમ ધીમું રાખવું જેથી તમે ટ્રાફિક કે અણધારી વ્યક્તિઓથી સાવધાન રહો.

૭. અજાણ્યા લોકોથી દૂર રહેવું, પણ અજાણ્યા રનર્સ સામે મળે ત્યારે સ્મિતની આપ-લે કે હાથ ઉંચો કરીને hi કરવામાં કંઇ ખોટું નથી.

૮. ઠંડી-ગરમી પ્રમાણે વસ્ત્રો પહેરવા. એ પરથી યાદ આવ્યું કે ઠંડી માટે એકાદ જેકેટ મારે લેવાની જરુર છે.

૯. જ્યાં આવી ઉપરની કોઇ સલાહ કામ ન આવે ત્યારે કોમન સેન્સ વાપરવી!

આવતી વખતે – દોડ્યા પછીની તકલીફો વત્તા ખાવા-પીવાની ચર્ચા.

જીમેલ ગુજરાતી – ૨

* વર્ષો પહેલાં (ઓકે, ત્રણ વર્ષ પહેલાં ) એક બ્લોગ પોસ્ટમાં જીમેલ ગુજરાતીમાં ઉપલબ્ધ છે એવું લખ્યું હતું. આજે નવરો બેઠો કંટાળતો હતો તો થયું જરા જોઇએ કે જીમેલ વાળાઓએ શું નવું કર્યું છે. પરિણામ? અત્યંત આઘાતજનક!

કહો જોઇએ. આ શું છે?

જીમેલ ગુજરાતીમાં

ન ખબર પડી? એનું અંગ્રેજી જુઓ.

જીમેલ અંગ્રેજીમાં

ધન્ય છે, જેણે આ ભાષાંતર કર્યું છે!!

બ્લોગબાબા

* બ્લોગ જગતમાં આ બ્લોગબાબા નું સ્થાન જરા જુદું છે. ભૂતકાળમાં કોઇએ કોપી-પેસ્ટ, ચોરી-ચપાટી, પ્લેગરિજમ, કોમેન્ટ ઉઘરાણી વગેરે કરીને ધંધો કે ધંધા કર્યા હતા. પરંતુ કરુણતાની બાબતમાં બ્લોગબાબા એ સૌને ટપી ગયા. બ્લોગ-ફેસબુક પર ભરાતો બ્લોગબાબાનો દરબાર, મગજ ઠેકાણે હોય કે ન હોય એવો કોઇ પણ માણસ જુએ, તો તેને ‘બિગ બોસ’ જેવા કાર્યક્રમ જોવાની જરુર ન પડે. દેશની સમસ્યાના બ્લોગબાબા દ્વારા સૂચવાતા મૌલિક (કે ધાપેલા!) ઉકેલો સાંભળીને સ્વસ્થ વાચક બે ઘડી આંખો ચોળતો અને ‘જે વાંચુ છું તે સાચું છે?’ એવું વિચારતો થઇ જાય. બ્લોગબાબાના દરબારમાં બબ્બે કોમેન્ટો અપ્રૂવ કરાવીને બેઠેલા લોકોની ઠઠ જોઇને તર્ક, વિવેકબુધ્ધિ – અરે, સાદીસીધી સામાન્ય બુધ્ધિ પરથી વિશ્વાસ ઉઠી જાય.

બ્લોગબાબા એકદમ પ્રસન્ન ચહેરો રાખીને કોઇને મોદી સામે પડવાનો, તો કોઇને ગુજરાતમાં બધું જ ખરાબ છે એવું સૂચવે. કોઇને કહે કે ગરીબ કલ્યાણ મેળામાં ન જઇને કોંગ્રેસ પાસેથી પેલાં ઘરનું ઘરનું ફોર્મ ખરીદજો, તો કોઇને કહે કે BRTS ને બદલે પગપાળાં મુસાફરી કરજો. આમ કરવાથી સૌ સારું થઇ જશે.

મઝાની વાત એ છે કે બ્લોગબાબા ઉઘાડેછોગ જે કરે છે તેને મુર્ખાઇ કહેવાય કે નહીં, એના માટે ચર્ચાઓ થાય. કોઇ વળી એવો મુદ્દો ગબડાવે કે ‘એક દિગ્વિજયસિંહ આવું જ કરે છે એનો વિરોધ નથી કરતા ને બ્લોગબાબા જ કેમ દેખાય છે? કારણ કે તમે ગુજરાતવિરોધી છો…’ (આટલું વાંચીને પણ કોઇને ‘વાત તો વિચારવા જેવી છે’ એવું લાગે તો નવાઇ નહીં.)

‘વિષકાંડ’નો સાર એટલો કે કોઇ સમસ્યાના દેખીતી રીતે મોંમાથા વગરના ઉકેલ વહેતા કરી દેવામાં આવે, તો પણ ઘણા લોકોને સહેલાઇથી ચગડોળે ચડાવી શકાય છે. ભલે ઉકેલના પાયામાં જ તર્ક અને વિવેકબુદ્ધિનો છેદ ઉડી જતો હોય. ભારત, ચંદ્રકાંત બક્ષીના જાણીતા પ્રયોગ (‘વિચારવું એ ખતરનાક ક્રિયા છે’) પ્રમાણે, અવિચારપ્રધાન દેશ છે. વાહિયાતમાં વાહિયાત ઉકેલમાંથી પોતાને ગમતો કે અનુકૂળ પડતો એકાદ અર્થ શોધીને, લોકો બાલની ખાલ ઉતારવા બેસી જશે. સમય વીતતાં સમસ્યાનો ઉકેલ આવવાને બદલે, ઉકેલની ચર્ચા અપ્રસ્તુત બની જશે. ત્યાં સુધી બીજા ‘બ્લોગબાબા’ બીજી કોઇ સમસ્યાનો વાહિયાત ઉકેલ સૂચવીને મેદાનમાં ઉતરી ચૂક્યા હશે.
.
..

….

‘અમારા બાબા તો ગ્રેટ છે, પણ દુષ્ટ લોકો તેમની સફળતા સાંખી શકતા નથી. એટલે તેમને બદનામ કરે છે.’

આવતા વર્ષના ‘ભારતદુષ્ટરત્ન’ માટે બ્લોગબાબા કેમ રહેશે?

બસ, બસ, આથી વધારે હસવાની મારી તાકાત નથી ;)

રીમોટ અપડેટ્સ એટલે કે અપડેટ્સ – ૬૩

* ભૂલકણો, ભૂલક્કડ, ભૂલભલૈયા વગેરે વગેરે શીર્ષક આ પોસ્ટને આપી શકાય તેમ છે. ઢગલાબંધ વસ્તુઓ લાવવાનું ભૂલી ગયો. મહત્વના કાગળીયાંઓ (અમે જેને મજાકમાં ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ કહીએ છીએ. આ મજાક માત્ર રીનીત અને કે જ સમજી શકે તેમ છે ;)), iPod નું ચાર્જર અને ઓઢવા-પાથરવાનું ઓસાડ. એમાં પહેલી અને બીજી વસ્તુની ભારે ખોટ પડશે. અને, કહેવું પડે, એપલનું – હમણાં નવો ફોન આવ્યો એમાં પાછો કેબલ બદલ્યો. આપણે કંઇ ધ કેબલ ગાય છીએ કે ઢગલાબંધ ચાર્જર-કેબલ્સ લઇને ફરીએ? તોય, મારી પાસે કેબલ્સ (બે ઇથરનેટ, મોડેમ કેબલ) , એડપ્ટર (કિન્ડલ, બે ફોન, રાઉટર) મળીને મોટો ગૂંચવાડો થયો છે. ભવિષ્યમાં પેલા પાઇ અને તેનાં પર થનારા પ્રયોગોને કારણે આ પથારો વધવાનો જ છે.

* નવાં શહેરમાં કાલે દોડવાનો પ્રયત્ન કરવામાં આવશે. અત્યાર સુધી બધું ઠીક-ઠાક રહ્યું છે. પેલી ખુશ્બુ ગુજરાતની મિસ થાય છે, કારણ કે અહીં ખુશ્બુ સંભારની જ આવતી હોય છે. આ દોઢ દિવસમાં ખાધેલા ભાતનો ડોઝ એ મારા અમદાવાદના અઠવાડિયાંના સ્ટોક બરાબર હતો. ઓફિસ સારી છે, પણ રેગ્યુલર ૯ થી ૬ની ઓફિસ શરુઆતમાં મુશ્કેલ પડવાની જ છે. અને પાછાં, ફોર્મલ કપડાં :( નવાં શર્ટ ખરીદવાં પડશે એવું લાગે છે..

* અને, હા, માત્ર બે જ દિવસમાં મને મદદ કે મદદની ઓફર્સ મળી છે – એ જોઇને મારી આંખોની કીકીઓ ભીની થઇ ગઇ છે. થેન્કસ ટુ ઓલ!